આજથી બરાબર 15 વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઇ હતી. ફ્રેંચાઇઝ બેઝડ ક્રિકેટ ટીમનો નવતર પ્રયોગ ધીમે ધીમે અલગ અલગ દેશોને આકર્ષવા લાગ્યો. 3 કલાકમાં મેચનું રિઝલ્ટ લાવી દેનાર ફોર્મેટ આટલું લોકપ્રિય અને લોકભોગ્ય બનશે તેનો અંદાજો કદાચ કોઈને નહોતો. અગાઉ ઝી નેટવર્કે ઇન્ડિયન ક્રિકેટ લીગ યોજીને ટી 20 ફોર્મેટ થકી માહોલ બનાવી દીધો હતો પરંતુ તેમાં સ્ટાર ખેલાડીઓ અને ગ્લેમરનો અભાવ હતો. 6 બિલિયન ડોલર્સ જેટલી માતબર વેલ્યુ ધરાવતી ઇવેન્ટનો આઈડિયા ખરેખર કોનો હતો અને એ કેવી રીતે અમલમાં મૂકવામાં આવ્યો, કેવી રીતે ફ્રેન્ચાઈઝીનું નિર્માણ થયું અને એની ઓનરશિપ માટે કેવી રીતે બોલી લગાવવામાં આવી એનો ઘટનાક્રમ હજુ સુધી મેઇનસ્ટ્રીમ મીડિયામાં આવ્યો નથી. ગ્વાલિયરના રાજઘરાના સાથે સંબંધ ધરાવનાર કોંગ્રેસી નેતા માધવરાવ સિંધિયાનો દાવો હતો કે 1990ના દાયકામાં ગ્વાલિયરમાં ફૂટબોલની પ્રસિદ્ધ ઈંગ્લિશ પ્રીમિયર લીગ જેવી ઇન્ટરસિટી ક્રિકેટ લીગ યોજવામાં આવે તો ક્રિકેટ લોકપ્રિય બને, પોતાનું રાજકીય કદ વધે અને લોકલ ક્રિકેટર્સ ને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ સાથે રમવાનો લહાવો મળે. ગ્વાલિયરને ક્રિકેટ લીગના એપિસેન્ટર બનાવવાના સપના સાથે સિંધિયાએ શહેરના સ્ટેડિયમની મરામત કરાવી, ફ્લડલાઇટ્સ લગાવડાવી અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને અનુરૂપ સુવિધાઓથી સજ્જ કરાવી દીધું. 1996 સુધીમાં એક પ્રાઇવેટ કંપની સાથે હોંગકોંગ સુપર સિક્સીસ ફોર્મેટના ધોરણે લીગની બ્લુપ્રિન્ટ બનાવવાનું કામ શરૂ કરાવી દીધું હતું. ભારતના બદલાતાં રાજકીય સમીકરણોને લીધે માધવરાવ સિંધિયાની પોલિટિકલ કરિયરનો અંત એમના કોંગ્રેસમાં રાજીનામાં સાથે આવ્યો અને એમની મહત્ત્વાકાંક્ષી લીગનો પ્લાન એ સાથે જ ખોરવાઈ ગયો. સુભાષચંદ્રાએ આઈ. સી. એલ.ની શરૂઆત કરી અને કપિલ દેવ તેના એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન તરીકે નિમાયા. લીગ 20-20 ઓવર્સ પ્રમાણે રમાતી હતી. આઈ. સી. એલ.માં ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટર્સ રમતા હતા. જે ભારતીય ક્રિકેટર્સ આઈ. સી. એલ. સાથે જોડાયા તેમની પર બી. સી. સી. આઈ.એ પ્રતિબંધ લગાવી દીધો. અંબાતી રાયુડુ, સ્ટુઅર્ટ બિન્ની, રોહન ગાવસ્કર જેવા ક્રિકેટર્સ આઈ. સી. એલ. સાથે સંલગ્ન થયા. 2007 20-20 વર્લ્ડકપમાં યુવરાજ સિંહની 6 બોલમાં 6 સિક્સર અને ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ બી. સી. સી. આઈ.ને ટી-20 ગેમની કોમર્શિયલ વેલ્યુનો અસલી ખ્યાલ આવ્યો. દર્શકોને 100 ઓવર સુધી બેસવાની ફરજ નહોતી પડતી અને તેમ છતા વન-ડે ક્રિકેટની એક ઇંનિંગ કરતાં પણ ઓછા સમયમાં મેચનું રિઝલ્ટ આવી જતું હતું. લલિત મોદીના પ્લાન મુજબ આઠ શહેરોની ફ્રેન્ચાઈઝી ટોટલ સેલિંગ પ્રાઈઝ 724 મિલિયન ડોલર જેટલી થઇ હતી. 48 કલાકના નોટિસ પિરિયડમાં ટેન્ડર ભરનાર કંપનીઝ પાસે એટલો સમય જ નહોતો કે પરિસ્થિતિનાં લેખાંજોખાં અને નફા-તોટાનો હિસાબ માંડી શકે. આઈ. પી. એલ. એક એવું રોલર કોસ્ટર હતું જેમાં બેસવા માટે કોર્પોરેટ કંપનીઝની પડાપડી થઇ રહી હતી. પ્લેયર ઓક્શન ધાર્યા પ્રમાણે રોલરકોસ્ટર રાઈડ જેવું રહ્યું. પ્રથમ મેચમાં જ બ્રેન્ડન મેક્કલમની આંધી સામે બેંગ્લુરુ ઘૂંટણિયે આવી ગયું હતું. પ્રથમ મેચથી જ I.P. L.નો માહોલ બની ગયો હતો અને લલિત મોદીએ બી. સી. સી. આઈ. માટે રિસ્ક ફ્રી બિઝનેસ મોડલ બનાવી આપ્યું કે જેના થકી બી. સી. સી. આઈ.ના આર્થિક ભવિષ્યને એક નવી જ દિશા મળી અને તે વર્લ્ડ ક્રિકેટમાં એક પાવર પ્લેયર બની ગયું. ⬛ nirav219@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.