તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડણક:આઇસલેન્ડ લાવ્યું છે ચાર દિવસના અઠવાડિયાના આનંદદાયક ન્યૂઝ!

શ્યામ પારેખ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

લગભગ દોઢેક વર્ષ કોવિડને કારણે ઘરમાં પુરાઈ રહેલા અને ઓફિસથી દૂર રહેલા કરોડો લોકોને હવે ઓફિસથી દૂર રહીને પણ સહેલાઈથી કામ કરવાની આદત પડી ચૂકી છે. અને ઘરની બહાર નીકળી અને ઓફિસ દુકાનો વિગેરે જગ્યાએથી કામ કરવા મોટાભાગના લોકો ખૂબ આતુર છે. પરંતુ બધાને એટલું જરૂર સમજાયું છે કે અઠવાડિયામાં છ એ છ દિવસ ઓફિસ પર જઈ અને રોજેરોજ કામ કરવાની કોઈ જરૂર નથી. ત્રણથી ચાર દિવસ ઓફિસે જઈ અને ખંતપૂર્વક ધ્યાનથી કામ કરીએ તો કામ કે કામના કલાકો દરમિયાનની ઉત્પાદકતા તથા અંગત આવક કે પછી કંપનીની આવક કોઈ ખાસ ફરક પડતો નથી. અભ્યાસનાં તારણો સાબિત કરે છે કે ટૂંકા સમય માટે વધુ કામ કરવાથી ઉત્પાદકતા સુધરે છે, નહીં કે વધુ કલાકો અને દિવસો કામ કરવાથી. જેમને પણ આ વિચાર મનમાં આવ્યો હોય તે સહુએ જાણવું કે તેઓ પહેલાં નથી અને વિશ્વના અનેક દેશોમાં ત્યાંના નેતાઓ આ વિષય ઉપર ખૂબ ઊંડાણપૂર્વકના અભ્યાસ અને પ્રયોગો કરી રહ્યા છે. અને એનાં પરિણામ સ્વરૂપે ખૂબ નજીકના ભવિષ્યમાં અનેક વિકસિત અને વિકાસશીલ દેશોમાં અઠવાડિયા દરમિયાન કામકાજના દિવસો ઘટાડી અને ચાર કરવામાં આવે એવી શક્યતા છે. યુરોપના ટચૂકડી વસ્તી ધરાવતા દેશ આઇસલેન્ડમાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન આ અંગે 2,500 લોકો પર થયેલો અભ્યાસ સિદ્ધ કરે છે કે ઓછા દિવસો કામ કરવાથી ઉત્પાદકતા વધે છે. આ અભ્યાસના સીધાં પરિણામ સ્વરૂપે જોઈએ તો આઈસલેન્ડના 86 ટકાથી વધારે કર્મચારીઓના રોજગારી કોન્ટ્રાક્ટમાં એક નવી કલમ ઉમેરી દેવામાં આવી છે અને એ છે કે સપ્તાહ દરમિયાન કામકાજના દિવસોમાં ઘટાડો કરવાનો કે પછી અઠવાડિયાનાં ચાર કે પાંચ દિવસમાં નિયત કરેલાં કામના કલાકોમાં ઘટાડો - આવા બેમાંથી કોઈ પણ એક નિર્ણય લેવાનો હવે આ દેશના કર્મચારીઓને મળશે! મતલબ કે ઓછા દિવસો કામ કરો કે વધુ દિવસો માટે ઓછા કલાક કામ કરો - નિર્ણય તમારો છે! અને તેનાથી તમારી આવક કે કંપનીના નફા-નુકસાન પર કોઈ અસર નહીં પડે! આપણા દેશમાં જોઈએ તો લગભગ 130 વર્ષથી ભારતમાં તો કામકાજના દિવસો છ જ રહ્યા છે. 1889માં બ્રિટિશ સરકારે ભારતમાં પ્રથમ વખત, રવિવારની અઠવાડિક રજા જાહેર કરી અને સપ્તાહના કામકાજના દિવસો સાતમાંથી ઘટાડી અને છ દિવસ પૂરતા સીમિત કર્યા. નારાયણ મેઘજી લોખંડે નામના શિક્ષાવિદ્ અને મજૂર ચળવળના નેતાની આઠ વર્ષની રજૂઆતને ધ્યાનમાં લઈને બ્રિટિશ સરકારે આ નિર્ણય જાહેર કર્યો, તે પહેલાં બ્રિટનમાં તો આ કાયદો 1843માં લાગુ પડી ગયો હતો. જોકે, ત્યારબાદ વીસમી સદીમાં અનેક વિકસિત દેશોએ છ દિવસના સપ્તાહમાં ક્રમશ: એક દિવસનો ઘટાડો કર્યો છે - મોટાભાગના પશ્ચિમી દેશોમાં સપ્તાહ દરમિયાન કામકાજના દિવસો પાંચ થઈ ચૂક્યા છે. જોકે અમુક કંપનીઓ, અમુક પ્રકારનાં કામકાજ અને વિશિષ્ટ હોદ્દા સુધી પહોંચેલા લોકો માટે વિશેષાધિકારની જેમ ચાર દિવસનું સપ્તાહ પણ હોય છે. પરંતુ વિશ્વભરનાં સામાન્યજનો માટે ચાર દિવસનું સપ્તાહ હજી પણ દિવાસ્વપ્ન જ છે. યુરોપના સ્પેનમાં, ત્યારબાદ સ્કેન્ડિનેવિયા ક્ષેત્રના નોર્વે, ડેન્માર્ક કે ફિનલેન્ડ જેવા દેશોમાં અને છેક ન્યૂઝીલૅન્ડમાં પણ કામકાજના દિવસો સપ્તાહમાં ચાર દિવસ સુધી ઘટાડવા ઘણાં સંશોધનો અને અભ્યાસ થઇ રહ્યા છે. ભારત માટે આ સમાચાર ખાસ અગત્યના છે કારણ કે સમગ્ર વિશ્વમાં પ્રતિ સપ્તાહે 48 થી 60 કલાક કામ કરીને ભારતીયો, વિના સ્પર્ધાએ વિશ્વમાં સહુથી વધુ કામઢા લોકો તરીકે પ્રથમ સ્થાને છે! સમગ્ર વિશ્વની સરેરાશ લગભગ 40 કલાકની છે. જોકે, કામકાજમાં ઉત્પાદકતાની વાત આવે તો ફરીથી પરિસ્થિતિ કંઇક અલગ લાગશે - અઠવાડિયામાં માત્ર 30 થી 40 કલાક કામ કરનારા લોકોની ઉત્પાદકતા પણ આપણા દેશ કરતા સામાન્યે રીતે વધારે સાબિત થતી હોય છે! કારણ કે પાન બીડી અને ગપ્પાં માટે અઠવાડિયાં દરમિયાન તેમને ત્યાં કામના કલાકોમાં કોઈ જોગવાઈ હોતી નથી. આને કારણે વિશ્વભરના દેશોમાં કામકાજના કલાકો દરમિયાન લોકો સામાન્ય રીતે સંપૂર્ણ ધ્યાન માત્ર કામ પર આપે છે અને કામચોરી નહીંવત્ જેવી હોય છે. આ જ કારણોસર જાહેર સુખાકારી માટે અનેક વિકસિત દેશો પાંચ દિવસનું કામકાજનું અઠવાડિયું ઘટાડીને ચાર દિવસ પૂરતું કરવા માગે છે. આ વર્ષની શરૂઆતમાં આપણા દેશમાં પણ નવા લેબર કોડ અંતર્ગત કામદારો માટે ચાર દિવસ અઠવાડિયું કરવાનો નિર્ણય પોતાની અનુકૂળતા મુજબ લેવા માટે અમુક ઔદ્યોગિક અને ધંધાકીય ક્ષેત્રોને પરવાનગી મલે તે માટે ઘણી ચર્ચાઓ થઇ છે. શરત એ કે અઠવાડિયામાં કુલ કામકાજનો સમય 48કલાકથી કોઈપણ સંજોગોમાં વધવો ન જોઈએ. કોવિડને કારણે વર્ક-ફ્રોમ-હોમની વ્યવસ્થાથી ઘેર બેઠાં કામ કરીને આપણે હવે આ બાબતે સંપૂર્ણ રીતે અનુભવી થઇ ચૂક્યા છીએ એટલે આવા પરિવર્તન માટે સમય યોગ્ય છે. ⬛ dewmediaschool@gmail.com

અન્ય સમાચારો પણ છે...