રણમાં ખીલ્યું ગુલાબ:હમ ઇસ મોડ સે ઉઠ કર અગલે મોડ ચલે, ઉન કો શાયદ ઉમ્ર લગેગી આને મેં

ડૉ. શરદ ઠાકર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ ‘રોઝા’માં બન્યું હતું એવું જ અધિપના કિસ્સામાં બની ગયું. સુખી ઘરનો સંસ્કારી અધિપ યુવાનીમાં પ્રવેશ્યો ત્યારથી જ સારી-સારી છોકરીઓનાં માગાં આવવાં માંડ્યાં હતાં. એમાં એક દિવસ નિશિ માટે કહેણ આવ્યું. નિશિનાં રૂપની અને એના પપ્પાની શ્રીમંતાઈની દંતકથાઓ આખી ન્યાતમાં પ્રસરી ગઈ હતી. નિશિના પપ્પા અનુપચંદ જેટલા ધનવાન હતા એટલા જ ગર્વિષ્ઠ હતા. નિશિ એમની એકની એક દીકરી હતી. એનાં માટે શ્રેષ્ઠ છોકરો પસંદ કરવા માટે એ દોઢેક વર્ષથી તનતોડ પ્રયત્ન કરી રહ્યા હતા. આખરે એમની નજર અધિપ પર ઠરી. અધિપના પિતા પણ સાધન-સંપન્ન હતા. વેવાઈ તરીકે શોભે તેવા હતા. કન્યા અને મુરતિયાની મુલાકાત યોજવામાં આવી. અધિપ એનાં મમ્મી-પપ્પાની સાથે અનુપચંદ શેઠના વિશાળ બંગલા પર આવી પહોંચ્યો. જ્યાં સુધી નિશિને જોઈ નહીં ત્યાં સુધી બંગલાની સમૃદ્ધિ જોઈને પ્રભાવિત થઈ રહ્યાં, નિશિને જોયા પછી બંગલો ફિક્કો લાગ્યો. શરૂઆતની વીસેક મિનિટ્સ બંને પરિવારોના બધાં જ સભ્યો ડ્રોઈંગ રૂમમાં બેસીને ઔપચારિક વાતો કરતાં રહ્યાં. પછી અનુપચંદે જ ઈશારો કર્યો, ‘નિશિ, બેટા! અધિપને આપણો બંગલો નહીં બતાવે?’ આ એક સંકેત હતો અને એ સમજી શકાય તેવો હતો. નિશિ અને અધિપને એકાંત આપવા માટેની આ વ્યવસ્થા હતી. થોડી વાર પછી નિશિ અને અધિપ ફર્સ્ટ ફ્લોર પર આવેલા એક વેલ-ફર્નિશડ કમરામાં સામ-સામે બેસીને વાતો કરી રહ્યાં હતાં. નિશિ બોલવા ગઈ, ‘અધિપ, મારે તમને દિલની વાત કહેવી છે…’ ‘તમારા દિલની વાત પછી કહેજો, પહેલાં મારા દિલની વાત સાંભળી લો.’ અધિપે અધીરાઈપૂર્વક કહી નાખ્યું, ‘નિશિ, તમે મને ગમી ગયાં છો. ના, આ પ્રથમ નજરનો પ્રેમ નથી. જ્ઞાતિના અનેક ફંકશનમાં મેં તમને જોયેલાં છે. તમારું સૌંદર્ય, વાણી-વર્તન, સંસ્કારિતા, સ્માર્ટનેસ મને મોહિત કરી ગયેલ છે. મેં મનોમન નક્કી કરી લીધું છે કે…’ ‘કે શું?’ નિશિનું હૃદય આશંકાથી થડકી ઊઠ્યું. ‘મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે કે જો હું લગ્ન કરીશ તો તમારી સાથે જ, નહીંતર નહીં કરું.’ અધિપે જાહેર કરી દીધું. નિશિ ડરી ગઈ, ‘આવી ભીષણ પ્રતિજ્ઞા તમે એકલા કેવી રીતે લઈ શકો? મારી મરજી શું છે તે પણ જાણવું જોઈએ ને? ધારો કે હું તમારી સાથે લગ્ન કરવાની ના પાડી દઉં તો?’ ‘તો શું? હું સાધુ બની જઈશ. મારી પ્રતિજ્ઞા માત્ર મારા માટે બંધનકર્તા છે, તમારા માટે નહીં. પણ મને ખાતરી છે કે મારે સાધુ બની જવાની નોબત નહીં આવે. તમે મારી સાથે લગ્ન કરવાની હા જ પાડશો.’ ‘અધિપ, તમારો આત્મવિશ્વાસ અકારણ નથી. તમે એટલા સારા છો કે કોઈ પણ યુવતી તમને પતિ તરીકે પામવા માટે તૈયાર થઈ જાય, પણ હું .…’ આટલું બોલીને નિશિ થોડી વાર માટે અટકી ગઈ. જાણે આગળ બોલવા માટે શબ્દો શોધી રહી હોય તેમ! ‘અધિપ, હું બીજા કોઈને દિલ આપી ચૂકી છું. મેં પણ એને વચન આપ્યું છે કે જો પરણીશ તો તારી સાથે જ, નહીંતર હું આત્મહત્યા કરી લઈશ. મારા પપ્પા એ છોકરાને પસંદ નથી કરતા; એનું એકમાત્ર કારણ એ છે કે નિશાત ગરીબ વિધવા માતાનો દીકરો છે. એની મમ્મી અમારા બંગલામાં કચરા-પોતાં કરતી હતી. એ આપણી જ જ્ઞાતિની છે. એટલે જ્ઞાતિબાધનો તો સવાલ જ રહેતો નથી પણ મારા પપ્પાને અમારી સામાજિક પ્રતિષ્ઠાનું ભારે અભિમાન છે. પપ્પા કોઈ કાળે મને નિશાતની સાથે લગ્ન નહીં કરવા દે.’ અધિપને જોરદાર આંચકો લાગ્યો, ‘જો આવું હતું તો અમને બોલાવ્યા શા માટે? તમારે તમારા પપ્પાને કહી દેવું હતું ને કે હું બીજા કોઈ છોકરાને જોવા માગતી નથી.’ ‘હું એવું નથી કહી શકતી એ જ મારી નબળાઈ છે. એટલે જ મેં નક્કી કર્યું છે કે પપ્પા જેટલા મુરતિયાઓ બતાવશે એ બધાને હું મળીશ તો ખરી, પણ ખાનગીમાં નિશાતની વાત જણાવી દઈશ. એ મુરતિયા પાસે જ ના પડાવી દઈશ.’ અધિપ હસ્યો, ‘ધારો કે આ બધું જાણ્યા પછી પણ હું હા પાડું તો તમે શું કરશો?’ એક ક્ષણનાયે વિલંબ વગર નિશિએ કહી દીધું, ‘આત્માહત્યા. મંડપમાં જ્યારે ‘કન્યા પધરાવો, સાવધાન!’નું ઉચ્ચારણ થશે ત્યારે જ હું સાઇનાઇડ ખાઈને…’ ‘હું એવું નહીં થવા દઉં. તમે મારી સાથે લગ્ન કરવામાંથી તો બચી જશો, પણ બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી? ક્યારેક તો તમારે ઝેર ખાવાનો સમય આવશે જ. હું નથી ઇચ્છતો કે ઈશ્વરની આવી અદ્્ભુત કલાકૃતિ નાશ પામે. હું એવું કશુંક કરવા વિચારું છું જેથી તમારું લગ્ન નિશાત સાથે…’ ‘એવું ક્યારેય નહીં બને. પપ્પા હા નહીં પાડે. હું ભાગીને લગ્ન કરી શકું, પણ એ માટે નિશાત નહીં માને.’ નિશિની આંખો ભીની થઇ ગઇ. એ પછી અધિપે પોતાની યોજના રજૂ કરી. નિશિ શાંત થઈ ગઈ. બંને નીચે આવ્યાં. ડ્રોઈંગરૂમમાં બેઠેલા વડીલોને નિર્ણય જણાવ્યો, ‘અમે બંનેએ એકમેકને પસંદ કરી લીધાં છે. લગ્ન માટે અમારી ‘હા’ છે.’ ફિલ્મ ‘રોઝા’માં આવું જ બન્યું હતું. છોકરી એને જોવા માટે આવેલા મુરતિયાને ખાનગીમાં પોતાના પ્રેમસંબંધ વિશે જાણ કરી દે છે, વિનંતી કરે છે કે ‘તમે મને રિજેક્ટ કરી દેજો.’ હીરો એ પ્રમાણે કરે પણ છે. અહીં જરાક જુદું બને છે. લગ્નનો દિવસ નક્કી થયો. વાજતે-ગાજતે જાન આવી. અનુપચંદે દીકરીનાં લગ્ન માટે ખર્ચ કરવામાં કશી જ મણા રાખી ન હતી. જે સમાજની આ ઘટના છે તે વિસ્તારમાં એવો રિવાજ છે કે લગ્નવિધિ દરમિયાન વરરાજા પોતાના ચહેરાને ફૂલોની અસંખ્ય સેર વડે ઢાંકેલો રાખે છે. એને ‘ખૂંપ’ કહે છે. ખૂંપમાં ઢંકયેલા ચહેરાવાળા ‘અધિપ’ સાથે નિશિ વિધિવત્ પરણી ગઈ. અગ્નિની સાક્ષીએ અનુપચંદ અને એમની પત્નીએ કન્યાદાન આપ્યું. વર-કન્યા પરણી ઊતર્યાં. એ પછી બધાંના આશ્ચર્ય વચ્ચે વરરાજા અને નવવધૂ સૌથી પહેલાં છેલ્લે બેઠેલી ગરીબ વિધવા સવિતાને પગે લાગ્યાં. એ પછી વરરાજાએ ચહેરો ખુલ્લો કર્યો. એ નિશાત હતો. અનુપચંદને રૂંવે-રૂંવે ઝાળ લાગી ગઈ. માંડવામાં ખળભળાટ મચી ગયો, પણ હવે શું થઈ શકે? અગ્નિની સાક્ષીએ માતા-પિતાએ જ કન્યાદાન કર્યું હતું. નિશિ અને નિશાતનાં લગ્નને વધાવી લેવું પડ્યું. નિશાત તેજસ્વી યુવાન હતો. નિશિના પ્રેમ અને સંગાથનાં કારણે એ ઝળહળી ઊઠ્યો. અનુપચંદનો બિઝનેસ નિશાતે બમણો કરી આપ્યો. અત્યારે એ બંને અબજોમાં રમી રહ્યાં છે. અધિપનું શું થયું? એ સાધુ થઈ ગયો. પિતાની બધી સંપત્તિ નાના ભાઈને સોંપી દઈને એ ઘરમાંથી નીકળી ગયો. ઉત્તર ગુજરાતના નદી કિનારે આવેલા એક પ્રાચીન શિવાલયમાં સાધુ બનીને એણે જીવન વિતાવી દીધું. એનો વૈરાગ સાચા દિલનો હતો, ધીમે ધીમે એને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થવા માંડી. એણે ક્યારેય અંધશ્રદ્ધા ફેલાવવાનું કે ચમત્કારો બતાવવાનું પાપ ન કર્યું. જે યુવાનો-યુવતીઓને સગાઈ થવામાં વિઘ્ન નડતું હોય તે બધાં અપાર આસ્થા સાથે સાધુ અધિપતિનાથ મહારાજને પગે લાગવા આવવા લાગ્યા. એમની શ્રદ્ધા ફળતી પણ હતી. વર્ષોથી એક નિત્યક્રમ જળવાતો રહ્યો છે. નિશિ-નિશાત એમની લગ્નતિથિના દિવસે કારમાં બેસીને અચૂક આ શિવમંદિરમાં આવે છે અને સાધુ અધિપતિનાથ મહારાજનાં ચરણોમાં દંડવત્ પ્રણામ કરી જાય છે. ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...