રાગ બિન્દાસ:વિવાહ કૈસે કૈસે : વિદાય કેવી કેવી?

સંજય છેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શું નારી સંગઠનો કૂકરને થયેલા અન્યાય માટે ખોરુલ અનમના ઘરે મોરચો લઈ જશે? શું કૂકર પોતાની વાત સીટીઓ વગાડીને રજૂ કરશે?

ટાઇટલ્સ પ્રેમ, લગ્ન ને જુગારમાં લોજિક ન હોય! (છેલવાણી) એક સ્ત્રીએ બહેનપણીને કહ્યું, ‘હું એને એક સમયે ખૂબ ખૂબ પ્રેમ કરતી હતી.’ બહેનપણીએ પૂછ્યું, ‘પછી શું થયું?’ પેલી સ્ત્રીએ કહ્યું, ‘પછી શું? હું એની સાથે પરણી ગઈ ને વાત પૂરી!’ પરાપૂર્વથી લગ્નજીવનનું આવું જ હોય છે. ઘણાં લોકો ખોટા પાત્રને પરણીને પસ્તાય છે, પણ હમણાં તો એક માણસે પાત્રને એટલે કે વાસણને જ પરણવાનું પસંદ કર્યું. ઇન્ડોનેશિયામાં કોઇ ખોરુલ અનમે કૂકર સાથે લગ્ન કર્યાં. કૂકરને દુલ્હનના ડ્રેસમાં સજાવ્યું (કે સજાવી?), એને કિસ કરતા ફોટા પડાવ્યા. કોઇ સૌંદર્યવાન કે ‘ગુડ-લૂકર’ સાથે પરણતાં જોયાં છે, પણ સાવ ‘કૂકર’ સાથે? હા, માંગલિક હોવાને લીધે અભિષેક બચ્ચન અગાઉ એશ્વર્યાનાં પ્રથમ લગ્ન કોઇ વૃક્ષ સાથે કરવામાં આવેલાં, એ ખરું, પણ સા’બ કૂકર સાથે કિસ્મત કનેક્શન? જોકે, કૂકર સાથે પરણવામાં આવો કોઈ આધ્યાત્મિક કે જ્યોતિષાત્મક દૃષ્ટિકોણ પણ દેખાતો નથી. કૂકર સાથે લગ્ન કરવામાં પત્ની સામે ફાયદા એ કે તે ચૂપચાપ પોતાનું કામ કરે. રસોઈ બનાવે. તેની ભાષા પણ કેવી સરસ! માત્ર સીટી બજાવીને વાત કરે. સામે જવાબ પણ ન આપે. કોઈ કચકચ પણ ન કરે કે, તમે ટુવાલ નથી સૂકવ્યો કે પાણીનો નળ બરાબર બંધ કરતાંયે નથી આવડતું. (જોકે, કૂકરનુંયે સ્ત્રીની જેમ ફટકે, ત્યારે એ ફાટે પણ ખરું, એ વાત અલગ છે!) હવે ભાઈ, એ અનમનું ખબર નહીં, કઇ વાત પર ફટક્યું. ચાર જ દિવસમાં કૂકર સાથે છૂટાછેડા પણ લઇ લીધા, કારણ કે કૂકર માત્ર ભાત જ રાંધી શકે છે. વળી, એને વાત કરતા પણ નથી આવડતી! વાઉ, જે કારણે લગ્ન કર્યાં એ જ કારણે છૂટાછેડા લીધા. કેવું કહેવાય? ‘જે પોષતું તે મારતું એ ક્રમ દીસે શું કુદરતી?’- કવિ કલાપીની આ પંક્તિ પેલા ભાઈએ સાંભળી હશે? વળી, બિચારા કૂકરની વેદનાનું શું? શું એ કોર્ટમાં જઈને ફરિયાદ કરી શકે કે મારી મર્યાદાઓ તો જગજાહેર છે, તો લગ્ન શું કામ કર્યાં? ને લગ્ન કર્યાં તો કર્યાં પછી છૂટાછેડા શું કામ આપ્યા? શું નારી સંગઠનો કૂકરની વેદનાને, એને થયેલા અન્યાય માટે ખોરુલ અનમના ઘરે મોરચો લઈ જશે? શું કૂકર પોતાની વાત સીટીઓ ઉપર સીટીઓ વગાડીને રજૂ કરશે? કોર્ટમાં દસ્તાવેજી પુરાવા તરીકે કૂકર પોતાના દુલ્હનના ડ્રેસના અને કિસ કરતા ફોટા રજૂ કરશે? શું બિચારા કૂકરનું કોઇ દિલ, એ દિલ નથી? શું આપણે જડ વસ્તુની લાગણીઓ પણ જડ હોય એવું માની લેવાનું? કોઇએ એક વાર લગ્ન કર્યાં હોય તો 7 જનમ કે કમ-સે-કમ આજીવન નિભાવવાં જોઈએ કે 4 દિવસમાં જ છોડી દેવાય? કૂકર તો 5 વર્ષની ગેરંટી આપે છે તો એનાં લગ્ન માટે કઇ ગેરંટી? અહીં કૂકરની જેમ ઘણા ઊકળતા ઊભરાતા પ્રશ્નો ઊભા થાય છે, આપણો સમાજ કૂકર જેવી જડ વસ્તુઓ પ્રત્યે સંવેદનશીલ બનશે? વેઇટ, મારા કિચનમાં કૂકરની ત્રણ સીટીઓ વાગી. બંધ કરીને આવું! ઇન્ટરવલ ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં, કે નાગલાં ઓછા પડ્યા રે લોલ. (રમેશ પારેખ) એક વાર એક પૌત્રે દાદાને પૂછ્યું, ‘તમે ક્યારેય પ્રેમ કરેલો?’ દાદાએ ઠંડકથી કહ્યું, ‘પ્રેમ-બ્રેમ તો ક્યારેય નથી કર્યો, પણ હા, એક વાર લગ્ન કરેલાં.’ આ કૂકર-વિવાહવાળી ઘટના કંઇ સાવ નવી નથી. 4-5 વર્ષ પહેલાં અમેરિકામાં એરોન એર્વેનાક નામના ભાઈએ લાસ વેગાસના ચર્ચમાં પોતાના સેલફોન સાથે લગ્ન કરેલાં. જોકે, તેમણે છૂટાછેડા લીધા કે નહીં એના કોઈ સમાચાર આવ્યા નથી. તેમને કદાચ સેલફોન-પત્ની સાથેનો સંબંધ ફળ્યો હશે. સેલફોન-પત્નીનો ફાયદો એ છે કે એને જ્યારે ધારો ત્યારે ચૂપ કરી શકાય છે. બીજો ફાયદો એ છે કે સેલફોન-પત્ની ક્યારેય ઉપદેશ નથી આપતી, સલાહો નથી આપતી કે તમારી ભૂલો નથી કાઢતી. પુરુષ એક વિચિત્ર પ્રાણી છે. એને સ્ત્રી વગર પણ ન ફાવે અને સ્ત્રી સાથે પણ ન ફાવે. બંને કેસમાં અઢળક ફરિયાદો જ હોય ને તોય એ હોંશે હોંશે ઘોડા પર બેસીને ગધેડો બનવા જતો હોય છે, પણ આજ સુધી કોઈ સ્ત્રીએ આવા કૂકર કે મોબાઇલને પરણવાના વિચિત્ર અખતરાઓ કેમ નહીં કર્યા હોય? તમે ક્યાંય સાંભળ્યું કે સ્ત્રીએ આવી નિર્જીવ વસ્તુ સાથે લગ્ન કર્યાં? કદાચ સ્ત્રીઓને જીવંત રમકડાંમાં જ રસ પડતો હશે. એને જ આજ્ઞાકારી બનાવવાની, ધમકાવવાની અને સુધારવાની મજા આવતી હશે. રમત જેટલી અઘરી એટલી કાબેલ ખેલાડીને વધારે મજા આવે! ને તાકાતવર સ્ત્રીઓ હંમેશાં અઘરા કામ સહેલાઇથી કરી લેતી હોય છે. તો હવે હે કુંવારા પુરુષો કે ડિવોર્સ્ડ આત્માઓ! તમારે કોની સાથે લગ્ન કરવા છે? કે નિર્જીવ વસ્તુઓ– કૂકર કે ઓવન કે લેપટોપ કે મોબાઇલ કે સાથે લિવ-ઇનમાં રહેવું છે? એન્ડ-ટાઇટલ્સ આદમ : પરણવું છે? ઇવ : ના, સુખે જીવવું છે. ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...