કુછ દિલને કહા:ફિલ્મો બનાવવામાં હીરો અને નિર્માતાના સપનાંની થઈ ગઈ રાખ

21 દિવસ પહેલાલેખક: અન્નુ કપૂર
  • કૉપી લિંક
નિર્માતા એસ.જે. રાજદેવ દ્વારા 1975માં બનાવેલી ફિલ્મ ‘મોન્ટો’નું પોસ્ટર. - Divya Bhaskar
નિર્માતા એસ.જે. રાજદેવ દ્વારા 1975માં બનાવેલી ફિલ્મ ‘મોન્ટો’નું પોસ્ટર.

ફિલ્મનિર્માણ દીકરીનાં લગ્ન કરવાં જેટલું મુશ્કેલ અને જોખમભર્યું કામ છે. મુશ્કેલીઓ અને આફતોનો હસતા મોઢે અને ધીરજથી હલ કરવાની કલા નિર્માતાએ શીખવી જ પડે છે. આજની વાતમાં બદલાતા પાત્રો તો અનેક છે, પણ મુખ્ય પાત્ર બે છે - એક, નિર્માતા એ.જે. રાજદેવ જેમની ફિલ્મ કંપનીનું નામ હતું ‘સરગમ ચિત્ર’. આ કંપનીના નામ હેઠળ એમણે 50, 60 અને 70ના દાયકામાં અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું. જેમ કે જંગલ ક્વિન (1956), એલિફન્ટ ક્વિન (1961), રુસ્તમ-એ-રોમ (1964), ઇન્સાફ (1966), અંજામ (1970), દો બચ્ચે દસ હાથ (1972)ની ફિલ્મ જેમાં સુભાષ ઘાઇ પણ હીરો હતા, તેમણે અભિનયમાં ધારી સફળતા ન મળતાં લેખન, નિર્દેશન અને ફિલ્મ નિર્માણમાં સફળતાના શિખરે પહોંચીને રાજ કપૂર પછી શો-મેન તરીકેની ખ્યાતિ મેળવી હતી. એ જ રાજદેવની મુલાકાત અને મિત્રતા થઇ શૈલેશકુમાર નામના એક અભિનેતા સાથે જે ફિલ્મોમાં પોતાનું ભવિષ્ય બનાવવાનાં સમણાં જોતો હતો. આ વાતમાં એ શૈલેશકુમાર બીજું પાત્ર છે. અભિનેતા શૈલેશકુમાર જોધપુરથી આવ્યા હતા. શૈલેશકુમારની ઇન્ટ્રોડક્ટરી ફિલ્મ 1961માં આવેલી ‘ભાભી કી ચૂડિયાં’ હતી, જેમાં એમના પિતા સમાન ભાઇ બલરાજ સહાની અને માતા સમાન ભાભી મીનાકુમારી હતાં. તે પછી 1953ની ફિલ્મ ‘બેગાના’માં શૈલેશકુમાર પર ફિલ્માવાયેલ શૈલેન્દ્ર લિખિત અને જગમોહનનું સંગીતસભર એક ગીત અત્યંત લોકપ્રિય થયું. મહોમ્મદ રફીના સ્વરમાં ગવાયેલું આ ગીત આજે પણ મન ઉદાસ હોય ત્યારે સાંભળવાનું ગમે છે. ‘ફિર વો ભૂલી સી યાદ આઇ હૈ, એ ગમ-એ-દિલ તેરી દુહાઇ હૈ…’ વર્ષ 1965માં કેટલીક ફિલ્મો આવી - શહીદ, આધી રાત કે બાદ, કાજલ વગેરે. કાજલમાં મીનાકુમારીના ભાઇ બનેલા સંગીતકાર રવિએ સાહિર લુધિયાનવી પાસે એક ગીત લખાવ્યું જે આશા ભોંસલેએ ગાયું હતું, ‘મેરે ભૈયા, મેરે ચંદા મેરે અનમોલ રતન, તેરે બદલે મૈં જમાને કી કોઇ ચીજ ન લૂં…’ દરેક બહેન માટે એનો ભાઇ હીરો હોય છે, પણ અહીં ભાઇને ફિલ્મોમાં હીરો બનવું હોવાથી એક સોનેરી તક મળી ગઇ. 1968ની ફિલ્મ ‘ગોલ્ડન આઇઝ સીક્રેટ એજન્ટ 077’માં. આમાં મુખ્ય ભૂમિકાઓમાં હતા, મુમતાઝ અસ્કરી અને શૈલેશકુમાર, જે સીક્રેટ એજન્ટ 077નો ટાઇટલ રોલ હતા. પણ નસીબ! નસીબે સાથ ન આપ્યો અને ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ ગઇ. નિરાશાના અંધકારમાં લુપ્ત થવા જ લાગ્યા હતા, એવામાં તનુજા સાથે એક ફિલ્મ મળી ‘ઉસ રાત કે બાદ’. તનુજા અવ્વલ શ્રેણીની અભિનેત્રી હતી. માતા શોભના સમર્થ અને બહેન નૂતન બંને મહાન ફિલ્મી હસ્તીઓ હતી, પણ તનુજા હજી સ્ટાર હિરોઇનના લેવલ સુધી પહોંચી નહોતી. આ ફિલ્મમાં શૈલેશકુમાર તનુજાના હીરો હતા, પણ મોટા રોલ હતા, સંજીવકુમાર અને મદન પુરીના. એ વખતે 1938માં જન્મેલા સંજીવકુમારને આ ફિલ્મમાં તેમનાથી માત્ર પાંચ વર્ષ નાની તનુજાના પિતા તરીકે રજૂ કરવામાં આવ્યા. જોકે અહીંથી જ શૈલેશકુમાર હવે વધારે સમણાં જોવા લાગ્યા. હવે આપણી વાર્તા શરૂ થાય છે. અત્યાર સુધી જે લખ્યું તે તો ‘ટ્રિવિયા’ હતું, જેને તમે સામાન્ય જાણકારી કહી શકો છો. શૈલેશકુમારની મિત્રતા નિર્માતા એસ.જે. રાજદેવ સાથે સારી રીતે થઇ ગઇ હતી. પરિણામે એમણે મિત્રતાના સંબંધે રાજદેવને આગ્રહ કર્યો કે તેઓ તનુજા સાથે એક મોટી ફિલ્મ બનાવે, જેમાં હીરો હશે શૈલેશકુમાર. રાજદેવને આ વાત ગમી જવાથી પૂછ્યું કે તનુજાને કેવી રીતે મળવું? ત્યારે શૈલેશે કહ્યું, ‘હું શૂટ સમયે એમને હિન્ટ આપી દઇશ કે તમે એમને મળવા માગો છો. પછી તમે વાત કરી લેજો.’ રાજદેવને પણ હવે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી આગળ વધીને કોઇ મોટું કામ કરવાનો મૂડ આવ્યો હતો. તાત્કાલિક એક વાર્તા પણ લેખકો પાસે લખાવી લીધી અને પહોંચી ગયા તનુજાને મળવા. તનુજાને કહ્યું, ‘એક જોરદાર વાર્તા છે. સાંભળી લો.’ પણ તનુજાએ કહ્યું, ‘વાર્તા તો હું સાંભળી લઉં, પણ હીરો કોણ હશે?’ રાજદેવસાહેબે આશ્ચર્ય પામતાં જવાબ આપ્યો, ‘હીરો હશે શૈલેશકુમાર.’ આ સાંભળતાં તનુજાએ કહ્યું કે એમની સાથે તો હું એક ફિલ્મ કરી જ રહી છું અને બીજી કરવાનો કંઇ મેળ પડે એમ નથી અને વળી, રાજેશ ખન્ના સાથે પણ એક ફિલ્મની વાત ચાલે છે. તો તમે હીરો તરીકે રાજેશ ખન્નાને સાઇન કરી લો. રાજેશ ખન્નાનું નામ સાંભળતાં જ રાજદેવની ઇચ્છા અને હિંમત બેવડાઇ ગયા અને તનુજાએ અમસ્તુ જ વચન આપી દીધું હતું કે એ ‘કાકા’ સાથે મુલાકાત કરાવી દેશે. જોકે એ દરમિયાન રાજેશ ખન્નાની ‘દો રાસ્તે’, ‘આરાધના’, ‘ઇત્તેફાક’ ફિલ્મો હિટ નીવડી હતી. પરિણામે કાકા તો સહેલાઇથી મળવાના નહોતા. આથી મુલાકાત થવામાં જ ઘણો સમય નીકળી ગયો. જોકે જ્યારે મુલાકાત થઇ, ત્યારે રાજેશ ખન્નાએ કહ્યું, યાર, આમાં તનુજા બંધ નહીં બેસે. તમે શર્મિલાને સાઇન કરી લો. હું કહી દઇશ. રાજદેવ લોભવશ આગળ ને આગળ વધતા જતા હતા. એમણે વિચાર્યું, ઘણો સમય લાગે છે, બીજી કોઇ ફિલ્મ પણ બનાવી નથી શકતાં. પહેલાં તો આવકનો પ્રવાહ ચાલુ હતો, પણ હવે એટલી આવક થતી નથી. છતાં ધીરજ રાખું. હવે એક મોટી એ ગ્રેડ ફિલ્મનો સેટ-અપ થઇ શકશે. આમ વિચારીને રાજદેવ હવે શર્મિલા ટાગોરને મળવા માટે ધક્કા ખાવા લાગ્યા. દરમિયાન શર્મિલાએ મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કરી લીધાં હતાં, તેથી આજકાલ કરતાં કરતાં ત્રણ મહિના નીકલી ગયા. અને અંતે જ્યારે એની મુલાકાત થઇ ત્યારે શર્મિલાએ એક નવો જ પ્રસ્તાવ મૂક્યો - ‘ધર્મેન્દ્રને હીરો બનાવો.’ શર્મિલાએ એમને જણાવ્યું કે ધર્મેન્દ્ર સાથે એની બે ફિલ્મો ‘મેરે હમદમ મેરે દોસ્ત’ અને ‘યકીન’ બંને સુપર હિટ થઇ છે. હિટ પેર સાથે સારો એવો લાભ થશે. તમારી ફિલ્મ સુપર હિટ જશે. એ પછી શર્મિલાએ ધર્મેન્દ્ર સાથે રાજદેવની મીટિંગ નક્કી કરાવી દીધી, પણ ધર્મેન્દ્ર સુધી પહોંચતા રાજદેવને બીજા બે મહિનાનો સમય નીકળી ગયો અને જ્યારે ગરમ-ધરમને મળવાનો મેળ પડ્યો, ત્યારે ધર્મેન્દ્રએ પહેલો જ પ્રશ્ન કર્યો તે હતો, ‘તમે હિરોઇન તરીકે કોને લેશો?’ હવે તો રાજદેવને આવા પ્રશ્નોની આદત થઇ ગઇ હોવાથી રાજદેવે પણ જવાબ આપ્યો, ‘તમે જ કહો.’ તો ધર્મેન્દ્રએ કહ્યું કે તમે હેમા માલિનીને સાઇન કરી લો. હું એની સાથે બે ફિલ્મો કરી રહ્યો છું. ત્યારે રાજદેવે પૂછ્યું, ‘તો શર્મિલા ટાગોર?’ ધર્મેન્દ્રએ કહ્યું કે તમે શર્મિલાની ચિંતા ન કરો. હું એને સમજાવી લઇશ. તમે માત્ર હેમાને મારી સાથે સાઇન કરી લો. હવે રાજદેવની ધીરજનો અંત આવવા લાગ્યો હતો. ભલે સમય ઘણો ગયો, પણ એ સમજાઇ ગયું કે ફિલ્મી ગોલમાલમાં દરેક પોતાની ઇચ્છાથી આગળવાળાને પાછળ ધકેલી પોતે આગળ આવવા ઇચ્છે છે અને કદાચ આ જ જીવનમંત્ર છે. નાની નાની ફિલ્મોથી જે થોડીઘણી આવક થતી હતી એ પણ આ મોટા ફિલ્મ કલાકારોને સાઇન કરવાના ચક્કરમાં હાથમાંથી સરકી ગઇ અને એમને ખાતરી થઇ ગઇ કે એ ગ્રેડ ફિલ્મ બનાવવાના લોભમાં પોતે લલચાયા હતા, હવે એ લોભ છોડવો જરૂરી છે. પરિણામે એમણે આ વિચાર જ પડતો મૂક્યો. આમ, એક રીતે એક હીરો અને નિર્માતાના સપનાંની રાખ થઇ ગઇ. પછીથી શૈલેશકુમાર નાની નાની ભૂમિકાઓમાં જોલા મળ્યા, જેમાં સુભાષ ઘાઇ નિર્દેશિત ‘કાલીચરણ’ ફિલ્મ પણ છે, જેમાં એમનું સાચું નામ ‘શૈલેશકુમાર’ ક્રેડિટમાં જોવા મળે છે, બાકીની ફિલ્મોમાં તો કાયમ ‘સૈલેશકુમાર’ નામ જ જોવા મળ્યું. બીજી તરફ રાજદેવે પણ ‘સાવન-ભાદો’ના હીરો નવીન નિશ્ચલ અને સાયરા બાનુ જેવાં મોટાં કલાકારો સાથે એક ફિલ્મ બનાવી ‘MOUNTO’ જે રીલિઝ તો થઇ 1975માં પણ એના પરિણામોથી રાજદેવ ભાંગી પડ્યા. ⬛ આજ માટે આટલું પૂરતું છે. મારા પ્રણામ. જય હિન્દ. વંદે માતરમ્.

અન્ય સમાચારો પણ છે...