ન્યૂ રીલ્સ:ફિલ્મોમાં દિવાળીનાં ગાયનો કેટલાં?

એક મહિનો પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક
  • ભારતના સૌથી મોટા ગણાતા આ તહેવારમાં ગીતો ગાવાની કોઇ પરંપરા જ નથી. એટલે કદાચ જૂની ફિલ્મોમાં પણ દિવાળીનાં ગીતો બહુ ઓછાં છે

’એક વો ભી દિવાલી થી, એક યે ભી દિવાલી હૈ, ઉજડા હુઆ ગુલશન હૈ, રોતા હુઆ માલી હૈ…’ હકીકતમાં તો આ ગાયન છેલ્લાં ત્રણ વરસની દિવાળીઓમાં બોલિવૂડની જે હાલત થઇ ગઇ છે એની ઉપર વધારે ફિટ બેસે છે. આ દિવાળીએ જે બે ફિલ્મો (‘રામસેતુ’ અને ‘થેન્ક ગોડ’) રિલીઝ થઇ એમના હાલ પણ બોક્સ ઓફિસ ઉપર કંઇ સારા રહ્યા નથી. ‘લાખોં તારે આસમાન મેં, એક મગર ઢૂંઢે ના મિલા…’ એવી જ કંઇક હાલત આ દિવાળીએ બોલિવૂડની છે, કેમ કે ‘લાખોં તારે’ તો શું, કરોડોની પ્રાઇસ લેતા ‘તારા’ યાને કે ‘સ્ટાર્સ’ પણ એવું વિચારી રહ્યા હશે કે ‘દેખ કે દુનિયા કી દિવાલી, દિલ મેરા ચૂપચાપ જલા…!’ આ દિવાળીએ ભારતીય કન્ઝ્યુમર માર્કેટના આંકડાઓ જોઇને આ મેગા-સ્ટાર્સનાં દિલ ચૂપચાપ જલતાં હશે કે જ્યાં આખા ભારતમાં માત્ર સોનું 13,000 કરોડ રૂપિયાનું વેચાયું ત્યાં કોઇ ફિલ્મ 50 કરોડનો વકરો પણ તાણી લાવી શકે એવી નીકળી નથી. અહીં ટાંકેલાં દિવાળીને લગતાં જે બે ગાયનો છે તે પણ વીતેલા જમાનાનાં છે. છેલ્લાં વીસ વરસમાં તો દિવાળીને છોડો, બીજા કયા તહેવારોને લગતાં ગાયનો આવ્યાં છે? હિંદી ફિલ્મના અભ્યાસુઓ કહે છે કે પ્રેક્ષકવર્ગની જે તીવ્ર લાગણીઓ છે તેમાંથી જ ફિલ્મોનાં ગાયનો બનતાં હોય છે. છેલ્લાં વીસ વરસનાં ગીતો ઉપર ઊડતી નજર નાખો તો સૌથી વધુ ગાયનો તો પ્રેમ, ઇશ્ક, લવ, રોમાન્સને લગતા જ સાંભળવા મળશે. (જે અગાઉના જમાનામાં પણ જોવા મ‌ળતું હતું.) પરંતુ હોળીનાં ગાયનો કેટલાં આવ્યાં હશે? શું ફિલ્મો જોવા જનારો યુવાવર્ગ હોળી ઊજવતો જ નથી? એની સામે ડિસ્કો-ટાઇપનાં ગાયનો કેટલાં આવ્યાં? શું ઇન્ડિયાના આ મેેટ્રો શહેરના પ્રેક્ષકો આટલી બધી વાર ડિસ્કોમાં જાય છે ખરા? ના. પણ એમની કોલેજોમાં વારંવાર પાર્ટી, થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી, એન્યુઅલ ડે પાર્ટી અને ફ્રેન્ડ સર્કલની બર્થ-ડે પાર્ટીઓ તો ખરી જ! કદાચ એટલે જ હોળીનાં ગીતો કરતાં પાર્ટી સોંગ્સ વધારે સંખ્યામાં છે. એ જ રીતે લગ્નમાં નાચવાનાં ગાયનોની પણ ભરમાર છે! કેમ કે આજની યુવા પેઢી માટે પોતાની જિંદગીમાં રોમાન્સ પછીનો સૌથી મોટો કોઇ ‘તહેવાર’ હોય તો એ ‘શાદી’ છે! જરા યાદ કરો. શું અગાઉના જમાનામાં લગ્નમાં નાચ-ગાનનાં આટલાં બધાં ગાયનો આવતા હતાં? ઊલટું, હિરોઇનનાં લગ્ન થતાં હોય ત્યારે તેની ડોલી ઊઠીને જતી હોય ત્યારે હીરોનું દિલ તૂટતું હોય એવાં ગાયનો ઢગલાબંધ મળી આવશે! આવા ‘ઇવેન્ટ ઓરિએન્ટેડ’ ગાયનો શોધવા બેસો તો આજકાલ તમને મેળાનાં ગીતો નહીં જોવા મળે, કારણ કે શહેરી યુવાવર્ગે કદી મેળો જોયો જ નથી. ફિલ્મોમાં ભજનો પણ પતી ગયાં છે કેમ કે નવા પ્રેક્ષકને ભજન અથવા ભક્તિ સાથે કોઇ લેવાદેવા રહી નથી. ગુજરાતમાં નવરાત્રિ વખતે તો યુવક-યુવતીઓ નવેનવ રાતો ઊછળી-કૂદીને ગરબા ગાય છે પરંતુ સાવ નવાઇની વાત એ છે કે નવી ‘અર્બન’ કહેવાતી ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ કોઇ ગરબો જોવા મળે છે. (જે એક ફિલ્મમાં પાંચ-પાંચ ગરબા હતા તે, ‘હેલ્લારો’ સુપર હિટ હતી એ‌વું જાણવા છતાં નિર્માતાઓની આંખો ઊઘડતી નથી.) અગાઉની ફિલ્મોમાં બદલાતી ઋતુનાં ગીતો હતાં, સાવન કા મહિનાનાં ગીતો હતાં, વરસાદનાં ગીતો હતાં, જન્માષ્ટમીમાં કૃષ્ણજન્મનાં ગાયનો આવી ગયાં, મટકીફોડ ગોવિંદાનાં ગાયનો આવી ગયાં. વિવિધ પ્રદેશોનાં સેંકડો લોકગીતો આવી ગયાં. શાળાઓમાં ગવાતાં બાળગીતો પણ આવી ગયાં. હવે એ બધું નથી આવતું. શા માટે? કેમ કે બોલિવૂડે પરદા ઉપર એક આખી અલગ જ દુનિયા બનાવી છે, જ્યાં આ બધાંની કોઇ જગ્યા જ રહેવા દીધી નથી. રહી વાત દિવાળીનાં ગીતોની. તો હા, ભારતના સૌથી મોટા ગણાતા આ તહેવારમાં ગીતો ગાવાની કોઇ પરંપરા જ નથી. એટલે કદાચ જૂની ફિલ્મોમાં પણ દિવાળીનાં ગીતો બહુ ઓછાં છે. ⬛

અન્ય સમાચારો પણ છે...