એન્કાઉન્ટર:દરરોજ અગરબત્તી કરું છું. ભગવાન આવતા નથી ને મચ્છર જતા નથી.

એક વર્ષ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

⬛ ‘બુધવારની બપોરે’ ... તો મંગળવારની...?
-ભાર્ગવ ચાવડા, સુરેન્દ્રનગર
-મધરાતે.
⬛ રેલવેના ટાયરમાં કેમ પંચર પડતું નથી?
- ભગવતીબહેન સોલંકી, જામનગર
-ટ્યુબમાં હવા ભરવાનો પંપ સાઇકલવાળા લઈ ગયા હોય છે માટે.
⬛ ગુજરાતમાંથી દારૂબંધી દૂર થવી જોઈએ?
- રસિકભાઈ જે. ધામી, જેતપુર
-થાય તો ય મહિને-મહિને અમને જેતપુર આવવાનું ના ફાવે.
⬛ તમારા મતે શૂરવીરની વ્યાખ્યા શું?
- અર્જુનસિંહ રાઠોડ, ભાવનગર
-સરહદ પરથી રક્ષા કરતો ભારતનો જવાન.
⬛ ઊંધા સૂવાથી તમારી ઇમ્યુનિટી વધે છે, પણ બીજી તકલીફ પડતી હશે ને?
- પ્રતીક એમ.જાદવ, પેટલાદ-આણંદ
-મારી ઇમ્યુનિટી વધવાથી તકલીફ કોરોનાને પડે, મને નહીં!
⬛ ગાયોનાં કતલખાનાં સરકાર બંધ કેમ કરવી શકતી નથી? - ભરત જેઠવા, નડિયાદ
-બાળક જન્મે ત્યારે માના દૂધની જરૂર પડે છે. પછી તો આખી જિંદગી એને ગાયના દૂધ વિના ચાલતું નથી. જે કતલ કરે છે, એના બાળકોને ય જીવવા માટે જરૂરત તો ગાયના દૂધની જ પડે છે ને!
⬛ તમારું ફોક્સ ડિમ્પલભાભી ને બદલે હવે અર્ચના પૂરણસિંઘ બાજુ ગયું છે કે શું?
- લલિતચંદ્ર મહેતા, પાલડી-અમદાવાદ
-એક આદર્શ ભારતીય લાઇફ ટાઈમમાં ભાભી બદલતો નથી. આ તમને શું થઈ ગયું?
⬛ નામ ધ્રુવ હોવા છતાં હું સ્થિર કેમ રહી શકતો નથી?- ધ્રુવ શિશાંગિયા, ઉપલેટા-રાજકોટ
-ગરબડ તમારા ‘શિશ’ નામના ‘અંગ’માં હોવી જોઈએ!
⬛ તમે કોની ઉપર શ્રદ્ધા વધુ રાખો છો?
-રાકેશ જણસારી, પાલનપુર
-દુકાનદાર વધેલા પૈસા પાછા આપે એની.
⬛ પુરુષે સારી પત્ની મેળવવા કયું વ્રત કરવું જોઈએ?
-મહાસુખ દરજી, અમદાવાદ
-એકે ય નહીં. વ્રત સારી કન્યા માટે થાય... રેડીમેડ પત્ની માટે નહીં.
⬛ ભગત નરસિંહ મહેતા અને એક્ટર રમેશ મહેતા વચ્ચે શું ફેર?-દાનાભાઈ ડાંગર, ભુજ-કચ્છ
-એ તો તમે એમના નામોની આગળ લગાડેલ વિશેષણોથી ય ખબર પડે એવું છે. તમે ‘દાણા’ અને ‘ડાંગર’ વચ્ચેનો ફરક કહો જોઈએ!
⬛ હાસ્યની શોધ કોણે કરી?
-ચેતનકુમાર ત્રિવેદી, અમદાવાદ
-3-4 મહિનાના બાળકે.
⬛ ગુનાઓ રોકવા માટે પોલીસને લાઠી-,બંદૂક આપી દેવા જોઈએ..સુઉં કિયો છો?
-રમેશ ચૌધરી, હેડ કોન્સ્ટેબલ , ડીસા
-તમારી બંદૂકો અને લાઠીઓ ખૂટી પડશે!
⬛ તમે આટલા ‘ફની’ જવાબો કઈ રીતે આપી શકો છો?-ભવદીપ કછિયાણી, પાલિતાણા
-પરણેલો છું.
⬛ રાહુલ, મોદીસાહેબનો પ્રકોપ ઇ.સ. 2024 સુધી સહન કરી શકશે?
-દેવાંશુ આચાર્ય, સુરેન્દ્રનગર
-એ પૂછો કે દેશ રાહુલને 2024 સુધી સહન કરી શકશે?
⬛ વરસાદ ઇંચમાં પડે છે, પણ રોડ પરનાં પાણી ફૂટમાં કેમ મપાય છે?
-દિલીપ વી. ઘાસવાલા, સુરત
-હવામાન ખાતું અને મ્યુનિસિપલ તંત્ર વચ્ચે એટલો ફેર તો રહેવાનો જ!
⬛ સવાલની સામે સવાલ હોય?
-ફોરમ પટેલ, મહેસાણા
-કોણ કરે છે?
⬛ જો તમારા ઉપર બાયોપિક બનાવવામાં આવે તો એ ફિલ્મનું નામ શું રાખશો?
-યજુવેન્દ્રસિંહ જાડેજા, જામનગર
-હું એ નહીં બનાવવાના રોકડા સામેથી આપીશ.
⬛ આપણે બંને ઉંમરમાં સરખા છીએ. તમારા જીવનમાંથી શું સલાહ આપશો?
-ભુપેન્દ્ર મિસ્ત્રી, અમલસાડ, નવસારી
-મારામાં પડવા જેવું નથી. મારી સલાહ મારા ઘરમાં ય કોઈ માનતું નથી.
⬛ સરકાર અને સાઇકલ વચ્ચે શું ફેર?
-અમૃતભાઈ સોલંકી, બોટાદ
- ‘અમૃત’ અને ‘સોલંકી’ જેટલો.
⬛ ‘અપના વક્ત ભી આયેગા’ પણ ક્યારે?
-હરેશ લાલવાણી, અમદાવાદ
-આ કોરોના છે ત્યાં સુધી પ્રાર્થના કરો કે આપણામાંથી કોઈનો ટાઈમ આવી ન જાય.
⬛ ધો. 5 સુધી ફરજિયાત માતૃભાષામાં જ અભ્યાસ કરવા અંગેની નવી શિક્ષણનીતિ વિશે તમારું શું માનવું છે?-માધવ ધ્રુવ, જામનગર
-ગુજરાતી બચાવવા માટે કોઈકે તો આગળ આવવું પડશે..!
⬛ અમદાવાદ માટે ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ કહેવાય, તો ભાવનગર માટે?
-રિધમ ઇંટાળિયા, જાંબળા, ભાવનગર
- ‘પોપટ ‘પીતો’ નથી, પોપટ પડતો નથી.’
⬛ લોકડાઉનમાં વસ્તી વધવાની શકયતા કેટલી?
-રિઝવાન ફકીરા, માંગરોળ, જૂનાગઢ
-નવરા પડ્યા લાગો છો!
⬛ વિશ્વના સૌથી ખતરનાક જીવ માણસ વિશે શું માનો છો?-મુકુંદ ત્રિવેદી, ભાવનગર
-પહેલાં તમારો ફોટો મોકલાવો..પછી જવાબ આપવાની ખબર પડે.
⬛ હકીભાભીનું સાચું નામ શું છે? તમે ય એ નામે જ બોલાવો છો?
-ભાવેશ માધાણી, રાજકોટ
-હા, પણ પાછળ ‘ભાભી’ લગાડતો નથી...
બા ખીજાય!
⬛ આપણા દેશમાં તિરંગાનું ગૌરવ જોઈએ એટલું કેમ જળવાતું નથી?-જીતેન્દ્ર કેલા, મોરબી
-પ્રચારનો અભાવ. કારના કાચ ઉપર કે ઘરના ડ્રોઈંગ-રૂમમાં તિરંગો ફરજિયાત બનાવવો જોઇએ.
⬛ મારે તમારી ‘એન્કાઉન્ટર’ કોલમમાં શા માટે સવાલ પૂછવો જોઈએ?
-વત્સલ જેઠવા, માધાપર- ભુજ-કચ્છ
-બીજી કોઈ કોલમવાળા જવાબ આપે એમ નથી.
⬛ સૌથી વધારે વરસાદ ચેરાપૂંજીમાં પડે છે, અમદાવાદમાં કેમ નહીં?
-સિમરન દસાડિયા, વલ્લભીપુર, ભાવનગર
-અહીં બીજા કોઈ કામધંધા હોય કે નહીં?
⬛ વિદ્યાર્થી અને શાળા વચ્ચે હવે તો અંતર દૂરનું જ ને? -તુષાર જે.ભટ્ટ, સોનગઢ, તાપી
-હાલમાં તો જીવી જવાનો એકમાત્ર ઉપાય છે, એકબીજાથી અંતર રાખવાનો!
⬛ વિશ્વરત્ન મુહમ્મદ રફી સાહેબને ‘ભારત-રત્ન’ની શી જરૂર? -હરેન્દ્ર મહેતા, પાટણ
-તમારો વિચાર વિશ્વના કરોડો લોકો સાથે મળતો આવે છે.
⬛ ટુ-વ્હીલરમાં ફ્રન્ટ-ગિયર આવે છે, તો રિયર-ગિયર કેમ નહીં?-મનીષ ડોડિયા, વલસાડ
-સ્કૂટર/બાઇકવાળો એક વખત આગળ વધી ગયા પછી પાછું વળીને કદી જોતો નથી. આગળ જુએ તો બહુ છે.
‘એન્કાઉન્ટર’
‘એન્કાઉન્ટર’ માટેના પ્રશ્નો વાચકો સાદા પોસ્ટકાર્ડ અથવા ઇ-મેઇલ પર મોકલી શકશે. સવાલ સાથે નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનાં રહેશે.
સરનામું:
‘દિવ્ય ભાસ્કર’ મેગેઝિન વિભાગ, ભાસ્કર હાઉસ, એસ.જી હાઈવે, વાય.એમ.સી.એ ક્લબ પાસે, અમદાવાદ - 380015
ઈ-મેઇલ: ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...