રણમાં ખીલ્યું ગુલાબ:શરીરે શોભતાં આભૂષણોને એ ક્યાં ખબર છે,કે અમે માટીના ઢગલા પર શણગાર કર્યો છે!

ડો. શરદ ઠાકર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્વેત સંગેમરમરની મૂર્તિને મેકઅપની જરૂર ન પડે. તલાશ ત્રિવેદીનું પણ આવું જ હતું. કોલેજમાં જતી વખતે પણ એણે ક્યારેય પાઉડર-ક્રીમ કે લિપસ્ટિકનો ઉપયોગ કર્યો ન હતો. તેમ છતાં કોલેજનાં ત્રણેય વર્ષ દરમિયાન એ જ ‘મિસ કોલેજ’નો ખિતાબ જીતી ગઇ હતી. આજે પણ એણે મમ્મીને કહી દીધું – ‘હું મેકઅપ નહીં કરું. છોકરાને હું ગમવાની હોઇશ તો મેકઅપ વિના પણ ગમી જઇશ.’ આ સાંભળીને પપ્પા હસી પડ્યા, ‘એ વિશે તો લેશમાત્ર શંકા જ રહેતી નથી. મુરતિયો પહેલી નજરમાં જ તારા પર મોહી પડવાનો છે; સિવાય કે એ આંધળો હોય, ગાંડો હોય અથવા એ ‘પુરુષ’ ન હોય.’ આ વાતમાં જરા પણ અતિશયોક્તિ જેવું ન હતું. તલાશ ખરેખર એટલી ખૂબસૂરત હતી કે એને જોયા પછી કોઇ યુવાન પુરુષ એને ‘રિજેક્ટ’ ન કરી શકે. એ જે મુરતિયાને જોવા જવાની હતી એ પણ એને પામવા માટે પૂરેપૂરો લાયક હતો. તેજ પાઠક સ્વયં ડોક્ટર હતો, એના પપ્પા ડોક્ટર હતા અને એના સ્વર્ગસ્થ દાદાજી પણ ડોક્ટર હતા. ત્રણ-ત્રણ પેઢીઓની કમાણી એમના વિશાળ બંગલાની દીવાલોમાંથી પડઘાતી હતી. પાઠક પરિવારની વહુ બનવું એટલે સાત પગલાં સુખમાં પાડવાં જેવું ગણાય. જ્ઞાતિની સુંદર અને સંસ્કારી મનાતી બધી જ છોકરીઓ ડો. તેજ પાઠકની જીવનસંગિની બનવાનાં સપનાં જોતી હતી, પણ તેજ માત્ર સૌંદર્ય જોઇને ઢળી પડે એવો યુવાન ન હતો. એ સમજતો હતો કે સંતાન રૂપી રત્ન સૌંદર્યની નહીં, પરંતુ સંસ્કારોની ખાણમાંથી મળે છે. નિયત સમયે મમ્મી-પપ્પાની સાથે તલાશ પાઠક પરિવારના બંગલે પહોંચી ગઇ. જેવું ધાર્યું હતું એવું જ બન્યું. તેજ પાઠકનો ભવ્ય બંગલો તલાશના આગમન સાથે જ ઝળહળી ઊઠ્યો. તેજ અને તેનાં મમ્મી-પપ્પા આટલી રૂપાળી કન્યાને જોઇને ખુશ થઇ ગયાં. પ્રેમભર્યો આવકાર આપીને મહેમાનોને ડ્રોઇંગરૂમમાં બેસાડ્યાં. થોડીક આડીઅવળી વાતો પછી તેજ તલાશને પોતાનો રૂમ બતાવવા લઇ ગયો. ત્યાં બંને વચ્ચે વાતો ચાલી. તેજ ઝડપથી મુદ્દા પર આવી ગયો, ‘તલાશ, તમારું નામ સારું છે. તમે પણ સુંદર છો. મારે એ જાણવું છે કે તમને ધર્મમાં શ્રદ્ધા ખરી કે નહીં? તમે ઇશ્વરના અસ્તિત્વમાં માનો છો?’ ‘મને જિંદગી જીવવામાં રસ છે. ધર્મ અને ઇશ્વર માટે તો પૂરી જિંદગી પડી છે. જુવાની મોજ-મજા માટે હોય છે, પૂજા-પાઠ માટે નહીં.’ તલાશે કોઇ પણ પ્રકારના આડંબર વિના જે સાચું હતું તે કહી દીધું. ‘મોજ-મજા તમે કોને કહો છો?’ ‘મોજ-મજા એટલે ખાવું-પીવું, હરવું-ફરવું, સારાં કપડાં પહેરવાં, નાની-મોટી ટ્રિપ્સ પર જવું, મિત્રો સાથે પાર્ટીઝ કરવી, ફિલ્મો જોવી વગેરે…’ ‘ખાવા-પીવામાં તમને શું ગમે? ઘરનું કે…?’ ‘અફકોર્સ, બહારનું.’ તલાશે અડધેથી વાત કાપી નાખી : ‘ઘરનું ભોજન તો કોઇને ભાવતું હશે? મને તો અઠવાડિયામાં ચાર-પાંચ વાર સારી રેસ્ટોરાંમાં જઇને પંજાબી, સાઉથ ઇન્ડિયન, થાઇ કે મેક્સિકન ફૂડ ખાવાનું ખૂબ ગમે.’ ‘એમ!’ તેજ વિચારમાં પડી ગયો, ‘હું તો ઘરમાં જ બનેલું ખાવાનો આગ્રહી છું. બહારનો નાસ્તો પણ હું ખાતો નથી. ભોજનમાં કાંદા-લસણ પણ ચલાવી લેતો નથી. હું એવું ઇચ્છું છું કે મારી પત્ની પણ…’ બીજી ઘણીબધી વાતો થઇ. તલાશના મોટા ભાગના વિચારો તેજના વિચારોથી તદ્દન અલગ પડતા હતા. છૂટાં પડતી વખતે વડીલોની હાજરીમાં તલાશે પોતાનો નિર્ણય જણાવી દીધો, ‘તમારો બંગલો વિશાળ છે. તમે ધનવાન છો, તેજ ડોક્ટર છે. આ બધું બરાબર છે, પણ તેજના વિચારો અત્યંત પરંપરાવાદી અને જડતાભર્યા છે. જે ઘરમાં બહારની વાનગી ખાવાની છૂટ ન હોય ત્યાં જીવન કેવી રીતે જીવી શકાય? લસણ-કાંદા વિના વાનગીમાં સ્વાદ જ ન રહે. મારે તો જીભનો ચટાકો પૂરો કરવો જ પડે. ગુડ લક ટુ યુ! બાય!’ ડો. તેજને પણ અફસોસ ન થયો. આટલી ખૂબસૂરત છોકરી જિંદગીમાંથી રેશમના દોરાની જેમ સરકી ગઇ એ બાબતનું એને જરા પણ દુ:ખ ન થયું. એ સાદગીપૂર્ણ સાત્ત્વિક જીવન જીવવા માગતો હતો. મન ફાવે ત્યાં ભટકવું અને જીભ માગે તે ઝાપટવું એ એને સ્વીકાર્ય ન હતું. જેવી જેની પસંદ! ડો. તેજને જેવી છોકરી જોઇતી હતી તેવી મળી ગઇ. લગ્ન પછી એ અને એની પત્ની સરસ રીતે સંસારનું સુખ માણતાં રહ્યાં. તલાશને પણ સુયોગ્ય મુરતિયો મળી ગયો. ડો. તેજ કરતાં પણ વધુ હેન્ડસમ, સ્માર્ટ અને સારું કમાતો યશ એને પહેલી નજરમાં જ ગમી ગયો. યશને પણ તલાશ ગમી ગઇ. બંનેના વિચારો પૂર્ણપણે મેળ ખાતાં હતા. મેરેજની પૂર્વસંધ્યાએ યોજાયેલા ડાન્સ એન્ડ મ્યુઝિકના કાર્યક્રમમમાં આ વાત પુરવાર થઇ ગઇ. યશ અને તલાશ પંજાબી નંબર્સ પર એટલું મસ્ત નાચ્યાં કે જોનારાં ખુશ થઇ ગયાં. મેરેજ પછી બંને જણાં ઓસ્ટ્રેલિયા ચાલ્યાં ગયાં. ઇન્ડિયામાં તો યશના પપ્પાનો સારો એવો જામેલો બિઝનેસ હતો, પણ યશની ઇચ્છા કશુંક નવું કરવાની હતી. એણે જોબથી શરૂઆત કરી, ધીમે ધીમે ટ્રેડિંગમાં ઝંપલાવ્યું. સાતેક વર્ષમાં તો ડોલરમાં ડોલતાં થઇ ગયાં. બંને ખૂબ મોજ-મસ્તી લૂંટતાં હતાં. અચાનક યશનો પરિચય ભારતથી પધારેલા એક સાચા સંત સાથે થયો. એમના સાંનિધ્યમાં યશને અપાર માનસિક શાંતિનો અનુભવ મળ્યો. ઘરે આવીને યશે પત્નીને કહ્યું, ‘તલાશ, આવતી કાલે તું પણ મારી સાથે આવજે.’ બંને ગયાં. ધીમે ધીમે રસ વધવા લાગ્યો. સંત ખરેખર સાચા સિદ્ધપુરુષ લાગ્યા. એમણે લખેલાં પુસ્તકો વાંચીને પતિ-પત્ની પ્રભાવિત થઇ ગયાં. એ પુસ્તકોમાં એ સંતનું ચિંતન પ્રગટતું હતું. દરેક મનુષ્ય આ પૃથ્વી પર જન્મ લઇને આવે છે અને એનો નિશ્ચિત જીવનકાળ પૂરો કરીને ચાલ્યો જાય છે. માનવજીવનનું પ્રયોજન શું? માત્ર એટલું જ કે સર્જનહારે એને બક્ષેલી પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયોનો સતત દુરુપયોગ કરીને ભૌતિક કામનાઓમાં રત રહેવું? એક જ ઉદાહરણ લઇએ; સ્વાદેન્દ્રિયની વાત કરીએ તો વિવિધ વાનગીઓનો સ્વાદ માણવો સહુને ગમે છે. જગત વિવિધ વાનગીઓ અને વિવિધ વ્યંજનોના સ્વાદથી ઊભરાઇ રહ્યું છે, પણ આ દરેક વાનગીનો સ્વાદ માત્ર બેથી અઢી ઇંચની લંબાઇ ધરાવતી જિહ્્વા સુધી જ સીમિત રહે છે. તમને અતિ પ્રિય વાનગી એક વાર ગળા નીચે ઊતરી જાય પછી એનો સ્વાદ અનુભવી શકાતો નથી. જે વસ્તુ ક્ષણિક છે, જે વાનગીનો સ્વાદ અને એ સ્વાદમાંથી પ્રગટતું સુખ માત્ર કોળિયો ચાવતાં સુધી જ ટકી જ રહે છે, એ સ્વાદની પાછળ જિંદગી વેડફવાથી શો ફાયદો? ચક્ષુ ઇન્દ્રિય ઇશ્વરે શા માટે આપી છે? સારાં પુસ્તકો વાંચવા માટે અને પ્રભુનાં દર્શન કરવાં માટે. જીભ પ્રભુના ગુણગાન ગાવા માટે આપી છે. કર્ણેન્દ્રિય સારું સાંભળવા માટે આપી છે. આવું જ સ્પર્શેન્દ્રિયનું પણ છે. મનુષ્ય પોતાનો વિવેકભાવ ભૂલીને આ તમામ ઇન્દ્રિયોનો ભોગવટો ખરાબ દિશામાં કરે છે અને આખી જિંદગી આ બધું કર્યાં પછી પણ એને સંતોષનો ઓડકાર આવતો નથી. આપણી વૈદિક સંસ્કૃતિ ભૌતિક સુખો ભોગવવામાં નથી માનતી પણ એને ત્યાગીને ભોગવવામાં માને છે. શાસ્ત્રોમાં કહ્યું છે ઃ ત્યેન ત્યકતેન ભુંજીથા. યશ ધીમે ધીમે આ સંતના શબ્દોની અસરમાં આવતો ગયો. તલાશ પણ પ્રભાવિત થતી રહી. બંને જણાં આવશ્યક સુખનો ભોગવટો કરતા રહ્યાં, પણ ભોગવટાના અતિરેકથી દૂર થવા લાગ્યાં. યશ તો સંસાર છોડવા તૈયાર થઇ ગયો. પણ સંતે આવું કહીને એને સમજાવ્યો, ‘અધ્યાત્મની સાધના માટે સંસાર છોડવાની જરૂર નથી; સંસારમાં રહીને પણ તમે એ કરી શકો છો.’ બે વર્ષમાં એ સ્થિતિ આવી ગઇ કે યશ અને તલાશનું જીવન એકસો એંશી ડિગ્રી ટર્ન લઇ ગયું. ભૌતિક સુખોપભોગોનું આકર્ષણ મરી ગયું. જીભના ચટાકા શમી ગયા. રેસ્ટોરાંની તો વાત જવા દો, કોઇ મિત્ર કે સંબંધીના ઘરમાં ચા-પાણી પીવાનું પણ બંધ કરી દીધું. વાનગીઓમાંથી મસાલાની ઉત્તેજના અદૃશ્ય થઇ ગઇ. ફિલ્મો, ફેશનેબલ વસ્ત્રો, નાઇટ પાર્ટીઝ આ બધું ભૂતકાળ બની ગયું. માન્યામાં ન આવે તેવી સત્યઘટના છે. યશ અને તલાશ પાંત્રીસની ઉંમરના થયાં છે. યશ આજે પણ કામદેવ જેવો સોહામણો દેખાય છે અને તલાશ રતિ જેવી આકર્ષક; પણ બંનેના દેહમાંથી ‘કામ’ અને ‘કામનાઓ’ અદૃશ્ય થઇ ગયેલ છે. તલાશ જેવી શોખીન આધુનિકાને ડો. તેજની શરતો જે ન સમજાવી શકી, એ વાત યશની પ્રેમભરી સમજાવટે શીખવી દીધી. (શીર્ષક પંક્તિઃ કુતુબ ‘આઝાદ’)⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...