માનસ દર્શન:સ્પૃહા ઓછી થશે તો સ્પર્ધા ઓછી થશે

એક મહિનો પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક

ત્સંગ દરરોજ નવીનવી કૂંપળો પ્રગટાવે છે. મને તમે પૂછો તો હું તમને અનુભવથી કહું, સત્સંગથી સૌથી પહેલું કામ એ થાય છે કે સત્સંગ કરવાથી માણસની સ્પૃહા ઓછી થાય છે. સ્પૃહા ઓછી થઈ જાય તો સમજી લેવું કે સત્સંગના એક ઓરડામાં તમે પ્રવેશ કરી લીધો. હું જોઉં છું, મારી સિત્તેર વર્ષની યાત્રામાં કથાના માધ્યમથી ઘણાં લોકોની સ્પૃહા ઓછી થઈ ગઈ છે. હું કહું છું, થોડું ધંધામાં ધ્યાન આપો. તો લોકો કહે છે, બાપુ, જવા દો ને! અહીં જે મોજ આવે છે એવી મોજ ધંધામાં ક્યાં આવે છે? આ પ્રત્યક્ષ પ્રમાણ છે. મને કોઈ પૂછે, કથા શું કરે છે? આટલા યુવાનો કથા સાંભળવા આવે છે; યુનિવર્સિટી કે પોતાની કોલેજોને છોડીને આવે છે; આટલા મધુર પ્રશ્નો પૂછે છે! કેવા-કેવા પ્રશ્નો પૂછે છે? સત્સંગ કરતાં-કરતાં કેવળ રામપ્રેમ સિવાય આપણી કોઈ આકાંક્ષાઓ, કામનાઓ કે અન્ય કોઈ સ્પૃહા ન રહે. શુકદેવજી કહે છે, કોઈ પણ પ્રકારે અમારું મન કૃષ્ણમાં સમર્પિત રહો. ‘શ્રીમદ્ ભાગવત’નું સૂત્ર છે કે ભાવમાં, અભાવમાં, વિયોગમાં, યોગમાં, પુકારમાં, પીડામાં, મૌનમાં, ચીસમાં કોઈ પણ રીતે આપણું મન ગોવિંદમાં લાગે તો સ્પૃહા ઓછી થાય છે. સ્પૃહા ઓછી થાય એનો ફાયદો એ થાય છે કે જેટલી સ્પૃહા ઓછી થાય છે એટલી બીજા સાથે સ્પર્ધા પણ ઓછી થાય છે. સ્પર્ધા વધે છે સ્પૃહાને કારણે. મને આટલું મળ્યું, આને વધારે મળ્યું, એવી સ્પૃહાથી સ્પર્ધા શરૂ થાય છે. જેટલી સ્પૃહા ઓછી, એટલી સ્પર્ધા ઓછી. સ્પૃહા વધી, તો સ્પર્ધા વધી. સ્પર્ધા વધે છે પછી દ્વેષ, નિંદા શરૂ થાય છે. સ્પૃહા ઓછી થશે સ્પર્ધા ઓછી થશે. અને જેમજેમ સ્પર્ધા ઓછી થશે તેમતેમ શ્રદ્ધા આવશે. આ આખો ક્રમ છે. શ્રદ્ધા તો તૈયાર છે આવવા માટે પરંતુ આપણે જગ્યા ક્યાં રાખી છે? સત્સંગ સ્પૃહા ઓછી કરે છે. તમે ખૂબ સત્સંગ કરો તો ધીરેધીરે તમારાં વ્યસન ઓછાં થતાં જાય છે. સ્પર્ધા ઓછી થવા લાગે છે તો શ્રદ્ધાને જગ્યા મળે છે. અને શ્રદ્ધા જેમજેમ આપણા ચિત્તમાં આસન જમાવે છે તો શ્રદ્ધા વિના ભટકતો વિશ્વાસ ક્યારેક ને ક્યારેક શ્રદ્ધા પાસે આવશે. સતી વિના શંકર ભટકતા હતા. ક્યારેક ઉપદેશ આપતા હતા; ક્યારેક કથા સંભળાવતા હતા. એકલી શ્રદ્ધા નહીં રહે. શ્રદ્ધા પછી વિશ્વાસ આવશે. વિશ્વાસ આવશે તો ભક્તિ આવશે. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ આવ્યો તો જિસસ કહે છે તેમ, પ્રેમ જ પરમાત્મા છે. સત્સંગ પશુ નથી કરી શકતાં. આગળના નૂતન જીવન માટે એમની પાસે કોઈ સાધન-સામગ્રી નથી. આપણને ફાયદો એ છે કે આપણે આગળ ગતિ કરી શકીએ છીએ. એમાં સૌથી મોટું સફળ માધ્યમ હોય તો સત્સંગ છે. કથાના રૂપમાં હોય, કોઈ પણ પ્રોગ્રામના રૂપમાં હોય, સુગમ સંગીતના પ્રોગ્રામના રૂપમાં હોય, લોકસંગીતના પ્રોગ્રામના રૂપમાં હોય, કોઈ પણ રૂપમાં હોય. તો આપણા જીવનના પંચાગ્નિને શાંત કરવાના આવા કેટલાક ઉપાયો આપણને મળે છે. જીવ તો સૌનો પવિત્ર છે. અંશના રૂપમાં બધાં ચેતન છે, અનલ છે, પરંતુ ક્યારેક-ક્યારેક એવા કુળમાં જન્મ થાય છે તો પછી એ દેખાયા વિના નથી રહેતું! ભુશુંડિ પહેલાં શૂદ્ર રૂપમાં જન્મ્યો હતો અને એમાં એણે થોડી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. કાગભુશુંડિ ‘ઉત્તરકાંડ’માં પોતાની આત્મકથા ગરુડને સંભળાવતા કહે છે, મારી પાત્રતા નહોતી અને અધમતાએ વિદ્યા પ્રાપ્ત કરી લીધી, જાણે સાપને દૂધ પિવડાવવામાં આવ્યું! કાગભુશુંડિ કહે છે, મારી ઉગ્ર બુદ્ધિ દંભ બની ગઈ. મને મારી વિદ્યા મળી ગઈ અને થોડું ધન મળી ગયું. ધનમાં હું મદમત્ત થઈ ગયો. મારી બુદ્ધિ ઉગ્ર થઈ ગઈ. ઉરમાં દંભ આવી ગયો. એ વખતે એને એ સારું લાગતું હતું. સમજ ન આવે ત્યારે ખોટો રસ્તો પણ આપણને સાચો લાગે છે. મારી તલગાજરડી દૃષ્ટિએ એ તપાગ્નિ-ક્રોધાગ્નિ છે. પછી એ આવે છે ઉજ્જૈનમાં. ત્યાં વૈદિક બ્રાહ્મણ, એને ગુરુ બનાવીને એની પાસેથી શિવમંત્ર લે છે પરંતુ વૈષ્ણવોનો વિરોધ કરે છે. હરિજનોને જોતાં જ કહે છે કે હું બળતો હતો એ હતો દ્વેષાગ્નિ; એ બીજો અગ્નિ. વિષ્ણુનો દ્રોહ કરે છે એ સમયે એને ખબર ન હતી કે મારા ગુરુ સમ્યક્ બોધવાળા હતા. હરિ-હરમાં કોઈ ભેદ નથી. મારી પાદુકા જોઈને જ શિવમંત્ર આપી દીધો. હું શિવ ઉપાસક પરંતુ વૈષ્ણવને જોઈને મને બહુ જલન થતી હતી. વિષ્ણુનો દ્રોહ કર્યો. બાકી હતું તો એકવાર મહાકાલના મંદિરમાં હું શિવનામ જપતો હતો અને ત્યાં ગુરુ આવે છે પરંતુ ઊભો થઈને આદર નથી આપતો. કાગભુશુંડિ હવે ત્રીજા અહંકારના અગ્નિમાં બેઠો છે એટલે ગુરુ આવ્યા ત્યારે ઊઠીને એમને પ્રણામ ન કર્યાં. મારી દૃષ્ટિએ સમ્યક્ બોધવાળા એ બુદ્ધપુરુષે સહન કરી લીધું પરંતુ ‘સહી નહીં સકે મહેસ.’ ત્યારે ભગવાન શંકર કોપિત થઈ ગયા. શાપ આપ્યો. ગુંજી ઊઠ્યું મહાકાલનું મંદિર. મહાદેવ બોલ્યા, તારા ગુરુ તો સમ્યક્ બોધના માણસ છે એટલે તારા પર ક્રોધ નથી કરી રહ્યા પરંતુ તારો માર્ગ ભ્રષ્ટ થઈ જશે; શ્રુતિમાર્ગ ભ્રષ્ટ થઈ જશે. ભયંકર અગ્નિ કસોટી છે, જેમાં ભગવાન શંકર ક્યારે ત્રીજું નેત્ર ખોલી દે ખબર નહીં! એવો એક ભયંકર અગ્નિ પ્રજ્વલિત થયો છે પરંતુ એ ચોથા અગ્નિમાંથી ગુરુએ એને બચાવી લીધો. પછી સાધુએ ‘રુદ્રાષ્ટક’ ગાયું. આ ચોથી અગ્નિપરીક્ષા. એમાંથી એને બચાવી લીધો ગુરુએ. આપણે ત્યાં કહેવાય છે કે હરિ રૂઠે તો ગુરુને શરણે જઈએ પરંતુ ગુરુ રૂઠે તો ક્યાં જઈએ? પરંતુ મને લાગે છે કે ગુરુ રૂઠે જ નહીં. હા, ત્રિભુવન રૂઠી ગયા પરંતુ એના જે બુદ્ધપુરુષ હતા એ ન રૂઠ્યા. એમણે તો ‘રુદ્રાષ્ટક’ ગાયું. શિવ પ્રસન્ન થઈ ગયા. પરમસાધુએ કહ્યું, મહારાજ, માફ કરશો. આ મારો બાળક છે. એના પર કોપ ન કરો. એને માફ કરો. ભગવાન શંકરે કેટલા શાપ આપી દીધા હતા! જે બોલી ગયા હતા એ તો થવાનું જ હતું પરંતુ મારા મત મુજબ આ ચોથો અગ્નિ છે. બીજા જન્મમાં બ્રાહ્મણનું જીવન મળ્યું. એક પોકારનો અગ્નિ હતો એ ગયો; એ જે ઉગ્ર બુદ્ધિ હતી એ ચાલી ગઈ. સ્વભાવ શાંત થઈ ગયો. બધો દંભ નીકળી ગયો. લોમસ સામે એણે કહ્યું કે આ બધા અગ્નિ શાંત થઈ જશે. પરંતુ એ પાંચમો અગ્નિ જે હતો એ આજ સુધી ભુશુંડિને બાળી રહ્યો છે અને એ છે - એક સૂલ મોહિ બિસર ન કાઉ. ગુર કર કોમલ સીલ સુભાઉ. એક આગ લાગી છે. પૂછયું, કઈ? તો કહ્યું, મારા ગુરુનો સ્વભાવ અતિ કોમળ છે; એમનું જે શીલ છે; એ આગ કાયમ ભુશુંડિને બાળે છે. જીવનમાં કોઈ પણ પરીક્ષા થાય, અગ્નિપરીક્ષા થાય, એ આપવી જોઈએ; એમાંથી બહાર નીકળવું જોઈએ

અન્ય સમાચારો પણ છે...