મસ્તી-અમસ્તી:વિશ્વસુંદરીનું કેવી રીતે ગોઠવાયું?

15 દિવસ પહેલાલેખક: રઇશ મનીઆર
  • કૉપી લિંક
  • ‘બંનેનો ભેગો ફોટો જોઈને એમ લાગેલું કે સુસ્મિતાએ કોઈ ઓલ્ડ એજ હોમમાં કેર-ટેકરની નોકરી લીધી છે. આ તો સાલું કાગડો દહીંથરું લઈ ગયા જેવું થયું!’

'ભારતની ‘વિશ્વસુંદરી’ અને લંડનમાં હવાફેર કરી રહેલા ‘આઈ. પી. એલ.સ્વામી’નું ચોકઠું ગોઠવાયું.’ મેં સભાના શાંતજળમાં કાંકરી નાખી. હસુભાઈએ સૌની ઇર્ષ્યામિશ્રિત જિજ્ઞાસાને વાચા આપી, ‘સાલું એ જ સમજાતું નથી કે કેવી રીતે ગોઠવાયું હશે?’ ‘સાંભળ્યું છે કે એ સજ્જન 2010થી સ્વદેશ ત્યાગીને લંડનમાં છે.’ ‘હા, 2022માં દેશવટાનું બાર વરસનું તપ થયું એટલે ભગવાને એને અપ્સરા મોકલી.’ મનસુખ સટોડિયો બોલ્યો. ‘પણ અપ્સરાનો શું વાંક? અપ્સરાને ભાગે બગસરાની જ્વેલરી આવી એનું શું?’ મોટા ભાગના હજુ આઘાતમાં હતા. આમેય આજે સાંધ્યસભામાં ખુરશીને બદલે સાદડી પાથરી હતી. હસુભાઈએ કલ્પના કરી, ‘દેશનિકાલ ભોગવી ભારતને યાદ કરી રહેલા મહાપુરુષે ગૂગલ પર વેદના ઉગલી હશે, ‘I miss India’, ગૂગલે એના જવાબમાં ‘મિસ ઇન્ડિયા’ની યાદી મૂકી દીધી હશે.’ ‘માધુરી, ઐશ્વર્યા, પ્રિયંકા, દીપિકા વગેરે દરેક નટી પરણ્યા પહેલાં ભારતીયોની સહિયારી મિલકત હોય છે. અને એ પરણી જાય ત્યારે સામાન્ય ભારતીયને ‘ફાળે પડતો હિસ્સો’ ગુમાવ્યાનું દુ:ખ થાય છે!’ હસુભાઈના આ વિધાનથી સહુને અહેસાસ થયો કે સુસ્મિતા ‘કમિટ’ થઈ એમાં આપણે પણ કશુંક ગુમાવ્યું છે. સભામાં વાતાવરણ shock-સભા અને શોકસભાની વચ્ચે ઝોલા ખાવા લાગ્યું. બેક ગ્રાઉન્ડમાં અવાજ ગુંજવા લાગ્યો, ‘ધિસ સાંધ્યસભા ઇઝ સ્પોન્સર્ડ બાય બર્નોલ!’ ‘મોં સોગિયું કરીને કેમ બેઠા છો? જેને તમે પ્રપોઝ જ ન કર્યું હોય એવી સુંદરી ડિસ્પોઝ થઈ, એનું આટલું દુ:ખ શા માટે?’ મનસુખ સટોડિયાને ભાઈ પરણવાનો હોય એવી ખુશી હતી. બાબુએ વાસ્તવવાદી વાત કરી, ‘આપની બઢી પ્રેમિકાને આપને પરની સકટા નઠી. પણ એ સારી જગ્યાએ પરને એ જોવાની આપણી ફળજ ખરી કે નહીં?’ ‘એક એજલેસ બોડી અને એજલેસ માઈન્ડવાળી કન્યા એવો પુરુષ પસંદ કરે જેનું શેપલેસ બોડી અને હોપલેસ માઈન્ડ હોય તો દુ:ખ તો થાય ને!’ હસુભાઈએ આક્રંદ કર્યું, ‘આ તો સાવ મારા જેવો છે!’ ‘તમારા જેવો છે એટલે?’ ધનશંકર ગૂંચવાયા! ‘હસુભાઈ એમ કે’વા માગટા છે કે એને પસંડ કર્યો, ટો મને કેમ ન કર્યો?’ ‘તમે ‘reply my SMS’ ન લખ્યું અને નવ વરસ રાહ ન જોઈ!’ ‘અરે! અમે તો લાંબુંલાંબું લખીલખીને બ્લોક થયા!’ ‘બંનેનો ભેગો ફોટો જોઈને એમ લાગેલું કે સુસ્મિતાએ કોઈ ઓલ્ડ એજ હોમમાં કેર-ટેકરની નોકરી લીધી છે. આ તો સાલું કાગડો દહીંથરું લઈ ગયા જેવું થયું!’ મનસુખ સટોડિયાને પોતાના ધંધાભાઈનું લાગી આવ્યું, ‘કાગડો કોને કહો છો તમે? અમારા જેવા લાખો ભારતીયોની નીરસ જિંદગીમાં થ્રિલ પૂરનાર મહાપુરુષ માટે માનવંતા શબ્દ વાપરો. પહેલાં એક મેચમાં 11 ને 11 એમ કુલ બાવીસ જ બેટિંગ કરતા, એ મર્યાદા કાઢી નાખીને એમણે કરોડોને બેટિંગ કરતાં કર્યા! જે ગુના માટે આપણે એમને બદનામ કર્યા, દેશનિકાલ કર્યા, એની તો હવે કાયદેસર જાહેરાતો આવે છે! જોજો, એ મહાપુરુષ વાજતેગાજતે જાન લઈને ભારત આવશે!’ શાંતિલાલને ભેદી વિચાર આવ્યો, ‘એવું તો ન હોય કે સી. બી. આઈ.એ સુસ્મિતાને એજન્ટ બનાવી હોય? જોજો હનિમૂનના બહાને પેલાને ભારત ખેંચી લાવશે!’ ‘મોદી હૈ તો મુમકિન હૈ!’ ભગુ બોલ્યો. મેં સમાચાર આપ્યા, ‘એવું ન હોય, સજ્જન મહાપુરુષે ટ્વીટ કરી છે, ‘Finally starting a new life with my partner in crime. My love @sushmitasen47.’ ‘બોલો! હવે સાથે મળી ગુનાઓ કરશે!’ હસુભાઈ બોલ્યા, ‘આનો આડકતરો અર્થ એમ પણ કાઢી શકાય કે એના જૂના ગુનાઓમાં પણ આ ભાગીદાર હતી.’ ‘વાલિયા લૂંટારા કરટા આનો કોન્ફિડન્સ વઢારે કહેવાય! ભાવિ પટનીને પોટાના ભૂટકાલનાં કર્મોની ભાગીડાર ગનાવી!’ બાબુએ શાસ્ત્રજ્ઞાન વહેંચ્યું. ‘બેનનો આ અગિયારમો (પ્રયાસ) છે.’ ‘અગિયારનો આંકડો શુભ ગણાય!’ ‘આપણે તો સપનામાં પણ આ શુભ આંકડે પહોંચ્યા નહીં!’ ‘ક્રિકેટની ભાષામાં આ છેલ્લો વેલિડ પ્લેયર ગણાય. હવે આવશે એ તો બારમો ગણાશે!’ મનસુખે ભાઈના હિતમાં પાળ બાંધી.‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના ન મળે. બગલાના મોંમાં મોતી આવીને ન પડે.’ સહુ બારમા-તેરમાઓ માટે ધનશંકર સંસ્કૃત શ્લોક બોલ્યા.‘પણ આ લલિતના વાળ પલિત થયા પછી શું જોઈને બહેન ચલિત થયા?’ ‘આના પરથી એમ સાબિત થાય છે કે બેનોને છોકરો કરપ્ટ હોય કે બેંકરપ્ટ કોઈ ફરક પડતો નથી.’માલદીવના ફોટા જોઈ બાબુ બોલ્યો, ‘આપની યાટરાઓ દીવ સુધી રહી અને આ લોકો માલદીવ ફરે છે.’ બાબુને દીવ અને માલદીવનો ફરક સમજાઈ ગયો. સુસ્મિતાની યાદોને ભારે હૈયે અંજલિ આપીને શાંતિલાલ બોલ્યા, ‘સુસ્મિતા વિશે ક્યાંય ત્રણેક વરસથી કોઈ ન્યૂઝ નહોતા. આ બહાને એ ન્યૂઝમાં આવી!’ બાબુ બોલ્યો, ‘એક પન દોઢિયું ખળચ કર્યા વગર સ્માર્ટ સુસ્મિટા પ્રીટિ ઝિન્ટા અને જુહી ચાવલા કરતાં પાવળફૂલ સાબિટ થઈ!’ ‘કઈ રીતે?’ ‘પ્રીટિ ઝિન્ટા અને જુહી ચાવલાએ કરોડોનો ઢુમાડો કરીને પંજાબ કે કોલકાટા જેવી એક ટીમ ખરીડી. જ્યારે સુસ્મિતાએ આખી આઈ. પી. એલ.ના સુસ્ઠાપકને જ એકવાયળ કરી લીઢા!’હસુભાઈ નારાજ થઈ બોલ્યા, ‘એને કહે, કજોડાના ફોટા ન મૂકે અને મૂકે તો કમ સે કમ ડાઈ કરે! અમને એમ તો લાગવું જોઈએ ને કે અમે સુસ્મિતાને યોગ્ય હાથોમાં સોંપી.’ બાબુએ પોતાના નામની પાછળ ‘લ’ ઉમેરી ગાયું, ‘બાબુલ કી દુઆએ લેતી જા…’⬛ amiraesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...