તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણમાં ખીલ્યું ગુલાબ:હમ લાયે લાખો મેં એક ગુલાબ તુમ્હારે લિયે,ઔર યે ગુલાબ મોહબ્બત કી શુરુઆત બન જાય

ડૉ. શરદ ઠાકર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘રોઝ ડે’ને પંદર દિવસની વાર હતી ત્યારથી જ રાજના આંટાફેરા ‘ફ્લોરિસ્ટ શોપ’માં વધી ગયા હતા. એક નહીં પણ ફ્લાવર્સ વેચતી પચાસેક જેટલી દુકાનોમાં એ ફરી વળ્યો હતો. એની ફરમાઈશ હતી: ‘મારે લવન્ડર કલરનું ગુલાબ જોઈએ છે. નાની કળી નહીં ચાલે, મધ્યમ સાઈઝનું ફૂલ પણ નહીં; મારે તો પૂરી બે હથેળીમાં સમાવી શકાય તેવું મોટું, મઘમઘતું ગુલાબ જોઈએ છે.’ ‘અમે એવા રંગનું ગુલાબ વેચતા નથી.’ કોઈ દુકાનદારે આવું કહ્યું, કોઈએ વળી આવો જવાબ આપ્યો, ‘લવન્ડર રંગનું ગુલાબ?! આવો રંગ હોય છે એવું આજે પહેલી વાર સાંભળ્યું.’ દસેક દિવસની રઝળપાટ પછી રાજને એટલું જાણવા મળ્યું કે લવન્ડર કલરનું ગુલાબ માર્કેટમાં મળતું નથી હોતું. તેમ છતાં એણે ખંતપૂર્વક તપાસ ચાલુ રાખી. રાજ રાવલ કોલેજમાં એક સત્ર પતી ગયા પછી જોડાયો હતો. એના માટે કોલેજ નવી હતી, વિદ્યાર્થીઓ નવા હતા અને છોકરીઓ પણ નવી હતી. માત્ર પંદર જ દિવસમાં એ આખી કોલેજમાં સૌથી વધુ જાણીતો ચહેરો બની ગયો હતો. ટીચર્સ એને તોફાની સ્ટુડન્ટ તરીકે ઓળખવા લાગ્યા હતા, છોકરાઓ માટે એ ‘ડેશિંગ’ યુવાન હતો અને કોલેજની ગર્લ્સ ખાનગીમાં એને ‘હેન્ડસમ અને સ્માર્ટ’, પણ જાહેરમાં લફંગો, બદમાશ અને છેડતીખોર કહીને બોલાવતી હતી. રાજ ખરેખર રંગીલો હતો. કંઈક અંશે છેડતીખોર ખરો, પણ ચીલાચાલુ અર્થમાં એણે ક્યારેય કોઈ છોકરીની શારીરિક કે શાબ્દિક છેડછાડ કરી ન હતી. એને કોઈ છોકરી ગમી જાય તો એ જાહેરમાં બધાં સાંભળે તેમ કોઈ શાયરી કે કોમેન્ટ કરીને મસ્તી કરી લેતો હતો. એની અદા એવી રમૂજી રહેતી કે એની કોમેન્ટ સાંભળીને એ છોકરી પોતે પણ હસી પડતી. આ બધાંમાં એક છોકરી અપવાદ સમાન નીકળી. એનું નામ વિશ્વા બક્ષી. માત્ર કોલેજની જ નહીં, વિશ્વા આખા શહેરની સર્વાધિક સુંદર યુવતી હતી. મધ્યમ વર્ગીય પિતાના સામાન્ય ઘરના ફિક્કા ઉજાસમાં રહીને એ ચાંદનીનું રૂપ ચોરી લાવી હતી. એની કાયામાં પુરુષજાતને પોતાની તરફ ખેંચવાનું લોહચુંબક સમાયેલું હતું, પણ કોલેજનાં પ્રથમ વર્ષના પ્રથમ માસમાં જ છોકરાઓને માહિતી મળી ગઈ કે વિશ્વાની આસપાસમાં ફરકવા જેવું નથી. શરીરનાં સર્વ અંગોમાં નરી મીઠાશ ભરી રાખનાર વિશ્વાની જીભ પર લીલાં મરચાંની તીખાશ બેઠેલી હતી. કોઈ છોકરો એક શબ્દ પણ બોલ્યો ન હોય, માત્ર એણે ટીકી-ટીકીને વિશ્વાને જોયા કરી હોય તો આટલાં કારણથી પણ વિશ્વા એને ચંપલ ફટકારી લેતી હતી. આવી વિશ્વા રાજની નજરમાં વસી ગઈ. રાજને વિશ્વાનાં મિજાજ વિશે ખબર ન હતી. એ તો પહેલી નજરમાં જ ઘાયલ થઈ ગયો. હિંમત કરીને એની સામે જઈને ઊભો રહ્યો. પૂછવા લાગ્યો, ‘શું નામ છે તમારું?’ વિશ્વા સમજી તો ગઈ કે આ રંગીલો રાજ શા માટે આવ્યો હતો; પણ એ લાચાર હતી. રાજે હજુ સુધી એવું કંઈ જ કર્યું ન હતું જેના માટે વાંધો ઉઠાવી શકાય. સાથે ભણતી છોકરીનું નામ પૂછવું એમાં કશું જ ખોટું ન હતું. ‘વિશ્વા’ એણે જવાબ આપ્યો; પછી ઔપચારિકતા ખાતર પૂછયું, ‘તમારું નામ?’ રાજ રંગીન મૂડમાં આવી ગયો. હોઠો પર રોમેન્ટિક સ્મિત ઉપસાવીને બોલી ઊઠ્યો, ‘નામ તો રાજ છે, પણ તમને જોયાં પછી ઉપનામ રાખવાનું વિચારી રહ્યો છું.’ ‘શું રાખશો?’ વિશ્વાએ પૂછ્યું. ‘વિશ્વામિત્ર.’ રાજ ફિલ્મી અદાથી લળી પડ્યો. વિશ્વા હસી પડી, ‘શબ્દરમત સારી કરી જાણો છો. પણ સાચું કહું? આવી શબ્દરમતથી તમે વાચાળ લાગી શકો છો પણ સારા નથી લાગી શકતા. મારાં જેવી છોકરીને તમે આ રીતે ‘ઈમ્પ્રેસ’ નહીં કરી શકો.’ ‘તો તમને ‘ઈમ્પ્રેસ’ કરવાની રીત બતાવશો?’ રાજ ગણતરીપૂર્વક આગળ વધી રહ્યો હતો. વિશ્વાએ હવે રાજની કૂચકદમ પર પ્રતિબંધ મૂકી દીધો, ‘હું વિશ્વા છું અને મારો કોઈ મિત્ર નથી, મિ. વિશ્વામિત્ર! મારું દિલ જીતવાનો ઉપાય પણ મારા જેવો જ શ્રેષ્ઠ હશે. જેનામાં સામર્થ્ય હશે તે શોધી કાઢશે.’ આટલું બોલીને વિશ્વા ચાલતી થઈ; ત્યાં ઊભેલા ટોળાંને પહેલી વાર જાણ થઈ કે તેઓ જેને હેન્ડસમ, સ્માર્ટ અને ડેશિંગ માનતા હતા એ રાજ કરતાં પણ વધારે સ્માર્ટ બીજું કોઈક છે. કોલેજમાં વિવિધ જાતના ડેઝનું સેલિબ્રેશન યોજાવાનું હતું. જે દિવસે ‘રોઝ ડે’ ઊજવાવાનો હતો એના પંદર દિવસ અગાઉથી રાજ મંડી પડ્યો હતો. એણે પૂરેપૂરું હોમવર્ક કરીને જાણી લીધું હતું કે કયા રંગના ગુલાબથી શું વ્યક્ત થઈ શકે છે. પીળા રંગનું ગુલાબ મૈત્રી સૂચવે છે, સફેદ ગુલાબ પવિત્ર અને શુદ્ધ સંબંધનો છડીદાર છે, પિંક કલર મૃદુતા, પ્રશંસા અને સ્ત્રી-તત્ત્વ સૂચવે છે અને યુવાનોનો માનીતો લાલ રંગ પ્રેમનો પોકાર પાડે છે. મોટા ભાગના યુવાનો પોતાનો પ્રેમ જતાવવા માટે ગમતી યુવતીને રેડ રોઝ ધરે છે. પણ રાજને આટલેથી અટકવાનું મન ન થયું. તેણે સંશોધન જારી રાખ્યું. એના એક વિદેશી કઝીને એને કહ્યું, ‘તને એ છોકરી પ્રત્યે લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ ગયો છે ને? તો એને લવન્ડર કલરનું ગુલાબ આપ.’ ભારે રઝળપાટના અંતે રાજને એવું ગુલાબ મળી ગયું. સો રૂપિયા ચૂકવીને એણે એક ગુલાબ ખરીદ્યું. ભારે ઉત્સાહ સાથે એણે પ્રથમ નજરના પ્રેમનું આ પ્રતીક વિશ્વાની સામે ધર્યું. વિશ્વા આટલું જ બોલી, ‘મારો આભાર માનો કે આ ફૂલ હું પગ નીચે ચગદી નાખતી નથી; હું તમામ ફૂલોને પ્રેમ કરું છું, પણ મને ફૂલ આપનારને પ્રેમ કરવા જેટલી હું મૂર્ખ નથી.’ રાજની કોશિશો ચાલુ રહી. સ્ત્રીનું દિલ જીતવું હોય તો એનાં રૂપની પ્રશંસા કરો, એને મોંઘી ગિફ્ટ્સ આપો, એને ફિલ્મ જોવા લઈ જાઓ, આવી તો કંઈક તરકીબો એ જાણી લાવ્યો; પણ એમાંથી એક પણ તરકીબ વિશ્વા પાસે કારગત સાબિત ન થઈ. બધા જ પાસા નિષ્ફળ સિદ્ધ થયા એટલે રાજ હતાશ થઈ ગયો. હવે એ છેલ્લા પાટલે જઈ બેઠો. એણે નક્કી કરી લીધું, ‘જે છોકરી મને વશ નથી જ થવાની એને હવે જાહેરમાં જલીલ કરવી જ પડશે.’ રાજે મવાલી મિત્રોનો સંગાથ લીધો. એક દિવસ ધોળે દિવસે જાહેરમાં કોલેજના ગેટ પાસે સાગરીતોની હાજરીમાં એણે વિશ્વાનો હાથ પકડી લીધો. વિશ્વાએ હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પુરુષની પકડ હતી, સ્ત્રી હારી ગઈ. અપમાનબોધથી એ તમતમી ગઈ. એણે ચીસ પાડી, ‘બચાવો! બચાવો! આટલા બધા યુવાનોમાંથી કોઈ પણ મર્દ નથી જે આ ગુંડાના હાથમાંથી મને...?’ બાજુમાંથી પસાર થતો એકવડિયા બાંધનો એક યુવાન થંભી ગયો એ અનિકેત હતો. કોલેજનો સૌથી તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થી. સાવ સીધી લાઈનનો છોકરો. ક્યારેય કોઈની સાથે પંગો ન લે તેવો. એણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો, સીધો રાજ ઉપર ઘસી ગયો. એના હાથમાંથી વિશ્વાનો હાથ છોડાવી લીધો. રાજ આવું કંઈ બને તે માટે તૈયાર જ હતો. એક દોસ્તના હાથમાંથી હોકી સ્ટિક ખેંચીને એણે અનિકેતનાં માથાં ઉપર ફટકારી દીધી. માથામાંથી લોહીનો ફુવારો ઊડ્યો. અનિકેત બેભાન થઇને ઢળી પડ્યો. ‘હોહા’ મચી ગઇ, રાજ એની ટોળીને લઈને નાસી છૂટ્યો. અનિકેત જેટલા દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યો, વિશ્વાએ એની સેવા બજાવી. પૂરા પંદર દિવસ પછી એ કોલેજમાં આવી. રાજ તૈયાર જ હતો. એણે ફરીથી વિશ્વાને આંતરી, ‘સાંભળ્યું છે કે આ દહીંથરું અનિકેત નામના કાગડા પાછળ...!’ વિશ્વાની આંખમાંથી તણખા ઝર્યા: ‘રાજ, તું પૂછતો હતો ને કે મને જીતવા માટે શું કરવું જોઈએ? સાંભળી લે; તેં જ્યારે અનિકેતના માથાં પર હોકી સ્ટિક ફટકારી હતી, ત્યારે એના કપાળમાંથી ફૂટેલું લોહી મારા સેંથામાં પુરાઈ ગયું હતું. મારા જેવી માનુનીનું દિલ જીતવા માટે પુરુષે પોતાનાં લોહીનું સિંચન કરવું પડે. જે પુરુષ પોતાની સ્ત્રીનું રક્ષણ કરી શકે તે જ એને પામી શકે.’ ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...