રણમાં ખીલ્યું ગુલાબ:વજહ પૂછોગે તો સારી ઉમ્ર ગુજર જાયેગી કહા ના અચ્છે લગતે હો તો, બસ લગતે હો…!

ડો શરદ ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પહેલી નજરમાં જ શેખર ચોંકી ગયો. મનોમન બબડી ઊઠ્યો, ‘અરે! આ પૂર્વા તો નથી ને? ના, પૂર્વાના મૃત્યુને તો સોળ વર્ષ થયાં. એનો તો ક્યાંક જન્મ પણ થઇ ચૂક્યો હશે. જો એ છોકરી તરીકે જન્મી હશે તો પણ વધુમાં વધુ સોળ વર્ષની થઇ હશે. આ સામે ઊભી છે એ છોકરીના ડોક્યુમેન્ટ્સમાં તો ઉંમર સત્તાવીસ વર્ષ લખેલી છે. ના, આ પૂર્વા નથી જ. પણ તો પછી એ આબેહૂબ પૂર્વા જેવી કેમ દેખાય છે?’ દિમાગની એક સ્વિચ એણે બંધ કરી દીધી; ઇન્ટરવ્યૂની બીજી સ્વિચ ચાલુ કરી, ‘બી સીટેડ, પ્લીઝ.’ યુવતી આંખોથી જ આભાર છલકાવીને ખુરશીમાં બેસી ગઇ. ‘શું નામ છે?’ શેખરે ફાઇલમાં નામ વાંચવાને બદલે પૂછી લીધું. ટૂંકો, મુદ્દાસર જવાબ મળ્યો, ‘અપૂર્વા દેસાઇ.’ ‘અપૂર્વા?!?’ શેખર ગૂંચવાઇ ગયો. શું પૂછવું એ એને સૂઝ્યું નહીં. એ બોલી ગયો, ‘તમારા ફેમિલીમાં, આઇ મીન, તમારા રિલેટિવ્ઝમાં… કોઇનું નામ પૂર્વા હતું?’ ‘નો. આ નામ હું પહેલી વાર સાંભળી રહી છું. આ સવાલ કેમ પૂછવો પડ્યો, સર?’ ‘કંઇ નહીં. કંઇ નહીં. ખાલી એમ જ. લેટ અસ ટોક બિઝનેસ.’ શેખરે પોતાના મનમાં ઉમડતા વિચારોના વાવાઝોડાં ઉપર ઝડપથી કાબૂ મેળવી લીધો. ઉમેદવારને પૂછવા પાત્ર પ્રશ્નો પૂછી લીધા, પછી નિર્ણય પણ જણાવી દીધો, ‘કોંગ્રેચ્યુલેશન્સ, મિસ અપૂર્વા. તમને જોબ માટે પસંદ કરવામાં આવે છે.’ ‘થેન્ક યૂ, સર. મારે જોબની સખ્ત જરૂર હતી. એક મુદ્દો સ્પષ્ટ કરી લઉં; હું મિસ નથી, પણ મિસિસ અપૂર્વા દેસાઇ છું. અલબત્ત, મારી મેરેજ લાઇફ હાલમાં સ્ટોર્મી ચાલી રહી છે. ત્રણેક મહિનાથી હું પિયરમાં આવી છું. પતિ પાસે પાછા જવાની જરા પણ ઇચ્છા નથી. આભાર, સર.’ અપૂર્વા ઊભી થઇ. બોસની ઓફિસમાંથી બહાર નીકળી, આદેશ અનુસાર ક્લાર્ક પાસેથી જોઇનિંગ લેટર મેળવીને ઘર તરફ રવાના થઇ ગઇ. એ સાંજે શેખર મોડે સુધી પોતાની ઓફિસમાં જ બેસી રહ્યો. એના મનમાં કોલેજકાળમાં જોયેલી પૂર્વા અને અત્યારે જોયેલી અપૂર્વા વચ્ચેની સરખામણી ચાલી રહી હતી. એ જ રૂપાળું મોં. એ જ તેજીલી, પાણીદાર આંખો, એ લંબગોળ, ઘાટીલો, ભર્યો-ભર્યો ચહેરો, એ નમણું નાક, સામાન્ય કરતાં સહેજ વિશાળ ભાલ, રેશમી કાળા વાળ, એ જ સુરખાબી ડોક અને એ જ રમ્ય વળાંકો અને ઉત્તેજક ઉભારોથી મઢાયેલો દેહ. પૂર્વાનાં વ્યક્તિત્વની વિશેષ ખૂબી હતી એની નિર્દોષતા, એની સરળતા અને એની સહજતા. બહારથી અત્યંત સુંદર હોય એવાં બધાં સ્ત્રી-પુરુષો મનથી એટલાં જ સુંદર હોય એવું બનતું નથી. પૂર્વા મનથી, સ્વભાવથી, વાણી-વર્તનથી પણ એટલી જ સુંદર હતી. સોળમું પૂરું કરીને સત્તરમા વર્ષમાં પગ મૂકતી પૂર્વા એક દિવસ કોલેજની કૉરિડોરમાંથી જઇ રહી હતી ત્યારે શેખરે પ્રથમ વાર એને જોઇ. પૂર્વાનું રૂપ સૂરજના તાપ જેવું દાહક ન હતું પણ ચંદ્રમાની ચાંદની જેવું શીતળ હતું. એ રૂપની સાદગી શેખરના દિલમાં ઘર કરી ગઇ. શેખર નગારાની દાંડી પર જાહેર કરવા માગતો હતો – ‘પૂર્વા, હું તને ચાહું છું.’ પણ એ કહી શક્યો નહીં. એ જમાનો આજના જેવો ન હતો. આવું એક જ વાક્ય શેખરને કોલેજમાંથી ‘સસ્પેન્ડ’ કરાવી મૂકવા માટે પૂરતું હતું. બંને માત્ર એક જ વર્ષ સાથે રહ્યાં, એક જ વર્ષમાં ભણતાં રહ્યાં. શેખરનું તમામ ધ્યાન પૂર્વાની દિશામાં ચોંટેલું રહેતું હતું. પૂર્વા આ વાતથી બેખબર રહીને ‘સર’ ભણાવે એમાં ડૂબેલી રહેતી હતી. શેખરનો દિવસ પૂર્વાને જોવામાં અને રાતો વાંચવામાં વીતી રહી હતી. રિઝલ્ટ સારું આવ્યું. શેખરને એન્જિનિયરિંગ શાખામાં પ્રવેશ મળી ગયો. સપનું સાકાર થશે એ વાતની ખુશી અને પૂર્વાથી દૂર જવું પડશે એ વાતનું દુ:ખ સાથે લઇને શેખર બહારગામ ચાલ્યો ગયો. બાર વર્ષના અબોલડા અને તેર વર્ષની પ્રીત જેવો ઘાટ થયો. શેખર પાસે ડિગ્રી આવે, ગમતી યુવતીને ‘આઇ લવ યૂ’ કહેવાની હિંમત આવે તે પહેલાં જ પૂર્વા પરણી ગઇ હતી. જિંદગી માણસને કેટકેટલાં સમાધાનો સાધવાનું શીખવી દેતી હોય છે?! એમાં સૌથી મોટું સમાધાન પોતાને અત્યંત ગમતી વ્યક્તિને ગુમાવી દેવાનું હોય છે. એને ગુમાવી દીધા પછી ચહેરા પર સ્મિતનો મેકઅપ ચડાવીને જીવતાં રહેવાનું કામ અઘરું હોય છે. શેખર એવો અભિનય કરતો રહ્યો. પૂરા અઢી દાયકા કબૂતરનાં પીંછાંની જેમ સમયના પવનમાં ઊડી ગયા. વ્યવસાયમાં અને સંસારમાં ગોઠવાતા શેખરને પૂર્વા યાદ તો સતત આવતી હતી, પણ એનો સંપર્ક કરવાનું કોઇ માધ્યમ મળતું ન હતું. અંતે 2001માં કોઇકની પાસેથી પૂર્વાના ઘરનો લેન્ડલાઇન નંબર મળ્યો. એક દિવસ બપોરના સમયે શેખરે ફોન નંબર ડાયલ કર્યો. આ સમયે ભાગ્યે જ કોઇ પુરુષ ઘરમાં હાજર હોય. પૂર્વાનો અવાજ સાંભળીને શેખર અઢી દાયકા પહેલાંના સમયમાં પહોંચી ગયો. પોટલીમાં બાંધેલી હિંમત છૂટી પડી. જીભ તાળવે ચોંટી ગઇ. શું બોલવું? પોતાનું નામ સાંભળીને પૂર્વા ફોન કાપી નાખે તો? સામેથી પૂર્વા બીજી વાર પૂછી રહી હતી, ‘હેલ્લો કોણ? તમારે કોનું કામ છે?’ દસ સેકન્ડ્ઝ મૌનની, તો રીસિવર મુકાઇ જશે. પચીસ-પચીસ વર્ષથી છાતીમાં પૂરી રાખેલો પ્રેમ સ્પ્રિંગની જેમ ઊછળ્યો; શેખર બોલી ગયો : ‘પ્લીઝ, ફોન કાપી ન નાખતી, પૂર્વા. મારે તારી સાથે જ વાત કરવી છે. મારું નામ નથી આપતો. ડર લાગે છે. સત્તરમા વર્ષે તારી સાથે વાત કરવાની કલ્પનામાત્રથી મારી છાતી જે રીતે ફફડતી હતી એ જ રીતે અત્યારે પણ… પણ મારે તને એટલું જ કહેવું છે કે હું તને…’ શેખર પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ સામા છેડા પર ચાંદીની ઘૂઘરી રણકી ઊઠી, ‘હું ઓળખી ગઇ. તું શેખર છો ને? તારે એ જ કહેવું છે ને કે તું મને ખૂબ ચાહતો હતો પણ ક્યારેય બોલી ન શક્યો!’ ‘હા, એ જ કહેવું છે, પૂર્વા. હું શેખર જ છું. પણ એ કહે કે તેં મને કેવી રીતે ઓળખી કાઢ્યો?’ ‘સત્તર વર્ષની છોકરીમાં સિક્સ્થ સેન્સ પ્રવેશી ગઇ હોય છે. તું પ્રોફેસરના ભણાવવામાં ધ્યાન આપવાને બદલે મારી તરફ જોયા કરતો હતો એ પણ જાણતી હતી. શેખર, હું પણ તને પ્રેમ કરતી હતી. હું રાહ જોતી હતી કે તું ક્યારે તારા દિલની વાત મારી સામે જાહેર કરે છે! જો તેં એવું કર્યું હોત, તો આજે હું ફોનના સામા છેડા પર ન બેઠી હોત.’ બંને રડતાં રહ્યાં, અધૂરાં સપનાંનો ભાર વેઠતાં, અઢી દાયકાના ઝૂરાપાને યાદ કરતાં અને બહુ નજીકના સમયમાં મળવાનો વાયદો કરતાં એક અલગ ભાવવિશ્વમાં ખોવાઇ ગયાં. એક વાર શેખર અને પૂર્વા મળ્યાં પણ ખરાં. પણ એ મિલન ખતમ થતાં નાટકના અંતિમ દૃશ્ય જેવું બની રહ્યું. એ પછી દસેક દિવસ બાદ પૂર્વાનું દુ:ખદ અકસ્માતમાં મૃત્યુ થયું. એ ઘટના પર બીજાં સોળ વર્ષ ચડી ગયાં. 2016, ડિસેમ્બરની વીસમી તારીખે શેખરની ઓફિસમાં જોબ માટેનો ઇન્ટરવ્યૂ હતો. જોબ માટે આવેલી અપૂર્વાને જોઇને શેખર સ્તબ્ધ થઇ ગયો. કોઇ પણ જાતની લોહીની સગાઇ ન ધરાવતી બે વ્યક્તિઓ વચ્ચે આટલી કક્ષાનું સામ્ય હોઇ શકે ખરું? જગતભરમાં થયેલા એક સર્વે અનુસાર, દરેક મનુષ્ય સાથે સામ્ય ધરાવતી બીજી સાત વ્યક્તિઓ હોય છે. તો શું અપૂર્વા એ પૂર્વા જેવી જ લાગતી સાત વ્યક્તિઓમાંની એક હશે? એક જ ઓફિસમાં સાથે કામ કરતાં કરતાં અપૂર્વા પણ શેખરને ચાહવા લાગી. માતા-પિતાના હઠાગ્રહને કારણે અપૂર્વાનાં લગ્ન સારું કમાતા, પણ અત્યંત કદરૂપા પુરુષ સાથે કરી દેવામાં આવ્યાં હતાં. એનો પતિ માત્ર દેખાવથી જ નહીં, સ્વભાવથી પણ કુરૂપ હતો. અપૂર્વા પિયરમાં આવી ગઇ. શેખરની જિંદગીમાં વસંત ખીલી ઊઠી. શેખર પૂર્વાની ગેરહાજરીને ભૂલી જાય એવો પ્રેમ અપૂર્વાએ આપ્યો. પણ આ બધું લાંબુ ન ચાલ્યું. અચાનક અપૂર્વાના સ્વભાવમાં રહેલી વિસંગતિઓ બહાર આવવા માંડી. શેખરને સમજાઇ ગયું કે આગિયાના ઝબકારાથી દિવસ ન થઇ શકે, એના માટે તો સૂર્યપ્રકાશ જ જોઇએ. અપૂર્વાએ પણ શેખરમાંથી રસ ગુમાવી દીધો. ચોર્યાસી લાખ જન્મોના સથવારાનો વાયદો આપતી અપૂર્વા ચાઇનીઝ માલની જેમ ચાર દિવસનું ચાંદરણું સાબિત થઇ ગઇ. બંને લડ્યાં-ઝઘડ્યાં વિના ગ્રેસફુલી છૂટાં પડ્યાં. શેખરના હૃદય પર પૂર્વાના મૃત્યુથી જે જખમ થયો હતો એ અપૂર્વાના પ્રેમરૂપી મલમથી રૂઝાયો તો ખરો, પણ અકાળે એ ચાલી ગઇ એના કારણે હૃદય પર વળેલું ભીંગડું પાછું ઉખડી ગયું. એક પ્રેમિકા મોતના કારણથી ચાલી ગઇ, બીજી સ્ત્રી મનભેદના કારણથી. શેખર જીવવા ખાતર જીવી રહ્યો છે અને કોઇ પૂછે તો કહી રહ્યો છે : ‘સૌંદર્યનું રિક્ત સ્થાન ભરપાઇ થઇ શકે પણ સ્વભાવ, સંસ્કાર, પ્રેમ અને વફાદારીનું સ્થાન ભરી નથી શકાતું.’⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...