લક્ષ્યવેધ:ગુજરાતી માધ્યમમાં, ગુજરાતી વિષય સાથે, UPSCનો કોઠો ભેદી બન્યા IAS

ઉત્સવ પરમારએક મહિનો પહેલા
  • કૉપી લિંક

‘તેદિવસે ઘરમાં કોઈ બીમાર હોવાના લીધે હું હોસ્પિટલમાં બેઠો હતો, પરિવારના તમામ સભ્યો સાથે હતા અને કોઈનો ફોન આવ્યો કે કોંગ્રેચ્યુલેશન્સ, તમારું સિલેક્શન થઇ ગયું છે.’ હાલમાં રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ તરીકે ફરજ બજાવતા 2014 બૅચના IAS ઓફિસર અનિલ રાણાવસિયા પોતાના UPSC રિઝલ્ટનો દિવસ યાદ કરે છે. અનિલભાઈએ સેવેલું સ્વપ્ન એ દિવસે સાચું પડ્યું. તેની પાછળ પુરુષાર્થ રહેલો છે. અનિલભાઈ સામાન્ય મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવે. શરૂઆતનું જીવન બનાસકાંઠાના ડીસામાં. થોડાં વર્ષ સરકારી સ્કૂલમાં ભણ્યા. પપ્પા સરકારમાં હિસાબનીશ. લોકોના પેન્શનના પ્રશ્નો હલ કરતા પપ્પાના કર્મયોગનો સંતોષ અનિલભાઈ અરજદારોના ચહેરા પર જ્યારે જોતા, કદાચ ત્યારથી જ અજાણતા તેમના મનમાં સરકારી સેવામાં જોડાવાનાં બીજ રોપાઈ ગયાં હતાં. પપ્પાની બદલી ગાંધીનગર થઇ અને સરહદી જિલ્લામાંથી અનિલભાઈ પાટનગરમાં આવી ગયા. નિરમા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું. ત્યાર પછી કોર્પોરેટ કંપનીમાં જૉબ લીધી. આ નોકરીના ભાગરૂપે થોડો સમય લંડનમાં પણ કામ કરવાનો મોકો મળ્યો, સેલેરી સારી હતી પણ અંદર હજી પણ કંઈક ખૂટી રહ્યું હતું. ડીસામાં રોપાયેલું બીજ હવે ખીલવાની તૈયારી કરી રહ્યું હતું. અને અનિલભાઈએ UPSCની તૈયારી માટે પોતાની જોબ છોડી દીધી. અનિલભાઈએ પહેલો પ્રયાસ કર્યો. પ્રીલિમ્સ આપી, પણ સફળતા થોડી દૂર રહી. બીજી પ્રીલિમ્સ વરસ પછી હતી. પોતાની તૈયારીઓમાં ક્યાં કચાશ રહી ગઈ તે શોધ્યું, તેના પર કામ કર્યું. બીજા પ્રયાસમાં પરીક્ષા આપી અને સફળતા મેળવી. તો અનિલભાઈ એ એવું તો શું કર્યું કે પહેલી નિષ્ફ્ળતા પછી તરત સફળતા મળી? અનિલભાઈ કહે છે, ‘પ્રીલિમ્સમાં ફેલ થયા પછી મેં UPSCની ડિમાન્ડ શું છે એ સમજવાનો પ્રયાસ કર્યો. બેઝિક NCERT ઉપરાંત જનરલ સ્ટડીઝ માટે માત્ર ફન્ડામેન્ટલ અને ઉપયોગી પુસ્તકો જ વાંચ્યાં. કન્સેપ્ટ પાકો થાય તે જરૂરી છે.’ અનિલભાઈએ પોતાના પરિવારના સભ્યોને પણ તૈયારીમાં સાથે રાખ્યા. પોતાના ભાઈ, મમ્મી પપ્પા સાથે અભ્યાસના વિષયોની ચર્ચા કરતા અને કોમ્પ્લેક્સ ટોપિક્સ તેમને સમજાવીને પોતાની સમજણ પાકી કરી લેતા. પ્રીલિમ્સમાં મૉક ટેસ્ટ ઘણી આપી અને તેનો ફાયદો પરીક્ષામાં થયો. મેઇન્સ માટે બનાવી ખાસ રણનીતિ ગુજરાતી સાહિત્ય મુખ્ય વિષય હતો. ગુજરાતી સાહિત્યના બે, જનરલ સ્ટડીઝના ચાર, નિબંધનું એક અને ભાષાનાં બે એમ કુલ નવ પેપરો લગભગ અઠવાડિયાંના સમયમાં આપવાનાં થાય. લખવાની ઝડપ અને અલગ અલગ વિષયોના સંદર્ભ યાદ કરી સાચો જવાબ લખવાની ફાવટ જરૂરી છે. અનિલભાઈએ આ વાત સમજીને પોતાનું લેખન કૌશલ્ય વધારવા નિયમિત મૉક ટેસ્ટ આપી. એટલું જ નહીં મૉક ટેસ્ટનો સમય પણ પરીક્ષાના સમય મુજબ જ રાખતા. આ વિશે વધુમાં અનિલભાઇ કહે છે, ‘આ બાબતે હું એટલો નિયમિત હતો કે પૂરું વાંચ્યું ના હોય તો પણ ફરજિયાત દર અઠવાડિયે પેપર લખતો.’ આ પરસેવો પરીક્ષાખંડમાં ઝળકી ઊઠ્યો અને મેઇન્સનો કોઠો પણ ભેદાઈ ગયો. પર્સનાલિટી ટેસ્ટમાં પણ અનિલભાઈએ પદ્ધતિસર તૈયારી કરી. પોતાના ડિટેઇલ્ડ એપ્લિકેશન ફોર્મમાં UPSCને પોતે આપેલી માહિતીના આધારે તેમણે ઇન્ટરવ્યૂમાં પુછાઈ શકાતા સંભવિત પ્રશ્નોની તૈયારી કરી. પર્સનાલિટી ટેસ્ટમાં ઉમેદવારના વ્યક્તિત્વ અને ગુણોનું પરીક્ષણ થતું હોય છે. અનિલભાઈની તૈયારી અહીંયા પણ ફળી. તેઓ આખરે UPSCનો કોઠો ભેદી IAS બની ગયા અને તેમને ગુજરાત કૅડર ફાળવવામાં આવી છે. સમગ્ર તૈયારી દરમિયાન તેઓ થાપ ક્યાં ખાઇ ગયા? આ અંગે તેઓ કહે છે, ‘શરૂઆતમાં બધું એક વાર વાંચી લીધું છે એટલે બધું આવડશે એવી ભ્રમણામાં રહ્યો. આથી જ્યારે પ્રીલિમ્સમાં સવાલ પુછાયા ત્યારે ચોક્કસ માહિતી રિકોલ કરવી અઘરી પડી. તેથી કોઈ પણ વિષય વાંચો ત્યારે તે વિષય બરોબર આવડ્યો છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. આવી ખાતરી કરવા કોઈ એવી વ્યક્તિને તે ટોપિક સમજાવવા પ્રયાસ કરો, જેેને એ ટોપિક સાથે લેવાદેવા ના હોય. જો તમે સફળતાપૂર્વક સમજાવી શકો તો તમે બરોબર સમજ્યા છો એમ માનવું.’ ⬛

અન્ય સમાચારો પણ છે...