હસાયરામ:તારા વાળ સીધા કરાવવા હું વાંકો વળી ગયો!

સાંઇરામ દવે16 દિવસ પહેલા
  • કૉપી લિંક

માણસમાત્ર સૌથી વધારે પોતાના વાળને ચાહે છે. તેથી જ તો સંસાર છોડીને સંન્યાસ લેતી વખતે મુંડનનું મહાત્મ્ય છે. ટકો એની મેળે થઈ જાય ને કો’ક આપણો ટકો કરી નાંખે આ બંને ઘટના અલગ છે. માથાના લાંબા વાળ મહિલાઓ માટે માત્ર શરીરની શોભા જ નહીં, પરંતુ શસ્ત્ર પણ છે. છેલ્લા દાયકામાં હેરસ્ટાઈલ ક્ષેત્રે જેટલા સંશોધનો થયા છે એટલા તો અંતરિક્ષ માટે પણ નથી થયા. સ્ત્રી હંમેશાં વાળ સ્મૂધ બને, કાળા ભમ્મર રહે, સિલ્કી રહે, શાઈનિંગવાળા રહે તેમાં રચીપચી રહે છે. જ્યારે પુરુષવર્ગને તો વાળ ટકી રહે એ જ જીવન લક્ષ્ય હોય છે. એક સમયે જીવનમાં સહેજ પણ સાધના ન હોય એવી સ્ત્રીઓ પણ ‘સાધના કટ’ કરાવતી. (સાધના એક ફિલ્મ હિરોઈન હતી) ફ્રેંચ ભાષા છે એવી ખબર નહોતી એણે પણ ‘ફ્રેંચ રોલ’ હેરસ્ટાઈલ કરાવેલી છે. મગજથી ખારી ધૂધવા જેવી બૈરીએ જે ચોટલો લીધો, એ ‘સાગર ચોટલા’ના નામથી પ્રસિદ્ધિ પામ્યો હશે. ખજૂર ખાતાં ખાતાં ભરશિયાળે જે ચોટલો લેવાયો, તે ‘ખજૂરી ચોટલા’ તરીકે ઓળખાયો. અત્યારે તો ડાયમંડ લઈ નથી શકતી એવી ગૃહિણી પણ ‘ડાયમંડ કટ’ રાખે છે. પોતાના પતિના દરેક સ્ટેપ ઉપર નજર રાખતી પત્નીઓને અચુક ‘સ્ટેપ કટ‘ જ ફાવે છે. એંસી-નેવંુ કિલોની ભારેખમ ભાર્યાઓ ‘ફેધર કટ’ રાખે છે. પુરુષોને તો ગરમાગરમ પફ ખાવાની ખબર પડે છે. ‘પફ’ એક સુંદર હેરસ્ટાઈલ છે, એ તો મહિલાઓ જ જાણે છે. વાતવાતમાં યૂ-ટર્ન લેતી કેટલીક છોકરીઓને ‘યૂ-કટ’ વધુ માફક આવે છે. પોતાના સાસુ-સસરાને ફૂટબોલની જેમ ફંગોળતી કેટલીક વઢકણી વહુઓ ફૂટબોલના પ્રસિદ્ધ ખેલાડી ‘મેસી’ના નામે એની હેરસ્ટાઈલ રાખે છે, તો કેટલીક કન્યાઓના જીવનમાં બીજું કશું હાઈ-લાઈટ નથી પામ્યંુ તેથી એ કન્યાઓ પોતાનાં કેશ હાઈલાઈટ કરાવે છે. બ્યૂટીપાર્લરનું એક નામ ‘રિનોવેશન સેન્ટર’ હોવું જોઈએ કારણ કે પાર્લરમાં જૂના અને ઉંમરલાયક ચહેરાઓને નવાનક્કોર કરવામાં આવે છે. ‘ઘસીને ઊજળા થઇએ’ એ કવિતા એકચ્યુઅલી ઉદ્યમના સંદર્ભે લખાયેલી, પણ પાર્લરવાળાઓએ આ કાવ્યપંક્તિઓને સ્લોગન બનાવી દીધી છે. કાળાના ધોળા માત્ર રૂપિયામાં જ નહીં, રૂપમાં પણ થાય છે. (કદાચ રૂપિયા કરતાં રૂપમાં વધુ કાળાધોળા થાય છે.) જોકે રેંકડીઓને MRF કે Apolloના ટાયર લગાડવાથી એ 180ની સ્પીડ ન પકડે. આ સનાતન સત્ય કેમ કોઈ સ્ત્રીને સમજાતંુ નથી. રેસ્ટોરન્ટના મેનૂની જેમ બ્યૂટીપાર્લરમાં પણ હેર ટ્રીટમેન્ટના મેનૂ હોય છે. કર્લી વાળને ઇસ્ત્રી કરી સીધા કરવાના, તો સીધા વાળને કર્લી કરવાના ભાવ જુદા હોય છે. આટલી બધી છણાવટથી એ તો નક્કી થાય છે કે સ્ત્રીને ઈશ્વરે જે વાળ આપ્યા છે, જે રૂપ આપ્યુ છે એ સ્વીકાર્ય નથી. લોકસાહિત્યના એક દુહામાં કહેવાયું છે કે, ‘લંબ વેણી લજ્જા ઘણી અને જેના પોચા પાતળિયા, એવા ઘડનારે ઘડીયા, કો’ક કો’ક કામણિયા!’ આવો રોમેન્ટિક દુહો કમર સુધી લટકતા વાળ માટે જ લખાયો હશે. અત્યારે તો ઘોડાની કે ગલુડિયાની ટૂંકી પૂંછડી જેટલા વાળ ઝાઝા ભાગની સ્ત્રીઓ રાખે છે અને તેના પર ત્રણગણો ખર્ચ કરે છે ત્યારે એવી સ્ત્રીને જોઇને દૂહો ફરી લખવો પડે કે, ‘વેંત વેણી લજ્જા બળી, ટીપણા સમ પાતળિયા, ઘડનારે ભૂલથી ઘડીયા, નેવું કિલોનાં વજનિયાં!’ જેવી રીતે વાળ સીધા કરવાનું મશીન માર્કેટમાં મળે છે, એવી રીતે વઢકણી વહુ કે બોલકણા વરની જીભ સીધી કરવાનું પણ મશીન મળતંુ હોત તો? નાની ઉંમરની સ્ત્રીઓ ફેશન કરે એ એનો અધિકાર છે અને હક્ક પણ. પરંતુ ધ્યાનથી જોજો કમરથી વાંકી વળેલ ડોશીઓ પણ હેર સ્ટ્રેટનિંગ કરવાના રવાડે ચડી છે. વાઈસ વર્સા સિત્તેર વર્ષના ભાભલાઓ વાળ કાળા કરાવા માટે દર પંદર દિવસે સલુનમાં ગોઠવાઈ જાય છે. ‘મારા વાળ ખરાબ થઈ ગયા છે.’ એક પત્નીએ પતિને ફરિયાદ કરી. ત્યારે ‘મારી તો જિંદગી તારા લીધે ખરાબ થઈ છે.’ આવું એ પતિ મનમાં બબડ્યો. ‘તો?’ પતિથી પૂછાયું. ‘મારે હેર સ્ટ્રેટનિંગ કરાવવું પડશે, પાંચ હજાર લાવો!’ પત્નીએ વટથી માંગ્યા. ‘તું સ્ટ્રેટનિંગ કરાવીશ પછી તારા વાળ દાળ-શાકમાં નહીં આવે એની ગેરન્ટી આપ.’ ‘ના, એવી કેટલીય ગેરન્ટીઓ સગાઇ વખતે તમે પણ આપી હતી. તેના પર દસ વર્ષનાં લગ્નજીવનમાં બુલડોઝર ફરી ગયું છે.’ ‘વાળ સાથે મગજ સીધંુ થાય તો કરાવી લેજે!’ ‘ના, એ કંપની ફોલ્ટ છે, કારીગરથી રીપેર ન થાય. કર્યાં ભોગવો!’ ‘પાંચ હજાર રોકડા આપું કે ગૂગલ પે હાલશે?’ ‘ઓલરેડી તમારા ખિસ્સામાંથી લઈ લીધા છે. આ તો ખાલી પૂછવા ખાતર પૂછ્યું છે!’ પતિ-પત્ની વચ્ચે આવા સંવાદો લગભગ દરેક ઘરમાં સાંભળવા મળે છે. રસોડાનો ચીપિયો જેટલી ઝડપે રોટલીઓ ઊથલાવે છે, એટલી જ ઝડપે પાર્લરમાં એક ઇલેક્ટ્રિક ચીપિયો બૈરાંઓના વાળ ઊથલાવે છે. કેમિકલ ક્રીમથી વાળને સીધા અને સિલ્કી કરવાનું શરૂ કરાય છે. છથી સાત કલાક આ ‘હેર ઓપરેશન’ ચાલે છે. બે કલાક પછી પત્ની અચાનક પતિને રણકી ઊઠે છે કે, ‘મારે વાર લાગશે તમે તમારું ને છોકરાઓનું જમવાનું પાર્સલ ઘરે લેતા જાજો!’ નવ કલાક બાદ પત્ની જ્યારે ઘરે પધારે છે, ત્યારે કંઇક જુદી જ લાગે છે. પત્ની કહે છે કે મારે ત્રણ દી’ વાળ ધોવાના નથી. (પણ પતિનાં રૂપિયા ધોવાણા એનું શું?) ત્રણ દી’ વાળ ફોલ્ડ નથી કરવાના. (પણ ધણી આખો ફોલ્ડ થઇ ગયો એ?) ત્રણ દિવસ સુધી આખા કુટુંબે એક વિચિત્ર પ્રકારની કેમિકલની સુગંધ સાથે પત્નીને સ્વીકારી. ત્રણ દી’ પછી પત્ની ફરી વાળ ધોવા એ જ પાર્લરમાં ગઈ. ચાર કલાક પછી રડતી રડતી આવી. હોટલના પાર્સલનું જમતા જમતા પતિએ સાવ હળવાશથી પૂછ્યું કે, ‘કાં કાંઈ પ્રોબ્લેમ થયો?’ પત્ની કહે, ‘હા, બધી મહેનત પાણીમાં ગઈ. બીજી વાર કેમિકલ લગાવીને વાળ ધોતી વખતે પાર્લરવાળીને તેના ફિયાન્સનો વિડીયો કોલ આવ્યો.’ ‘એ તો આવે. એમાં આપણે શું?’ ‘અરે! એ વિડીયો કોલ વધુ લાંબો ચાલ્યો અને જ્યારે માથું ધોયું ત્યારે માથે અંબોડાની જગ્યાએ તાંસળી જેટલી ટાલ પડી ગઈ.’ આટલું કહીને પત્નીએ પોક મૂકી…! પતિ અને બાળકોને જોરદાર હસવું પણ આવ્યું, પરંતુ સૌએ લાગણી કન્ટ્રોલ કરી. તે દિવસથી પતિના ટાલ ઉપર પત્ની જોક્સ કરતી બંધ થઇ ગઇ. બંને સાચા પતિ-પત્ની સાબિત થયાં. એકના કેશ ખરી ગયા, તો બીજીએ પણ ખેરવી નાખ્યાં! હવે એ પત્ની વિગ માટે ત્રણ હજારનો ખર્ચ કર્યો છે. તાંસળી જેવી ટાલમાં ફરી વાળ ઉગાડવા માટે ડોક્ટરે બેંતાલીસ હજાર કહ્યાં છે. હેર સ્ટ્રેટનિંગનું ટોટલ બજેટ પચાસ હજારે પહોચ્યું છે. બસ એ દિવસ પછી પત્ની પાર્લરના બોર્ડ સામે જોતી નથી (એટલે કે એ સુધરી ગઈ એવું સહેજ પણ ન માનતા!) એ પત્નીએ ઘરમાં પોતાનું પાર્લર શરૂ કર્યું છે. પચાસ હજારનો પતિનો ઘોબો ઉપાડવા પાર્લરમાં દોઢ લાખનું રોકાણ કરાવ્યું છે. હવે પતિ આવનારા ગ્રાહકોમાં તાંસળીની રાહ જુએ છે. ⬛ }}} હાયરામ લગ્ન પહેલાં તમામ પુરુષો સૂતળી બોમ્બ જેવા હોય છે અને લગ્ન પછી જ સૂરસૂરિયા થઇ જાય છે. sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...