ડૂબકી:બનારસના શાંત કોલાહલની છબીઓ

16 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર વિવેક દેસાઈનું વિશિષ્ટ પુસ્તક ‘બનારસ ડાયરી’ 2021માં પ્રકાશિત થયું. આ પુસ્તકમાં બનારસનું જનજીવન, ત્યાંના ઘાટ પર ચાલતી પ્રવૃત્તિઓ, બજાર અને મહોલ્લા વગેરેના ઉત્તમ ફોટોગ્રાફ્સ મૂક્યા છે. એમાંથી સંવેદનશીલ ફોટોગ્રાફર અને લેખકનું આંતર્વિશ્વ ઊઘડ્યું છે. એમણે પહેલી જાન્યુઆરી 2002ની પરોઢે બનારસમાં પહેલી વાર પગ મૂક્યો હતો. ત્યારથી એ શહેર એમની સાથે હંમેશને માટે જોડાઈ ગયું છે. પહેલી મુલાકાત વખતે જ એમણે નિર્ણય લીધો હતો: ‘આ શહેરમાં હવે હું એક વાર તો આવીશ જ. આ વાતને અઢાર વર્ષ વીત્યાં છે છતાં એ સિલસિલો હું જાળવી શક્યો છું... મોટા ભાગે બેથી ત્રણ વાર વર્ષમાં આવવાનું બન્યા કર્યું છે.’ દરેક મુલાકાત વખતે બનારસ એમની સામે નિતનવાં રૂપ પ્રગટ કરતું રહ્યું છે. એમાં ભક્તિની પવિત્રતા છે, ચારે બાજુથી ઊઠતા ‘હર હર ગંગે’ અને ‘હર હર મહાદેવ’ના ઘોષ છે, વિધિવિધાનોની ચિત્રાત્મક માહિતી છે, સામાન્ય જન છે, સંગીતના મહાન કળાકારો છે, સાધુ-બાવાઓ છે, મણિકર્ણિકાઘાટ પર સળગતી ચિતાઓ છે, ગંગાઆરતી છે, સાંકડી ગલીઓ છે, માનવજીવનની સરળતા અને સંકુલતા છે, દૃશ્યોમાં ગતિ છે અને ગતિશીલ દૃશ્યોની અદ્ભુત ક્ષણો છે. અહીં ચલમના ધુમાડાથી માંડી ચિતાઓના ધુમાડાની ગંધ છે, પૅડલ રિક્ષાચાલકો છે, બીનિયા બાગનો અખાડો છે, નદીની સહેલ કરાવતા નાવિકો છે, રામલીલા છે, વિદેશીઓ છે, શેકેલી સીંગ વેચતો સર્વેશ છે, રોજ સાંજે ગંગાઆરતીની વ્યવસ્થા સંભળાતો પોતાને ‘હનુમાન’ કહેતો મુસ્લિમ યુવક છે, દેશવિદેશના મુલાકાતીઓ માટે પોતાના કાફેનું રસોડું ખોલી દેતો સંતોષકુમાર છે, સત્યજિત રેની ‘અપૂર સંસાર’ ફિલ્મના શૂટિંગના સાક્ષી ગોલુચાચા છે, લાશોના ફોટા પાડતો કિશન છે – અને એ બધાની સાથે બંધાયેલા આત્મીય સંબંધની કથા છે. બનારસના ભાતીગળ જીવનની વિવિધ ક્ષણો કૅમેરામાં ક્લિક થઈ છે અને ગંગાના પ્રવાહ જેવી ગદ્યશૈલીમાં આલેખાઈ છે

કોઈ ચોક્કસ ક્ષણને ક્લિક કરવા માટે ફોટોગ્રાફરે અખૂટ ધીરજ રાખવી પડે છે. વિવેકભાઈએ આલેખેલા પ્રસંગોમાંથી એમની ધ્યેયનિષ્ઠા અને સાહસનો ખ્યાલ આવે છે. બનારસનિવાસી મહાન સંગીતકારોના ફોટા પાડવા માટે એમને રીતસરની તપશ્ચર્યા કરવી પડી હતી. નાગા સાધુઓની દિનચર્યાને ક્લિક કરવા માટે એ આઠ દિવસ એમની સાથે એમના જેવા બનીને રહ્યા હતા. એક અખાડાના ગુરુ પ્રાણગિરિસ્વામીને એમણે કહ્યું હતું: ‘બાબા, જૈસે યોગ-ધ્યાન આપકા ઇશ્ર્વર તક પહુંચને કા માધ્યમ હૈ, વૈસે મેરા માધ્યમ યહ કૅમેરા હૈ.’ એમણે એક અઘોરી બાબાનાં જુગુપ્સાપ્રેરક ક્રિયાકાંડ પણ જોયાં. પોતાના માધ્યમ માટે નિષ્ઠાવાન ફોટોગ્રાફર માટે અનિવાર્ય સાહસવૃત્તિ વિના એ શક્ય નથી. કૅમેરાની ભાષા અલગ હોય છે. ઉત્તમ ફોટોગ્રાફર એ ભાષાના મૂળ સુધી પહોંચવા સાધના કરે છે. ‘બનારસ ડાયરી’ના દરેક ફોટામાં સાધનાની ફલશ્રુતિનાં દર્શન થાય છે. વહેલી સવારના ધુમ્મસ, ઊઘડતા દિવસની ધૂપછાંવની રમત, સાંજના ધૂમિલ અને રાતના આછા અંધકારમાં ક્લિક થયેલા ફોટોગ્રાફ્સમાં વિશ્ર્વના પ્રાચીન નગરની અનેક ક્ષણો ચિરંજીવ થઈ ઊઠી છે. એ જ હોય છે ઉત્તમ ફોટોગ્રાફરની કળાનો જાદુ. વિવેકભાઈએ લખ્યું છે: ‘ફોટોગ્રાફરો એવું માને છે કે સવારમાં પહેલી ક્લિકની બોણી સારી તો દિવસ આખો સારા ફોટા મળે. ફોટોગ્રાફરની દીવાબત્તી એટલે સવારમાં થયેલી પહેલી ક્લિક! ને એ માનસિક, શરીરિક ને આધ્યાત્મિક ત્રણેયના સંગમથી થઈ હોય તો દિવસ આખો વૈંકુઠ ઊજવાય.’

એમણે ફોટોગ્રાફીને આધ્યાત્મિકતા અને આસ્તિકતાના ઉચ્ચ સ્તર સુધી જોડી છે. ‘... શ્રદ્ધા સાથે જોડાયેલા વિષયોમાં તો તમારે સંપૂર્ણ આસ્તિકતા સ્વીકારીને કૅમેરાનું શટર પાડવું પડે છે, નહીં તો છબીમાત્ર મીકૅનિકલ થઈ જાય.’ ‘બનારસ ડાયરી’માં કશું જ મીકૅનિકલ નથી, એની હર પળ ચેતનવંતી છે, ધબકતી રહે છે અને આપણા ચિત્તમાં બનારસની ‘ઘણી બધી સુંગંધ પ્રવેશી’ જાય છે. એ જ છે સંવેદનશીલ ફોટોગ્રાફર-સર્જકની સફળતા. ‘બનારસ ડાયરી’ પુસ્તકરૂપે પ્રગટ થઈ તે પહેલાં એની સચિત્ર લેખમાળા ‘નવનીત-સમર્પણ’માં પ્રકાશિત થઈ હતી. એના સંપાદક દીપક દોશીએ ‘બનારસ ડાયરી’ વિશે કહ્યું છે: ‘જેમણે બનારસ જોયું નથી એમને માટે આ પુસ્તક તીર્થ બની રહેશે, જેમણે બનારસ જોયું છે એમને માટે આ પુસ્તક બનારસને અનુભવવાનું એક ભાથું બની રહેશે.’

કેટલાંક શહેરો પોતાને બીજા લોકોથી છુપાવી રાખે છે, જ્યારે કેટલાંક શહેરો અધિકારી વ્યક્તિની સામે એનાં રહસ્ય સ્વયં ખોલવા લાગે છે. વિવેકભાઈના કૅમેરા સમક્ષ બનારસ જાણે પૂરેપુરું નિરાવૃત્ત થયું છે. લખે છે: ‘આ શહેરની શ્ર્વાસ લેવાની તરાહનો હું વારંવાર સાક્ષી બન્યો છું, ત્રણસો પાંસઠ દિવસ ને ચોવીસ કલાક ચાલતું આ શહેર ક્યારેય હાંફતું નથી. અહીં આવનાર દરેક પ્રવાસીને કંઈક શોધ્યાનો સંતોષ થાય છે, દરેક પ્રવાસી અહીં કોલંબસ છે, આ શહેર છોડીને જતો દરેક પ્રવાસી ફરીથી શહેરમાં આવવાની જીદ લઈને જ પાછો ફરે છે.’ એ જીદ વિવેક દેસાઈને વારંવાર બનારસની મુલાકાત લેવા પ્રેરે છે અને એ ખભે કૅમેરા લટકાવી બનારસના હજી પણ અજાણ રહી ગયેલા કોઈ ખૂણાની શોધમાં નીકળી પડે છે. ધુમ્મસ, લોકો, ગલીઓ, ઘાટો અને ગંગા નદી જેવા વિષયો અનેક નવાનવા સ્વાંગમાં ખૂલતા રહેશે ત્યાં સુધી બનારસ આ કલાકારને જંપવા દેશે નહીં. બનારસની ગંગાનો શાંત કોલાહલ એમને વહેતા રાખે છે.⬛

અન્ય સમાચારો પણ છે...