તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૂબકી:મેળાનો મને થાક લાગે

વીનેશ અંતાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક પ્રકારની ભીડ મેળો નથી. ‘મન મળે ત્યાં મેળો’ એવી વ્યાખ્યા બંધાઈ છે. રમેશ પારેખે તો મેળા માટે ‘મનપાંચમ’ જેવી નવી તિથિ પણ આપી : ‘આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે...’ કેટલાય કવિઓએ એમની કવિતામાં મેળાને લાડ લડાવ્યા છે. ગુજરાતી સાહિત્ય પણ મેળાથી વંચિત રહ્યું નથી

અષાઢ મન મૂકીને વરસ્યો હોય, નદીઓ બેય કાંઠે વહેતી હોય, તળાવો છલકાઈ ગયાં હોય, ધરતી લીલૂડી બની હોય, માનવીનાં તનમન ધોવાઈને નિર્મળ બન્યાં હોય, ડાળીઓ પર ઝૂલા બંધાઈ ગયા હોય, પરદેશ ગયેલો પિયુ ઘેર પાછા આવવાની ઘડીઓ ગણાતી હોય, હવામાં મિલન અને ઉલ્લાસની સુગંધ છવાઈ હોય અને ઉત્સવઘેલા માનવો મેળો માણવા અધીરા થયા હોય ત્યારે સાચો શ્રાવણ પરખાય છે. આપણો દેશ ઉત્સવો અને એની સામૂહિક ઉજવણી માટે ભરાતા મેળાથી બારે માસ ધબકતો રહે છે. દેશના કોઈ ને કોઈ વિસ્તારમાં ઉત્સવ ચાલતો જ હોય છે. વિવિધ માન્યતા, રીતરિવાજો, ધાર્મિક પરંપરા વગેરેની અભિવ્યક્તિ આપણી સંસ્કૃતિનાં મૂળમાં છે. ઉલ્લાસ ઘરના ખૂણે એકલા બેસીને માણવાનો ભાવ નથી. એકનો ઉત્સાહ, અનેકને સ્પર્શે અને પછી આખો સમાજ એના રંગે રંગાય એ આપણી આગવી જીવનશૈલી છે. ભારતમાં વિવિધ નિમિત્તે મેળા ભરાય છે. વર્ગીકરણ કરવું હોય તો મેળાઓને ધાર્મિક, ઐતિહાસિક, ઋતુપરિવર્તન સાથે જોડાયેલા, પશુમેળા જેવા વિભાગોમાં વહેંચી શકાય, પરંતુ એ બધાં બાહ્ય વર્ગીકરણ છે, મૂળ નિમિત્ત હોય છે ભેળા મળવું, સમૂહમાં આનંદ માણવો. ચેપ લગાડવો હોય તો આનંદ-ઉલ્લાસનો લગાડવો – એ આપણી પાયાની ભાવના. એક સમયે લોકમનોરંજનનાં સાધનો અલગ પ્રકારનાં હતાં. મેળામાં એ બધું એક જગ્યાએ માણવાની તક મળતી. અગાઉના સમયમાં મનોરંજન માટે લોકો ઘરના એકાંતમાં ભરાઈ રહેતા નહીં, તેઓ માત્ર પ્રેક્ષક બની આનંદ માણતા નહીં, એમાં જાતે ભાગ લેતા. એ જમાનામાં ઓન લાઈન શોપિંગ નામનો જાદુ હજી અસ્તિત્વમાં આવ્યો નહોતો. શોપિંગ મોલની ઝાકઝમાળનો નશો ચઢવાનો હજી બાકી હતો. એ સમયે મેળામાં – ખાસ કરીને ગામડાના મેળામાં લોકોને જીવનજરૂરિયાતની બધી ચીજવસ્તુઓ એક જ સ્થળે ખરીદવાની સગવડ મળતી. કંતાનો બાંધી હાટ મંડાતી, છૂંદણાં છૂંદનાર અને મેંદી રંગનાર છત્રી ખોલી બેસતા, માટીનાં વાસણોથી માંડી તાંબા-પિત્તળનાં વાસણોના ઢગલા ઝગારા મારતા અને લોકો ખરીદી કરવા ઊમટી પડતા. વરસ દરમિયાન ઘરમાં કોઈ વસ્તુની જરૂર પડતી તો વડીલો કહેતા – આવતે મેળે વાત. બાળકોની સાથે મોટેરાં પણ ચગડોળ અને ઊડનખટોલાની મસ્તીમાં ડૂબી જતાં. મોતના કૂવામાં જીવસટોસટનાં દૃશ્યો જોઈ જોનારના શ્વાસ અદ્ધર થઈ જતા. દોરીના ઇશારે કઠપૂતલીઓ નાચતી, મલ્લકુસ્તીના દાવ ખેલાતા. ગાડાંદોડ, ઊંટદોડ, ઘોડાદોડ જેવી સ્પર્ધાઓ યોજાતી. ત્યારથી એક શબ્દ પ્રચલિત થયો – હૈયે હૈયું દળાય એવી ભીડ. મેળામાં હૈયાં મળે, આંખોના ઇશારે જિંદગીના સોદા થાય, મૂંગા કોલ અપાય, સખીઓ કોણી મારી કોઈકને બતાવે અને નાયિકા શરમથી લાલચોળ થઈ જાય. મેળામાં યુવાનિયાંઓના પગ એક બાજુ ખેંચે, મન બીજી બાજુ ખેંચાય જેવી હાલત થાય. આંખોને દેખાય એનો ધરવ ન થાય અને આંખોથી દૂર હોય એનો ઝુરાપો વેઠવો પડે. મેળામાં ઊડતી ધૂળથી બચવા કોઈ નાકે રૂમાલ આડો ન દે. રૂમાલ તો લાગણી વ્યક્ત કરવાનું હાથવગું માધ્યમ બનતો. બંગડી ખરીદવા લંબાયેલા તરુણીઓના કોમળ હાથમાં કાચની નવી બંગડીઓના રણકાર અને નવા ઝાંઝરના ઝમકારની સાથે ઢોલ-પાવા વગાડતા નવયુવકોના લોહીના ધબકારથી કોઈ અનેરો લય બંધાતો. કેટલાક વિસ્તારના મેળામાં નૌટંકીના ખેલ પડતા એને એમાંથી ફણીશ્વર નાથ રેણુની વાર્તા ‘મારે ગયે ગુલફામ’ અને શૈલેન્દ્રની ફિલ્મ ‘તીસરી કસમ’ જેવાં અદ્દભુત કળાસર્જનો થતાં. ગુજરાતી સાહિત્ય પણ મેળાથી વંચિત રહ્યું નથી. ગામજીવનની ઘણી કથામાં મેળો આવ્યો છે. પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’નાં કાનજી અને જીવીની આંખો મેળામાં મળી. ઉમાશંકર જોશીની નવલિકા ‘શ્રાવણી મેળો’નાં નાયક-નાયિકા પહેલી વાર મેળામાં મળે છે. ત્યાર પછીની પેઢીના સર્જક માવજી મહેશ્વરીની નવલકથા ‘મેળો’માં પણ નાયક-નાયિકા એકબીજાને પહેલી વાર મેળામાં જુએ છે. એક સમયે ગામડાના ભરાતા મેળાની ભૂંસાતી તસવીરની વેદના આ સર્જકને પીડે છે. માવજી લખે છે: ‘છેલ્લા બે દાયકાથી મેળો ભરાવા અને વિખરાવાની ભીંસ અનુભવું છું.’ દરેક પ્રકારની ભીડ મેળો નથી. ‘મન મળે ત્યાં મેળો’ એવી વ્યાખ્યા બંધાઈ છે. રમેશ પારેખે તો મેળા માટે ‘મનપાંચમ’ જેવી નવી તિથિ પણ આપી: ‘આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે...’ કેટલાય કવિઓએ એમની કવિતામાં મેળાને લાડ લડાવ્યા છે. એમાં યાદ આવે દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું અને લતા મંગેશકરના મધુર કંઠે ગવાયેલું હરીન્દ્ર દવેનું ગીત: ‘ના, ના, નહિ આવું, મેળે નહીં આવું/ મેળાનો મને થાક લાગે.’ નાયિકાને મેળાનો થાક કેમ લાગે છે? કદાચ એમાં પણ મનનો મેળો વિખરાવાની વેદના છે. જ્યાં વાયરાની પ્રાણભરી લહેરી, નેહભર્યો સંગ, પીછો કરતી નજરું, પાવાનો સૂર, કેસરિયાળો સાફો, હોઠનો મરોડ અનુભવવા મળતો ન હોય એવા મેળામાં અમથું અટવાવાની જરૂર પણ શી? હવેના મેળાનો થાક આપણે ખોઈ દીધેલા સમયનો છે. કોરોનાની મહામારીએ માણસને માણસથી વેગળો કરી નાખ્યો છે, ભીડ વિખેરી નાખી છે, એવા વર્તમાનમાં મેળાની સ્મૃતિનો પણ થાક લાગે એવો સમય આવી ગયો છે.⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...