વીતેલું વર્ષ ભારતીય એથ્લીટ્સ, શટલર્સ, ક્રિકેટર્સ અને ફેન્સ માટે રોલરકોસ્ટર સમાન રહ્યું. કોમનવેલ્થમાં 61 મૅડલ જીત્યા. બોક્સર્સ, ટેબલ ટેનિસના પેડલર્સ, વેઇટ લિફ્ટર્સ અને કુશ્તીબાજોએ રંગ રાખ્યો અને અમુક એવા બીજા ખેલાડીઓએ પણ અચરજ પમાય તેવું પ્રદર્શન કરીને વિશ્વફલક પર તિરંગાને સન્માન અપાવ્યું. મુરલી શ્રીશંકરે મેન્સ લોંગ જમ્પમાં ભારતનો પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો જયારે એલ્ડોઝ પોલે દેશ માટે પ્રથમ ટ્રિપલ જમ્પ ગોલ્ડ મેડલ જયારે અબુબકરે ટ્રિપલ જમ્પમાં જ સિલ્વર મેડલ અપાવ્યો. રેસ વોકિંગમાં પ્રિયંકા ગોસ્વામી અને સંદીપ કુમારે પોડિયમ ફિનિશ મેળવ્યું જ્યારે અવિનાશ સાબલેએ 3000 મીટર સ્ટિપલચેઝમાં સિલ્વર મેડલ જીતીને ટ્રેક એન્ડ ફિલ્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો. 2023માં નવા કીર્તિમાન રચાઈ શકે તેમ છે. ભારતીય સ્પોર્ટ્સના સંદર્ભે તે આ મુજબ હોઈ શકે: જાન્યુઆરી: વર્ષની શરૂઆતથી જ ગ્લોબલ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સની શરૂઆત થઇ જશે. ઉડિશામાં મેન્સ હોકી વર્લ્ડકપ રમાશે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝની નિષ્ફ્ળતા બાદ નવી શરૂઆત કરવા માટે આતુર હશે. 2018ના વર્લ્ડકપમાં ક્વાર્ટર ફાઇનલિસ્ટ રહેલી ટીમ માટે બીજી વાર ચેમ્પિયન બનવાનો મોકો આવી રહ્યો છે. આશા રાખીએ કે ટીમ વર્લ્ડકપ જીતે. માર્ચ- માર્ચ મહિનામાં ત્રણ મોટી સ્પર્ધાઓ છે. વીમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ, ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ તેમજ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ. વીમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ફલાયવેઇટ ઇવેન્ટમાં નિખત ઝરીન પોતાનું ટાઇટલ જાળવી રાખવા માટે પૂરતી તૈયારી કરી રહી છે. ઓવરઓલ મેડલ ટેલીમાં ભારતનો ક્રમાંક ચોથો છે જે આ વર્ષે ટોપ 3માં આવે તેવી આશા રાખી શકાય. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં લક્ષ્ય સેન રનર અપ રહ્યો હતો, જીતથી માંડ એક કદમ દૂર રહેનાર લક્ષ્ય આ વર્ષે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો લક્ષ્યવેધ કરે તેની પૂર્ણ સંભાવનાઓ છે. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રદર્શન ફ્રી સ્ટાઈલમાં મેડલ વિનિંગ રહ્યું છે પરંતુ ગ્રૅકો રોમનમાં સુધારાની આવશ્યકતા છે. ઓગસ્ટ- હંગેરીમાં યોજાનાર વર્લ્ડ એથ્લીટિક ચેમ્પિયનશિપમાં ભારત વધુમાં વધુ મેડલ જીતે તેવી તૈયારી શરુ થઇ ચૂકી છે. 2022માં માત્ર એક મેડલ જીતનાર ભારતીય કન્ટિનજન્ટ આ વર્ષે નીરજ ચોપરા, એલ્ડોઝ પોલ, અવિનાશ સબલે પર મેડલ જીતવાની આશા રાખી રહ્યું છે. તે સિવાય રેસ વોકિંગમાં પણ એક મેડલ જીતવાની આશા રાખી શકાય. ડેન્માર્કમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાશે જેમાં ભારતનો મેડલ ક્રમાંક દસમો છે. જો આ વર્ષે ભારત ઓછામાં ઓછા 2 ગોલ્ડ મેડલ લાવે તો મેડલ ટેલીમાં ભારતનો ક્રમ ટોપ 6 સુધી પહોંચી શકે તેમ છે. ગત વર્ષે સાત્વિકસાઇરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ એકમાત્ર બ્રોન્ઝ મેડલ જીતાડીને તિરંગાને બહુમાન અપાવ્યું હતું. આ વર્ષે પણ તેઓ બ્રૉન્ઝને ગોલ્ડમાં પરિવર્તિત કરે તેવી આશા રાખીએ. સપ્ટેમ્બર- સાઉદી અરેબિયામાં વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થશે. ગત વર્ષની ઇવેન્ટમાં મીરાંબાઈ ચાનુએ ક્લીન એન્ડ જર્ક એટેમ્પટમાં 113 કિલો ઉપાડીને ભારતને સિલ્વર અપાવ્યો હતો. વેઇટ લિફ્ટિંગ મેડલ ટેલીમાં 3 ગોલ્ડ સાથે ભારત 35મા સ્થાને છે. ભારતનું લક્ષ્ય ટોપ 25માં પહોંચવાનું હોવું જોઈએ. સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સનું પણ આયોજન છે. ચીનમાં યોજાનાર એશિયન ગેમ્સમાં 155 ગોલ્ડ સાથે કુલ 672 મેડલ જીતીને ભારત પાંચમા સ્થાને છે. ઓક્ટોબર- ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમાં 50 ઓવરના ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન થશે. 2011માં વર્લ્ડકપ જીતનાર ભારતની ટીમ 2015 અને 2019 એમ બે વાર સેમી ફાઇનલ સુધી પહોંચીને બહાર થઇ ગઈ હતી. એમ. એસ. ધોનીની કપ્તાનીમાં આઈસીસીની તમામ ટ્રોફી જીતેલી ટીમ હવે ટ્રોફીના દુકાળનો અંત લાવીને વર્લ્ડકપ જીતે તેવી આશા રાખી શકાય. ⬛ nirav219@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.