સ્પોટ્સ:ભારતીય સ્પોર્ટ્સ રિવાઇન્ડ 2021

નિરવ પંચાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગત અઠવાડિયે 2021 રિવાઇન્ડના પ્રથમ ભાગમાં માત્ર ક્રિકેટ વિશે ચર્ચા થઇ શકી. આજે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક અને અન્ય આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની વાત કરીશું. ભારતના સંદર્ભે 2020 ટોક્યો ઓલિમ્પિક મેડલ ટેલીની દૃષ્ટિએ શાનદાર રહ્યો. મેડલ ભલે 7 મળ્યા હોય, પણ એક-એક મેડલ જીતવાની ક્ષણો હવે યૂ-ટ્યૂબ મોમેન્ટ્સ અને વોટ્સએપ સ્ટેટ્સ બની ગઈ છે. 6 સ્પોર્ટ્સમાં 7 મેડલ અને એમાં નીરજ ચોપરાનો ગોલ્ડ મેડલ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. ટોક્યો ઓલિમ્પિક એક અન્ય બાબતે પણ માઈલસ્ટોન બની રહ્યો. ભારતે કુલ 127 એથ્લીટ્સ મોકલ્યા હતા જેમાં અલગ અલગ સ્પોર્ટ્સમાં અને તેમાં અલગ અલગ એજ ગ્રૂપમાં 56 વીમેન એથ્લીટ્સે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ફેન્સિંગમાં ભવાની દેવી હોય કે પછી સેઈલિંગમાં નેત્રા કુમારન, અજાણ્યા સ્પોર્ટ્સમાં કરિયર બનાવીને મેડલ જીતવા માટેની તેમની ધગશ પ્રેરણાદાયી રહી. ઓલિમ્પિક મેડલ ટેલીમાં 206 દેશો/ફ્લેગ સાથે સીધી સ્પર્ધા કરતાં ભારતનો ક્રમાંક 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ જીતવાની સાથે 48મો રહ્યો. ટોક્યો ઓલિમ્પિક્સમાં 49 કિલો વેઇટ લિફ્ટ કેટેગરીમાં 87+115 કિલો ઊંચકીને મીરાંબાઈ ચાનુએ બીજું સ્થાન મેળવતાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો. ત્યાર બાદ પી.વી. સિંધુએ ચીનની હી બિંગ જાઓને 21-13, 21-15થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો અને તે સાથે સુશીલ કુમારના ઓલિમ્પિકમાં સતત 2 મેડલ જીતવાના રેકોર્ડની બરોબરી કરી. ત્રીજો મેડલ 23 વર્ષીય લવલીના બોર્ગેઈને તાઇપેઇની નિનચીનને બ્રોન્ઝ મેચમાં 69 કિલો કેટેગરીમાં હરાવીને જીત્યો. ત્યાર બાદ રવિ દહિયાએ ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં મેડલ જીતીને ભારતને બીજો સિલ્વર મેડલ અપાવ્યો. એક સમયે સમગ્ર વિશ્વમાં ભારતીય હોકીનો દબદબો હતો, પરંતુ હોકીનો આખરી મેડલ છેક 1980માં મોસ્કો ગેમ્સમાં જીતાયો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે આ 40 વર્ષનો મેડલિયો દુકાળ દૂર કરીને બ્રોન્ઝ જીત્યો. બજરંગ પુનિયાએ 65 કિલો ફ્રીસ્ટાઇલ ઇવેન્ટમાં કઝાખી પહેલવાનને પછાડી બ્રોન્ઝ મેડલ જીત્યો અને અંતે નીરજ ચોપરાએ 87.5 મીટર દૂર જવેલીન ફેંકીને ભારતીય ઓલિમ્પિક્સમાં પોતાનું નામ અમર કરી દીધું. આ એક જવેલીનના ઘાને કારણે ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે પ્રથમ વાર ગોલ્ડ મેડલ જીત્યો. ટોક્યો ઓલિમ્પિકના સમાપન સાથે ટોક્યો પેરાલિમ્પિક્સની શરૂઆત થઇ, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા 9 અલગ અલગ સ્પોર્ટ્સમાં 54 એથ્લીટ્સે ભાગ લીધો. જેમાં 40 પુરુષ એથ્લીટ્સ અને 14 મહિલા એથ્લીટ્સ હતી. પરફોર્મન્સની દૃષ્ટિએ આ ઇવેન્ટ પણ ભારત માટે લાજવાબ રહી અને 19 મેડલ જીતવાની સાથે ભારતે ઇવેન્ટનું સમાપન કર્યું. પેરાલિમ્પિક્સ મેડલ ટેલીમાં 163 દેશો સાથે સીધી સ્પર્ધા કરતાં ભારતનો ક્રમાંક 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ જીતવાની સાથે 24મો રહ્યો. બેડમિન્ટન પેડલર ભાવિના પટેલે પેરાલિમ્પિક્સના ત્રીજા દિવસે વીમેન્સ સિંગલ ટેબલ ટેનિસની ક્લાસ 4 કેટેગરીમાં સિલ્વર જીત્યો, જ્યારે સ્ટેન્ડિંગ એસ.એચ.110 મીટર રાઇફલ શૂટિંગમાં વીમેન્સ કેટેગરીમાં અવની લેખરાએ ગોલ્ડ જીત્યો. અવનીએ વીમેન્સ 50 મીટર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો. બાકીના મેડલ્સ આ પ્રમાણે રહ્યા : નિશાદ કુમાર હાઈ જમ્પમાં સિલ્વર, જવેલીન થ્રોમાં સુમિત અંતીલ ગોલ્ડ, દેવેન્દ્ર ઝાંઝરીયા સિલ્વર અને સુંદરસિંહ ગુર્જર બ્રોન્ઝ, ડિસ્ક્સ થ્રોમાં યોગેશ કથુનીયા સિલ્વર, સિંહરાજ અધાના પિસ્ટલ શૂટિંગમાં બ્રોન્ઝ, પ્રવીણ કુમાર, શરદ કુમાર અને મારિયાન થાન્ગવેલુ હાઈ જમ્પમાં સિલ્વર, બ્રોન્ઝ અને સિલ્વર, હરવિન્દર સિંહ રીકર્વમાં બ્રોન્ઝ, મનીષ નારવાલનો 50 મીટર પિસ્ટલ શૂટમાં ગોલ્ડ, પ્રમોદ ભગતનો બેડમિન્ટનમાં ગોલ્ડ, ક્રિષ્ના નાગરનો બેડમિન્ટન ગોલ્ડ અને અંતે મનોજ સરકાર અને સુહાસ બંનેનો બેડમિન્ટનમાં સિલ્વર મેડલ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...