સ્પોર્ટ્્સ:ભારતીય ક્રિકેટમાં એન.સી.એ.નું મહત્ત્વ

નીરવ પંચાલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડકપમાં નિરાશાજનક પરફોર્મન્સ બાદ ન્યૂઝીલેન્ડ સામે ટી-20 મેચથી ભારતની હોમ સીરિઝની શરૂઆત થઇ ચૂકી છે જેની ત્રીજી મેચ આજે રમાશે. નવા કપ્તાન અને નવા કોચના માર્ગદર્શન હેઠળ ભારતનું પરફોર્મન્સ સુધરશે, બગડશે કે પછી મોટી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચમાં હારવાનો ક્રમ જળવાઈ રહેશે તે તો સમય બતાવશે. કોહલી અને શાસ્ત્રીની વિદાય પછી રોહિત શર્મા અને દ્રવિડની જોડી પોતાની આગવી શૈલીમાં કામ કરશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. દ્રવિડ ત્રણ વર્ષ જેટલો સમય નેશનલ ક્રિકેટ એકેડમી (એન.સી.એ.)ના સર્વોચ્ચ સ્થાને વિતાવ્યા બાદ મુખ્ય ટીમના કોચિંગ માટે તૈયાર થયા છે. તેમના સમયકાળ દરમિયાન નેશનલ ક્રિકેટ એકેડમી મુખ્ય ટીમ માટે પોલ્ટ્રીફાર્મની ગરજ સારતી હતી. ડોમેસ્ટિકમાં સારું પ્રદર્શન કરતા ખેલાડીઓ એન.સી.એ.માં પોતાની સ્કિલની ધાર કાઢવા માટે આવે, ફિટનેસ કે પછી ફીલ્ડિંગ પર કામ કરવા માટે આવે અને જ્યારે મુખ્ય ટીમમાં ચયન થાય ત્યારે કાચી ટેલેન્ટને બદલે તૈયાર પ્રોડક્ટ બનીને ટીમમાં પોતાના રોલ મુજબ સ્થાન નક્કી કરી દે. વર્ષની શરૂઆતે જ્યારે શુભમન ગિલ, વોશિન્ગટન સુંદર, ઋષભ પંત જેવા ટેસ્ટ ક્રિકેટના નવા નિશાળિયાઓ અનુભવી ઓસ્ટ્રેલિયન ટીમ સામે બાઉન્સી પીચ પર બથોડા લેતા હતા, ત્યારે તેમની ગેમ અવેરનેસ, રમતની પરિસ્થિતિ, રન ક્યાંથી મળી શકે, કોને એટેક કરવો, ક્યા બોલરનો સ્પેલ શાંતિથી રમવો જેવા રમતના વિવિધ પાસાંઓ વિશે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલુ હતી અને તે તમામ ચર્ચાઓનો નિષ્કર્ષ એ હતો કે આ ખેલાડીઓને તૈયાર કરવામાં રાહુલ દ્રવિડનો સૌથી મોટો ફાળો છે. એન.સી.એ.માં આ ખેલાડીઓ પર પૂરતું કામ કરવામાં આવ્યું હોવાથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને તેમની હોમ કન્ડિશનમાં હરાવી શકી. એન.સી.એ.નું બીજ બે દાયકા પહેલાં રોપાયેલું અને એના મીઠા ફળ આજે બીસીસીઆઈને ખાવા મળે છે. બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ રાજસિંઘ ડુંગરપરે એન.સી.એ.ને એક ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. તેમની ઈચ્છા હતી કે દેશમાં ભરપૂર ટેલેન્ટને નિખારવા માટે એવા કોઈ ઇન્સ્ટિટ્યુશન કે એકેડમી બનાવવામાં આવે કે જે ખેલાડીઓ, અમ્પાયર, સપોર્ટ સ્ટાફ, કોચ, આસિસ્ટન્ટ કોચ, એનાલિસ્ટ જેવા ક્રિકેટના તમામ સ્ટેક હોલ્ડર્સને કરિયર ગ્રોથ માટે મદદરૂપ થાય. 2000ની સાલમાં બેંગ્લુરુમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોશિએશનની મદદથીે એન.સી.એ.ની સ્થાપના થઇ અને પ્રેક્ટિસ કરવા માટે એક મેદાન પણ મળ્યું. દર વર્ષે દરેક એજ ગ્રુપના કેમ્પનું આયોજન થાય, જેમાં જે-તે વર્ષના ટોપ બેટ્સમેન, બોલર્સ, વિકેટ-કીપરને ભૂતપૂર્વ ખેલાડીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું. ધીમે ધીમે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઇ, સ્પોર્ટ્સ ટેક્નોલોજી, બાયોમિકેનિક્સ અને ફૂડ અને ન્યુટ્રિશનને લગતા પ્રોગ્રામ શરૂ થયા. એન.સી.એ.માં ધીરે ધીરે કામગીરીનો વિસ્તાર શરૂ થયો. એન.સી.એ. થકી કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, ટ્રેનર્સ પણ બીસીસીઆઈને મળવા લાગ્યા. સંદીપ પાટીલ, બ્રિજેશ પટેલ, રોજર બિન્ની, વાસુ પરાંજપે જેવા દિગ્ગજોએ એકેડમીને શરૂઆતમાં માર્ગદર્શન આપ્યું. કપિલ દેવ, અનિલ કુંબલે, સુનિલ ગાવસ્કર જેવા લેજેન્ડસ પણ એક સમયે એન.સી.એ. સાથે જોડાયા. શરૂઆતમાં જ્યારે એન.સી.એ.માંથી નીકળેલા ખેલાડીઓનું પરફોર્મન્સ નોંધપાત્ર ન રહ્યું, ત્યારે મીડિયામાં એન.સી.એ.ના રોલ પર પ્રશ્ન પણ ઊભા કર્યા હતા, પરંતુ સમયની સાથે તમામ પ્રોસેસ સેટ કરવામાં આવી, ટેસ્ટિંગ સ્ટાન્ડર્ડ, ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાની વ્યવસ્થા ગોઠવાઈ અને ત્યાર બાદ સિસ્ટમેટિક રીતે ભારતીય ટીમની જરૂરિયાત પ્રમાણે એન.સી.એ. સપોર્ટિંગ રોલ અદા કરે છે. રાહુલ દ્રવિડ નેશનલ ટીમમાં કોચ બન્યા છે ત્યારે તેના હેડ તરીકે વીવીએસ લક્ષ્મણની પસંદગી કરાઈ છે. લક્ષ્મણ દ્રવિડની જેમ જ એન.સી.એ.ના કાર્યોને આગળ ધપાવે તેવી આશા રાખીએ.⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...