તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનના હકારની કવિતા:ભીતર જોડે સેલ્ફી...

અંકિત ત્રિવેદી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુલા નથી પડવાનું! પોતાને જ મળવાનું છે. બીજાને મળીએ છીએ એવું માપસરનું નહીં, અમાપ! સાંજ-સવાર-દિવસ-રાત આંખોથી જોઈ શકાય છે. બહારથી અનુભવી શકાય છે, પરંતુ ભીતરમાં પણ તરબતર છે. પોતાને મળવાના આનંદનું આ ગીત છે. તહેવારો દરમિયાન વતનમાં પાછા ફરતા માણસની આ ઉજવણી છે. પોતાને મળવાનો હર્ષોલ્લાસ છે. પોતાની જોડે વાત કરીશું તો જાતે જ રસ્તો જડશે. બીજા આંગળી ચીંધશે, રસ્તો બતાવે પણ ખરા, પરંતુ ચાલવામાં સાથ ન પણ આપે! આપણો અવિસ્મરણીય સંગાથ આપણી જોડે જ છે. ભીતર ડૂબકી મારીને તરીશું તો બહારને પણ તારીશું! બ્રહ્માંડ કરતાં પણ અનેકગણું એકાંત આપણામાં છે. મનને બાજુ પર મૂકીને નિર્વિચાર થઈને જીવવાનું સુખ ભીતરનું એકાંત આપે છે. આપણે બહાર શોધીએ છીએ અને ગૂંચવાઈ જઈએ છીએ. સવાર અને સંધ્યા જેટલી ભીતરની સલૂણી છે, એટલી બહારની નથી. આમ પણ, જેને ભીતરથી માણતાં આવડે એને જ બહારના અનુભવમાંથી આનંદ લેતાં આવડે! જે છે તે બધું જ આપણામાં છે. બીજે શોધવામાં ઝાંઝવામાં ભરતીના સુખ જેવો અનુભવ છે. અંધારું પણ લોહીમાં, અજવાળું પણ લયમાં, હર્ષ-શોક-સ્મિત-પોક-પામવું ને ખોવું પણ આપણી જ અંદર... જે બહાર છે એ તો એક લિસ્ટ છે, જે બીજાને બતાવવા અને વાંક કાઢવા માટે રાખ્યું હોય છે. ઝરણું પણ અને દરિયાનો મેરામણ પણ અંદર જ છે. આપણામાં એટલું બધું છે કે એની તુલનામાં પડવા જેવું નથી. એક પ્રખ્યાત સામયિકમાં આ ગીત વાંચ્યું એવું જ હૈયા સોંસરવું ઊતરી ગયું. ભરત ઠાકોરની ‘જીવનના હકારની આ કવિતા’માં આપણી સેફ ડિપોઝિટમાં પડેલા ઉમળકાને ગવાયો છે. પોતાનામાં પલાંઠી મારીને ડૂબકી મારીશું તો આપણે જ દરિયો અને આપણે જ ખારવા. આપણે જ માછલી ને આપણે જ મોતી. અંદરની જ્યોતિની કવિએ સેલ્ફી લીધી છે. ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...