અન્નુ કપૂરની ખાસ કોલમ 'કુછ દિલને કહા':'કૂલી'ના શૂટિંગ વખતે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે - મને મૂક્કો ટચ થવો જોઈએ

2 મહિનો પહેલાલેખક: અન્નુ કપૂર
  • કૉપી લિંક
ફિલ્મ ‘કુલી’માં પુનિત ઇસ્સરનો જીવલેણ મુક્કો વાગ્યો એ પહેલાંની ફ્રેમમાં અમિતાભ બચ્ચન (ડાબેથી). આ શૉટમાં અમિતાભને પેટમાં ગંભીર ઇજા થઇ હતી. આ દૃશ્યને એડિટર ઋષિકેશ મુખર્જીએ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફ્રીઝ કર્યું હતું. - Divya Bhaskar
ફિલ્મ ‘કુલી’માં પુનિત ઇસ્સરનો જીવલેણ મુક્કો વાગ્યો એ પહેલાંની ફ્રેમમાં અમિતાભ બચ્ચન (ડાબેથી). આ શૉટમાં અમિતાભને પેટમાં ગંભીર ઇજા થઇ હતી. આ દૃશ્યને એડિટર ઋષિકેશ મુખર્જીએ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફ્રીઝ કર્યું હતું.

આ અંકથી શરૂ થતી નવી કોલમ....

લેખક અન્નુ કપૂર, જાણીતા અભિનેતા, દિગ્દર્શક અને સંચાલક છે.
તારીખ: 26 જુલાઇ, 1982
સ્થળ: બેંગ્લુરુથી લગભગ 15-16 કિ.મી. દૂર આવેલું મૈસુર રોડ પર આવેલું બેંગ્લુરુ યુનિવર્સિટીનું કેમ્પસ
હેતુ: હિંદી ફિલ્મના દિગ્દર્શક મનમોહન દેસાઇની ફિલ્મ ‘કુલી’ માટે આ યુનિવર્સિટીમાં બનાવેલા સેટ પર શૂટિંગ
સમય: લંચ બ્રેક પછી બપોરના ત્રણથી ચાર વાગ્યા દરમિયાન
સ્ટંટ ડાયરેક્ટર: જેમ્સ બારલા
કો-ઓર્ડિનેટર્સ: ભીખુ વર્મા, પપ્પુ વર્મા અને
ટીનુ વર્મા (વર્મા બંધુ)

દૃશ્ય: બૉબ (પુનિત ઇસ્સર) અને ઇકબાલ કુલી (અમિતાભ બચ્ચન) વચ્ચેનો ફાઇટ સીન ‘કુલી’ ફિલ્મ શરૂ થાય એ પછી લગભગ 01.23.06 પછી આ શૉટ આવે છે. તેમાં ખલનાયક બૉબ, ફાઇટ દરમિયાન ઇકબાલ કુલીને એક જોરદાર મુક્કો મારે છે. આ મુક્કાને કારણે સમગ્ર દેશમાં અને દુનિયામાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો. વિશ્વભરમાં બોલિવૂડ ફિલ્મોના ચાહકોને ખબર પડી કે તેમના માનીતા હીરો અમિતાભ બચ્ચન ગંભીર રીતે ઘાયલ થયા છે અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે. આ દુર્ઘટના વિશેની ઘણીબધી વાતો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, તેમ છતાં કેટલીક વાતો અજાણી પણ છે. આજે આવી કેટલીક અજાણી વાતો હું વાચકો સાથે શેર કરવાની કોશિશ કરું છું.

સ્થળ, સમય અને તારીખ ઉપર જણાવી છે. આ એક્શન શૉટને સ્ટંટ એડિટર પપ્પુ વર્માએ કમ્પોઝ કર્યો હતો. પહેલા પુનિત ઇસ્સર કેમેરાની જમણી બાજુએ હતા. પછી તેઓ અમિતાભ બચ્ચનને ફેરવીને કેમેરાની જમણી બાજુએ લાવીને તેમના પેટ પર મુક્કો મારે છે. ત્યારબાદ કેમેરા એંગલમાં તે બંનેની પ્રોફાઇલ દેખાય છે. અહીં એક બાબત તમારા બધાના ધ્યાને લાવું છું. ફિલ્મમાં બતાવાતી ફાઇટ કે સ્ટન્ટ્સ એ કળા છે અને ઘણી જોખમી ટેક્નિક છે. પુનિત ઇસ્સર માર્શલ આર્ટમાં પાવરધા અને તાલીમબદ્ધ કલાકાર હતા. આ કળાની તાલીમ દરમિયાન શારીરિક અંગ-ઉપાંગ, હૃદય અને મસ્તિષ્ક ઉપર કાબૂ મેળવવાની કળાને વધુ મજબૂત બનાવવી પડે છે. આ શૉટ તેમના માટે આ ફિલ્મના પહેલા દિવસનો પહેલો શૉટ હતો.

શૉટનું શૂટિંગ શરૂ થયું એટલે કામગરા અને અજોડ અભિનેતા અમિતાભ બચ્ચને કહ્યું કે મુક્કો મને ટચ થાય એ અનિવાર્ય છે નહીંતર ચીટિંગ પકડાઇ જશે. એ વખતે એવું બન્યું હશે કે અમિતાભની પાછળ રાખેલા બોર્ડને કારણે પોતાનું સંતુલન પાછળની તરફ ન રાખ્યું હોય અને એક ઇંચ આગળ વધ્યા હોય. (આવું હું માનું છું.) ત્યારપછી જે બન્યું તે ખરેખર ખૂબ જ કષ્ટદાયક હતું. પેટ પર પુનિતનો મુક્કો વાગ્યો અને અમિતાભ જમીન પર નીચે ઢળી પડ્યા. સેટ પર હાજર રહેલા તમામ લોકો હેબતાઇ ગયા અને અવાક્ બની ગયા. થોડીવાર પછી થોડીક કળ વળી એટલે અમિતાભ બોલ્યા કે તેમને પેટમાં અસહ્ય દુખાવો થઇ રહ્યો છે. મનમોહન દેસાઇએ તેમને તાત્કાલિક હોટલના ઉતારા પર મોકલી દીધા અને ડૉક્ટર્સ પણ આવી પહોંચ્યા. જૂની કેટલીક બીમારીઓને કારણે અમિતાભને ઘણીબધી દવાઓની એલર્જી હતી. એટલા માટે તેમનો દુખાવો મટાડવા માટે સમજી-વિચારીને દવાઓ આપવામાં આવી, પણ દવાઓની ધારી અસર થઇ નહીં. બીજી બાજુ મનમોહન દેસાઇએ એવી આશાએ શૂટિંગ ચાલુ રાખ્યું કે મામલો ખાસ ગંભીર નથી અને અમિતાભને ખૂબ ઝડપથી સારું થઇ જશે. પરંતુ 26 જુલાઇની આખી રાત અમિતાભ ભયંકર દુખાવો વેઠતા રહ્યા. બીજા દિવસે અસહ્ય દુખાવા સાથે 5-6 કિ. મી. દૂર આવેલા વિવેક નગરની સેન્ટ ફિલોમિના હૉસ્પિટલમાં અમિતાભને દાખલ કરવામાં આવ્યા. એ વખતે કોંગ્રેસનું શાસન હતું. ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન, તેમના પુત્ર રાજીવ ગાંધી અમિતાભના બાળપણના મિત્ર, મુખ્યમંત્રી ગુંડુરાવ. અને આપણા બધાના માનીતા અમિતાભ બચ્ચન!

આ બધાં નામો અને પદ ડૉક્ટર્સ માટે સખત માનસિક તાણનું કારણ બન્યાં. આપણે લોકો એવું કહીએ છીએ ‘ઉપરથી દબાણ આવી રહ્યું છે.’ આવી પરિસ્થિતિમાં અસરકારક સારવારની જવાબદારી કોણ પોતાના માથે લે? એ વખતે મેડિકલ સાયન્સના ક્ષેત્રે આપણો દેશ ઘણો પાછળ હતો. અલ્ટ્રા સાઉન્ડ સોનોગ્રાફી શરૂઆતના તબક્કામાં હતી. મારા ખ્યાલ પ્રમાણે ભારતમાં 1993ની સાલમાં પેટ માટે સીટી સ્કેનની શરૂઆત થઇ. અમિતાભની ગંભીર હાલતને ઘણો સમય થઇ ગયો હોવાથી ડૉક્ટર્સની ટીમને રોગનું મૂળ પકડાતું ન હતું. કેટલાંક પરીક્ષણો પછી પણ સચોટ નિદાન થઇ શકતું નહોતું. આમ ને આમ અમિતાભની તબિયત વધુ ને વધુ કથળતી જતી હતી. એ વખતે વેલ્લોરના ડૉ. ભટ્ટની એન્ટ્રી થઇ. તેમણે એક્સ-રે રિપોર્ટમાં ઇન્સ્ટેટાઇનલ પર્ફોરેશન ડિટેક્ટ કરીને સૂક્ષ્મ પરીક્ષણ પછી એવું તારણ કાઢ્યું કે અમિતાભના પેટમાં આંતરિક રક્તસ્રાવની સ્થિતિ ગંભીર બની ગઇ છે. 7-8 કલાકમાં જ સર્જરી કરી દેવાની જરૂર હતી, પણ તેમાં બહુ વાર થઇ ગઇ. એટલે તેનું પરિણામ જીવલેણ સાબિત થયું.

ઇમરજન્સીમાં અમિતાભ બચ્ચનની સર્જરી કરવામાં આવી. સમગ્ર ભારત દેશ તેના માનીતા હીરો માટે પ્રાર્થના કરી રહ્યો હતો. અમિતાભને મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં લવાયા, પણ તેમની સ્થિતિ ખાસ કંઇ સુધરી નહોતી. આધારભૂત સૂત્રો અનુસાર તેઓ ‘કોમા’માં જતા રહ્યા. સમગ્ર દેશમાં શોક છવાઇ હોય એવું લાગતું હતું. મંદિર, મસ્જિદ, દરગાહ, ચર્ચ, ગુરુદ્વારા દરેક જગ્યાએ પ્રાર્થના-દુઆ માટે હાથ જોડાયા.

વિધાતાએ અમિતાભના જીવનને હજી વધુ પીડાદાયક બનાવવાનું નક્કી કરી લીધું હતું. 2 ઓગસ્ટ, 1982ના રોજ ડૉક્ટર્સની ટીમે અંતિમ પ્રયાસ કર્યો. મેડિકલ પ્રોસિજર દ્વારા અમિતાભનો શ્વાસ જીવનના ઉંબરે હળવેથી ટકોરા મારવા લાગ્યો. ધીમે ધીમે અમિતાભની હાલત સુધરવા લાગી. દેશ-વિદેશમાં ઊજળી આશાનો સંચાર થયો. અમિતાભના ચાહકોના ચહેરા પર ખુશીની હાશકારાની લહેર જોવા મળી. તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અમિતાભની તબિયતની ખબર કાઢવા માટે ગયાં ત્યારે અમિતાભના મોંમાંથી એક શબ્દ નીકળતો નહોતો. તેમણે ઇન્દિરાજીને લખી આપ્યું, ‘સૉરી, હું બોલી શકતો નથી.’ એ વખતે ઇન્દિરાજીએ એમને કહ્યું, ‘બેટા કશો વાંધો નહી. હું બોલી શકું છું એવી જ રીતે તું પણ ઝડપથી સાજો થઇને બોલવા લાગીશ. અગાઉ જેમ તું તારા વજનદાર ઘેઘુર અવાજથી કરોડો ચાહકોના દિલ જીતી લેતો હતો એ જ રીતે ફરીથી બોલીશ.’ મનમોહન દેસાઇએ આ દુર્ઘટના બન્યા પછી બે દિવસ સુધી બેંગ્લુરુમાં શૂટિંગ ચાલુ રાખ્યું, પણ પછી એ અટકાવી દીધું અને સંપૂર્ણ શિડ્યુલ પેકઅપ કરી દીધું. સમય વીતતો ગયો. અમિતાભ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા પછી તેમણે ‘કુલી’ ફિલ્મના શૂટિંગની તારીખ ફાળવી.

મુંબઇના ચાંદીવાલી સ્ટુડિયોમાં આર્ટ ડિરેક્ટર એ. રંગરાજે બેંગ્લુરુ જેવો જ સેટ બનાવ્યો અને અમિતાભે 7 જાન્યુઆરી,1983થી ફરીથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું અને પોતાનું કામ પૂરું કર્યું.આ ફિલ્મના એડિટર મહાન દિગ્દર્શક ઋષિકેશ મુખર્જી હતા. તેમણે ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન અમિતાભ ગંભીર રીતે ઘવાયા હતા એ ખાસ શૉટ ફ્રીઝ કર્યો હતો. આ લેખ માટે ઉપયોગી નીવડે એવી અજાણી માહિતી આપવા બદલ હું અભિનેતા અને દિગ્દર્શક પુનિતભાઇ ઇસ્સારનો આભાર માનું છું. પુનિત ઇસ્સરે બી. આર. ચોપરાની ટીવી સિરિયલ ‘મહાભારત’માં દુર્યોધનની ભૂમિકા નિભાવીને પ્રસિદ્ધિ મેળવી હતી. આ લેખ વાચનારા, લખનારા અને જે લોકો વિશે અહીં ચર્ચા કરવામાં આવી એ બધા સ્વસ્ત, સુખી અને પ્રસન્ન રહે એવી શુભકામનાઓ સાથે સહુને મારા પ્રણામ! જય હિંદ! વંદે માતરમ્!

અન્ય સમાચારો પણ છે...