તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડણક:આપણે કેટલી ઝડપથી પૃથ્વીનો ચહેરો બદલી રહ્યાં છીએ!

શ્યામ પારેખ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે સતત બદલાઈ રહેલાં કુદરતી પરિબળોમાં આપણા ઇજનેરી કૌશલ્ય, વિકાસ અને વૃદ્ધિની ભૂખ અને નાણાંનો ધોધ ભળે છે ત્યારે વિકાસની સાથે વિનાશ પણ સર્જાઇ શકે છે... પૃથ્વીની રચના થઇ ત્યારથી લઈને અત્યાર સુધીમાં વાતાવરણીય ફેરફારો, ધરતીકંપ, પૂર, વાવાઝોડાં, દુકાળ અને દરિયાના સતત બદલાતા રહેતા નકશા જેવાં પરિબળોને કારણે પૃથ્વીનો ચહેરો સતત બદલાતો રહ્યો છે, પરંતુ છેલ્લી એકાદ સદીથી, પૃથ્વીના ચહેરાને અનેક રીતે બદલાવવાની પ્રક્રિયામાં, કુદરતી પરિબળોની સાથે સાથે માનવીય પરિબળો પણ ભળ્યાં છે. જેમ કે, માનવીય ઇજનેરી કૌશલ્ય દ્વારા સર્જાયેલ એક અજાયબી સમાન રચના એટલે ચીન દ્વારા યાંગત્સે નદી પર બનાવવામાં આવેલો થ્રિ ગોરજીસ ડેમ, કે જેની રચના બાદ પૃથ્વીના પરિભ્રમણની ગતિમાં 0.06 માઈક્રોસેકન્ડનો ઘટાડો નોંધાયો છે અને પરિણામે દિવસ એટલો લંબાયો છે. અન્ય ઉદાહરણ લઈએ તો દરિયાકાંઠાના શહેરોમાં પ્રાપ્ય જમીન અપૂરતી જણાય, ત્યારે કાંઠાના વિસ્તારમાં ભરતી ભરી અને નવી જમીન ઊભી કરવાની પ્રવૃત્તિ હોય. ઉત્તર ગુજરાતના અરવલ્લીના વિસ્તારોમાં કે સૌરાષ્ટ્રમાં ગિરનારની ગિરિકંદરાઓની આસપાસના ગાયબ થઇ ગયેલા કે હવે સમતળ જમીન બની ગયેલા ટેકરા અને નાના પર્વતો હોય કે પછી એલોન મસ્ક દ્વારા નિર્મિત હજારો સ્ટારલિન્ક સેટેલાઇટસનું કન્સ્ટલેશન, એટલે કે જેનું માનવનિર્મિત નક્ષત્ર, કે જેના પરાવર્તિત પ્રકાશથી વિશ્વભરમાં રાત્રિઓનો અંધકાર ઉજાસિત થવાની શક્યતા હોય. આવી અનેક માનવીય પ્રવૃત્તિઓથી આપણે ઝડપભેર અને અગાઉ ક્યારેય ન થયું હોય તેમ પૃથ્વીના ચહેરાને પરિવર્તિત કરી રહ્યા છીએ. જેનું પરિણામ શું આવી શકે છે અને અન્ય પરિબળો સાથે ભળી અને પૃથ્વી પરના જીવનમાં કેવા ફેરફાર ભવિષ્યમાં આવશે આવી પ્રવૃત્તિઓના કારણે આવશે, તે કહેવાની સ્થિતિમાં કોઇ વૈજ્ઞાનિક નથી. મોટા ભાગના ફેરફારોને આપણે નજીવા ગણી તેની ઉપેક્ષા કરતા હોઈએ છીએ. પરંતુ તેની અસરો નાની કે મોટી હોય, પરંતુ સમજવી જરૂરી છે. જેમ કે, નાના-મોટા 42 હજાર જેટલા ઉપગ્રહો છોડવાનું મસ્કનું સ્વપ્ન પૂરું થાય તો એવો સમય પણ આવી શકે કે રાત અત્યારે છે તેવી અંધારી ન રહે અને વધારે ઉજાસીત બની જાય. મસ્તિષ્કની સફળતાથી પ્રેરાઈને કદાચ અન્ય કંપનીઓ પણ આવી જ અવકાશી દોટ લગાવી શકે છે અને આમ, ઘનઘોર અંધારી રાત ભવિષ્યમાં વાર્તા અને ઇતિહાસનો વિષય થઈ શકે છે. તેના પરિણામે ટેલિસ્કોપ લગાવી અને અવકાશી પદાર્થો, ગ્રહો અને સૂર્યમાળાનો અભ્યાસ કરતા ખગોળશાસ્ત્રીઓ આ આર્ટિફિશિયલ ઉજાસને કારણે અવલોકનો નહીં કરી શકે. પૃથ્વી ઉપર માનવજાતનો વસવાટ શરૂ થયો ત્યાર બાદ ક્યારેય આવું પરિવર્તન થયું નથી. રાત્રિના અભાવમાં કે પછી ઓછી અંધારી રાતથી માનવ સ્વાસ્થ્ય પર તથા સમસ્ત જીવજગત પર કેવી અસર પડશે એની ધારણા કરવી પણ શક્ય નથી, પરંતુ ઉત્તરીય ધ્રુવ પ્રદેશોની નજીકના યુરોપીય અને ઉત્તરી અમેરિકી વિસ્તારોમાં મહિનાઓ સુધી અજવાળી રાત હોય છે અને લોકોએ આ બરફાચ્છાદિત વિસ્તારોમાં રાત્રે કાળા પડદા ચડાવીને કૃત્રિમ રીતે અંધારું કરીને રહેવું પડે છે. આ વિસ્તારોમાં ઉષ્ણતામાન ખૂબ જ નીચું રહેતું હોય, ત્યાંનું પર્યાવરણ ખૂબ જ અલગ છે. વૈજ્ઞાનિકો આવી પરિસ્થિતિની અસરનો અભ્યાસ કરી શકે, સમસ્યા સામે ઝઝૂમવા માટે તૈયાર થાય, એ પહેલાં તો એલોન મસ્કનું નક્ષત્ર પરિવર્તન લાવી દેશે. વળી, માત્ર ઘોર અંધારી રાતનો અભાવ જ સમસ્યા નથી. પૃથ્વીના ચહેરા પર બીજા પણ અનેક બદલાવ આપણે લાવી રહ્યાં છીએ. નાના-મોટા ટેકરાઓ કે પર્વતીય વિસ્તારો ગાયબ થઇ ગયા છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આ વિસ્તારોમાં પ્રવાસ કરેલા અનેક લોકોને ધ્યાનમાં આવશે જ કે ઉત્તર ગુજરાતના અરવલ્લીના પહાડોમાંથી કેટલા બધા મસમોટા ટેકરાઓ કે નાના-નાના પહાડો હવે સમતળ જમીન બની અને મકાનો કે સ્પોર્ટસ ગ્રાઉન્ડ બની ગયા છે. સૌરાષ્ટ્રમાં જોઈએ તો, ગિરનારની આસપાસના ક્ષેત્રમાં થોડા દસકા પહેલાંના ફોટા જોઈએ અને હાલના જોઈએ, તો તરત ખ્યાલ આવી જાય કે અનેક ટેકરાઓ અને નાના-નાના પર્વતો સિમેન્ટ, કપચી કે પથ્થરો બનીને, મારા-તમારા ઘર કે રસ્તાઓ બની ગયા છે! આપણા પાડોશી ચીનમાં વિશ્વનો સૌથી મોટો અને પ્રખ્યાત એવો થ્રી-ગોર્જીસ ડેમ બાંધવામાં આવ્યો અને ચીનની વિશ્વભરમાં વાહ-વાહ થઈ ગઈ. આવી ઇજનેરી અજાયબી બનાવવા માટે સમસ્ત વિશ્વ ચીનની પ્રશંસા કરતું હતું, પરંતુ તેને કારણે થયેલા ભૌગોલિક ફેરફારને પરિણામે પરિવર્તન સમસ્ત પૃથ્વી પર આવ્યું છે. પરિવર્તન એ છે કે, પૃથ્વીના પરિભ્રમણની ગતિમાં 0.06 સેકન્ડનો ઘટાડો નોંધાયો છે. જો તમને થાય કે આટલા સૂક્ષ્મ ઘટાડાથી શું ફરક પડે છે, તો સમજી લેજો કે કુદરતી પરિબળો કઈ રીતે કામ કરે છે એ હજુ તો આપણે સમજી પણ શક્યા નથી અને તેનાથી શું પરિવર્તન આવી શકે એનો આપણને ખ્યાલ નથી. અત્યારે કોઈ અનિષ્ટ પરિણામ ન દેખાય, પરંતુ ભવિષ્યમાં આવા વધારે પ્રોજેક્ટ થાય તો શું થશે એનો જવાબ કોઈ પાસે નથી. ચર્ચાનો વિષય એ છે કે શું આપણને પૃથ્વી પર આવા પરિવર્તન કરવાનો હક છે? માત્ર વધુ નફા અને સગવડો માટે શું આ ગ્રહને આપણા માટે જ બિનઉપયોગી બનાવી દઇશું? ⬛ shyam@kakkomedia.com

અન્ય સમાચારો પણ છે...