તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચારોના વૃંદાવનમાં:મીઢોળા નદીને વાચા ફૂટે તો! મોરારભાઈએ ગાંધીજીને રોકડું પરખાવ્યું

25 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ
 • કૉપી લિંક
 • ગાંધીજી સ્યાદલા ગયા ત્યારે સરદાર સાથે હતા. ગાંધીજીને મોરારભાઈની બે પત્નીઓ છે એ વાત ન ગમી. એમણે સરદારને એ વાત કરી

બારડોલી પાસે વહેતી મીઢોળા નદી સરદાર વલ્લભભાઈના નામ સાથે એકરૂપ થઇ ગયેલા 1928ના વર્ષમાં જે બારડોલી સત્યાગ્રહ થયો તે સાથે જોડાયેલી કથાઓ પોતાના પ્રવાહમાં સંઘરીને સતત વહેતી રહે છે. ગાંધીજી અને સરદાર સાથે જોડાયેલી એક કથા સાવ સાચી છે. કથા સાથે જોડાયેલાં બધાં જ પાત્રો હવે જીવંત નથી, પરંતુ હજી થોડાંક જીવે છે. એવું એક પાત્રનું નામ ગુણવંત શાહ છે. બારડોલી પંથકમાં વહેતી મીઢોળા નદીને કાંઠે સ્યાદલા નામનું ગામ આવેલું છે. એ ગામમાં મોરારભાઈ પટેલ નામે એક ખાધેપીધે સુખી ખેડૂત સરદારના સત્યાગ્રહમાં સક્રિય હતો. મોરારભાઈને માલપૂડા અને દૂધપાકનું જમણ અત્યંત પ્રિય હતું. સત્યાગ્રહના એ દિવસોમાં એક વાર ગાંધીજી અને સરદાર સ્યાદલા ગયા ત્યારે મોરારભાઈ જેવા ખેડૂતના હરખનો પાર ન હતો. મહાત્માને માલપૂડા ને દૂધપાક ન જમાડાય પરંતુ હૈયાના હરખને વાનગી સાથે શી લેવાદેવા? ખેડૂતનો સ્વભાવ એવો કે નાનો માણસ પણ મહેમાન તરીકે ઘરે આવે તો તેને જમાડતી વખતે હેતથી જમાડે અને એનો ઉમળકો થાળીમાં છલકાયા કરે! મહેમાનોને પણ ભોજનમાં ઘણુંખરું માલપૂડા-દૂધપાક જ મળે. મોરારભાઈને બે પત્નીઓ હતી. પ્રથમ પત્નીને સંતાન ન હતું તેથી એણે પતિને આગ્રહ કરીને પોતાની નાની બહેન સાથે પરણવાની ગોઠવણ કરી. એ જમાનામાં આવું બને તેની જરાય નવાઈ ન હતી. તાવડી વાજા પાર જે ગીતો સાંભળેલાં તેમાં એક ગીતની પંક્તિઓ યાદ છે: પિયુ, પરણીને વહેલા પધારજો રે પિયુ, પહેલી પેસેન્જરમાં આવજો રે! પત્ની પોતે પતિને કહે છે: ‘હે વહાલા! તમે નવી પત્ની સાથે વહેલા ઘરે આવજો અને વળી પહેલી ટ્રેનમાં જ આવી પહોંચજો. નવી પત્નીનું સ્વાગત પગથિયે ઊભેલી પ્રથમ પત્ની કરતી. તાવડી વાજાની એ રેકર્ડ પર ભૂંગળાની સામે ઊભેલા કૂતરાનું ચિત્ર કાયમ જોવા મળતું. કંપનીનું નામ હતું: ‘His master’s voice’. મોરારભાઈ એ જમાનાના સુખી ખેડૂત હતા. ગાંધીજી સ્યાદલા ગયા ત્યારે સરદાર સાથે હતા. ગાંધીજીને મોરારભાઈની બે પત્નીઓ છે એ વાત ન ગમી. એમણે સરદારને એ વાત કરી. ગાંધીજીની ગેરહાજરીમાં મોરારભાઈને ગાંધીજીનો અણગમો પહોંચાડી દીધો. તરત જ મોરારભાઈએ સરદારને કહ્યું: ‘આપ બાપુને મારી વાત પહોંચાડશો? હું આ બાબતે શ્રી રામનો નહીં, પરંતુ રામના પૂજ્ય પિતાશ્રી રાજા દશરથનો અનુયાયી છું. એમણે ત્રણ રાણીઓ સાથે લગ્ન કર્યા હતાં, જ્યારે મારે તો માત્ર બે જ છે ! હજી ત્રીજી માટે અવકાશ છે.’ સરદારે મૌન સેવ્યું અને મોરારભાઈને ગાંધીજી સામે જ ધરી દીધા. ગાંધીજી આવી દલીલ સાંભળીને મૂંગા થઇ રહ્યા. વાત ત્યાં જ પૂરી થઇ! ગાંધીજી જેવા મહાત્માને આવું રોકડું પરખાવનાર બીજા કોઈ મનુષ્યની મને ખબર નથી. હવે સીન બદલાય છે. ફિલ્મના ક્ષેત્રમાં સિનેમેટોગ્રાફરો એને ‘Cut’ કહે છે. 1928નો સીન કટ અને 1957નો સીન શરૂ! પૂજ્ય રવિશંકર મહારાજની ભૂદાન પદયાત્રા દરમિયાન સ્યાદલા જવાનું થયું. પૂજ્ય મહારાજ તો છેક 1928થી મોરારભાઈના પરિચિત હતા. મોરારભાઈનો ઉપરોક્ત પ્રસંગ મને મારા સત્યાગ્રહમાં કાયમી રીતે જોડાતા મગનકાકાએ અનેક વાર સંભળાવેલો. હું મોરારભાઈને મળવા ઘણો આતુર હતો. એમના ઘરે પહોંચ્યા ત્યારે હરખભેર મોરારભાઈએ પોતે અમને સૌને આ પ્રસંગ કહી સંભળાવ્યો ત્યારે પદયાત્રાનો બધો થાક ગાયબ! ભોજનમાં માલપૂડા અને દૂધપાક ! હું અને મિત્ર હર્ષકાંત વોરા ખુશ ખુશ! પૂજ્ય મહારાજનું ખાંડ ન ખાવાનું વ્રત હતું તેથી મિષ્ટાન્ન ખાવાની ખરી મજા અમારા જેવા (મહાદેવના ) પોઠિયાઓ જ માણતા ! બારડોલીમાં પ્રવેશ થયો ત્યારે મીઢોળાને કાંઠે ચાલતી વખતે પૂ. મહારાજે એક પ્રસંગ કહ્યો હતો. સદ્્ગત નરહરિ પરીખના સુપુત્ર મોહનભાઇએ મીઢોળા નદીથી થોડેક દૂર સુરુચિ વસાહતની સ્થાપના કરી હતી. એ સંસ્થાના મુદ્ર્ણાલયમાં જ મારો પ્રથમ નિબંધસંગ્રહ છપાયો હતો. ચાલતી વખતે અમને મીઢોળા બતાવીને પૂજ્ય મહારાજે કહ્યું: ‘અંગ્રેજી છાપાના એક પત્રકારે મને પ્રશ્ન પૂછ્યો: ‘હું બારડોલીમાં અને આજુબાજુનાં ગામોમાં ફરું છું અને લોકોને મળું છું. મને માનવામાં નથી આવતું કે આવી નિસ્તેજ પ્રજા 1928માં આવું મોટું પરાક્રમ કરી શકે. આ વાત હજી મારા ગળે નથી ઊતરતી.’ પૂજ્ય મહારાજે સામે વહેતી ક્ષીણ મીઢોળા બતાવીને કહ્યું: ‘આ મીઢોળા જોઈ? અત્યારે તો એ શાંત રીતે પાતળી જણાય છે ને? પરંતુ જ્યારે એમાં ઘોડાપૂર આવે ત્યારે એનો મિજાજ જોવા જેવો હોય છે. એમાં બધું તણાઈ જાય છે. બસ, 1928માં ત્યારે સરદાર નામનું ઘોડાપૂર આવ્યું હતું.’ બારડોલી પંથકમાં બાજીપુરા ગામનું નામ જાણીતું છે. ત્યાંના મકનજી સોલા લડતમાં સક્રિય હતા. બારડોલી સ્વરાજ આશ્રમમાં રહેતા હતા ત્યારે સવારે ચાલતા નીકળી પડ્યા. ત્યાં એકાએક મકનજીભાઈ સામે મળી ગયા. સરદાર અને મકનજી વચ્ચે જે વાતચીત થઇ તે ગાંધીજીના પૌત્ર શ્રી રાજમોહન ગાંધીએ નોંધી છે. સરદારનું ટિખળ કેવું? સાંભળો: સરદાર: મકનજી ક્યાં ચાલ્યા? મકનજી: ગામના સ્મશાનનું આજે ઉદ્્ઘાટન થવાનું છે. તેનો સામાન ખરીદવા માટે જઈ રહ્યો છું. સરદાર: (પાસે સામાન ઉપાડનારા ગધેડાને જોઈને) તે માટે આ ‘ઘોડું’ પણ લીધું લાગે છે. મકનજી: હા, જી! સરદાર: બધી તૈયારી થઇ ગઈ લાગે છે. મકનજી: જી, હા! સરદાર: ઉદ્્ઘાટન માટે એકાદ મુડદું પણ તૈયાર રાખ્યું હશે ને? મારી માહિતી મુજબ મકનજીભાઈએ બૉમ્બ પણ બનાવ્યો હતો અને એ ફોડ્યો પણ હતો. મીઢોળાને આ વાતની ખબર છે. જેમને ઘરે એ બૉમ્બ ફોડવામાં આવ્યો હતો, તે ભાઈનું નામ મહેશભાઈ નાયક છે. તેઓ હાલ કેનેડામાં નાયગ્રાના ધોધની પાસેના કોઈ નગરમાં અત્યંત સુખી પરિવાર સાથે રહે છે. ⬛ }}} પાઘડીનો વળ છેડે કોણ કહે છે કે વલ્લભભાઈ સાક્ષર નથી. બારડોલીનાં ભાષણોમાં જે જીવતી સરસ્વતી વહે છે, વીર, કરુણ, હાસ્ય ઇત્યાદિ બધા જ રસો જેમાં ઊછળી ઊઠે છે, તેવી ભાષા કોઈ ચમરબંદી સાક્ષર લખી કે બોલી તો બતાવે! -કાકા કાલેલકર Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો