સ્ટોરી પોઈન્ટ:મારે ભીડમાં નહી, તારામાં ખોવાઈ જવું છે

માવજી મહેશ્વરી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીરવ તૃષાને અપાર પ્રેમ કરતો હતો, પણ તૃષા એને આગળ વધવા દેતી નહોતી, જ્યારે મનાલી એને મળી ત્યારે...?

નમતી સાંજે શહેરથી દૂર સુધી સુધી પથરાયેલી ટેકરીઓની વચ્ચે ભરાયેલો મેળો, હૈયે-હૈયું દળાય એવી ભીડ વચ્ચે રંગોનો મેળો. મનને રોમાંચિત કરવા કે ઉન્માદે ચડાવવાના બધા અવસર હાજર હતા. પૌરાણિક મંદિરનું મહત્ત્વ તો હતું જ, પણ વિશેષ મહત્ત્વ મેળાનું હતું. ‘એય ગાંડા, મને બીક લાગે છે. બાઈક ધીમે ચલાવ ને યાર. પ્લીઝ! નીરવ હું કૂદી પડીશ, હોં.’ તંગ પણછમાંથી છૂટેલા તીરની પેઠે મોટર સાઇકલ ઢોળાવ ઊતરી રહ્યું હતું. પાછળ બેઠેલી તૃષાએ નીરવને પીઠ ઉપર માથું ટેકવી દીધું. નીરવના ખમીસના ફટ ફટ થતો કોલર અને બાઈકનું ફાયરિંગ. એક તરફ રોમાંચ અને બીજી તરફ અજાણી બીક. નીરવે બાઈક ધીમું કર્યું અને રસ્તાની ધાર ઉપર ઊભું રાખી દીધું. પવનથી વિખરાયેલા તૃષાના વાળમાં શેમ્પૂની ચમક દેખાતી હતી. નીરવે ગોગલ્સ ઉતારી તૃષાની આંખોમાં જોતાં કહ્યું, ‘તને ધરાઈને જોઈ લઉં. તું સાથે હોય ત્યારે એવું લાગે કે હું બધું માણી લઉં. તારી સાથે વાતો કરું. તને વળગીને ઊભો રહું. સમજાતું નથી તૃષા, તારામાં એવું શું છે?’ તૃષાએ નીરવની આંખોમાં જોયું. પછી નીરવની આંગળી પકડતાં કહ્યું , ‘ગાંડા! તું બહુ જ ઉતાવળો છે. આપણે મેળો માણવા આવ્યા છીએ. તું કહે છે એવું તને ખરેખર થાય છે?’ ‘તું મને ઉશ્કેર નહીં. હું તને અહીં જ ભીંસીને કિસ કરી લઈશ. મને હવે સમજાય છે જિંદગી શું છે અને શા માટે છે? યુવાની માણી લેવા માટે છે. મને આ શરીરની કિંમત સમજાઈ છે. શરીરનો આનંદ શું છે? રોમાંચ શું છે? તે તારા આવવાથી સમજાયું છે. ઘણોબધો લોભ જાગ્યો છે. બધું જલદી જલદી માણી લેવાનો લોભ.’ ‘કેમ મારા ઉપર વિશ્વાસ નથી? હવે અહીં કેટલી વાર ઊભા રહેવું છે? આવતાં-જતાં બધાં આપણને જુએ છે. ચાલ, ભીડ વચ્ચે આપણે ખોવાઈ જઈએ.’ ‘તારા ઉપર નહીં. મને આવનારા સમય ઉપર વિશ્વાસ નથી. સતત એવું લાગે છે જાણે કાલે હું નહીં હોઉં. તૃષા મારે ભીડમાં નહીં, તારામાં ખોવાઈ જવું છે. ચાલ, આપણે બીજે ક્યાંક જઈએ. કોઈ એકાંત જગ્યાએ બેસીએ. જ્યાં આપણે બે જ હોઈએ. તને ખબર નથી કે મને શું થઈ રહ્યું છે.’ ‘ના, નીરવ મેં મારાં ભાઈ-ભાભીને કહ્યું છે કે હું એમને મેળામાં મળીશ. કોઈ જોઈ જાય તો મારે જવાબ આપવો ભારે પડી જાય. હું તને મળીશ. સમય આવવા દે. ઉતાવળો શા માટે થાય છે?’ તૃષાના સેલફોનની રિંગ વાગી. તેણે ઝડપથી ફોન જોયો અને નીરવ સામે જોતાં બોલી, ‘ભાઈનો ફોન છે.’ તૃષા શું વાત કરતી હતી તે જાણે નીરવને સંભળાતું જ ન હતું. ફોન પૂરો થયો એટલે તેણે કહ્યું, ‘નીરવ, ચાલ. એ લોકો મારી વાટ જુએ છે.’ નીરવનો ચહેરો ઊતરી ગયો. તેણે ગોગલ્સ પહેરી લીધાં. કાળા ગ્લાસની પાછળ તેની આંખો ઢંકાઈ ગઈ. થોડાં ફોરાં પડવાં માંડ્યાં. નીરવે બાઈક ચાલુ કર્યું. બાઈક મુખ્ય રસ્તાથી ફંટાઈને એક જુદા રસ્તે વળી. તૃષા ચૂપ હતી. નીરવ કંઈ જ બોલતો ન હતો. મેળાનો શોરબકોર નજીક આવતો જતો હતો. નીરવ એક નિસાસો નાખી તૃષાને ભીડમાં ખોવાતી જોઈ રહ્યો. એને પકડી લેવી હતી, પણ એ શક્ય ન હતું. તે બાઈક ઉપર બેસી આવતાં-જતાંને જોઈ રહ્યો. ‘હાય! કેમ ઉદાસ બેઠો છો? કોઈ આવ્યું નથી કે આવવાનું છે?’ નિરાલીએ નીરવ સામે મારકણી આંખે જોતાં કહ્યું. નિરાલીના કપડાંમાંથી આવતી સુગંધ છેક નીરવના ફેફસાંમાં જઈ પડી. તેણે ઊંડો શ્વાસ ભરી મનાલી સામે જોયું. મનાલીએ નેણ ઉલાળતાં કહ્યું, ‘તેં સાંભળ્યું મેં શું કહ્યું? એકલો છો તો કંપની આપું. આઈ એમ ટોટલી અલોન. ભીડથી છૂટવું છે? તો ચાલ, પાછળ બેસી જાઉં. તું તો મને સાવ ભૂલી ગયો છે.’ નીરવના હોઠ ઉપર ખંધું સ્મિત આવ્યું. તેણે મનાલીનાં કપડાંમાંથી આવતી કેફિલ સુગંધ માણવા ઊંડા શ્વાસ ભર્યાં અને બાઈક ચાલુ કર્યું. બાઈક ભીડથી દૂર સરવા લાગ્યું. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...