તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહજ સંવાદ:બસ્સો વર્ષેય યુવાન ગુજરાતી પત્રકારત્વ!

વિષ્ણુ પંડ્યા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રથમ ગુજરાતી અખબાર ‘શરી મુમબઇના સમાચાર’ (1 જુલાઇ, 1822)ને તો 200 વર્ષ થયાં, પણ હજી ગુજરાતી પત્રકારત્વ એવું જ જુવાન છે. એ જ જુસ્સો, એ જ મિજાજ, એ જ સાહસ! પારસી ‘બાવા’ ફરદુનજી મર્ઝબાન મૂળ તો સુરતના કણપીઠ વિસ્તારની કમનગર શેરીમાં જન્મ્યા હતા. (200 વર્ષની ઉજવણી ભલે થાય, એ જગ્યાએ આપણા અર્વાચીન પત્રકારત્વના આદિનું નાનું સરખું સ્મારક હોવું જોઇએ.) મુંબઇ તેમની બીજી કર્મભૂમિ, પણ આ સાહસિક પારસીએ અંધારામાં ભૂસકો નહોતો માર્યો. પહેલા સાપ્તાહિક પ્રકાશિત કર્યું, પછી તે 3 જાન્યુઆરી, 1832થી દૈનિક બન્યું. વળી ચાલ્યું નહીં તો સાપ્તાહિક બનાવ્યું. 1855માં દૈનિક બન્યું તે આજ લગી છે. ગુજરાતી પત્રકારત્વની ભીતરી દુનિયા અનેક સાહસો-દુ:સાહસોથી સભર છે. 200 વર્ષમાં, અંદાજે ગણતરી કરીએ તો, 2000 જેટલા નાના-મોટા, સારા-નરસાં પત્રકારો થયા હશે. તેમની અને તેમનાં અખબારોની કહાણી રસપ્રદ છે, જે હજુ ઇતિહાસના ચોપડે નોંધાઇ નથી. ગુજરાતી ભાષામાં શરૂ થયેલા અખબાર માટે એવા દિવસો આવ્યા હતા કે સમાચારોના અભાવે તેનું અરધું પાનું બહાર પડતું. બીજું, એ લક્ષણ હતું કે માત્ર પોતે નિયુક્ત કરેલા ખબરપત્રીઓ જ નહીં, લોકો પણ સમાચાર-લેખ મોકલતા અને તે છપાતા! તેના એક તંત્રી મુંબઇના વડા ન્યાયમૂર્તિ હતા અને બીજા તંત્રી ગાંધી-ચળવળમાં સક્રિય થઇ જેલવાસી થયા. બીજું અખબાર હતું, તે ‘જામે જમશેદ’ ચિરંજીવ રહેલાં અખબારોમાં તેનું પણ નામ આવે. તેના એક તંત્રીએ પારસી સમાજની પરંપરા છોડીને સાંજને બદલે સવારે લગ્ન કર્યાના પ્રસંગને વખાણ્યો તો આખો સમાજ તેના પર તૂટી પડ્યો. આ અખબારને એક ‘બોય એડિટર’ મળ્યો, તે કે. ખુશરુની વય 17 વર્ષની હતી. મુંબઇથી એક સાહસિક અખબાર શરૂ થયું હતું તે ‘રાસ્ત ગોફતાર.’ નવસારીના દાદાભાઇ નવરોજીનું તે સાહસ રહ્યું. ‘રાસ્ત ગોફતાર’ એટલે ‘સત્યનો પ્રવક્તા.’ (જુઓ, ગુજરાતને ‘સત્ય’ સાથે નાભિ-સંબંધ છે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’, કરસનદાસ મૂળજીનું સામયિક ‘સત્યપ્રકાશ’, દયાનંદ સરસ્વતીનો ગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ’ અને સોરઠમાં જાવ તો એક દૂહો પણ સાંભળવા મળે : ‘સાચું સોરઠિયો ભણે!’) પારસીઓની ખિલાફ ચાલેલી હિંસાચારની પ્રવૃત્તિનો જવાબ આ અખબારે આપ્યો, 1918માં તે ‘પ્રજામિત્ર અને પારસી’ની સાથે વિલીન થયું. સમાજસુધાર માટે ખ્યાત કરસનદાસનાં ‘સત્ય પ્રકાશ’ને તો મુંબઇમાં ‘લાયબલ કેસ’નો સામનો કરવો પડ્યો અને તેમાં તે જીત્યા ત્યારે પહેલી ખુશી નર્મદે વ્યક્ત કરી હતી. 1862નો એ મુકદ્દમો ગુજરાતી પત્રકારત્વનો ઐતિહાસિક વળાંક હતો. 1857માં ગુજરાતી પત્રકારત્વ બ્રિટિશ-તરફી રહ્યું. જોકે નર્મદનો ‘સ્વદેશાભિમાન’ લેખ 1856માં જ પ્રકાશિત થઇ ચૂક્યો. એક ઘટના તે દિલ્હીથી અઝીમુલ્લાખાને ‘પયામે આઝાદી’ ઉર્દૂ અખબારના માધ્યમથી 1857ના વિપ્લવને પ્રેરિત કર્યો તે ગુજરાતના વિપ્લવી વીરોમાં લોકપ્રિય હતું તે છે. ઇકબાલની પહેલાં આ શાયરે ‘હિન્દોસ્તાં હમારા’ રણગીત રચ્યું હતું. હા, ‘રાસ્ત ગોફતાર’ અને ‘જામે જમશેદ’ ભારતીય ચરિત્રની એકતાનો સમર્થ બયાન કરી રહ્યા હતા. પ્રચંડ રાજકીય ચેતનાનો અવાજ તો હતું ‘સ્વતંત્રતા’! ઇચ્છારામ દેસાઇએ છેક 1878માં પહેલા જ અંકના તંત્રીલેખમાં લખ્યું : ‘તમારી સ્વતંત્રતા, લાંબો કાળ થયા પછી નિસ્તેજ થઇ ગઇ છે, તેનાં પાછાં દર્શન થવા વાસ્તે જયયશ સુખવર ધામની કીર્તિ પ્રકાશિત કરવા વાસ્તે ‘સ્વતંત્રતા’એ જન્મ લીધો છે.’ ઇતિહાસ-લેખક રતન રુસ્તમ માર્શલે તેમને ‘ગુજરાતી પત્રકારત્વના ગુરુ’ ગણ્યા છે. ‘સ્વતંત્રતા’ની જેમ ‘ગુજરાતી’ આવ્યું. તેણે ભેટપુસ્તકો આપવાની શરૂઆત કરી. એમ તો ‘કૈસરે હિન્દ’ (1822)માં હિન્દ, સિલોન, ઇંગ્લેન્ડથી તાર મંગાવીને તેના સમાચારોની શરૂઆત કરી હતી. ફરામજી કાવસજી મહેતા તેના તંત્રી. પારસી મહાનુભાવો અગ્રજ રહ્યા, તેમ બીજા ઘણા પ્રયોગશીલો ગુજરાતી અખબારોએ આપ્યા છે. તંત્રી અને પત્રકારો પણ. થોડાક નામો યાદ કરી લઇએ. ‘નવજીવન’ પત્રો અને ગાંધીજી. અડીખમ તંત્રી તરીકે જાણીતા રણછોડદાસ બોટવાળાના હિન્દુસ્તાન પત્રો. (તેના પ્રતિનિધિ તરીકે ઇન્દુલાલ યાજ્ઞિક ગોળમેજી પરિષદમાં રીપોર્ટિંગ માટે લંડન ગયા હતા.) ‘એડવોકેટ ઓફ ઇન્ડિયા’ અને ‘નવજીવન અને સત્ય’ના આદ્યતંત્રી ઇન્દુલાલ યાજ્ઞિક, ‘નવજીવન’ના પત્રકાર-લેખકો કાકાસાહેબ કાલેલકર, રામદાસ ગાંધી, મહાદેવ દેસાઇ, સ્વામી આનંદ, કિશોરલાલ મશરૂવાળા, મગનભાઇ દેસાઇ, (આ ‘નવજીવન’ બ્રિટિશ દમન સમયે થોડો સમય ભૂગર્ભપત્ર બન્યું હતું.) રાણપુર-સૌરાષ્ટ્રથી સર્જાયેલું પત્રકારત્વનું તેજનક્ષત્ર ‘સૌરાષ્ટ્ર’ પછી અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, જૂનાગઢ-મુક્તિ માટેની આરઝી હકૂમતના સરસેનાપતિ શામળદાસ ગાંધીનું ‘વંદે માતરમ્’, આંતરરાષ્ટ્રીય પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનું ‘વોઇસ ઓફ ઇન્ડિયા’, કટોકટી અને સેન્સરશિપ સામેની અખબારો તેમ જ ભૂગર્ભપત્રોની લડાઇ, (તેમાંના ભૂગર્ભપત્રના વાહક આજે ભારતના વડાપ્રધાન છે!) આ ઘટનાઓ હમણાં બની હોય તેવું નથી લાગતું? એ જ ખાસિયત છે ગુજરાતી પત્રકારત્વની. સ્વતંત્રતા પછી તેમણે મિશન, પ્રોફેશન ને અમુક અંશે ઇન્ડસ્ટ્રીના પડાવો પાર કર્યાં છે. તેનું ‘વિચાર’ સાથેનું સંધાન યથાવત્ છે. ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...