સ્ટોરી પોઈન્ટ:મને મારા મૃત્યુનો અફસોસ નથી

માવજી મહેશ્વરી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ પુરણે પોલીસનો માર ખાધો, ટોર્ચર કરવામાં આવ્યો છતાં કંઈ બોલ્યો નહીં

ચુકાદો નિશ્ચિત જ હતો. તે છતાં લોકોને ચુકાદામાં રસ હતો. જ્યારે તારીખ પડતી ત્યારે કોર્ટની બહાર લોકોના ટોળાં જામતાં. હાઈ પ્રોફાઈલ કેસ હતો એટલે પોલીસનો ખાસ બંદોબસ્ત કરવો પડતો. સરકાર બેય રીતે ભીંસમાં હતી. મીડિયામાં આ મામલો ખૂબ જ ચગ્યો હતો. લોકોને ખબર જ હતી કે આરોપીને મૃત્યુદંડ જ મળશે. છતાં એક સમૂહ એવો પણ હતો, જેને પુરણ તરફ સહાનુભૂતિ હતી. રાબેતા મુજબ વર્ષો નીકળી ગયાં. જોકે મીડિયામાં એવા અહેવાલો આવતા રહ્યા કે પુરણ કોર્ટમાં કશું બોલતો નથી. વકીલોના પ્રશ્નના જવાબ જ નથી આપતો. પોલીસ પણ પોતાની અંગત થિયરી અજમાવી ચૂકી હતી. સામાન્ય રીતે આવો મામલો બને તે થોડો સમય ગરમ રહે, પછી ધીમે ધીમે ઓસરી જાય, પણ એવું બન્યું નહીં.મામલો ચર્ચામાં જ રહ્યો. વાત નાની નહોતી. રાજ્ય સરકારના એક કેબિનેટ મંત્રીની હત્યાની ઘટના હતી. ખૂન કરનાર બીજો કોઈ નહીં, પણ મંત્રીનો અંગત સુરક્ષા ગાર્ડ જ હતો. ચાર વર્ષ પહેલાં રાજ્યના શિક્ષણમંત્રી એક હાઈસ્કૂલના ભવનનું ઉદ્્ઘાટન કરવા ગયેલા. એમનો સુરક્ષાગાર્ડ પુરણ હંમેશ મુજબ જ તેમની સાથે ગયો હતો. મંત્રી ભાષણ કરવા ઊભા થયા, થોડુંક બોલ્યા. લોકોની ભીડ પણ વધારે નહોતી. નિશાન તાકવામાં નિપુણ એવા પુરણે કોઈને જરાય ઈજા ન થાય એમ એક પછી એક ગોળી છોડી અને મંત્રીને મારી નાખ્યા. ભાગદોડ મચી ગઈ. તેનો લાભ લઈ પુરણે ખુદ માઈક ઉપર જાહેરાત કરી. ‘પોલીસમિત્રો, તમે બીતા નહીં. આવો મારી ધરપકડ કરો. મેં મારું કામ કરી લીધું છે. હવે તમારી ફરજ બજાવો. મહેરબાની કરીને મને મારી નાખવાનું વિચારતા નહીં. મારે કારણ વગર કોઈને ઈજા નથી પહોંચાડવી.’ કહીને તેણે પોતાની ગનનો ઘા કરી દીધો. નિર્ભય બનેલા પોલીસ જવાન દોડ્યા. પોલીસે તેને પકડ્યો ત્યાં સુધી પુરણ અજેય યોદ્ધાની જેમ ઊભો રહ્યો. એ આખીય ઘટના કેમેરામાં શૂટ થતી રહી. પત્રકારોએ બધા જ દૃશ્યો સગી આંખે જોયાં. આજે ચુકાદો આવવાનો હતો. કોર્ટ બહાર પોલીસનું દળ ખડકાઈ ગયું હતું. આશંકા હતી કે આજે શહેરમાં તોફાન ફાટી નીકળશે, પણ કશું થયું નહીં. કોર્ટરૂમમાં પુરણે ગુનો કબૂલી લીધો હતો. પુરણને ફાંસીની સજા થઈ. બીજા દિવસના છાપાંઓમાં એક જ હેડલાઈન હતી, પરંતુ એક છાપામાં કંઈક જુદું હતું. એ છાપાએ પુરણનો લખેલો કાગળ સ્કેન કરીને છાપ્યો. છાપાને કાગળ કેવી રીતે અને ક્યાંથી મળ્યો તે કોઈને સમજાતું નહોતું, કારણ કે ત્રણ વર્ષ પુરણે પોલીસનો માર ખાધો, ટોર્ચર કરવામાં આવ્યો છતાં કંઈ બોલ્યો નહીં. પુરણનો કાગળ છપાયો અને હોબાળો થયો. પુરણે લખ્યું હતું. ‘વહાલા ભાઈઓ, તમે મને ઓળખતા નહોતા કેમ કે હું એક સામાન્ય સંત્રી હતો. તમે એને ઓળખતા હતા, કારણ કે એ મંત્રી હતો, પરંતુ હું એને ઓળખું એટલો તમે ક્યાંથી ઓળખો? તમને નવાઈ લાગશે કે હું અને એ રાક્ષસ સરકારી હોસ્ટેલમાં સાથે રહેતા હતા. એ મારાથી ચાર વર્ષ આગળ હતો. તેણે શું ધંધાઓ કર્યા છે એની મને ખબર છે. એ વધારે ભણ્યો નહીં, પણ કોઈ પણ રીતે રાજકારણમાં ચાલી ગયો. મંત્રી પણ બની ગયો. હું ગ્રેજ્યુએટ થયો. કોઈ નોકરી ન મળવાથી સરકારી બંદૂક ઉપાડી લીધી. મને નવાઈ એ વાતની છે કે એ નાલાયક મને ભૂલી કેમ ગયો? મેં એની ભૂલનો જ લાભ લીધો. અમે જે હોસ્ટેલમાં રહેતા હતા તેનાથી થોડે દૂર ગર્લ્સ હોસ્ટેલ પણ હતી. હું આઠમું ભણતો, પણ બધું સમજતો હતો. મારા સગા કાકાની છોકરીએ હોસ્ટેલમાં આપઘાત કરીને મરી ગઈ તેનું કારણ હું જાણું છું. એ નિશાળોની કન્યાઓના માથે હાથ ફેરવતો, ત્યારે મને મારી બહેન યાદ આવી જતી. એ છોકરીઓ પણ યાદ આવતી, જેમને એના સાગરિતોએ ફસાવી હતી. મને એક દિવસ લાગ્યું કે આ જીવતો ન રહેવો જોઈએ. એ જીવશે તો હજુ અનેકને બરબાદ કરી નાખશે. એને બીજો કોઈ મારી શકે એમ નહોતો. એટલે મેં એને મારી નાખ્યો. હા, મેં કાયદો હાથમાં લીધો એની સજા મળવી જ જોઈએ. મને મારા મૃત્યુનો અફસોસ નથી. આપનો પુરણ’⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...