ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાં લોકોની સંખ્યા કરોડોનાં આંકડાને વટી ગઈ છે. તરુણાવસ્થામાં પહોંચેલી સ્માર્ટફોનની દુનિયાએ વિશ્વ આખાના લોકોને તેની પાછળ ઘેલા કર્યાં છે. મોટા ભાગના લોકો દિવસભરમાં 150 વખત અથવા તો દર છ મિનિટે પોતાનો ફોન ચેક કરે છે. યંગસ્ટર્સ દિવસભરનાં સરેરાશ 110 મેસેજ મોકલે છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના શોધકર્તાઓએ ‘ધ વર્લ્ડ અનપ્લગ્ડ પ્રોજેક્ટ’ હેઠળ દસ દેશોને પસંદ કર્યા. આ દસેક દેશોનાં અમુક વિદ્યાર્થીઓ પાસેથી 24 કલાક માટે સ્માર્ટફોન છીનવી લેવામાં આવ્યો. જેનાં પરિણામ સ્વરૂપે, તમામ વિદ્યાર્થીઓ ભયાનક માનસિક તાણમાં આવી ગયા. દર ત્રણમાંથી એક વ્યકિતએ એવું તારણ આપ્યું કે તેઓ મોબાઈલ ફોન માટે તેમની સેક્સ-લાઈફ છોડવા પણ તૈયાર છે. ભારતમાં થયેલા એક સર્વે મુજબ, 98 ટકા ભારતીયો પોતાના મોબાઈલ ફોનને સાથે રાખીને ઊંઘે છે. 57 ટકા ભારતીયો દિવસભર પોતાના ફોન વગર એક મિનિટ પણ રહી શકતા નથી. 83 ટકા લોકો તેમના ફોનને સતત હાથવગો રાખે છે. સ્માર્ટ ફોનનો સૌથી વધુ ઉપયોગ કરનારા દેશોની યાદીમાં ભારત બીજા ક્રમ પર છે. પહેલા નંબર પર બ્રાઝિલનો સમાવેશ થાય છે. જ્યાંના લોકો દિવસના સરેરાશ ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી સ્માર્ટફોન સાથે ચીપકેલા રહે છે. જીવનમાં કઈ ક્ષણો સૌથી વધુ ડિપ્રેસિવ (ઉદાસીન) હોઈ શકે એ વિષય પર ફિઝિયોલોજિકલ સોસાયટીએ એક રિસર્ચ કર્યું. 2000 લોકો પર કરવામાં આવેલા આ રિસર્ચનાં પગલે દરેક પાસેથી મેળવેલા જવાબોનાં તારણ કંઈક આ મુજબના હતાં. સ્વાભાવિક રીતે પ્રથમ ક્રમાંક પર તો સ્નેહીજનનું મૃત્ય કે પછી પોતાનાં મૃત્યુને સૌથી વધુ ડિપ્રેસિવ બાબત ગણવામાં આવી. આ લિસ્ટમાં એક ચોંકાવનારી વિગત બહાર આવી. 13મા ક્રમ પર જ્યાં 5.84 સ્કોર સાથે લોકોએ આતંકવાદી હુમલાને ડિપ્રેશન લિસ્ટમાં સ્થાન આપ્યું હતું, ત્યાં એના તરત પછીનાં ક્રમ પર 5.79ના સ્કોર સાથે સ્થાન મળ્યું, સ્માર્ટફોનનાં ગુમ થવાનાં ડરને! જેના પરથી માનસિક રોગનાં ડોકટર્સ એવા નિષ્કર્ષ પર આવ્યા કે લોકોનાં મનમાં આતંકવાદ અને ફોન ગુમ થવાનો ભય બંને સરખા છે! હવે વિચાર કરો, સ્માર્ટફોનની ભયાવહતાનો. ફિઝિયોલોજિકલ સોસાયટીની પોલીસ કમિટીનાં ચેરપર્સન ડોકટર લ્યુસી ડોનાલ્ડસન જણાવે છે કે આજથી 50 વર્ષ પહેલાં આ પ્રકારનાં સ્ટ્રેસ-ડિપ્રેશનનું નામોનિશાન સુધ્ધાં નહોતું. એક પાર્ટનર સ્માર્ટફોનને લીધે જ્યારે બીજા સાથે ઉપેક્ષાભર્યું વર્તન કરે એ શબ્દને કંઈક આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે : ફબિંગ! માણસની અમુક જુદા પ્રકારની વર્તણૂક માટેની જર્નલ કમ્પ્યુટરમાં પ્રકાશિત થયેલા રિસર્ચ મુજબ, આ પરિસ્થિતિને ફબિંગ કહેવામાં આવે છે, જે બે અલગ-અલગ શબ્દ ‘ફોન’ અને ‘સ્નબિંગ’નું મિશ્ર રૂપ છે. આ તમામ પરિબળોએ એક નવા જ માનસિક રોગ ‘નોમોફોબિયા’ને આમંત્રણ આપ્યું છે. સાદી ભાષામાં સમજાવીએ તો, એક એવા પ્રકારનો માનસિક રોગ, જેમાં વ્યકિત મોબાઈલ ફોન વગર અકળામણ અને બેચેની અનુભવે છે. નોમોફોબિયા વિશ્વનો પહેલો રોગ છે, જેને ઉંમર વધવાની સાથે કોઈ લેવા-દેવા જ નથી. એ ગમે તે ઉંમરે થઈ શકે છે. નોમોફોબિયા (નો-મોબાઈલ-ફોન-ફોબિયા)ને લીધે અમેરિકામાં કાર અકસ્માતોનું પ્રમાણ પણ વધી ગયું છે. લગભગ 27 ટકા જેટલા વયોવૃદ્ધ ચાલક કાર ચલાવતી વખતે મેસેજ વાંચે છે તથા મોકલે છે. બીજી બાજુ, યુવાનોની ટકાવારી તો 34 ટકા જેટલી જોવા મળી! જેને લીધે દર વર્ષે 1.6 મિલિયન (લગભગ 16 લાખ) અકસ્માતો અમેરિકન ચોપડે નોંધાયા છે. એક વીડિયો વોટ્સએપ પર વાઇરલ થયો હતો. આંખના ડોક્ટરની પાસે બે કેસ એવા આવ્યા, જેમાં દર્દી રાતે સૂતાં પહેલાં અંધારામાં ચેટિંગ કે વીડિયો જોતાં હતાં. આથી તેમને આંશિક રતાંધળાપણું આવી ગયેલ અને બીજા કેસમાં વ્યકિત દ્વારા પૂરતું ધ્યાન ન અપાતાં આંખ જ જતી રહેલી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં રિપોર્ટ મુજબ, મોબાઈલની રેડિયો ફ્રિક્વન્સી માનવશરીરમાં કેન્સરને જન્મ આપનાર પદાર્થ (હ્યુમન કાર્સિનોજન) પેદા કરે છે. જેથી મોબાઈલનાં વધુ પડતા ઉપયોગને લીધે શરીરમાં એક હળવી ગાંઠનું નિર્માણ થઈ શકે છે, જે આગળ જતાં કેન્સરમાં પરિવર્તિત થવાની શક્યતા ઊભી કરે છે. હાલમાં મોબાઈલ ફોનને કારણે થતાં મગજના કેન્સર પર વૈજ્ઞાનિકોનું સંશોધન ચાલી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં મોબાઈલ તરંગોને કારણે ઉદ્્ભવતા રોગોનું વિશ્લેષણ પણ નીકળી જ આવશે. મુદ્દો એ છે કે આટઆટલું ખબર હોવા છતાં આપણે સભાનપણે સ્માર્ટફોનનો ઉપયોગ કેમ નથી કરી શકતાં? કારણ છે, હ્યુમન સાઇકોલોજી. મોબાઇલના સ્ક્રીન પર નોટિફિકેશન ચમકે અથવા વાઇબ્રેટ-મોડ પર રાખેલા ફોન પર કોઈકનો મેસેજ આવે ત્યારે તમે કેટલો સમય સુધી એના પર ધ્યાન ન આપવા જેટલું નિયંત્રણ રાખી શકો છો? સેકન્ડ્સ, મિનિટ્સ કે કલાક? જાતે પ્રયોગ કરી જોજો. ⬛ bhattparakh@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.