આજના સમયમાં આપણે ‘સેલેબ્રિટી’ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ. સેલિબ્રિટી એટલે ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ, જેને વિશાળ લોકસમૂહ ખુલ્લા દિલથી ચાહતો હોય. જેના એના એક બોલ પર ચાહકો બધું કરી છૂટવા તૈયાર હોય, જેની એક ઝલક મેળવવા લોકો કલાકોના કલાકો ઊભા રહેતા હોય. ટૂંકમાં સેલિબ્રિટી એના ચાહકોની આરાધ્ય વ્યક્તિ હોય છે.
સોશિયલ અને માસ મીડિયા સેલેબ્રિટીઝને સાતમા આસમાને ચઢાવે છે. એ જોઈને સામાન્ય લોકોમાં એના પડઘા પડવા લાગે છે. વિવિધ પરિબળો માણસને સેલેબ્રિટી બનાવે છે. અઢળક ધનસંપત્તિનો માલિક, વ્યાપાર-ઉદ્યોગમાં ટોચના શિખરે બિરાજમાન, ક્રિકેટ-ફૂટબોલ-ટેનિસ જેવી અતિ લોકપ્રિય રમતોમાં ઉચ્ચ સફળતા મેળવનાર ખેલાડી, ફિલ્મ-ટીવી જેવાં મનોરંજનનાં માધ્યમોના બેતાજ બાદશાહ જેવા કલાકાર, રાજકારણની કૂટનીતિમાં પાવરધા મહાનુભાવો સેલેબ્રિટી બને છે. તેઓ લોકપ્રિયતાના સિંહાસને બેસી લોકોના દિલ પર રાજ કરે છે. ચાહકો એમની પ્રિય વ્યક્તિમાં બધાં જ જીવનમૂલ્યો, સદ્્ગુણો અને સર્વશક્તિમાનપણાનું આરોપણ કરી મુગ્ધ નજરે જોવા લાગે છે. સેલેબ્રિટી પ્રજાના બહોળા સમૂહને ‘પ્રેરણા’ આપે છે. કોમર્શિયલ જાહેરાતોમાં એમની ઉપસ્થિતિ કંપનીને માલામાલ બનાવી દે છે, કારણ કે એના નામ સાથે જોડાયેલી કોઈ પણ પ્રોડક્ટ એના ભોળા ચાહકો આંખો બંધ કરીને ખરીદે છે. વાત અહીંથી અટકતી નથી. કેટલાય લોકો એમની પ્રિય વ્યક્તિ જેવા બનવાની ઘેલછા સેવે છે. પરિણામે પોતાનું જીવન રફેદફે કરી નાખે છે. સેલેબ્રિટી બનવાની ભ્રામક મહત્ત્વાકાંક્ષામાં લોકો એમનાં જીવનઘ્યેય અને કર્તવ્ય ભૂલી જાય છે. તેઓ સતત ઇચ્છે છે કે એમનું નામ ચારેકોર ગાજતું રહે, લોકોમાં એમના નામના પણ સિક્કા પડે. જીવનમાં સફળ થવાની પ્રામાણિક મહત્ત્વાકાંક્ષા એક વાત છે, સેલેબ્રિટી થવાની ઘેલછા બીજી બાબત છે. માણસમાં રહેલી સફળ થવાની તીવ્ર ઇચ્છા જ એને સફળતા તરફ દોરે છે. સાચી સફળતા મેળવવા માગતા લોકો ખુદના જોરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા માગે છે. એમનું ચાલકબળ તેઓ પોતે જ હોય છે. એ લોકો બીજા કોઈનું અનુકરણ કરતા નથી. પોતાનો માર્ગ જાતે કંડારે છે. બીજાનું આંધળું અનુકરણ કરતા લોકો પોતાની પર્સનાલિટીના ભોગે પારકી પર્સનાલિટીની પછેડી ઓઢી લે છે. માત્ર પ્રખ્યાત થવાની ઇચ્છા અને કશુંક કરી બતાવી આપોઆપ પાંચમાં પુછાવા જેવી સફળતા વચ્ચે ઘણો ફરક છે. લોકો ઘણી વાર સેલેબ્રિટીને મહાન માણસ માનવાની ભૂલ કરી બેસે છે. પ્રશ્ર્ન એ છે કે શું દરેક સેલેબ્રિટી મહાનતાના સાચા અર્થમાં ‘મહાન’ હોય છે ખરા? પ્રખ્યાત હોવું અને મહાન હોવું અલગ બાબત છે. મહાનતા માણસની ભીતર રહેલું વિત્ત છે. જરૂરી નથી કે મહાન લોકો પ્રસિદ્ધ જ હોય અને પ્રસિદ્ધ લોકો મહાન હોય. પ્રસિદ્ધિ એ પ્રસિદ્ધિ છે અને મહાનતા એ મહાનતા છે. નાનામાં નાનો માણસ પણ એની રીતે મહાન હોઈ શકે, પછી ભલેને કોઈ એને ઓળખતું ન હોય. મહાન વ્યક્તિને કોઈ વ્યાસપીઠની જરૂર પડતી નથી. તેઓ બીજા લોકોના જીવનમાં ચુપચાપ કશુંક સારું કરવાની ભાવના ધરાવે છે. દુખિયારા અને પીડિતો માટે સાચી માનવપ્રીતિથી નિ:સ્વાર્થભાવે બજાવેલું નાનકડું કર્તવ્ય પણ માણસને મહાન બનાવે છે. સંતાનોને ઉચ્ચ સંસ્કાર આપતાં માતાપિતા, યોગ્ય શિક્ષણ આપવા કટિબદ્ધ શિક્ષકો અને સેવાભાવી ડૉક્ટર જેવી અનેક અજ્ઞાત વ્યક્તિઓ એમની રીતે મહાન હોય છે. મહાનતા માણસનો આંતરિક ગુણ છે. એનો દેખાડો હોતો નથી. જ્યારે સેલેબ્રિટી હોવું માણસની બાહ્ય ગુણવત્તા સાથે સંબંધ ધરાવે છે. બહોળી પ્રસિદ્ધિ ક્યારેક તકલાદી પણ નીવડે છે. આજે જે વ્યક્તિને લોકોએ, માસ મીડિયા અને સોશિયલ મીડિયાએ, ઉપર ચઢાવી હોય એ જ પરિબળો એ વ્યક્તિને ઘડીના છઠ્ઠા ભાગમાં ભોંયભેગી કરી નાખે છે. ચાહકોને સેલેબ્રિટીના અંગત જીવનમાં ઘણો રસ પડે છે. એમાં જરાસરખું છીંડુ દેખાય તો ચાહકોની ચાહના કૂથલીમાં ફેરવાઈ જાય છે. એ કારણે સંભવ છે કે બાહ્ય પ્રસિદ્ધિ લાંબો સમય ન પણ ટકે. મહાનતા તકલાદી હોતી નથી. એ વર્ષોથી માણસની અંદર સેવાયા પછી વિકસે છે. એ કારણે જ ઇતિહાસ મહાન વ્યક્તિઓને ભૂલતો નથી. સેલેબ્રિટી ઘણીવાર ચાહકો અને સમાજને નિરાશ કરે છે, કારણ કે એમના પ્રત્યે લોકોની અપેક્ષાનો અંત હોતો નથી. માનવસેવાનું નાનકડું કાર્ય કરનાર વ્યક્તિ એની ભીતરના અજવાળાથી પ્રકાશિત રહે છે. મહાનતાનો ગુણ ધરાવતી વ્યક્તિ અન્ય લોકોમાં અવાસ્તવિક સપનાં જગાડતી નથી. એ માનજાતને સાચો પ્રેમ આપે છે. કોઈના હોઠ પર ભેટ ધરેલું નાનકડું પ્રસન્ન સ્મિત પણ મહાન ઘટના હોય છે. મહાનતાના સાહજિક ગુણનું મૂલ્ય રૂપિયામાં કે વાહવાહીમાં અંકાતું નથી. માણસની મહાનતામાં ચારિત્ર્યનું બળ રહેલું છે. એની જ્યોત બુઝાતી નથી, બલકે એક દીવો બીજા અનેક દીવડા પ્રગટાવી શકે છે. મહાનતાનું વ્યાપારીકરણ શક્ય નથી. મહાત્મા ગાંધી કોઈ વ્યાપારિક જાહેરાતની બ્રાન્ડ ઇમેજ બની શકે નહીં. એમનું કરુણાસભર સ્મિત જ એમની બ્રાન્ડ છે. એમના જેવી મહાન વ્યક્તિઓ એમની પ્રતિભાને વેચતા નથી, દુ:ખી લોકોમાં પ્રસરાવે છે. મહાન વ્યક્તિઓ પોતે જ પોતાની બ્રાન્ડ ઇમેજ હોય છે. આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે એમની માનવતા મહાનતાની સાચી બ્રાન્ડ ઇમેજ છે. એમની પવિત્ર છાયામાં માનવજાતને એનાં દુ:ખ-વ્યાધિમાં સાંત્વના મળે છે.⬛ vinesh_antani@hotmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.