તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનનો મોનોલોગ:કેમ ખબર પડે કે કોઈ તમારામાં ઈન્ટરેસ્ટેડ છે?

ડો. નિમિત્ત ઓઝા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે આપણે કોઈને પહેલી વાર મળીએ છીએ, ત્યારે એને મિત્ર બનાવવા માગીએ છીએ કે પ્રશંસક? એનામાં રસ લેવા માગીએ છીએ કે ફક્ત આપણો પ્રભાવ પાડવા માગીએ છીએ? કારણ કે આપણે બંને કામ સાથે નહીં કરી શકીએ

ત્યારે હું ફર્સ્ટ એમ.બી.બી.એસ.માં હતો. અમે દસથી બાર વિદ્યાર્થીઓ કેન્ટીનમાં બેઠેલા. એ ગ્રુપમાં રહેલી એક ગમતી છોકરી સાથે આઈસ-બ્રેક કરવા માટે મેં વાતની શરૂઆત કરી. મેં એને પૂછ્યું, ‘તમને કેવા પુસ્તકો ગમે?’ જ્યારે કોઈ સાવ અપરિચિત વ્યક્તિને આપણે પહેલી વાર મળતાં હોઈએ ત્યારે પુસ્તકો, હવામાન કે કરન્ટ અફેર્સ જેવા વિષયો સુરક્ષિત અને અહિંસક કહેવાય. સાવ સામાન્ય લાગતા વિષયોમાં સામેવાળી વ્યક્તિને કેટલો રસ પડે છે, એના આધારે એ ચોક્કસ સંબંધમાં આગળ વધવાની આપણી ગતિ, દિશા અને ઉત્સાહ નક્કી થતાં હોય છે. તો મેં એને પૂછ્યું, ‘તમને શું વાંચવું ગમે?’ તેણે જવાબ આપ્યો, ‘મિલ્સ એન્ડ બુન.’ એ અંગેજી મીડિયમ અને હું હાર્ડકોર ગુજરાતી. એનો જવાબ સાંભળીને, મેં ફક્ત એક સ્માઈલ આપ્યું. એ પછી બેકગ્રાઉન્ડમાં ચાલતી ગ્રુપની વાતો વચ્ચે અમારું ‘ઓકવર્ડ સાઇલન્સ’ ચાલુ રહ્યું. મેં ઓલમોસ્ટ આશા મૂકી દીધેલી, ત્યાં એણે પૂછ્યું, ‘ને તમને શું વાંચવું ગમે?’ એન્ડ ઈટ ક્લિક્ડ. મને ખ્યાલ આવી ગયો કે એ મારામાં ઈન્ટરેસ્ટેડ છે. આ કિસ્સો એટલા માટે યાદ આવ્યો, કારણ કે હમણાં થોડા સમય પહેલાં એક પ્રતિષ્ઠિત કોલેજના પ્રોફેસર મારી સાથે ‘મિત્રતા’ કરવા આવેલા. અમારી પહેલી (અને કદાચ છેલ્લી) મુલાકાત દરમિયાન તેઓ સતત મને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા. એમની વાતો ફક્ત એમના પોતાના વિશે જ હતી. અમારી ટૂંકી મુલાકાત દરમિયાન એમણે પોતાની ઉપલબ્ધિઓ, મહાનતા, શોખ અને દિનચર્યા વિશે જ વાતો કર્યા કરી. મુલાકાતનો સાર ઓબ્વિયસ હતો કે તેઓ મારામાં નહીં, ફક્ત પોતાની જાતમાં ઈન્ટરેસ્ટેડ હતા. પ્રશ્ન ફક્ત એટલો જ છે કે જ્યારે આપણે કોઈને પહેલી વાર મળીએ છીએ, ત્યારે એને મિત્ર બનાવવા માગીએ છીએ કે પ્રશંસક? એનામાં રસ લેવા માગીએ છીએ કે ફક્ત આપણો પ્રભાવ પાડવા માગીએ છીએ? કારણ કે આપણે બંને કામ સાથે નહીં કરી શકીએ. કાં તો આપણે જબરદસ્ત ફર્સ્ટ ઈમ્પ્રેશન જમાવી શકીએ ને કાં તો મિત્ર બનાવી શકીએ. કોઈ પણ અપરિચિત વ્યક્તિ સાથેની આપણી પહેલી મુલાકાત દરમિયાન જો આપણા બધા જ પ્રયત્નો એમને ઈમ્પ્રેસ કરવા પાછળ ખર્ચી નાખીએ, તો આપણે એમનામાં રસ લેવાનું ચૂકી જઈએ છીએ. બીહેવિયરલ સાયન્સ એવું કહે છે કે જે વ્યક્તિ આપણામાં ખરેખર ઈન્ટરેસ્ટેડ છે, એ આપણને આપણા વિશે સવાલો પૂછશે. એ પોતાના વિશે વાતો નહીં કરે. હકીકત એ છે કે નવા લોકોને મળવાની કે એમની સાથે વાતો કરવાની ફાવટ આપણા કોઈનામાં નથી હોતી. એ માનવ સહજ છે. કોઈ પણ નવી વ્યક્તિને પહેલી વાર મળીએ, ત્યારે આપણે થોડા અન-કમ્ફર્ટેબલ અને નર્વસ હોઈએ છીએ. એનું મુખ્ય કારણ એ છે કે આપણા મનમાં ‘ફીઅર ઓફ જજમેન્ટ’ હોય છે. સામેવાળી વ્યક્તિ આપણા વિશે શું વિચારશે અથવા તો મુલાકાત પછી આપણી કઈ ઈમ્પ્રેશન લઈને જશે એની ચિંતામાં પરોવાયેલા આપણે, પોતાની જાત પર ખૂબ બધું પરફોર્મન્સ પ્રેશર નાખી દઈએ છીએ. સાયકોલોજીની જર્નલમાં પ્રકાશિત થયેલા એક તાજેતરનાં રિસર્ચ પ્રમાણે, મનુષ્યને એ લોકો વધારે ગમવા લાગે છે, જેઓ તેમને તેમના વિશે પ્રશ્નો પૂછે છે. મનુષ્ય સ્વભાવની આ ખાસિયતનો લાભ આપણે બંને રીતે લઈ શકીએ. પહેલું, જે વ્યક્તિ આપણને પ્રિય લાગે છે અથવા તો જેની સાથે આપણે મિત્રતા કે નિકટતા કેળવવા માંગીએ છીએ, એની સાથેના વાર્તાલાપ દરમિયાન આપણે એમના જીવન અને ભાવવિશ્વ અંગે પ્રશ્નો પૂછવા જોઈએ. બીજું, જે વ્યક્તિ એવા સવાલો આપણને પૂછે છે, એ વ્યક્તિ પરોક્ષ રીતે એવો સંકેત આપી રહી છે કે તેઓ ખરેખર આપણામાં ઈન્ટરેસ્ટેડ છે અને તેઓ ઈચ્છે છે કે આપણે પણ તેમના વિશે પ્રશ્નો પૂછીને એમના જીવનમાં ડોકિયું કરીએ. ઈન્ટરેસ્ટનું બીજું નામ કુતૂહલતા છે. જો કોઈ વ્યક્તિને આપણા જીવન, પસંદગી કે સંઘર્ષો વિશે જાણવાની જિજ્ઞાસા થાય છે, તો એનો અર્થ એમ કે એ વ્યક્તિ આપણામાં ઈન્ટરેસ્ટેડ છે. જ્યારે પરસ્પર એકબીજાંમાં રસ લેતી બે વ્યક્તિઓ મળે છે, ત્યારે એક ઘનિષ્ઠ, દીર્ઘાયુ અને ઉત્કટ સંબંધની શરૂઆત થાય છે. 10 મિનિટમાં પૂરી થઈ જનારી કોફી જો એક કલાક સુધી ચાલે, તો સમજવું કે એ તમારામાં ઈન્ટરેસ્ટેડ છે. તમારી સાથે વાત કરતી વખતે એક પણ વખત જો એ ફોન હાથમાં ન લે, તો એ ઈન્ટરેસ્ટેડ છે. કોફી શોપમાં બેસતી વખતે, જો એ વેઈટરને એવું કહે કે ‘પ્લીઝ, જરા મ્યુઝિક ધીમું કરશો?’ તો એ ઈન્ટરેસ્ટેડ છે. જો એ તમારા જીવનમાં બની ગયેલી દુર્ઘટનાઓ કે ચાલી રહેલી યાતનાઓ વિશે પૂછે, તો નક્કી એ તમારામાં ઈન્ટરેસ્ટેડ છે. ‘તમને શેમાં મજા આવે છે?’ જેવા ઉપરછલ્લા સવાલથી શરૂ થયેલી મુલાકાત જો ‘તમને શું દુઃખી કરે છે?’ એવા ગહન સવાલ સુધી પહોંચી જાય, તો સમજવું કે એ મુલાકાત ફળદ્રુપ છે. તમારી સફળતાઓ કે ઉપલબ્ધિઓ વિશે જાણવાને બદલે જો કોઈ તમારી નિષ્ફળતાઓ વિશે પૂછે, તો એ તમારામાં ઈન્ટરેસ્ટેડ છે. જગત સામે દેખાતી તમારી તેજસ્વી અને કોન્ફિડન્ટ જાતમાં ઊંડા ઊતરીને કોઈ તમારી અંદર છુપાયેલી એક લાગણીશીલ, નાજુક કે વલ્નરેબલ સાઈડ વિશે પૂછે, તો એ ઈન્ટરેસ્ટેડ છે. જેને તમારા નિષ્ફળ પ્રેમસંબંધો, છૂટી ગયેલા મિત્રો કે તૂટી ગયેલી ભાઈબંધી વિશે જાણવામાં રસ છે, એને નક્કી તમારામાં રસ છે. તમે પૂછેલા સવાલને બ્લુ ટિક થયા પછી જવાબ આપવાને બદલે, જો એ સામો સવાલ પૂછે તો એ તમારામાં ઈન્ટરેસ્ટેડ છે. ⬛ rushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...