માયથોલોજી:આપણો ધર્મ દૂર થયો તો માનસિક આધાર પણ નહીં રહે

એક મહિનો પહેલાલેખક: દેવદત્ત પટનાયક
  • કૉપી લિંક
  • માણસોએ બનાવેલા નિયમોની ક્યારેક અવગણના થઇ શકતી હતી, પણ દેવતાઓએ બનાવેલા નિયમોની નહીં. આ રીતે ધર્મનું સ્વરૂપ બદલાયું

આપણી કલ્પનાશક્તિએ ધર્મનું નિર્માણ કર્યું છે. સ્વર્ગ અંગે આપણી કલ્પના એવી છે કે એ દુનિયામાં ભૂખ અને મૃત્યુ નથી હોતાં. ઇશ્વર માટેની આપણી કલ્પના એવી છે કે એવી વ્યક્તિ જે સંવેદનશીલ અને ઉદાર છે અને બિનશરતી સૌને પ્રેમ કરે છે. જો કલ્પનાશક્તિ ન હોય તો ન તો સ્વર્ગ રહેશે, ન ઇશ્વર. એવી દુનિયા જ શેષ બચશે, જ્યાં કંઇ પણ શક્ય નહીં હોય. શરૂઆતના જનજાતિના સમૂહોએ કુદરતની શક્તિઓ અને તેની અનેક લયને દૈવી માની. તેઓ એ લય અનુસાર પોતાનું જીવન જીવવા લાગ્યા. ધર્મે ઋતુઓનાં પરિવર્તન, પક્ષીઓ, માછલીઓના વસવાટ અને પ્રજનન ચક્ર તથા તારા ટમટમવા એ બધાનો ઉત્સવ મનાવો. આમ લય પર આધારિત અનુષ્ઠાન, ગીત અને નૃત્યો બન્યાં. કૃષિ ક્રાંતિ સાથે આપણે પ્રકૃતિના લયને નિયંત્રિત કરતાં શીખ્યા. હવે આપણે જ નક્કી કરતા હતા કે કયો પાક ક્યારે ઉગાડવો છે અને કયો વેપાર માટે ઉગાડવો છે? કેટલાક છોડ બીજા છોડ કરતાં વધારે કિંમતી બની ગયા. આપણે પ્રાણીઓને પાળી તેમની જાતિ વધારવા લાગ્યા. લય વાવણી અને લણણી પર કેન્દ્રિત હતી. જોકે પાકનું પૂર્વાનુમાન કરવાનું મુશ્કેલ હતું. ક્યારેક ભરપૂર પાક ઊગતો હતો તો ક્યારેક સાવ ઓછો! કુદરત પર નિયંત્રણ મેળવ્યાનો આપણો ભ્રમ હતો. આથી લોકો ફળદ્રુપતાની દેવીઓની પૂજા કરવા લાગ્યા. તેમને આશા હતી કે આ દેવીઓની પૂજાથી ભરપૂર પાક નીપજશે, પશુઓની પ્રજનનક્ષમતા વધશે અને દુષ્કાળ તથા બીમારી ઉત્પન્ન કરતા રાક્ષસોનો વધ કરશે. ખાદ્યભંડારોને ચોરોથી બચાવવાનું પણ જરૂરી બની ગયું હોવાથી ગામનું રક્ષણ કરવા માટે રક્ષણકર્તા દેવતાઓની પૂજા કરવાની શરૂઆત થઇ. સમૃદ્ધિની સાથે લોકો એકબીજા સાથે વેપાર કરવા લાગ્યા અને શહેરોનો પણ વિકાસ થયો. આથી લોકોને નિયમોની જરૂરિયાત જણાઇ. માણસોએ બનાવેલા નિયમોની ક્યારેક અવગણના થઇ શકતી હતી, પણ દેવતાઓએ બનાવેલા નિયમોની નહીં. આ રીતે ધર્મનું સ્વરૂપ બદલાયું. હવે દેવતાઓ નક્કી કરવા લાગ્યા કે શહેરી લોકોએ કઇ રીતે જીવવું? દેવતાઓને કારણે વિવાદો ઓછા થવા લાગ્યા. એમણે નિષ્પક્ષતા અને ન્યાય નક્કી કર્યાં. જેમ જેમ માનવ જાનજાતિમાંથી ખેતી અને ખેતીમાંથી શહેરી સમાજમાં પરિવર્તિત થતો ગયો, એવી રીતે માનવતા પણ માનવ હોવાનો અર્થ વિચારવા લાગી. કેટલાક છોડ જમીન ખાઇ જાય છે, પ્રાણીઓ પણ ખાય છે અને પ્રાણીઓને બીજા પ્રાણીઓ ખાય છે. મનુષ્ય છોડો અને પ્રાણીઓ બંનેને ખાવા ઇચ્છે છે, પણ એ નથી ઇચ્છતો કે પોતાને કોઇ ખાઇ જાય. તો પછી માનવીય અસ્તિત્વનો હેતુ શો છે? તેનો ઉત્તર આપણને કુદરત પાસેથી નથી મળતો. તેથી લોકો અનુમાન કરે છે, જેનાથી માનવતાનો હેતુ સિદ્ધ કરતી વાર્તાઓ બને છે. દુનિયાનું તાર્કિક વિશ્લેષણ કરતાં આપણને સમજાશે કે દેવી-દેવતાઓ, ઇશ્વર, દાનવો અને શેતાનોની ધારણાઓ વિવિધ માનસિક રચનાઓ છે, જે આપણને જીવન જીવવામાં મદદ કરે છે. એ ભૌતિક દૃષ્ટિએ સાચું નથી, કેમ કે તેનું માપ કાઢી શકાતું નથી. પણ તે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સાચું છે, કેમ કે એ નિરંકુશ, બેચેન અને ભયભીત મનને આધાર આપે છે. જો ધર્મને દૂર કરી દેવામાં આવે તો માનસિક આધાર અને માનવજીવનનો હેતુ અને અર્થ જ નહીં રહે.

અન્ય સમાચારો પણ છે...