નવમી જૂનથી દક્ષિણ આફ્રિકા ભારત સામે પાંચ ટી-20 રમવા માટે ભારતના પ્રવાસે આવશે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2022માં ટી-20 વર્લ્ડકપ યોજાશે અને તેમાં પોતાની બેસ્ટ ટીમ કોમ્બિનેશનનું ચયન કરવા માટે ભારતે ઘણાબધા ખેલાડીઓને તક આપવી પડશે. ટૂર આ મુજબ રહેશે: પ્રથમ મેચ: 9 જૂન - દિલ્હી બીજી મેચ - 12 જૂન - કટક ત્રીજી મેચ - 14 જૂન - વિશાખાપટ્ટનમ ચોથી મેચ - 17 જૂન - રાજકોટ પાંચમી મેચ - 19 જૂન - બેંગ્લુરુ સાઉથ આફ્રિકા સ્ક્વોડ - ટેમબા બવુમા (કેપ્ટન), ડી કોક, હેન્ડ્રિક્સ, ક્લાસેન, કેશવ મહારાજ, મારક્રમ, મિલર, એન્ગીડી, નૌટિયા, પાર્નેલ, પ્રિટોરિયસ, રબાડા, શમ્સી, સ્ટબસ, વાન ડેર દુસેન, જેન્સન. ભારતીય સ્ક્વોડ - રાહુલ (કેપટન) ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, રિષભ પંત, કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અર્ષદીપ સિંહ, ઉમરાન મલિક. રાહુલ, શ્રેયસ ઐયર અને પંત પાંચેય મેચ રમશે તે નક્કી થઇ ચૂક્યું છે. બાકીના ખેલાડીઓ સ્લોટ મુજબ રોટેટ થશે. પ્રાથમિક એનાલિસિસ ટોપ ઓર્ડર: ગત વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં રાહુલ, રોહિત, વિરાટ અને સૂર્યકુમાર યાદવ રમ્યા હતા. સાઉથ આફ્રિકા સિરીઝમાં રોહિત અને વિરાટને રેસ્ટ અપાયો છે, જ્યારે સૂર્યકુમાર ઈજાગ્રસ્ત છે. સિલેક્ટર્સે ઋતુરાજ ગાયકવાડને મોકો આપ્યો છે. ઇનિંગને સ્થિરતા આપવાની તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રાહુલ ત્રિપાઠી અને સંજુ સેમસનને અવગણી ગાયકવાડને પ્રથમ તક અપાઈ છે. એક અનુમાન મુજબ જે તે સમયે વર્લ્ડ કપ સ્ક્વોડમાં ઓસ્ટ્રેલિયાની કન્ડિશન્સ અને ગ્રાઉન્ડને ધ્યાનમાં લેતા સંજુ સેમસનનો સમાવેશ થવો લગભગ નક્કી છે. ડાબોડી અને ફિનિશર્સ: ગત વર્લ્ડકપમાં ભારતીય જમણેરી બેટ્સમેન શાહીન શાહ આફ્રિદી, મિચેલ સેન્ટનર, ઇમાદ વસીમ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા ડાબોડી બોલર્સ સામે વામણા પુરવાર થયા હતા. કોચ રાહુલ દ્રવિડે ઘણીવાર સિલેક્શનમાં સાતત્ય દાખવવા માટે વાત કરી છે તે જોતા ઈશાન કિશાનનું પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન લગભગ નક્કી છે. કિશન બેકઅપ કીપર તરીકે પણ કામ લાગી શકે તેમ છે. તે સિવાય વેંકટેશ ઐયર પણ ઓપનિંગ અને ફિનિશર બંને રોલમાં ફિટ થઇ શકે તેમ છે. વેંકટેશ મિડિયમ પેસર તરીકે પોતાની ટેલેન્ટ બતાવી ચૂક્યો હોવાથી તેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે સમાવાયો છે. જો પંત ચોથા નંબરે બેટિંગ કરે અને પંડ્યા પાંચમા નંબર પર રમે તો ટીમને એક ફિનિશરની જરૂર પડે તેમ છે. તે જોતા દિનેશ કાર્તિક એક સારો વિકલ્પ બની શકે. કાર્તિક આ રોલમાં વ્યવસ્થિત ફિટ થાય તેમ છે. સ્પિનર્સ: ગત વર્લ્ડ કપમાં સૌથી મોટું બ્લન્ડર સ્પિનર્સ સિલેક્શનનું હતું. ચહલના સ્થાને રાહુલ ચાહર અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચહલ અને કુલદીપે ફરીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરી છે. તે સિવાય અગાઉ શ્રીલંકા સામે રમી ચૂકેલા રવિ બિશ્નોઇનો પણ સાઉથ આફ્રિકા સામે સમાવેશ કરવામાં આવ્યો છે. દીપક હુડા પણ ઓફ સ્પિન માટેનો વિકલ્પ છે પરંતુ તે ફુલ ટાઇમ સ્પિનર ન હોવાથી તે સ્પેશિયલિસ્ટ બેટ્સમેન તરીકે રમે તેવી શક્યતા વધુ છે. જાડેજાના સ્થાને અક્ષર પટેલની પણ વાપસી થઇ છે. પેસ બોલર્સ: જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. તેની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમાર પેસ એટેકને લીડ કરશે. તે સિવાય અર્ષદીપ સિંહનો સમાવેશ થયો છે. આવેશખાન અને ઉમરાન મલિકને પણ તક આપવામાં આવી છે. 150 કિ.મી.ની ઝડપે બોલિંગ કરતો ઉમરાન જો ઈજામુક્ત રહે તો પાંચેય મેચ રમી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.