તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચારોના વૃંદાવનમાં:મને પાકો વિશ્વાસ છે કે વસંત ફરી આવવાની જ છે !

23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજકાલ દેશની મોસમ એવી છે કે માણસને માણસાઇમાંથી જ વિશ્વાસ ઊઠી જાય. મહાત્મા જીવતા નથી, તેથી લોકોને નિરાંત છે
 • હોલિવુડ ફિલ્મ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ના એક દૃશ્યમાં જુલિયા

કેટલીક ફિલ્મો મનોરંજન પીરસે છે. કેટલીક ફિલ્મો આંખોમાં આંસુની પરનાળ છલકાવે છે. કેટલીક ફિલ્મો હત્યા, મારામારી, ક્રુરતા અને હિંસાના સંયોજન થકી સસ્પેન્સનો કસુંબલ રંગ ચડાવીને તાણનું પોટલું પ્રેક્ષકોને માથે મૂકતી જાય છે. કેટલીક ફિલ્મો એવી પણ હોય છે, જે સુંદર કલાકૃતિ બનીને હૈયામાં કાયમી વસવાટ કરે છે. યાદ છે. ફિલ્મ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’માં જુલિયા એન્ડ્રુઝનાં તોફાની બારકસ એવાં સાત બાળકોને લઇને નીકળી પડે છે. મસ્તીનાં મોજાં ઊછળવા માંડે છે અને ઓસ્કાર હેમસ્ટીનના મ્યુઝિકમાં ઝબોળાયેલી પંક્તિઓ હૃદયમાં વસી જાય તે એવી કે આજની ઘડી અને કાલનો દહાડો! તે ગીતની ધ્રુવપંક્તિ છે: ‘આઇ હેવ કોન્ફિડન્સ ઇન કોન્ફિડન્સ.’ ગીતનો મુક્ત અનુવાદ સાંભળો: હું તો સાત છોકરાની માતા મારામાં જે નથી, તે હિંમત મારે જોઇએ છે. હું તો જે શ્રેષ્ઠ હોય, તેના કરતાંય સારું કરી બતાવીશ. મને સૂરજના તડકામાં વિશ્વાસ છે. મને વરસતા વરસાદમાં વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે વસંત ફરી આવવાની જ છે. મને વિશ્વાસમાં વિશ્વાસ છે. મને માત્ર વિશ્વાસમાં જ વિશ્વાસ છે. મને મારામાં વિશ્વાસ છે ! આજકાલ દેશની મોસમ એવી છે કે માણસને માણસાઇમાંથી જ વિશ્વાસ ઊઠી જાય. મહાત્મા જીવતા નથી, તેથી લોકોને નિરાંત છે. લોકશક્તિ ઝોકું ખાઇ જાય ત્યારે ગાંધીજીને ઉજાગરા કરવાની ટેવ હતી. લોકો જાગે અને એક થાય તે માટે ગાંધીજી ઉપવાસ પર ઊતરતા. એમણે HARIJANની અંગ્રેજી આવૃત્તિમાં પ્રથમ અંકમાં લખ્યું હતું: ‘મારા ઉપવાસ તો દુ:ખી આત્માએ કરેલી પ્રાર્થના જેવા હતા.’ સ્વરાજ મળ્યું પછીના ઇતિહાસનું એક પીળું પડી ગયેલું સડેલું પાનું અત્યારે મારા હાથમાં છે. વર્ષ 1991ના ડિસેમ્બર 7, 8, 9 એમ ત્રણ દિવસો દરમ્યાન દિલ્હીમાં એક સમાંતર લોકસભાનું આયોજન થયું હતું. એના આયોજક ‘હિન્દુસ્તાની આંદોલન’ના પ્રણેતા સદ્્ગત મનુભાઇ મહેતા હતા. મંચ પર ભારતના નકશામાં મહાત્મા ગાંધીજીનું ચિત્ર હતું. આવી અનોખી સમાંતર લોકસભાના સ્પીકર તરીકે સદ્્ગત પ્રોફેસર પુરુષોત્તમ માવળંકર હતા. અમારી સાથે મિત્ર સદ્્ગત રામુ પંડિત ટ્રેનમાં જ ભેગા થઇ ગયા હતા. કોન્ફરન્સ હોલમાં મિત્ર અને પત્રકાર સ્વ. દિગંત ઓઝા ( લેખિકા કાજલ ઓઝા વૈદ્યના પ્રિય પિતાશ્રી) લોકસત્તાના તંત્રી તરીકે ઉપસ્થિત હતા. મધુ મહેતાએ ઝીણી ચીવટ જાળવીને સમગ્ર દેશમાંથી વિવિધ ક્ષેત્રોમાંથી અનુભવી અને વિદ્ધાનોને વીણીવીણીને લગભગ 200 મહાનુભાવોને આમંત્રણ પાઠવીને એકઠા કર્યા હતા. મંચ પર બીજા બેનરમાં લખ્યું હતું: એક રાષ્ટ્ર : હિંદુસ્તાન એક જાતિ : હિંદુસ્તાની એક ધર્મ : માનવતા અમેરિકામાં જેને ટેલેન્ટ હન્ટિંગ કહે છે તેવું આવી સમાંતર લોકસભા માટે થયું હતું. આદરણીય પત્રકાર અરુણ શૌરીએ પ્રાઇવેટાઇઝેશન પર પ્રવચન કર્યું હતું. મધુ મહેતાએ ભૂમિકા બાંધીને પીપલ્સ પાર્લામેન્ટનો હેતુ ખૂબ જ ટૂંકમાં પ્રગટ કર્યો. સોલી સોરાબજી જેવા કાયદા–નિષ્ણાતે કાયદો અને વ્યવસ્થાનું મહત્ત્વ સમજાવીને ન્યાયતંત્રની સમીક્ષા કરી. ભાનુપ્રતાપસિંઘે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખરી જવાબદારી સમજાવી. મારે ‘શિક્ષણ અને સમાજ પરિવર્તન’ અંગે પેપર રજૂ કરવાની જવાબદારી સાથે પ્રવચન કરવાનું હતું. ઉદ્્ઘાટનની વિધિ અનોખી હતી. ઉદ્્ઘાટન કેવું ? ત્રણ મહાનુભાવો મંચ પર ગયા અને બે-ત્રણ મિનિટ માટે બોલ્યા. એક હતા શ્રી બી. કે. નેહરુ, બીજા હતા લેફ. જનરલ એસ. સિંહા અને ત્રીજા હતા (મોરારજી દેસાઇના વેવાઇ અન)ે ખેડૂતો માટે વોટરપંપ બનાવનારી કંપનીના માલિક શ્રી કિર્લોસ્કર. આવા નિષ્ણાતોને ત્રણ દિવસ માટે એક મંચ પર ભેગા કરવા એ જેવીતેવી વાત ન હતી. પ્રત્યેક રજૂઆતને અંતે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરિણામે વક્તાઓએ રજૂ કરેલા ઠરાવોમાં સુધારા પણ કરવામાં આવ્યા. આ સમાંતર લોકસભા લગભગ સમાંતર ‘થિંક ટેન્ક’ જેવી બની રહી. બે બાબતો હૃદયને સ્પર્શી ગઇ. દેશના સંરક્ષણ અંગેની ચર્ચામાં લશ્કરના સિનિયર મોસ્ટ અધિકારીઓ ઉપસ્થિત હતા. એ અધિકારીઓએ ઝીણી વિગતો રજૂ કરીને 1962માં ચીન સાથે થયેલા યુદ્ધમાં ભારતને પક્ષે કેવી બેદરકારી સેવવામાં આવી હતી તેની વિગતવાર વાતો કરી હતી. રાજકારણી નેતાઓની એક ગંદી કુટેવ જાણી રાખવા જેવી છે. બધાં જ ક્ષેત્રોમાં એમને સદાય પોતાને ગમી ગયેલા ચમચાઓ જ ખપે છે. એમનો કોઇ અભિપ્રાય એમનો નથી હોતો. એ અભિપ્રાય અમીબાની જેમ આકાર બદલતો જ રહે છે. પરિણામે રાષ્ટ્રનું હિત જોખમાય છે અને પોતાનું હિત જળવાય છે. પ્રત્યેક પ્રધાન થોડાક બુદ્ધિશૂન્ય ચમચાઓથી ઘેરાયેલો હોય છે. વર્ષ 1962માં ચીન સામેની લડાઇ વખતે પણ એમ જ બન્યું. કૃષ્ણ મેનને લશ્કરી વડાની પસંદગી પણ આવી ચમચાગીરીના આધારે જ કરી હતી. જનરલ કૌલની પસંદગી દેશને ભારે પડી ગઇ! સરદાર પટેલ આવું કરે? કદી નહીં, કદી પણ નહીં! ચમચાની એક ખૂબી જાણી રાખવા જેવી છે. ચમચાને ખબર હોય છે કે બોસના કાનને કેવળ રાગ ‘પ્રશંસા ત્રિતાલ’ જ ગમે છે. પ્રધાનપદંુ ગુમાવ્યા બાદ આવો મધુર રાગ સાંભળવા મળતો નથી તેથી પ્રધાનને ‘ભૂતપૂર્વ’ બની ગયાનો ગમ ખૂબ જ સતાવે છે. આવો ગમ પીડાદાયક ખાલીપો સર્જે છે. એવું બને ત્યારે નાગાલેન્ડ જેવા નાના રાજ્યનું ગવર્નર પદ પણ શિયાળાના હોલવાઇ ગયેલા તાપણા જેવું હુંફાળું લાગે ! પાર્લામેન્ટ શરૂ થાય તેની આગલી સાંજે એક વિચિત્ર ઘટના બની. કહું કે ન કહું? પંચતારક હોટેલ મૌર્ય શેરેટોનના ભવ્ય સ્યૂટમાં મોરારજીભાઇના વેવાઇ શ્રી કિર્લોસ્કર તરફથી મધુભાઇને આમંત્રણ મળ્યું. એ આમંત્રણ ડ્રિંક પાર્ટી માટે હતું. મધુભાઇએ પાર્ટી માટે પાંચ જણાની પસંદગી કરી, જેમાં મારું નામ પણ હતું. યોગ્ય સમયે અમે પાંચ જણા મૌર્ય શેરેટોન જેવી મોંઘીદાટ ફાઇવસ્ટાર હોટેલ પર પહોંચી ગયા. રીસેપ્શન પર ફરજ બજાવતી એક કન્યા અમને શ્રી કિર્લોસ્કરના સ્યૂટના બારણા સુધી લઇ ગઇ. ડોરબેલ દબાવ્યો ત્યાં જ એક સુંદર સ્ત્રીએ બારણું ખોલીને કહ્યું : ‘મિ. કિર્લોસ્કરે મને કહ્યું છે : ‘કોમર્સ મિનિસ્ટર શ્રી ચિદમ્બરમ્્ની સાથે મિટિંગ હોવાના કારણે સરને થોડું મોડું થશે, પણ તમે સૌ ડ્રિંક શરૂ કરશો. હું જેમ બને તેમ વહેલો પહોંચીને જોડાઇ જઇશ.’ અમે પાંચ જણા ટેબલ પર ગોઠવાણાં. જે સુંદરીએ અમારું અભિવાદન કર્યું, તેણે બધી જ વ્યવસ્થા કરી રાખી હતી. બધા મિત્રોએ પોતાની પસંદગીની વ્હિસ્કી મગાવી અને મેં ફ્રેશ મોસંબી જ્યૂસનો ઓર્ડર આપ્યો. સુંદરી કેવી હતી? એ અભિનેત્રી પદ્મિની જેવો બાંધો ધરાવનારી ગોરા વર્ણની મહિલા હતી. અને શ્રી કિર્લોસ્કરની સેવામાં રાતદિવસ હાજર હતી. શરાબની મહેફિલ શરૂ થઇ ત્યાં તો શ્રી કિર્લોસ્કર આવી પહોંચ્યા ! અમારામાંથી એક જણે વિવેક કર્યો: ‘સર ! તમારા માટે ગ્લાસ તૈયાર કરું?’ શ્રી કિર્લોસ્કરે કહ્યું, ‘ના, ના ! તમે તકલીફ ન લેશો. મારે શું જોઇએ તેની બધી ખબર ‘એને’ છે. તરત જ બરફનો શંકુ ગ્લાસમાં રચાયો અને સુંદરીએ સરને ગમતી વ્હિસ્કીનો બરફના એ શાલિગ્રામ પર અભિષેક કર્યો. વાતો ચાલી તેમાં એક બિરાદરે શ્રી કિર્લોસ્કરને પ્રશ્ન પૂછ્યો : ‘સર! નેવું વર્ષની ઉંમરે આપની આવી કાર્યશક્તિનું રહસ્ય શું ? ’ શ્રી કિર્લોસ્કરે પૂરી નિખાલસતા સાથે અંગ્રેજીમાં કહ્યું : ‘Hard work during the day and a good company during the night. ’ મોરારજીભાઇ દેસાઇના વેવાઇ શ્રી કિર્લોસ્કરની આ વાત બરાબર યાદ રહી ગઇ છે. એમની ઉંમર એ વખતે 90 plus હતી. જવાબ પ્રમાણે તેઓ લાંબું જીવ્યા ! એમના ટૂંકા જવાબનું રહસ્ય સૌને સમજાઇ ગયું !!! એમની વાતમાં દંભનો છાંટો પણ ન હતો. ⬛ }}} પાઘડીનો વળ છેડે જે યુવાન કદીય રડ્યો નથી, તે જંગલી ગણાય. અને જે ડોસો કદી પણ હસતો નથી, તે મૂર્ખ ગણાય. - જ્યોર્જ સાન્તાયન }}} Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો