તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાગ બિન્દાસ:એક હંસે તો સબ હંસે સૌથી ચેપી ‘હાસ્ય રોગ’!

એક મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • જેમ પ્રાણીઓનાં ટોળાંમાં એક પ્રાણી ઉભું થઈને દોડવા માંડે કે તેની સાથે રહેલું આખું ટોળું તેની સાથે દોડવામાં જોડાઇ જાય એવું જ હાસ્યનું છે. એક હસે-સૌ હસે! લોકોમાં ચેપી હાસ્ય ફેલાવવાની આર્ટ પાછળ એક સાયન્સ છે

ટાઇટલ્સ દરેક હીરો એક સમય પછી જોક ને છેવટે બોર બનીને રહી જાય છે! (છેલવાણી) મહાન ચિંતક કવિ એમરસન, જાણીતા ફિલસૂફ થોરોને મળવા જેલમાં ગયા ને પૂછ્યું, ‘તમે અહીં અંદર શું કરો છો?’ તો થોરોએ સામે એમર્સનને પૂછ્યું,‘ તું ત્યાં બહાર શું કરે છે?’… ને બેઉ હસી પડ્યા! કહેવાય છે કે તમે હસશો તો દુનિયા તમારી સાથે હસશે પણ રડવું તો તમારે એકલાએ પડે. કોરોનાની જેમ હાસ્ય પણ ચેપી રોગ છે. એક હસે એટલે એક પછી એક સમૂહમાં સૌ હસે. જીવંત ઉદાહરણ: ગુજરાતી કોમેડી નાટક જોવું. એમાં શરૂઆતમાં છૂટક છૂટક હાસ્યની લહેરી હોય, પછી હાસ્યનાં મોજાં આવે ને પછી હાસ્યનાં ઘોડાપૂર! ઘણીવાર નવું નાટક આવે તો પ્રોડ્યુસર પોતાના પૈસે 10-12 માણસોને અલગ-અલગ ખૂણે બેસાડે. તેઓ હાસ્યની શરૂઆત કરી આપે એટલે ઓડિયન્સને ખ્યાલ આવે કે અહીં હસવાનું છે ને પ્રેક્ષકો જાતે જ હસવા લાગે. એમ. જી. રામચંદ્રન જેવા સાઉથના સુપરસ્ટાર ફિલ્મના સેટ પર પોતાની સાથે ચાર-પાંચ ચમચાઓ રાખતાં જે એમના દરેક જોક પર તરત રિસ્પોન્સ આપીને તાળી પાડીને હસવા લાગતા! ઇવન કપિલ શર્મા શોમાં લાઇવ ઓડિયન્સને હસવા માટે લાવવામાં આવે છે. (એટલે માત્ર બિચારા નેતાઓ જ રેલીઓમાં તાળી પાડવા ભાડૂતી ભીડ લાવે છે એવું નથી હોં!) ટાંગાનિકા (અત્યારનું ટાન્ઝાનિયામાં ૧૯૬૨માં કાશશા નામના ગામમાં છોકરીઓની બોર્ડિંગ સ્કૂલમાં એક અજીબ પ્રસંગ બનેલો. ત્યાં ત્રણ છોકરીઓએ અચાનક હસવાનું શરૂ કર્યું. પછી તેનો ચેપ આખી સ્કૂલમાં ફેલાયો ને 59થી 159 જેટલી છોકરીઓ સતત હસવા માંડી. ત્યાં સુધી કે સ્કૂલને થોડાં અઠવાડિયાં બંધ રાખવી પડી. પછી મે મહિનામાં સ્કૂલ ખોલી ત્યારે ફરી 57 છોકરીઓને હસવાનો રોગ લાગુ પડ્યો ને ફરીથી સ્કૂલ બંધ કરવી પડી. આ હાસ્ય હુમલો થોડી મિનિટોથી લઈને કલાકો સુધી ચાલતો. કેટલાક કેસોમાં તો આની અસર બબ્બે અઠવાડિયાં સુધી સતત રહેતી. શિક્ષકોએ રિપોર્ટ કર્યો કે હાસ્ય હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ ઘણા સપ્તાહ સુધી ભણવામાં ધ્યાન નથી આપી શકતા. જે છોકરીઓને ઘરે પાછી મોકલાવી હતી તેમનાં દ્વારા આસપાસ પણ હાસ્ય રોગ ફેલાયો…અને દસ દિવસમાં આજુબાજુના બે ગામની સ્કૂલો બંધ કરવી પડી! એ પછીનાં બે વર્ષમાં આસપાસની 14 એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ બંધ કરવી પડી કે જેનાથી હાસ્ય રોગનો ચેપ વધારે ના ફેલાય! (ખાસ વૈધાનિક ચેતવણી: ચેપી હાસ્ય વિશેનો આ લેખ વાંચીને સેનેટાઇઝરથી હાથ ધોઇ લેવા!) ઇંટરવલ હંસ તૂ હરદમ, ખુશિયાં યા ગમ! (અમિત ખન્ના) કોમેડી ટીવી સિરિયલમાં પ્રસંગો ચાલતા હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં હસવાના અવાજો મૂકવામાં આવે છે જેને ‘લાફ્ટર ટ્રેક’ કહેવાય છે. 9 સપ્ટેમ્બર 1950ના દિને કોમેડી શો ‘ધ હેન્ક મેકકન શો’ના નિર્માતાને એપિસોડ એકદમ નબળો ને ફિક્કો લાગ્યો. પછી તેણે લાઇવ ઓડિયન્સને બેસાડીને લાફ્ટર ટ્રેક રેકોર્ડ કર્યો. હસવાના અવાજો એપિસોડમાં ઉમેર્યા ને આમ રેડીમેડ સિરિયલોમાં નકલી હાસ્ય ઉમેરવાની શરૂઆત થઈ. ટીવીમાં, નાટક કે સિનેમાની જેમ સેંકડો લોકોના જીવંત પ્રતિભાવ મળવા શક્ય નથી એટલે પરાણે હાસ્ય ઉમેરવું પડે. જો કે ઘણીવાર આપણે સિરિયલ જોઇને ખરેખર સાથે હસતા હોઈએ છીએ તો પણ ક્યારેક સિરિયલ પર હસતા હોઈએ છીએ કે ભૈ, આમાં હસવા જેવું છે શું? (ઘણીવાર તો ટીવી ચેનલવાળા અમારા જેવા લેખકોને પૂછતા હોય છે કે સ્ક્રિપ્ટમાં દરેક પાના પર કેટલા જોકસ છે?) જોકે ટીવી સિટકોમના લાફ્ટર ટ્રેક ઉમેરાવાની પ્રથાની અગાઉ છેક 1922માં રેડિયો નાટકમાં હાસ્ય ઉમેરવાની શરૂઆત થયેલી, ‘ધ પરફેક્ટ ફૂલ’ નામના નાટકથી.. તેમાં એનાઉન્સરે ટેકનિશિયનો અને બીજા કલાકારો પાસે હસવાના અવાજો રેકોર્ડિંગ વખતે કરાવ્યા ને પછી રેડિયોવાળાએ ધારી લીધું કે હસવાના અવાજો નાખીશું તો શ્રોતાઓ પણ હસશે ને થયું પણ એમ જ! લોકોમાં ચેપી હાસ્ય ફેલાવવાની આર્ટ પાછળ એક સાયન્સ છે. સફળ હાસ્ય કલાકાર એક સંવાદ બોલે પછી લોકોને હસવાનો સમય આપે કે પૉઝ આપે. લોકો હસી લે પછી બીજો સંવાદ બોલે. નવોસવો કલાકાર હોય તો તેના અમુક સારા સંવાદો લોકોના હાસ્યમાં દબાઇને વેડફાઇ જતા હોય છે. હસાવવાની કળા લાંબા અનુભવે જ શીખી શકાય. કોમેડીમાં બહુ શાર્પ ટાઇમિંગ જોઇએ, હાસ્યમાં યા તો સફળતા છે યા ડાઇરેક્ટ મોત છે એમાં મિડિયોક્રિટી કે સાધારણ પ્રયત્ન ના ચાલે! મારો એક મિત્ર નાટક ડિરેક્ટ કરતો હતો. તો એમાં હાસ્ય કલાકારે પૂછ્યું કે હું સ્ટેજ પર આવતાંવેંત ઠોકર ખાઈને ગુલાંટ ખાઇને પડી જાઉં તો? લોકો ખૂબ હસશે, ટ્રાય કરું?’ ‘એના કરતાં એક્ટિંગ જ ટ્રાય કરને!’,ડિરેક્ટરે કહ્યું! જોકે હવે નકલી રેડીમેડ હાસ્યનો એટલો બધો ઓવરડોઝ થાય છે કે ના પૂછો વાત. ટાઈમ મેગેઝિને સદીના ‘100 ખરાબ આઈડિયાઝ’માં આ રેડીમેડ હાસ્યના આઈડિયાને સ્થાન આપ્યું છે. (હવે તો ૧૦૦૦-૧૨૦૦ રૂ.માં લાફ્ટર બોક્સ પણ આવે છે. તેમાં બટન દબાવો એટલે તમને જાતજાતનાં હાસ્ય સાંભળવા મળે!) ઘણાં ગુજરાતી નાટકોમાં એકનો એક જોક એટલો બધો રીપીટ થતો હોય છે કે કોઈ ગલગલિયાં કરે તો પણ હસવું ના આવે. વર્ષોથી એક જોક ચાલે છે કે ‘ મુંબઇમાં શિવાજી પાર્ક મેદાનનું નામ એટલે પડ્યું કે શિવાજી, પોતાનો ઘોડો ત્યાં પાર્ક કરતા હતા.’ હવે તો આ જોક એટલો પ્રખ્યાત છે કે કલાકાર અડધું વાક્ય બોલે તો બાકીનો જોક પ્રેક્ષકો પૂરો કરે! ઇનશોર્ટ, જેમ પ્રાણીઓનાં ટોળાંમાં એક પ્રાણી ઉભું થઈને દોડવા માંડે કે તેની સાથે રહેલું આખું ટોળું તેની સાથે દોડવામાં જોડાઇ જાય એવું જ હાસ્યનું છે. એક હસે-સૌ હસે! આજકાલ સોશિયલ મીડિયામાં રાતદિન જોક્સ અથવા તો નફરતના સંદેશાઓ સતત વહેતા મૂકાય છે પણ હાસ્યનું પણ હિંસા જેવું છે કે અચ્છો ભલો માણસ જ્યારે ટોળાંમાં ભળી જાય પછી વિચાર્યા વિના હિંસા કરવા માંડે! ઇટ્સ કોલ્ડ: મૉબ મેન્ટાલિટી! ટોળાંની માનસિકતા! હાસ્ય અને નફરત બેઉ ચેપી રોગ છે, હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયાં ટોળાનો હિસ્સો બનવું છે! એંડ ટાઇટલ્સ આદમ: એક જોક કહું? ઈવ: ના ના ...આ તો સાંભળ્યો છે! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...