મસ્તી-અમસ્તી:પ્રેરણાડી કેટલા બોયફ્રેન્ડ્સને હેન્ડલ કરે છે?

એક મહિનો પહેલાલેખક: રઇશ મનીઆર
  • કૉપી લિંક

સુભાઈ હેમિશની ઊલટતપાસ લઈ રહ્યા હતા. ‘સન’ને સંસ્કાર આપવાના પ્રયાસમાં એમના પોતાના સંસ્કારની ખામી બહાર આવી રહી હતી. સંસ્કાર આપવાની ક્રિયા એમને પોતાના સ્કાર બહાર લાવી રહી હતી. ‘તો તારી ચાલીસ ગર્લફ્રેન્ડ છે એમ!’ ક્યારેક ગબ્બર ‘કિતને આદમી થે’ બોલેલો, એ અદાથી હસુભાઈ બોલ્યા. ‘હા… લગભગ એટલી જરા ક્લોઝ છે, બાકી તો ઘણી છે!’ હસુભાઈ મારી સામે જોઈ બોલ્યા, ‘છેલ્લા ત્રીસ વરસમાં દુનિયાની વસ્તી ડબલ થઈ ગઈ એ તો ખ્યાલ છે પણ એમાંથી મોટાભાગનો વધારો એની ગર્લફ્રેન્ડ્સનો જ છે એ આજે ખબર પડી!’ મેં કહ્યું, ‘હસુભાઈ, આની સાથે વાત કરવાનો અર્થ નથી, આપણે આજકાલની છોકરીઓની માનસિકતા પણ સમજવાની જરૂર છે.’ સાચી વાત તો એ હતી કે અમે અમારા જમાનાની -નહોતી સમજી શક્યા. હસુભાઈએ મારો પ્રસ્તાવ વધાવી લીધો, ‘આપણે આની કોઈ ગર્લફ્રેંડ સાથે વાત કરીએ..’ અમે પ્રેરણાડીને મળ્યા. હસુભાઇ એ પ્રેરણાડીને પૂછ્યું, ‘હેમિશની ચાલીસ ગર્લફ્રેન્ડ છે એનો તને ખ્યાલ છે?’ ‘હા, પૂઅર ચૅપ! બિચારો!’ ‘કેમ પૂઅર!’ મને થયું કે એ 40 પાછળ હેમિશની પોકેટમની ખર્ચાઇ જતી હશે એટલે પૂઅર કહ્યો. ‘મારે 80 બોયફ્રેન્ડ્સ છે!’ પ્રેરણાડીએ બોમ્બ ફોડ્યો. હસુભાઈએ સવાલ પૂછ્યો, ‘આજકાલના છોકરાઓની ખાસ વાત શું છે?’ ‘ખાસ વાત કોઈ નથી, દાઢીમાં બધા સરખા જ દેખાય છે!’ ‘આજકાલ છોકરાઓ દાઢી કેમ રાખે છે?’ મેં પૂછ્યું. ‘એ મોટા થયા, એમ બતાવવાનો એમની પાસે બીજો કોઈ રસ્તો નથી, I guess!’ ‘તમને છોકરીઓને ગમે છે દાઢીવાળા છોકરા?’ હસુભાઈએ મર્મભેદી સવાલ કર્યો. ‘ગમવા ન ગમવાનો સવાલ નથી! છોકરાને દાઢી ન હોય તો વિચાર આવે કે એની મમ્મી હજુ એને વહાલ કરતી હશે, જમાડતી હશે, લેશન કરાવતી હશે, રાતે દૂધનો ગ્લાસ આપીને સુવાડતી હશે...’ ‘ઓહો..’ ‘અને છોકરો દાઢી રાખવા માંડે, લો લેવલની જિંસ પહેરવા માંડે, વાળ ‘જેલ’ લગાડીને ઊભા રાખવા માંડે એટલે અમે છોકરીઓ સમજી જઈએ છીએ કે હવે આ છોકરો મમ્મીની ‘જેલ’માંથી બહાર છે અને અમારી સાથે ‘જેલ’ થવા માટે અવેલેબલ છે!’ મેં કહ્યું, ‘પુરાણકાળમાં ઋષિમુનિઓ દાઢી રાખતા, સૂફીસંતો દાઢી રાખતા, ફાધર અને સેઈંટ દાઢી રાખતા.’ હસુભાઈ બોલ્યા, ‘લાગે છે એ ‘શસ્ત્રો’નો યુગ હતો, ‘અસ્ત્રો’નો નહીં એટલે દાઢી પ્રચલિત હશે.’ પ્રેરણાડીએ સામી દલીલ કરી, ‘પણ શ્રીરામ કે શ્રીકૃષ્ણ કાયમ ક્લીન શેવ્ડ દેખાય છે! એમણે ક્યાંય ડી.પી મૂકવાનું તો હતું નહીં તોય કેવા ડિસંટ લૂક્સ રાખ્યા હતા! અને ગોપીઓ પણ આખું વરસ નવરાત્રીના ડ્રેસ પહેરી ફરતી!’ હસુભાઈ બોલ્યા, ‘પણ આ કઢંગી દાઢીવાળા, કઢંગા બાવડાવાળા, ટેટુવાળા, ફાટેલી જીંસવાળા છોકરાઓ એમ સમજે છે કે આજકાલની છોકરીઓને આવું ગમે છે! તો સાચી વાત શું છે?’ ‘છોકરાઓ સામે જોવાનો ટાઈમ કઈ છોકરીને છે? પોતાને જોવામાંથી નવરી પડે તો ને! અને આજકાલ તો સેલફોનમાં પણ મિરર આવી ગયા!’ પ્રેરણાડીએ કહ્યું. હસુભાઈ આઘાતમાં આવી ગયા, ‘તો દુનિયામાં છોકરાઓની જરૂર શું છે?’ ‘જરૂર ખરી ને! છોકરાઓ ન હોય તો છોકરીઓને એટેન્શન કોણ આપે?’ ‘એટલે?’ ‘સાચું કહું, આજકાલની છોકરીઓને અટેન્શન ગમે છે. અટેન્શન ન મળે તો એ બિચારીને ટેન્શન થઈ જાય છે. અટેન્શન કોણ આપે એ મહત્વનું નથી. એટલે અમને છોકરાઓ એટ્રેક્ટીવ નહીં, પણ એટેન્ટીવ જોઈએ!’ ‘અચ્છા! એટ્રેક્ટિવ દેખાવાથી નહીં, એટેન્શન આપવાથી છોકરીઓ રીઝે છે!’ મને અફસોસ થયો કે મોડી ઉંમરે આ જ્ઞાનની ઉપલબ્ધિ થઈ. હસુભાઈને જુદી જ ચિંતા થઈ, ‘જેટલા તમારા પર એટેન્શન આપે, એટલા બધાને તમે સાચવી શકો છો?’ ‘બધાંને નહીં, પણ જુઓ ને અંકલ, હું એકલે હાથે 80ને તો હેન્ડલ કરું જ છું!’ ‘એંસી? એમાં વૈવિધ્ય હોય?’ ‘આમ તો બધા દાઢીવાળા જ હોય, પણ એમાં એક જિગો હોવો જોઈએ જે આપણો ઈગો મેઈંટેઈન કરે, એક બેંકેબલ હોવો જોઈએ જે પોકેટ મની મેનેજ કરી આપે, એક સાથી આર્ટિસ્ટ ટાઈપ હોવો જોઈએ, જે થાક્યા વગર આપણા ફોટો લઈ ફોટોશોપ કરી આપવા નવરો હોય, એક સખો બોડી બિલ્ડર હોવો જોઈએ, ડખો થાય ત્યારે કામ લાગે! એક કારવાળા યારને નારાયણન કે શૂમેકર જેવું માન આપીને રાખવો પડે જેથી એ પીકઅપ ડ્રોપમાં કામ લાગે.’ ‘અને આમાં હોશિયાર કે રેન્કરનો કોઈ ચાન્સ નહીં?’ હું ચિત્કારી ઊઠ્યો! ‘નૉટ ઓલ ધ ટાઈમ, બટ એક્ઝામ વખતે યસ. ટાઈમ બીઈંગ એમને ટોલરેટ કરી લઈએ તો એ ટિપ્સ આપે, એટલિસ્ટ કઈ બૂકમાંથી કાપલી બનાવવાની એ તો ખબર પડે!’ ‘અને છેલ્લે એક પેપર ફોડી લાવનાર ફોડુ જોઈએ!’ હસુભાઈને અચાનક જ્ઞાન લાધ્યું કે હેમિશની ચાલીસ ગર્લફ્રેન્ડ્સ એના કયા ગુણને કારણે છે! ‘યસ, I guess.. એક છોકરીની ડિમાન્ડ બહુ ઓછી હોય છે આજકાલ!’ મેં કહ્યું, ‘નાની ઉંમરમાં જ બહુ બધા પક્ષોને સાથે રાખીને ચાલવાની ફાવટ છે!’ ‘સાથે રાખવાનીય જરૂર નથી. અંદરોઅંદર લડાવી દો તોય ચાલે! એકચ્યુઅલી થોડી કાંટછાંટ તો કરવી જ પડે, તો જ બોયફ્રેંડ્સનો બ્યુટીફૂલ બગીચો થાય, નહીં તો અડાબીડ જંગલ ઊગી નીકળે!’

અન્ય સમાચારો પણ છે...