તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસ દર્શન:માની બે આંખો છે સમતા અને મમતા

મોરારિબાપુ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મા સાત તત્ત્વથી બની છે, એટલા માટે મા વિશેષ છે; મા માનવેતર છે. માનો જે વિગ્રહ છે એ સપ્તતત્ત્વોથી ભરેલો છે

આપણા ભારતીય મનીષીઓએ ઔપનિષદી કાળમાં કોને કોને દેવ માનવા, એની જ્યારે નોંધ તૈયાર કરી ત્યારે એક અદ્્ભુત વૈશ્વિક સંદેશ વિશ્વને આપ્યો કે સૌથી પહેલાં ‘માતૃદેવો ભવ.’ ત્યારબાદ ‘પિતૃદેવો ભવ.’ ‘આચાર્યદેવો ભવ.’ ‘અતિથિદેવો ભવ.’ વગેરે સૂત્રો આપણે જાણીએ છીએ. પરંતુ સૌથી પહેલાં સ્થાપના માની કરવામાં આવી. માતૃશરીરનાં ઘણાં રૂપ છે. હું ‘માનસ’નો આધાર લઉં તો- જનક સુતા જગ જનનિ જાનકી. અતિસય પ્રિય કરુનાનિધાન કી. પહેલાં તો મા, માતૃશરીર કોઈની પુત્રી છે, કન્યા છે. ત્યારબાદ જ્યારે લગ્ન થઈ જાય છે તો કોઈની પ્રિયા બની જાય છે. પછી સુગંધી સંસાર આગળ વધે છે તો કોઈ નવી ચેતનાની એ જનેતા બની જાય છે. મુખ્યત્વે ત્રણ રૂપ દર્શાવવામાં આવ્યાં છે- ક્ન્યા, વિવાહિતા, માતા. ‘જય જય ગિરિબર રાજ કિસોરી.’ એ ક્ન્યા છે. ‘જય મહેસ મુખ ચંદ ચકોરી.’ એ વિવાહિતા છે. ‘જય ગજબદન ષડાનન માતા.’ ગણેશ અને કાર્તિકેયની મા, જગતની જનની. માતૃશરીરનાં આ ત્રણ મુખ્ય રૂપ છે. પરંતુ આપણા ધર્મગ્રંથો જોતાં એવો ખ્યાલ આવે છે કે માતા શિષ્યા પણ બની શકે છે. આ કેવળ ભારતમાં જ બને છે. ‘શ્રીમદ્દભાગવત’ની મા દેવહુતિ, સાંખ્યાચાર્ય ભગવાન કપિલ એમના પુત્ર છે પરંતુ પુત્ર પાસે બેસીને, પુત્રને ગુરુપદ આપીને મા ભગવાન કપિલ પાસેથી બોધ ગ્રહણ કરે છે. મા સર્વસમર્થ છે; એ કોઈ પણ સ્થાનને શોભાવી શકે છે. મા સંતાનની મિત્ર પણ બની શકે છે. મા મિત્ર બની જાય છે. મા શિષ્ય બની જાય છે. મા ગુરુ બની જાય છે. ભગવાન પતંજલિના યોગસૂત્રમાં મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષાની વાત છે. વૈદિક પરંપરાને અનુકૂળ છે મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા. અને એ વૈદિક પરંપરાનો બુદ્ધ પણ સ્વીકાર કરે છે. માતામાં મૈત્રી હોય છે; માતા પોતાનાં સંતાનો સાથે એક પ્રકારનો મૈત્રીભાવ રાખે છે. એ માતામાં ખૂબ જ ચરિતાર્થ થાય છે. મા પોતાના સંતાનની પાસે આત્મનિવેદન કરે; મા પોતાના દિલની વાત કરે; એ બધાં જે મૈત્રીનાં લક્ષણ છે, એ માતામાં મોજૂદ હોય છે. માતામાં ભરપૂર મુદિતા છે. મુદિતા એટલે કે આનંદ, સુખ નહીં. અલબત્ત, આત્મસુખ, નિજસુખ, સ્વાન્ત: સુખ એ અવશ્ય આનંદની નજીક છે. પરંતુ ભારતીય ઉપનિષદોએ સુખને બ્રહ્મનો દરજ્જો નથી આપ્યો, આનંદને બ્રહ્મનો દરજ્જો આપ્યો છે. તો મા આનંદમૂર્તિ છે. મા મુદિતાનો પર્યાય છે અને ઉપેક્ષા; મા અનાવશ્યક વસ્તુઓને દૂર કરે છે. નિરર્થક ચીજોની ઉપેક્ષા કરવી; એને હટાવી દેવી. બાળકની સાથે મૈત્રીભાવ રાખીને બાળકની સામે એ આત્મનિવેદન કરે છે. એ ઝૂંપડામાં રહેતી હોય કે મહેલમાં રહેતી હોય, ગમે ત્યાં હોય પરંતુ પોતાના સંતાનની પ્રસન્નતા જોઈને એ મુદિત રહે છે. કરુણાની એ મૂર્તિ છે. અને અનાવશ્યક બાબતોને દૂર કરીને મા આપણને એમાંથી બચાવી લે છે. મારી દૃષ્ટિએ માનો વિગ્રહ શું છે? દરેક માણસ પંચતત્ત્વથી બન્યો છે. મા સાત તત્ત્વથી બની છે, એટલા માટે મા વિશેષ છે; મા માનવેતર છે. આમ પંચતત્ત્વોની ચર્ચા કરીએ તો માનું શરીર પણ પંચતત્ત્વનું છે, પરંતુ વિશેષ સત્ત્વ-તત્ત્વની શોધ કરીએ તો માનો જે વિગ્રહ છે એ સપ્તતત્ત્વોથી ભરેલો છે. માની બે આંખો છે સમતા અને મમતા. માની એક આંખમાં મમતા હોય છે. મા મમતાની મૂર્તિ હોય છે પરંતુ સમતા નથી છોડતી. આ તો સંતનું લક્ષણ છે સમતા અને મમતા. મમતાની છાયામાં સમતા આવવી મુશ્કેલ છે. પરંતુ સમતાની છાયામાં મમતા એ પરમ સાધના છે. માની એક આંખ મમતા છે, એક આંખ સમતા છે. માના બે હાથ છે, એમાં એક છે ‘અભયદ’, જે આપણને અભય કરે છે અને બીજો છે ‘વરદ.’ એક હાથ સદૈવ વરદાન દે છે, વરદ છે. અને એક હાથ સદૈવ અભયતા પ્રદાન કરે છે; નિર્ભયતા બક્ષે છે. જેમણે માના હાથની રોટી ખાઈ હોય એમને ખ્યાલ હશે કે એ રોટી વરદ પણ છે અને અભયદ પણ છે. એ રોટી રોટી નથી, વરદાન છે. એ રોટી રોટી નથી, એ અભય છે. માનાં બે ચરણ. એક ચરણ આચરણ; એક ચરણ સમર્પણ. માનું એક પગલું આચરણ છે. મા વિશ્વ માટે સંપૂર્ણ આચારસંહિતા છે. અને માનું સમર્પણ. ગજબનો ત્યાગ હોય છે માનો!ભગતબાપુએ લખ્યું- મોઢે બોલું મા ત્યાં મને સાચે નાનપ સાંભરે, પછી મોટપની મજા, કડવી લાગે કાગડા. માનું સમર્પણ, એનો ત્યાગ જુઓ! અને એમનું આચરણ. તો બે આંખ, બે હાથ, બે ચરણ એ છ તત્ત્વ સૂત્રના રૂપમાં થઈ ગયાં. અને સાતમું માનું હૃદય; એ સત્ય કહો, પ્રેમ કહો, કરુણા કહો. એ પરમ સત્ય, પરમ પ્રેમ, પરમ કરુણાથી ભર્યું હોય છે. હૃદય કરુણાનું, પ્રેમનું, સત્યનું પ્રતીક છે. એ પરમતત્ત્વ કરુણા એ એનું હૃદય છે. આવી છે મા. આજે વિશ્વનો માતૃદિવસ છે; આજના દિવસે માનું સ્મરણ કરીએ એ પણ ખૂબ જ વંદનીય અને સરાહનીય વાત છે. ‘ફાધર્સ ડે’ પણ આપણે મનાવીએ છીએ. પરંતુ મેં ક્યારેક કહ્યું છે, આપણો ‘ફાધર્સ ડે’ શિવરાત્રિ હોવો જોઈએ. અને આપણો ‘મધર્સ ડે’ નવરાત્રિ હોવો જોઈએ. એક દિવસ નહીં, નવ રાત્રિ આપણો ‘મધર્સ ડે’ છે. અંતમાં મારાં મા સાવિત્રી સુધી પહોંચું; અમૃત મા સુધી પહોંચું. મેં ઘણીવાર કહ્યું છે પરંતુ આજે ફરી હું સ્મરણ કરું. મારે મેટ્રિકનું-એસ.એસ.સી.નું ફોર્મ ભરવું હતું; પૈસા નહોતા. એ સમયે પાંચ રૂપિયા ફી હતી. પાંચ રૂપિયા અમારા માટે બહુ જ મુશ્કેલ હતા. સાવિત્રી માને થયું કે આ ફોર્મ ભરવાનું ચૂકી જશે તો એનું વરસ બેકાર જશે. આપે માની છબિ જોઈ હશે. મોટીમોટી સોનાની ટોટી કાનમાં પહેરતાં; આમ સોનું તો નહીં હોય; બીજી ધાતુ હશે ને એના પર સોનું ચડાવેલું હશે; એ ઘરેણાં કાનમાં પહેરાય છે. મા એ પહેરતાં હતાં. મારું એસ.એસ.સી.નું ફોર્મ ભરવા માટે પૈસા નહોતા તો માએ પોતાની એક કાનની ટોટી વેચી નાખી! મા પાસે એકમાત્ર એ જ ઘરેણું હતું. એ વેચીને એમાંથી પાંચ રૂપિયા આપીને મારું ફોર્મ ભર્યું. અને પછી મા એક જ કાનમાં ટોટી પહેરતાં હતાં. માતાઓ સાડીના પાલવથી માથું ઢાંકે એમ માથું ઢાંકી દેતી હતી એટલે એક કાન દેખાય, એક ન દેખાય. તો જિંદગીભર સોનાની એક ટોટી માના કાનમાં રહી હતી, બીજી તો વેચી નાખી હતી! આવી માના મહિમાનું ગાન કરીએ. આપણને સૌને સનાથ રાખનારાં માતૃચરણમાં વંદના કરીએ. ⬛ (સંકલન : નીિતન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...