360૰ ડિગ્રી:જળાશયો છલકાય છે તો આટલું બધું પાણી ક્યાં જાય છે?

અર્પણ મહેતા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં સૌરાષ્ટ્રના ડેમો એકથી વધારે વાર ઓવરફ્લો થઈ ગયા છે તેમ છતાં થોડા મહિના પછી પાણીની સમસ્યા ઊભી થાય છે. આનો શું ઉકેલ?

ગુજરાત પર મોડી મોડી પણ મેઘ મહેર થઈ તો ખરી. નર્મદા સહિતના ડેમોની સપાટી પણ ઊંચી આવી છે અને સૌરાષ્ટ્રના ડેમો પણ એકથી વધારે વાર ઓવરફ્લો થઈ ગયા છે. સૌથી મોટો એવો શેત્રુંજી, ભાદર તથા અન્ય ડેમો છલકાયા છે. પ્રશ્ન એ છે કે આવું જ્યારે જ્યારે પણ બને છે એનાં બીજાં વર્ષે-થોડા મહિના પછી જ પાણીની સમસ્યા તો એમ જ ઊભી રહે છે. હજારો ગેલન પાણી તો એમ જ વહી જાય છે દરિયામાં. એનો કોઈ ઉકેલ ખરો? દરિયામાં વહી જતાં પાણીનો કોઈ હિસાબ નથી ગુજરાતના ઊકાઈ, ધરોઈ, હસનાપુર અને આજીડેમમાં એક મર્યાદાથી વધારે પાણી એમાં ભરાય અને એ છલકાય પછી એને સાચવવાંની કોઈ વ્યવસ્થા નથી. એક અભ્યાસ તો એવું કહે છે કે ભારતમાં વરસતા કુલ વરસાદના માત્ર 8 ટકા પાણીનો સંગ્રહ થઈ શકે છે. દરિયામાં પાણી જાય જ નહીં તો? લાખો ગેલન, હજારો લિટર પાણી આમ વહી જાય અને એને રોકી જ ન શકાય ? હવે નવો ડેમ બનાવવાનું શક્ય નથી. ડેમમાં પાણી આવે કે ન આવે જે જમીન ડૂબમાં એટલે કે ડેમના વિસ્તારમાં આવતી હોય એ હસ્તગત કરવામાં સરકારના પગે પાણી ઊતરે. એટલે જે ડેમો છે એની જળસંગ્રહશક્તિ વધે એ જરૂરી છે. ડેમો હવે કેમ જલદી છલકાય છે? અનેક ડેમ એવા છે જે ચોમાસામાં વારંવાર છલકાઈ શકે છે કારણ એની અંદર કાંપનું પ્રમાણ વધતું જતું હોય છે. સિંચાઈ વિભાગ સમયાંતરે શિલ્ટ સરવે કરાવતો હોય છે. ક્યા ડેમના તળિયે કેટલો કાંપ છે એ જોવડાવે. પરંતુ એના માટે ડેમ ખાલી થવા, સાવ સપાટ મેદાન થઈ જવાં જરૂરી છે. ગુજરાતમાં 1999માં દુષ્કાળ પડ્યો ત્યારે ડેમો તદ્દન ખાલી હતા ત્યારે કેટલાંક જળાશયોને ઊંડા ઉતારવા માટે કાંપ કઢાયો હતો પરંતુ એ પછી તો ડેમો ભરાયેલા રહ્યા છે. દર વર્ષે વરસાદી પાણીની સાથે કાંપ તણાઈને આવે એટલે ડેમની ઊંડાઈ ઘટતી જાય. અનેક ડેમ એવા છે જે ચોમાસામાં બે વાર છલકાઈ જાય છે. આખરે એ પાણીનો વ્યય થાય છે. પાણી બચાવવાં માટે, પાણીનો સંગ્રહ કરવા માટે વૈજ્ઞાનિક ઢબે સતત વિવિધતાસભર પ્રયાસો થતા જ રહે છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગ- વરસાદી પાણીનો સંગ્રહ હવે દેશ-વિદેશમાં ગંભીર વિષય છે. પાણીનો સંગ્રહ બે રીતે થઈ શકે એક તો વરસાદી પાણી જમીનમાં ઉતારીને એ બચાવી શકાય અ બીજો ઉપાય ભોંયટાંકા કે અન્ય ખુલ્લાં જળાશયો બનાવવાં એ છે. ભૂગર્ભજળ સંચય અત્યંત અગત્યની વાત છે. ભૂગર્ભ જળસંગ્રહનું ચિંતન અને ચિંતા થોડાં વર્ષો પહેલાં વોટર એસ્ટિમેશન કમિટીએ ગ્રાઉડ વોટર રિસોર્સ અંગે એક અભ્યાસ હાથ ધર્યો હતો. તે અનુસાર આખા દેશ માટે 433 બિલયન ક્યુબિક મીટર ભૂગર્ભ જળની જરૂર છે પરંતુ આપણી પાસે 399 બિલિયન ક્યુબિક મીટર ભૂગર્ભ જળ પ્રાપ્ય છે. ચોમાસાની ઋતુ દરમિયાન દેશની 77 ટકા જમીનમાં પાણી રિચાર્જ થાય છે. ગુજરાતની ટોપોગ્રાફી એટલે કે જમીનની સમથળતા અને ભૂગર્ભ એવાં છે કે અહીં ઘણી જમીન પાણી ઉલેચવા માટે નકામી છે. ગુજરાત પાસે દેશનાં પાણીના સ્ત્રોતો પૈકી 2 ટકા સ્ત્રોત છે અને દેશની કુલ વસ્તીના 5 ટકા લોકો અહીં વસે છે. કેટલાક પ્રયાસો થયા વડોદરામાં તો ગયાં વર્ષે સુંદર પ્રયાસ થયો. વડોદરા જિલ્લાની 1000 સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જળસંચયના ‘જલનિધી પ્રોજેક્ટ’ અંતર્ગત પ્રતિ સ્કૂલ 1 લાખ લિટર પાણીનો સંચય થાય એવી વ્યવસ્થા કરવામાં આવી. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 1, 30, 000 વિદ્યાર્થીઓ સાડા ચાર વર્ષ પી શકે એટલું પાણી આ ‘જલનિધી પ્રોજેક્ટ’ દ્વારા સંગ્રહાયું છે. તો બીજી બાજુ પૂર માટે જાણીતા સુરતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 3263 મિલિયન ક્યુબિક મીટર પાણી દરિયામાં જતું રહ્યું છે. જો એનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોત તો 65 લાખ લોકોને બે વર્ષ સુધી આપી શકાય એટલો એ પુરવઠો હતો. ‘જાન હૈ તો જહાન હૈ’ની જેમ જ ‘જલ હૈ તો જહાં હૈ.’ ⬛

આખરે સંગ્રહ કેટલો? વ્યય કેટલો? ડેમ ભરાય, છલકાઈ જાય અને વરસાદ રહી જાય પછી એની કુલ ઊંચાઈ-ઊંડાઈ જેટેલો જથ્થો પાણીનો હોય, એને મિલિયન ક્યુબિક ફિટ- MCFT માં માપવામાં આવે. એટલે કેટલું પાણી સંગ્રહાયું અને તે કેટલું ચાલશે એનો ખ્યાલ તો ચોમાસાને અંતે આવી જાય. પરંતુ કેટલું પાણી વહી ગયું એની ખબર તો ન પડે. ગુજરાતના સિંચાઈ વિભાગના કાર્યક્ષેત્રમાં જે ડેમ આવે છે એમાં એક જ નામના 3- 4 ડેમ હોય. એ કંઈ એમ જ પાડવાં ખાતર પાડેલાં નામ ન હોય. એક ડેમમાંથી જે પાણી છલકાય એ વહેતું-ધસમસતું આગળ જાય એટલે બીજો ડેમ ભરાય પછી ત્રીજો...એમ જે ડેમ છેલ્લે આવે એમાંથી જેટલુ પાણી જાય એટલો વ્યય ગણી શકાય. જેમ કે સૌરાષ્ટ્રના મુખ્ય શહેર પાસે આવેલો ડેમ આજી-1 ડેમ છે. ત્યાંથી જે પાણી વહી જાય એ સીધું દરિયામાં જતું નથી આજી-2, આજી-3 પછી છેક આજી 4 ડેમ જોડિયા પાસે છે અને ત્યાં સીધો દરિયો છે એટલે આજી-4 માંથી જે પાણી છલકાય એ દરિયામાં જાય. આવું જ અન્ય ડેમોમાં પણ કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...