રણમાં ખીલ્યું ગુલાબ:સિર્ફ હાદસેં પઢે હૈ મૈંને, મૈં મુસ્કુરાહટેં લિખૂં કૈસે...

ડૉ. શરદ ઠાકરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝંખનની નજર એના પર શું પડી, પડ્યાં પછી ત્યાંથી હટી જ ન શકી. એને લાગ્યું કે જાણે વનશ્રી સાક્ષાત્ એ યુવતીનું રૂપ ધરીને પોતાના જ સૌંદર્ય પ્રદેશમાં વિહરવા માટે નીકળી પડી હતી!

સહેરથી બે કિ.મી. દૂર આવેલું એકાંત સ્થાન. ડામરનો રસ્તો રમણીય કેડીનું રૂપ ધારણ કરીને અડાબીડ વૃક્ષોના સામ્રાજ્યમાં દોડી જતો હતો. બે બાજુ ઊભેલા પહાડો વરસાદી લીલાશ ઓઢીને શોભતાં હતાં. ગોવાલણીના બોઘરણાંમાંથી રેડાતાં દૂધ જેવા ધોળા ધોધ ઊછળતા, કૂદતા, નર્તન કરતા પહાડો પરથી નીચેની દિશામાં દદડી રહ્યા હતા. ઝંખનને આ સ્થાન ખૂબ પ્રિય હતું. એમાં પણ ચોમાસામાં તો વિશેષ. રોજ સાંજે કાર ચલાવીને એ કુદરતે છુટ્ટે હાથે વેરેલી સૌંદર્યની લહાણીને મન ભરીને માણવા માટે હાજર થઇ જતો હતો. ચોમાસામાં આંખ ભરીને પીધેલી ભીનાશ બાકીના આઠ મહિના સુધી જગતના સૂકાભઠ અનુભવો સામે ટકી રહેવાનું જોમ આપી દેતી હતી. રોજની જેમ આજે પણ ઝંખન એક વિશા‌ળ વૃક્ષના થડ પાસે એની કાર પાર્ક કરીને, કારમાં જ બેઠોબેઠો નિસર્ગશ્રીનું પાન કરી રહ્યો હતો. અચાનક એના કાન ચમક્યા. ક્યાંકથી કર્ણમંજુલ સ્વર સંભળાયો. એણે પાછળની દિશામાં જોયું તો એક રૂપાળી યુવતી પગે ચાલતી આવી રહેલી જોવા મળી. ઝંખનની નજર એના પર શું પડી, પડ્યાં પછી ત્યાંથી હટી જ ન શકી. એને લાગ્યું કે જાણે વનશ્રી સાક્ષાત્ એ યુવતીનું રૂપ ધરીને પોતાના જ સૌંદર્ય પ્રદેશમાં વિહરવા માટે નીકળી પડી હતી! સ્કાય બ્લુ કલરનું ડેનિમ, ઉપર શરીર પર ચપોચપ ચોંટેલું ચેક્સવાળું શર્ટ, રોલ કરેલી સ્લીવ્ઝ, પગમાં શોભતાં વોકિંગ શૂઝ અને ગળામાં એક પાતળી, ગોલ્ડન ચેન. કોઇ પણ સાધારણ છોકરી ધારણ કરી શકે એવા આ પરિવેશમાં આ યુવતી જગતભરની યુવતીઓને ઝાંખી પાડી દે તેવી લાગતી હતી. એની લાંબી, પાતળી, સપ્રમાણ, સુરેખ કાયા જોઇને માનવું પડે કે જીન્સની શોધ એના માટે જ થઇ હોવી જોઇએ. એનું શર્ટ જોઇને કોઇ પણ પુરુષને એ શર્ટની ઇર્ષ્યા આવવા માંડે. આ વસ્ત્રોને મ‌ળતાં સ્પર્શસુખને માણવા માટે કોઇ પણ પુરુષ કોઇ પણ કામ કરવા તૈયાર થઇ જાય. એ યુવતીનું ધ્યાન કાર તરફ ન ગયું. કદાચ એ ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી. દૂર ઊભેલા પહાડ તરફ એકધારું જોતીજોતી એ ધીમા પણ મક્કમ ડગલાં ભરી રહી હતી. એ ત્રીસેક મીટર જેટલું આગળ નીકળી ગઇ એ પછી ઝંખનને ભાન થયું કે છેલ્લી દોઢેક મિનિટથી એ લગભગ શ્વાસ લેવાનું ભૂલી ગયો હતો. એ મનોમન પૂછી રહ્યો : ‘હે ભગવાન! શું કોઇ સ્ત્રી આટલી ખૂબસૂરત હોઇ શકે? હું તો તારા દ્વારા રચાયેલા આ ઉન્નત પહાડો, લીલાંછમ વૃક્ષો અને દૂધની ધારા જેવા જળધોધનું સૌંદર્ય માણવા માટે અહીં આવ્યો હતો. મને શી ખબર કે આ બધાં સૌંદર્ય કરતાં પણ ચડિયાતું સૌંદર્ય તો આ મારી નજર સામે જઇ રહ્યું છે?’ ઝંખન અવશપણે કારનું બારણું ખોલીને નીચે ઊતરી ગયો. યંત્રવત્ એ યુવતીની દિશામાં ચાલવા માંડ્યો. કોઇ શક્તિશાળી લોહચુંબકની તરફ નાની એવી ખિલ્લી ખેંચાઇ જાય તેવી રીતે મબલખ રૂપ-ચુંબકથી ખેંચાઇને ઝંખન ડગ ભરવા લાગ્યો. હવે એનું ધ્યાન પણ બંને બાજુએ ઊભેલાં વૃક્ષો તરફ ન હતું. નાના નાના પહાડો હવે સપાટ પ્રદેશ બની ગયા હતા. ધોધ અને ઝરણાં સુકાઇ ગયાં હતાં. અર્જુનની જેમ એની નજર પણ હવે પક્ષીની આંખ ઉપર કેન્દ્રિત થઇ ગઇ હતી. અર્જુન માટે પક્ષીની આંખ સ્થિર હતી, પણ ઝંખન માટે તો પરીની પાંખ પવનને કાપતી દૂર ને દૂર સરકી રહી હતી. અચાનક ઝંખનના મનમાં વીજળીનો ચમકારો થયો. સમય, સ્થળ અને સુંદરતાના આ ત્રિવેણી સંગમમાં ક્યાંક કશુંક ખૂટતું હોય તેવું લાગ્યું. પછી એને સમજાયું કે કશુંક ખૂટતું ન હતું, પણ આ સમીકરણમાં કશુંક ખૂંચતું હતું. લગભગ બે કિ.મી.થી વધારે અંતર પગપાળા ચાલીને આવા આથમતા સૂરજના ઝાંખા થતા જતા પ્રકાશમાં વનપ્રદેશ જેવા બિહામણા એકાંત સ્થાનમાં એકલી યુવતી આ રીતે પહાડી તરફ જઇ રહી હોય તો એનો સંકેત સારો ન હોઇ શકે. નક્કી આ છોકરી આત્મહત્યા કરવા માટે નીકળી હોય એવું લાગે છે. આ વિચાર આવતા જ ઝંખન સચિંત અને સચેત થઇ ગયો. એણે પોતાની ઝડપ વધારી દીધી. પેલી કામણગારી કાયા એની દૃષ્ટિમર્યાદાની બહાર નીકળી ન જાય, એની સાથે સાથે પોતાના પગરવથી એ ચેતી પણ ન જાય આ બંને વાતનું ધ્યાન રાખીને ઝંખન ચોક્કસ ગતિમાં સાવધાનીપૂર્વક પગલાં ભરતો એની પાછળ પાછળ જવા લાગ્યો. એક ત્રિભેટા પર પહોંચીને યુવતી જમણી દિશામાં વળી ગઇ. ઝંખનના મનમાં રમી રહેલી શંકા વિશ્વાસમાં બદલાઇ ગઇ. એ દિશામાં 200 મીટર આગળ જતાં એક જળાશય આવતું હતું. ત્યાં એક બંધ બાંધવામાં આવ્યો હતો. દર ‌વર્ષે એ બંધની રેલિંગ કૂદીને દસથી પંદર જેટલા હતાશ માણસો આત્મહત્યા કરી લેતા હતા. ઝંખનની ધારણા સાવ સાચી પડી, વસ્ત્રોના આવરણમાંથી સૌંદર્યનો ખજાનો છલકાવતી એ યુવતી થોડી જ વારમાં બંધની રેલિંગ પાસે પહોંચી ગઈ. એ કદાચ છેલ્લી વાર આ જગતને જોઈ લેવા માગતી હશે. એને ખબર ન હતી કે એક યુવાન એની પાછળ ફક્ત પાંચ-સાત ફીટ દૂર ઊભો રહીને એની પ્રત્યેક હિલચાલને બારીકીપૂર્વક જોઈ રહ્યો હતો. પછી એ યુવતી એક ઊંડો નિશ્વાસ મૂકીને રેલિંગના પાઈપ પર ચડી ગઈ. એ જળાશયમાં ઝંપલાવવા જતી હતી ત્યાં જ ઝંખને તરાપ મારીને એને પકડી લીધી. એક હળવા આંચકા સાથે એને ખેંચી લીધી. યુવતીએ ફિલ્મોમાં જોવા મળે છે એવી કોઈ જ ડ્રામાબાજી ન કરી, ન એણે ચીસો પાડી કે ન એણે પકડમાંથી છૂટવા માટે ધમપછાડા કર્યા. આંખોમાંથી ઉદાસી છલકાવીને એણે માત્ર આટલું જ પૂછ્યું, ‘શા માટે મને બચાવી? મને મરી જવા દેવી હતી ને.’ ઝંખને એની આંખોમાં વેધક નજર રોપીને કહ્યું, ‘તમારે શા માટે મરી જવું છે એનું વાજબી કારણ જણાવો. જો એ કારણ મારા ગળે ઊતરશે તો હું તમને નહીં રોકું.’ ‘મારું નામ ખયાલ છે. હું M. Sc. પાસ થયેલી બુદ્ધિશાળી યુવતી છું. જિંદગીને મેં ભરપૂર પ્રેમ કર્યો છે. હું સો વર્ષની થાઉં એ પછી પણ મને મરવાનું પસંદ નથી. મારે આત્મહત્યાનું પગલું શા માટે વિચારવું પડ્યું હશે એનું કોઈ ઠોસ કારણ તો હશે જ ને? મારે એ કારણનો કોઈ ત્રાહિત માણસ આગળ ઢંઢેરો નથી પીટવો. આજે તો હું પાછી વળી જઈશ. આવતી કાલે બીજી વાર, બીજી કોઈ રીતે, બીજા કોઈ સ્થળે બીજો પ્રયત્ન કરીશ. તમે ક્યાં અને કેટલી વાર બચાવવા આવશો?’ સૂરજ ડૂબી ચૂક્યો હતો, જળાશયની શાંત સપાટીમાં વહેતો પવન તરંગો પ્રસરાવી રહ્યો હતો, પહાડીની ઉપર પૂનમનો ચંદ્ર ડોકાઈ રહ્યો હતો, જમીન પર ઝંખનની સામે બીજો એક ચાંદ ઊભો હતો. ઝંખન એક ચંદ્રમાના પ્રકાશમાં બીજા ચંદ્રમાને જોઈ રહ્યો હતો. આત્મહત્યા કરવા માટે નીકળેલી કોઈ પણ વ્યક્તિ સારી રીતે તૈયાર થઇને કે મેકઅપ કરીને તો ન જ નીકળી હોય. ઝંખન વિચારી રહ્યો. એના મોંમાંથી વાક્યો સરી પડ્યા, ‘હું માની શકતો નથી કે મૂરઝાવાં માટે નીકળેલું મોગરાનું ફૂલ પણ આટલું ખૂબસૂરત લાગી શકતું હશે. તમારો ચહેરો એટલો ગોરો છે કે જગત આખાનો મેકઅપ એને એક શેડ જેટલો પણ વધારે ગોરો બનાવી ન શકે. તમારી આંખો આઈ લાઈનરની મદદ લીધા વગર જ કેટલી કામણગારી લાગે છે! તમારા હોઠ પર ક્યારેય લિપસ્ટિક ન લગાડશો; શક્ય છે કે એનો નશો કમ થઇ જશે. તમારે સોનાનાં આભૂષણો ધારણ કરવાની જરૂર જ ક્યાં છે? તમે સ્વયં ચોવીસ કેરેટનું સાચું સોનું છો. તમારા વિખરાયેલા વાળ, જિંદગીથી હારી ગયેલો ચહેરો, ઉદાસ આંખો અને આ સાદાં વસ્ત્રો સાથે જો તમે આટલાં ખૂબસૂરત દેખાતાં હો તો કલ્પના કરી જુઓ કે તમારા જોબનથી છલકાતા આ દેહ ઉપર પાનેતર ધારણ કર્યું હોય, હાથોમાં મેંદીનો ખીલેલો રંગ હોય, ગાલ પર લજ્જાની લાલી હોય, હોઠોમાં કંપન હોય અને પોપચાંમાં ઢબુરાયેલાં સુહાગરાતનાં સપનાંઓ હોય તો એ સમયે તમે કેવા દેખાશો?’ ‘તમે આ બધું મનમાં બબડી રહ્યાં છો કે મને કહી રહ્યા છો?’ ખયાલે પૂછ્યું. ‘હેં?!’ ઝંખને માથું ઝટકાવીને પૂછ્યું, ‘હું કંઈ બોલતો હતો? હું તો સપનું જોઈ રહ્યો હતો. કોઈકના ખયાલમાં ખોવાઈ ગયો હતો.’ ‘કોના ખયાલમાં?’ ‘ખયાલના ખયાલમાં. સર્જનહારે ઘડેલી આવી સુંદર, નયનરમ્ય કાયાનો આ રીતે અચાનક અકાળે અંત લાવી દેવાનો અધિકાર તમને કોણે આપ્યો? જો તમારાથી આ દોલત ન સચવાઈ શકતી હોય તો એને મારા હાથમાં સોંપી દો. હું પૂરી જિંદગી એનું પ્રેમપૂર્વક જતન કરીશ એ વચન આપું છું.’ ખયાલના ચહેરા પરથી ઉદાસીનાં વાદળો વિખરાયાં, આંખોમાં જિંદગીની ચમક આવીને બેસી ગઈ. તો પણ એણે પૂછી લીધું, ‘આવું કહેનારા મને અનેક મળ્યા છે, પણ અંતે મને જખમો જ આપી ગયા છે.’ ઝંખને ખયાલના બંને હાથ પોતાના હાથમાં પકડી લીધા, ‘જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો માની લેજો કે એક જખમ વધારે થવાનો છે. તમારે તો આમ પણ મરી જ જવું હતું ને. જો એવું લાગે તો છ મહિના પછી ફરી વાર અહીં આવીને તમારી ઈચ્છા પૂરી કરી લેજો. જળાશયનાં પાણી સુકાઈ નહીં જાય. જો મેં આપેલું વચન હું પાળી બતાવું તો આપણે દર પૂર્ણિમાની રાત્રે અહીં સાથે ફરવા માટે આવીશું. તમે આકાશનો ચંદ્રમા જોજો, હું મારા અંગત માલિકીના ચાંદને નીરખ્યા કરીશ.’ સોહામણા પુરુષના રણકતા અવાજ પર વિશ્વાસ મૂકીને મૃત્યુની ધાર સુધી પહોંચી ગયેલી સૌંદર્યમૂર્તિ જિંદગીની દિશામાં પાછી ફરી ગઈ. એના ખીલેલા ચહેરા આગળ ઉપરનો ચંદ્રમા નિસ્તેજ લાગતો હતો. ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...