તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતની ક્રિકેટ ટીમ 3 ટી-20 ઇન્ટરનેશનલ, 3 વનડે અને 4 ટેસ્ટમેચની સીરિઝ રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં બંને ટીમ ટોપ 2 પોઝિશનમાં હોવાને કારણે બાકીના દેશોની નજર પણ આ સીરિઝ પર રહેશે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે કોવિડ-19 કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ છતાં આઈસીસી અને ઓસ્ટ્રેલિયાની ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખતા ભારતીય ટીમ અત્યારે ક્વોરન્ટાઇન છે. ચીફ સિલેક્ટર સુનિલ જોશી અને સાથી સિલેક્ટર્સે આ ટૂર માટે ખેલાડીઓની રસપ્રદ પસંદગી કરી છે. 27મી નવેમ્બરથી સિડનીમાં વનડે સીરિઝની શરૂઆત થશે ત્યારબાદ 17 ડિસેમ્બરથી એડિલેડમાં પિન્ક બોલ ટેસ્ટ મેચની શરૂઆત થશે. મોટાભાગના ખેલાડીઓ યુ.એ.ઈ.માં આઇપીએલને કારણે સિક્યોર્ડ બાયોબબલમાં પહેલેથી હતા, તેમાં ભારતીય કોચ રવિ શાસ્ત્રી, ભરત અરુણ, ચેતેશ્વર પુજારા અને ભરત અરુણ પણ દુબઇ પહોંચ્યા હતા, અલબત્ત, તેઓ અલગથી ક્વોરન્ટાઇન રહ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની પ્લેઓફમાં હાર થઇ તેને કારણે વિરાટ કોહલી પણ પાછળથી ટીમ ઇન્ડિયાના બાયોબબલમાં સામેલ થયો હતો.
ભારતની સ્ક્વોડ આ પ્રમાણે રહેશે :
• ટેસ્ટ સ્ક્વોડ - વિરાટ કોહલી (કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (ઉપ કપ્તાન) હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સહા (વિકેટ કીપર), જસપ્રીત બુમરાહ, ઋષભ પંત (વિકેટ કીપર) ઉમેશ યાદવ, મોહંમદ શમી, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને મોહંમદ સિરાજ.
• વનડે સ્ક્વોડ - વિરાટ કોહલી (કપ્તાન) શિખર ધવન, શુભમન ગિલ, લોકેશ રાહુલ (ઉપ કપ્તાન અને વિકેટ કીપર) શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવીન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહંમદ શમી, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.
• ટી-20 ઇન્ટરનેશનલ સ્ક્વોડ - વિરાટ કોહલી (કપ્તાન), શિખર ધવન, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ (ઉપ કપ્તાન અને વિકેટ કીપર) શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમ્સન (વિકેટ કીપર) રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યૂઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહંમદ શમી, નવદીપ સૈની, દીપક ચહર અને વરુણ ચક્રવર્તી.
રોહિત શર્માનું સિલેક્શન ન થવાને કારણે ઘણો ઊહાપોહ મચ્યો હતો, કારણ કે બીસીસીઆઈ જ્યારે સ્ક્વોડની જાહેરાત કરી ત્યારે રોહિત શર્માની ફિટનેસને કારણે તેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો અને ફેન્સના આશ્ચર્ય વચ્ચે રોહિત શર્મા ગણતરીના કલાકો બાદ નેટમાં પ્રેક્ટિસ કરતો દેખાયો હતો. બીસીસીઆઈના ચેરમેન સૌરવ ગાંગુલીએ આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું હતું કે રોહિતની ફિટનેસ પર બીસીસીઆઈની દેખરેખ છે. રોહિતની સાથે સાથે ઇશાંત શર્માની ફિટનેસ ઉપર પણ બીસીસીઆઈના ફિઝિયો તેમજ રિહેબિલિટેશન એક્સપર્ટ્સ નજર રાખી રહ્યા છે. એવું લાગે છે કે સિલેક્ટર્સ ઋષભ પંતના મેચ વિનિંગ કે સાતત્યપૂર્વક પરફોર્મન્સની રાહ જોઈને થાકી ગયા છે અને તેને લીધે લોકેશ રાહુલની પસંદગી બંને લિમિટેડ ઓવર્સની સીરિઝ માટે ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર તરીકે થઇ છે. ટી-20 ઇન્ટરનેશનલ માટે સંજુ સેમસનની બેકઅપ કીપર તરીકે પસંદગી થઇ છે. સંજુનો ઉપયોગ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે પણ થઇ શકે. ટી-20 ઇન્ટરનેશનલ માટે વરુણ ચક્ર્વર્તીનું સિલેક્શન સરપ્રાઈઝિંગ રહ્યું. આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં વરુણે 5 વિકેટ લીધી હતી અને મોટાભાગની મેચોમાં વરુણનો સમાવેશ કુલદીપ યાદવની જગ્યાએ કરવામાં આવ્યો હતો. મિડલ અને ડેથ ઓવર્સમાં વરુણના વેરિયેશન પિક કરવામાં વિરોધી ટીમના બેટ્સમેનને તકલીફ પડી રહી હતી તેને ધ્યાનમાં રાખીને તેનું સિલેક્શન એકસ ફેક્ટર તરીકે કરાયું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. ફાસ્ટ બોલર્સ નવદીપ સૈની અને મોહંમદ સિરાજનો સમાવેશ હવે ટેસ્ટ ટીમમાં પણ થયો છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે ભારતીય ટીમ કેટલા ફાસ્ટ બોલર્સને લઈને મેદાનમાં ઊતરશે. હાર્દિકની પીઠની ઈજાને ધ્યાનમાં રાખતાં તેને સ્પેશિયાલિસ્ટ બેટસેમન તરીકે રમાડવો એ મોટો જુગાર ગણાઈ શકે, તે કારણોસર તેનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી તેવું લાગી રહ્યું છે. બીસીસીઆઈ પ્રેક્ટિસ માટે ચાર વધારાના બોલર્સ ટી-નટરાજન, ઈશાન પોરેલ, કાર્તિક ત્યાગી અને કમલેશ નાગરકોટીને પણ ઓસ્ટ્રેલિયા મોકલી રહ્યું છે.
છેલ્લાં 2 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલ આઇપીએલને કારણે ખેલાડીઓની ફિટનેસ ચર્ચામાં છે, કારણ કે ફાસ્ટ બોલિંગમાં મોહંમદ શમીને બાદ કરતા સૈની, સિરાજ અને બુમરાહ પ્લે ઓફ અને ફાઇનલ સુધી સતત રમ્યા છે. કોહલી, ધવન, ઐયર, પાંડે જેવા બેટ્સમેન સતત એક પછી એક મેચ રમ્યા છે. આ મુદ્દે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કે જેઓએ આઇપીએલમાં ભાગ લીધેલો તેમનો વર્કલોડ ભારતીય ખેલાડીઓ કરતા ઓછો રહ્યો હતો જે કારણે પેપર પર તેઓની ફિટનેસ વધુ સારી જણાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડના 18માંથી 10 ખેલાડીઓ આઇપીએલમાં રમ્યા અને 6 ખેલાડીઓ પ્લેઓફ ગેમ્સ રમ્યા હતા. માર્કસ સ્ટોઈનિસ અને ડેવિડ વોર્નર તેમની ફ્રેન્ચાઇઝી વતી તમામ 14 મેચ અને પ્લેઓફની મેચ પણ રમ્યા. એલેક્સ કેરી 3 મેચ, ડેનિયલ સેમ્સ અને ઝાંપા 3-3 મેચ રમ્યા હતા. nirav219@gmail.com
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.