તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં ખીલ્યું ગુલાબ:તુમને કિયા ના યાદ કભી ભૂલ કર હમે હમને તુમ્હારી યાદ મેં સબ કુછ ભુલા દિયા

2 મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • જે સ્ત્રી માટે પોતે આટલા બધા પાપ કર્મોના પાયા ઉપર સમૃદ્ધિનો મહાલય ઊભો કર્યો હતો એ સ્ત્રી આખરે બેવફા બનીને ઊભી રહી?!

અમદાવાદની પાસે આવેલું એક નાનું ગામડું. ગામમાં ગરીબ, ધનવાન અને મધ્યમ વર્ગના લોકોની મિશ્ર વસ્તી. બધાની આવક ભિન્ન. બધાના ખર્ચાઓ અલગ. બધાનું જીવનધોરણ જુદું, પરંતુ તમામ ગામ લોકોમાં એક બાબત સર્વસામાન્ય. એ હતી હમીરસિંહ નામના માથાભારે શખ્સની ધાક.

આશરે પાંચેક દાયકા પહેલાંની આ વાત છે. 35 વર્ષના હમીરસિંહનું વ્યક્તિત્વ ખૂંખાર અને ભયાવહ હતું. છ ફીટ ઊંચો દેહ. કદાવર બાંધો. મજબૂત ભૂજાઓ. કરડો ચહેરો. આંખો એવી કે એને જોઇને વાઘ પણ ડરી જાય. મૂછો એવી કે એ જોઇને બચ્ચનસાહેબવાળો નથ્થુલાલ પણ ફિક્કો પડી જાય. વર્ષમાં બે જ વાર માથાંના વાળ કપાવવાના. ગીરના ભેંસા જેવા એના માથાં ઉપર વાળના લાંબા ઓડિયાં શોભતા પણ હતા. એનો રોજિંદો પોશાક સજ્જનને છાજે તેવો નહીં, પણ જૂની હિંદી ફિલ્મોના ડાકુઓને શોભે તેવો રહેતો હતો. હમીરસિંહ શું કામધંધો કરતો હતો એની ચોક્કસ માહિતી કોઇની પાસે ન હતી, પણ આખા ગામમાં સૌથી વધારે ધનવાન એ હતો એ વાત બધા જાણતા હતા. હમીરસિંહ પાસે બે માળનું હવેલી જેવું ભવ્ય મકાન હતું. રાણી પિંગળા જેવી રૂપાળી પત્ની હતી. કેલૈયાકુંવર જેવો એક દીકરો હતો અને નાની મોટી સાઇઝની ઢીંગલીઓ જેવી ત્રણ દીકરીઓ હતી. મકાનના પ્રવેશદ્વાર પાસે બે વિકરાળ પાળેલા કૂતરાઓ દિવસ-રાત પહેરો ભરતા હતા. હમીરસિંહ પરવાના વિનાની રાઇફલ લઇને, જાતવાન ઘોડી પર સવાર થઇને ઘરની બહાર નીકળતા ત્યારે ઊભી બજારે સન્નાટો પ્રસરી જતો હતો. પોલીસ ખાતું પણ હમીરસિંહની સાથે સારાસારીનો સંબંધ રાખતું હતું.

એ ગામની આજુબાજુના સો-દોઢ સો માઇલના ઘેરાવામાં હમીરની હાક વાગતી હતી. આખા પંથકમાં કાનાફૂસી ચાલતી હતી, ‘આ હમીરસિંહ એવું તે શું કરે છે કે આટલી બધી સાહ્યબીમાં આળોટે છે?’ જવાબમાં દબાયેલા સૂરમાં માહિતી મળતી હતી, ‘એવો એક પણ ગોરખધંધો નથી, જે હમીરસિંહ ન કરતો હોય. આખા પંથકમાં દારૂની હેરાફેરી એના માણસો દ્વારા જ ચાલે છે. છેલ્લા સાત વર્ષમાં આ પંથકમાં જેટલાં ખૂન થયાં છે એ બધામાં હમીરનો હાથ છે. હમીર જ્યારે ઘોડી પર સવાર થઇને જતો હોય ત્યારે સ્ત્રીઓ ઝટપટ ઘરમાં સંતાઇ જાય છે. ભૂલેચૂકે પણ જો કોઇ રૂપાળી સ્ત્રી એની નજરમાં આવી જાય તો બે દિવસની અંદર હમીરસિંહ એને...! અફીણ, ચરસ, ગાંજો આ બધું જ હમીરનાં કારણે આ વિસ્તારમાં વેચાય છે. પોલીસ બધું જ જાણે છે, પણ એક કરતાં વધારે કારણોથી હમીરને એ લોકો કંઇ કહી શકતા નથી.’ હમીરસિંહ વિશે દબાયેલા અવાજમાં પણ આવી વાત કહેનાર મોટા ભાગે તો ચાર-પાંચ દિવસમાં જ ઢોરમાર ખાઇને દવાખાનાં ભેગો થઇ જતો. કહેવત છે કે ચોરને ચાર આંખો હોય છે, પણ હમીરને હજાર કાન હતા.

હમીરસિંહ એનાં મકાનના પાછળના વાડામાં મરઘા ઉછેર કેન્દ્ર ચલાવતો હતો. એક દિવસ વાડામાંથી એક મરઘી બહાર આવી ગઇ. ગામના રખડતા કૂતરાએ એના પર ઝપટ મારી. મરઘીએ ચીસાચીસ કરી મૂકી. હમીરસિંહ તે સમયે ઘરમાં જ હતા. ફળિયાંમાં ઢાળેલા ઢોલિયા પર આડા પડીને હુક્કો ગગડાવતા હતા. એમના કાનમાં મરઘીની ચીસો પડી. એ ઊભા થયા. દિવસ-રાત સાથે રહેતી રાઇફલ લઇને બહાર નીકળ્યા. અપરાધી કૂતરાને ભડાકે દઇ દીધો. ગામમાં અરેરાટી પ્રસરી ગઇ, પણ કોઇ હરફ સુદ્ધા ઉચ્ચારી શક્યું નહીં. બધા જાણતા હતા કે રાઇફલમાં બીજી ગોળીઓ પણ હતી. એક દિવસ પરગામથી એક મુલાકાતી હમીરસિંહના આંગણે આવ્યો. કોઇક અંગત કારણથી તે આ માથાભારે શખ્સની મદદ યાચવા માટે આવ્યો હતો. પ્રવેશદ્વાર પાસે જ હમીરસિંહના ચોકીદાર કૂતરાએ એને અટકાવ્યો. એની ભાષામાં નામ પૂછતો હોય એમ એ ભસ્યો. પેલા માણસને અહીંની રીતભાત વિશે માહિતી ન હતી. એણે તો કૂતરાને કૂતરો સમજીને કહી નાખ્યુઃ ‘હટ..!’ બસ, થઇ રહ્યું. હમીરસિંહ આ સાંભળી ગયા. પોતાના વહાલા શેરુનું આવું અપમાન! એ બહાર ધસી ગયા. આટલા નાના ગુના માટે હત્યા કરી નાખવી એ એમને યોગ્ય નહીં લાગ્યું હોય, પરંતુ ગુનેગારને સજા તો આપવી જ પડે. એમણે ખૂણામાં પડેલો લાકડાંનો જાડો મજબૂત લઠ્ઠ ઉપાડીને પેલા મુલાકાતીના બંને પગ તોડી નાખ્યા. ત્યાંથી પસાર થતા માણસો ચૂપચાપ જોઇ રહ્યા. કોઇએ ડચકારો સુદ્ધા કર્યો નહીં. જો કર્યો હોત તો એમના પણ પગ તૂટી ગયા હોત.

આવા હમીરસિંહજી જિંદગીને એમની આગવી રીતે ભરપૂર માણી રહ્યા હતા. એમના ગોરખધંધાનાં કારણે દિવસોના દિવસો સુધી તેમણે બહારગામ જવું પડતું હતું. ક્યારેક દસ-દસ દિવસ સુધી તે ઘરે આવી શકતા ન હતા. એમની પત્ની ઘર સંભાળતી હતી. દીકરીઓ જુવાન થતી જતી હતી. દીકરો બાપની જેમ ભારાડી બનતો જતો હતો. અચાનક હમીરસિંહની જિંદગીમાં આઘાતજનક પલટો આવી ગયો. દસ દિવસનું કહીને બહારગામ ગયેલા હમીરસિંહ બે દિવસ વહેલા ઘરે પાછા ફર્યા. બપોરનો સમય હતો. બાળકો બધાં કોલેજમાં ગયાં હતાં. ખડકી બંધ હતી. શેરુ માલિકને ઓળખતો હતો. એટલે ભસ્યો નહીં. હમીરસિંહ દરવાજો હડસેલીને ઘરમાં દાખલ થયા. ફળિયું વટાવીને અંદર જવાના કમાડને ધક્કો માર્યો. બારણાં અંદરથી બંધ હતાં. બારણું ખૂલતાં સારી એવી વાર લાગી. અંતે બારણાં ખૂલ્યાં તો ખરાં પણ હમીરસિંહની આંખ સામે ગામનો એક રંગીલો સોહામણો યુવાન ઊભો હતો અને હમીરસિંહની પિંગળા રાણી પોતાના ચોળાયેલાં વસ્ત્રો સરખાં કરી રહી હતી. બસ્સો માઇલના પંથકમાં જેની હાક વાગતી હતી, જેની ધાકથી ડરીને પંખીઓ અવાજ કરવાનું ભૂલી જતા હતા એવા ખૂંખાર હમીરસિંહને જોઇને તે બે જણાની કેવી હાલત થઇ હશે? ઇન્સાફની ઘડી સાવ નજીકમાં હતી. હમીરસિંહના જમણા ખભા પર રાઇફલ લટકતી હતી. ટ્રિગર દબાવવાનું ટાણું સાવ પાસે હતું. માત્ર બે ભડાકાની જ વાર હતી. બે લાશો પડી જવાની હતી. હમીરસિંહને પૂછનારું કોણ હતું?

પણ એ ક્ષણ હમીરસિંહ માટે પરિવર્તનની ક્ષણ સાબિત થઇ ગઇ. જે સ્ત્રી માટે પોતે આટલા બધા પાપ કર્મોના પાયા ઉપર સમૃદ્ધિનો મહાલય ઊભો કર્યો હતો એ સ્ત્રી આખરે બેવફા બનીને ઊભી રહી?! પ્રચંડ આઘાતના દરિયામાંથી વૈરાગ્યનું એક ઊંચું મોજું ઊછળ્યું; એ સાથે જ હમીરસિંહ ઘરમાં જવાને બદલે પાછા વળી ગયા. જતાં જતાં પત્નીને આટલું જ કહેતા ગયા, ‘સાત પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન મૂકતો જાઉં છું. ચારે સંતાનોને સારી જગ્યાએ સારી રીતે પરણાવજો.’ હમીરસિંહે રાઇફલ ફેંકી દીધી. શેરુનાં માથાં પર હેતપૂર્વક હાથ ફેરવી લીધો, પ્રાણપ્રિય ઘોડીની પીઠ થપથપાવી લીધી અને પછી બધું જ ત્યાગીને પહેરેલાં કપડે ચાલી નીકળ્યા. બજારમાં જઇને એક કાપડની દુકાનમાંથી કાળા રંગનાં કાપડનો એક તાકો ખરીદી લીધો. એના બે ભાગ કરીને ઉપર નીચે ધારણ કરી લીધા. તન ઉપરથી જૂનાં વસ્ત્રો અને મન ઉપરથી જૂનો હમીરસિંહ ઊતરી ગયા. એક નવા સાધુપુરુષનો જન્મ થયો.

ગામની બહાર આવેલા મહાકાલી માતાનાં મંદિરમાં જઇને બેસી ગયા. તે ઘડી ને આજનો દિવસ. હમીરસિંહે ક્યારેય પોતાના ગામમાં પગ મૂક્યો નહીં. ગામ લોકોને હમીરસિંહનું આ નવું સ્વરૂપ સ્વીકારતા થોડાક દિવસો લાગ્યા પણ આખરે બધાએ એમને અપનાવી લીધા. લોકો ભિક્ષા આપી જાય એ ખાઇને હમીરસિંહ દિવસ-રાત મહાકાલીની ઉપાસનામાં મગ્ન રહેવા લાગ્યા. મહાકાલીનું મંદિર ગામથી ખાસ્સું દૂર નદીના કાંઠે સ્મશાનની બાજુમાં આવેલું હતું. રાત્રે તો ઠીક દિવસે પણ કોઇ ત્યાં ફરકતું નહીં. આવા અસુરા સ્થાનમાં રાત-દિવસ એકલા રહી શકવું એ કાચા-પોચાનું કામ નહીં, પણ હમીરસિંહ ક્યાં કાચા-પોચા હતા? મહાકાલી માતાની મૂર્તિ પણ એવી મોટી કે એને જોઇને બાળકો ડરી જાય.

લોકવાયકા મુજબ વર્ષોની અખંડ સાધના પછી હમીરસિંહ અનેક સિદ્ધિઓના સ્વામી બની ગયા હતા. ઊડતા પક્ષીને ઇશારો કરીને તેઓ પોતાના હાથમાં બોલાવી લેતા હતા. પછી પ્રેમપૂર્વક હાથ ફેરવીને ઉડાડી મૂકતા હતા. ક્યારેય પૈસાને હાથ લગાડતા ન હતા, પણ કોઇ જરૂરતમંદ યાચના કરતો આવે તો ગોદડી ઊંચી કરીને નવીનક્કોર કરન્સી નોટોની થોકડી કાઢીને આપી દેતા હતા. હમીરસિંહ બાપુ દીર્ઘાયુષી થયા. જેવું જીવ્યા હતા તેવું જ અજાયબીભર્યું મૃત્યુ પામ્યા. વિધાતાએ મોકલેલી એક રાતે હમીરસિંહ મંદિરના ઓટલા ઉપર સૂતા હતા ત્યારે સાત હાથ લાંબો એક કાળોતરો નાગ આવીને એમના જમણા હાથની આંગળી પર દંશ મારી ગયો. હમીરસિંહની ઊંઘ તૂટી ગઇ. એમણે મામલો પારખી લીધો. પોતાના બે મજબૂત હાથોમાં કાળદેવતાને પ્રેમપૂર્વક ઊંચકીને ચાલતાં ચાલતાં નદી કિનારે જઇને નાગરાજને મૂકી આવ્યા. પાછા ચાલતા આવીને પથારીમાં સૂઇ ગયા. આજે મંદિરના પરિસરમાં હમીરસિંહ બાપુની સમાધિ ઊભી છે. (કથાબીજઃ પ્રકાશ પ્રજાપતિ) (શીર્ષકપંક્તિ: બહાદુર શાહ ઝફર) drsharadthaker10@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser