તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાગ બિન્દાસ:‘ક’ ફોર કસ્ટમર પ્રભુ તારા કેટલાં રૂપ?

2 મહિનો પહેલાલેખક: સંજય છેલ
 • કૉપી લિંક
 • ‘તુલસી ઇસ સંસાર મેં ભાતભાત કે લોગ’ની જેમ દુકાનદારોને પણ ‘ભાતભાત કે ગ્રાહક’ સાથે પનારો પડે છે. આવા ગ્રાહકો સાથે કઇ રીતે ડીલ કરવી તે આવડત તેમનામાં હોય છે

ટાઇટલ્સ સોદા અને વાદા નિભાવવા અઘરા (છેલવાણી) ગાંધીજીએ કહેલું, ‘ગ્રાહક ભગવાનનું રૂપ છે.’ સમાજે ગાંધીજીની બીજી વાતો કરતાં આ વાતને સीीीीीीीીરિયસલી લઇ લીધી છે. મોટા ભાગના સંપન્ન ગુજરાતી ક્યાંય પણ વસે, પણ હરીફરીને એના નિશાન પર તો ગલ્લો અને ઘરાક જ હોય.આપણે ત્યાં તો ભગવાન પણ શામળશા શેઠ જેવા માલદાર માણસ બનીને દર્શન દે છે... જે કોરોનાકાળ બાદ ધંધા-વેપારની મંદીના સમયમાં વિચાર આવે છે કે દુકાનદારે કેવાકેવા ઘરાકો સાથે પનારો પાડવો પડે છે ને? જેમ કે - મૂંગો ગ્રાહક : દુકાનદાર સામેથી પૈસા આપે તોય એ ન બોલે તે ન જ બોલે! અતિ મરીયલ અવાજમાં સમાન માટે પૂછે. માલ ન ગમે તો બીજા સામાન માટે માત્ર ઇશારો કરે. આર્ટ-સિનેમાના બોરિંગ એક્ટરની જેમ એ શું કહેવા માગે છે એ ભાગ્યે જ સમજાય! દુકાનદાર ઇશારો વાંચીને સામાનની કિંમત બોલતો જાય, પરંતુ મૂંગો ગ્રાહક માત્ર નાકનું ટીચકું ચડાવીને ચીજો સાઇડમાં મૂકતો જાય! જગતમાં આપણે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઇશું એવી ફિલોસોફીવાળા મૂંગા ઘરાકો ખાલી હાથે જ પાછા ફરે છે, અભિનેતાઓમાં અજય દેવગણ અને નેતાઓમાં મનમોહન સિંઘની જેમ ઓછું બોલીને, એ મૌનપંથે ખરીદ્યા વિના જતાં રહે…

બોલકો ઘરાક : આ ગ્રાહક દુકાનદારને ‘નમસ્તે’ કે ‘હેલો, હાઉ આર યુ?’ કહીને હસતાં હસતાં એન્ટ્રી મારે છે. બીજા ઘરાક સાથેના સોદામાં ટાંગ અડાવીને સોદો બગાડીને જ જંપે છે. આવા બોલકા ઘરાક માટે દુકાનદારે સીરિયસ ગ્રાહકોનો ભોગ આપવો પડે છે. સાવ મામૂલી ચીજ ખરીદીને પણ એના પેકિંગ કે બિલ માટે એ રીતે આગ્રહ રાખે છે જાણે આખી દુકાન ખરીદવા આવ્યો હોય! નાના પાટેકર જેવા અભિનેતાઓ કે સુબ્રહ્મણ્યમ સ્વામીની જેમ કારણ વિના ખૂબ બોલીને દુકાનદારને થકવી દે. વળી, કારણ વિના પોલિટિક્સની માથાકૂટ કરનારા લોકોની જેમ આવા ઘરાકો કોઇ પણ સંદર્ભ વિના દુકાનના ડેકોરેશન પર સલાહ આપીને 10 રૂ.નો માલ ખરીદીને 100 કિલો બડબડ કરીને જાય છે. દલીલબાજ ઘરાક : જેમ કળામાં ‘કળા ખાતર કળા’ સિદ્ધાંત છે એમ અમુક ગ્રાહકોને અકારણ દલીલો કરવાની આદત હોય છે. અમુક સર્વજ્ઞ લેખકોની જેમ એમને ખુદ પર એટલો ભરોસો હોય છે કે પોતે બધું જ જાણે છે. એ એટલા સવાલ પૂછે કે કંટાળીને દુકાનદાર ગુસ્સામાં સામાન સમેટી લે છે અને પછી અહીં ન છાપી શકાય એવી ગાળો આપીને એને કાઢી મૂકે છે. આવો ઘરાક જતાં જતાં ધમકી આપે કે એ ઉપર સુધી ફરિયાદ કરશે. ઉપરવાળો પણ આવા ઘરાકની ધમકીથી નક્કી ડરતો હશે.

શક્કી ઘરાક : એને દુકાનદારોમાં ચોર જ દેખાય છે. દુકાનદાર ભલે સાચી કિંમત કહે, પરંતુ શક્કી ગ્રાહકને એમાં પણ લૂંટ જ દેખાય! આવા લોકો અમૃતની બોટલ પર પણ એક્સપાયરી ડેટ ચેક કરે! આવો શક્કી ગ્રાહક થોડો ડરપોક પણ હોય છે. દુકાનદાર થોડો ગરમ થઇને બોલે તો તેઓ ભાગી પણ જાય. શક્કી સ્વભાવના ગ્રાહક વિરોધ પક્ષના નેતા જેવા હોય છે. એમને બધાંમાં પ્રોબ્લેમ. આવા શક્કી ગ્રાહકો નાસ્તિકોની જેમ ઇશ્વર પાસે પણ આઇ-કાર્ડ માગી લે તો નવાઇ નહીં. બેચેન ઘરાક : દુકાનમાં પગ મૂકતાં જ જઉં-જઉં કરી મૂકે છે. દુકાનદાર બીજા ગ્રાહકોમાં પહેલેથી ભલે બિઝી હોય, પણ બેચેન આત્મા શોર મચાવી મૂકે : ‘કબ સે ખડા હૂં!’ આવા ગ્રાહક આસપાસ ઝાંકીને બબડ્યા કરે, ‘દેશમાં કોઇને સમયની કિંમત જ નથી. આના કરતાં અંગ્રેજો સારા હતા.’ જેવી પોતાના જન્મ પહેલાંની વાતો કરે. બેચેન ગ્રાહક કિંમત માટે બહુ ઝઘડતો નથી, કારણ કે એને જવાની ઉતાવળ હોય છે. આવા બેચેન આત્માઓને ડબલ ભાવે માલ વેચી શકાય છે! ટાલમટોલ ઘરાક : જેનામાં કોઈ પણ ચીજ ખરીદવાની હિંમત નથી આવતી. કિંમત નજીવી હોય, તો પણ ‘નહીં, ફિર લેંગે.’ બોલીને ચાલ્યો જાય. અંગ્રેજીમાં આને ‘વિન્ડો શોપિંગ’ કહેવાય. જાણીતી ગુજ્જુ કવિતાની જેમ ‘હું ક્યાં કંઇ ખરીદવા આવ્યો છું? હું તો બસ ફરવા આવ્યો છું.’વાળી એમની માનસિકતા હોય છે. શોપિંગ મોલમાં આવા લોકો શનિ-રવિની રજા ગાળવા આવે છે. આવા ગ્રાહકો બીજે સારો સામાન મળશે કે ભાવ હજી ઘટશે એવી આશાએ ખાલી હાથે પાછા ફરે. ઇન્ટરવલ

દેતા હૈ દિલ દે,બદલે મેં દિલ લે.. પ્યાર મેં સૌદા નહીં! (આનંદ બક્ષી) મનમોજી ઘરાક : આવાને મન થાય તો અડધી દુકાન ખરીદી લે અથવા બધું પેક કરાવીને એક જ આઇટમ ખરીદે. એક વાર મનમોજી ઘરાકે મીઠાઇની દુકાનમાં બધું ચાખીને 100-110 ગ્રામ પેક કરાવીને મીઠાઇઓ મિક્સ કરાવીને એમાંથી 200 ગ્રામ ખરીદે એવા દાખલા ઇતિહાસમાં છે. આવા ઘરાકો પર દુકાનદારો જવલ્લે ગુસ્સો કરે છે, કેમ કે તેઓ ભાગ્યે ધરતી પર જન્મતા ઇન્ટરેસ્ટિંગ પ્રાણી હોય છે. ઘમંડી ઘરાક : એ સીનો ફુલાવીને દુકાનમાં દાખલ થાય અને એક અકડમાં ત્યાં લગી ઊભો રહે, જ્યાં સુધી દુકાનદાર ‘વેલકમ’ કહીને સ્વાગત ન કરે. આવા ઘરાકો ખુદને સાચે જ ઇશ્વર માને છે અને ગમે ત્યારે શ્રાપ આપવાના મૂડમાં હોય છે. આમને છેતરવા આસાન. એમના અહમને પંપાળીને, સહેજ વખાણ કરીને ડબલ તો શું ટ્રિપલ ભાવે ચીજ ચીપકાવી શકાય! અથવા ‘ભાઇ, જવા દો. તમને નહી પોસાય!’કહી ચેલેન્જ આપીને ઇઝીલી ફસાવી શકાય, યુસી!

ઇમોશનલી અપંગ ઘરાક : જે બીજાની મદદ વિના એક સોય પણ ન ખરીદી શકે અને એટલે જ પાછળથી બહુ પસ્તાય. આવા લોકો એરેન્જ મેરેજમાં માનનારા લોકો હોય છે જે મા-બાપ કે મિત્રોને પૂછીને જ પરણે છે! આવા ઘરાકો પૈસા ન કાઢે તો સાથેની વ્યક્તિ કંટાળીને પૈસા ચૂકવી દે. શાણા દુકાનદારો ઘરાકના મિત્રને ‘તમે તો સમજદાર છો, સમજાવો કે આવી ડીલ નહીં મળે’ વગેરે કહીને માલ પકડાવે નારી ઘરાક : ઔરતો સાથે પનારો પાડવો આસાન છે? એમાંયે ઘરાક! ઓહ નો...જો કોઇ 50 રૂ.ની વસ્તુ પસંદ આવે તોયે બાઇમાણસ શરૂઆત સાવ 15 રૂ.થી કરે! શાણો દુકાનદાર આ ગેમ સમજે એટલે એ શરૂઆતથી જ અલગ ભાવ કહે ને પછી સામસામી કવ્વાલી. એમાંયે સ્ત્રીઓ સાડી ખરીદવા જાય, ત્યારે સ્વર્ગમાં દેવતાઓ પણ પોતાના પુષ્પક વિમાનો પાર્ક કરીને ઊભા રહી તમાશો જુએ. સેલ્સમેન પોતાના બેડોળ શરીર પર સાડી પહેરીને બતાવે ત્યારે જ તેમને સંતોષ થાય! બૈરાંઓ ઓછી કિંમત કહીને ચાલવા માંડે, કેમ કે જાણે છે કે પાછળથી દુકાનદાર તરફથી ‘એક રમ્ય ઘોષા’ (‘પાછા આવો’નો પોકાર) આવશે જ.. વિજયી સ્મિત સાથે સ્ત્રી જઇને માલ ઉઠાવશે. આમાં બેઉ પક્ષે વિન-વિન સિચ્યુએશન છે. સ્ત્રીઓનાં શોપિંગ પર તો પીએચ.ડી. લેવલનું રિસર્ચ થઇ શકે. ઘરાક ઇશ્વર છે. ઈશ્વરને કોઇએ જોયા નથી ને સ્ત્રીને કોઇ સમજ્યું નથી! એન્ડ ટાઇટલ્સ આદમ : શોપિંગ કરવા ગયેલી? ઇવ : ના રે...પર્સને બજારમાં ફરવા લઇ ગયેલી! sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો