ન્યૂ રીલ્સ:સ્ટાર-સંતાનો શી રીતે માથે મરાય છે?

વિનાયક વ્યાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝોયા અખ્તરની નવી ફિલ્મ: ‘ધ આર્ચિઝ’ની જાહેરાત સાથે જ ફરી નિપોટિઝમની ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ ફિલ્મમાં સામટાં ત્રણ સ્ટાર સંતાનોનું લોન્ચિંગ થઇ રહ્યું છે: શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, બોની કપૂરની દીકરી યાને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર અને મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાનો દીકરો અગત્સ્ય નંદા… આ ત્રણેયનાં ઉજ્જવળ ભવિષ્યની શુભકામના કરતાં ટ્વીટ્સ પણ લાખો ‘ફોલોઅર્સ’ (ગુજરાતીમાં ‘અનુયાયીઓ’)દ્વારા લાઇક અને રિ-ટ્વિટ થઇ રહ્યાં છે. અહીં આ ત્રણેય નવોદિતોને ઉતારી પાડવાનો જરાય આશય નથી પરંતુ આપણે ‘નીવડ્યે વખાણ’ જેટલી ધીરજ તો રાખવી જોઇએ કે નહીં? પરંતુ આ દેશમાં એ સંભવ જ નથી કેમ કે જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવાં સંતાનોને દેશના બુદ્ધિજીવીઓ પણ માથે ચડાવીને વાહ વાહ કરે છે ત્યાં ફિલ્મી મીડિયાના ચમચાઓ તો ‘ઢોલ-ગુલાલ અને પેંડા’વાળી જ કરવાનાને? આ બધી મીડિયા હાઇપમાં ભારતની ભોળી જનતા, જેનું 70 વરસ પછી પણ ગુલામી માનસ દૂર નથી થયું એ તો ફાટી આંખે એમનાં નવાં રાજકુમારો અને રાજકુમારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના અને ટ્વિટરનાં ‘અનુયાયી’ જ બની જવાનાને? ફિલ્મી સંતાનો અગાઉ પણ ઇન્ડસ્ટ્રીમાં સરળતાથી ઘૂસી જતા હતા પરંતુ ’70-’80 કે ’90ના દશકમાં જો પ્રેક્ષકો એમને ના સ્વીકારે તો એમણે નાછૂટકે વિદાય લેવી જ પડતી હતી. દેવ આનંદનો દીકરો (સુનીલ આનંદ), સુનીલ દત્તનો ભાઇ (સોમ દત્ત) કે મનોજ કુમારનો પુત્ર (કુણાલ કપૂર) બાપનું આટલું મોટું નામ અને આટલી મોટી વગ હોવા છતાં નહોતા જ ટકી શક્યા. પરંતુ આજે આ સ્ટાર સંતાનો શી રીતે ટકી જાય છે? એની પાછળ આખી વ્યવસ્થિત મોડસ ઓપરેન્ડી છે. જુઓ… સૌથી પહેલાં તો આ બાળકોને ‘એક્ટિંગ’ કરવી પડે એવા રોલ જ અપાતા નથી. ઊલટું, એ પોતે જેવા છે તે ‘પર્સનાલિટી’ને ધ્યાનમાં રાખીને જ આખી સ્ક્રિપ્ટો તૈયાર થાય છે. (આના માટે સાઇકોલોજિસ્ટોની સલાહ વડે ખાસ પર્સનાલિટી પ્રોફાઇલ’ બનાવવામાં આવે છે.) દાખલા તરીકે, સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પોતે જેવા સ્વભાવની છે તેવા જ રોલ તેના માટે લખાવવામાં આ‌વે છે, જેમાં તે ઘમંડી, આખાબોલી, તોછડી અને ઉછાંછળી યુવતી તરીકે જ રજૂ થાય! (‘લવ આજકલ(2020)’, ‘અતરંગી રે’ વગેરે) એ જ રીતે શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર શરૂઆતમાં જરા માંદલી, અશક્ત દેખાતી હતી, હાઇટ પણ ઓછી અને સ્માઇલ પણ જરા ફિક્કું લાગતું હતું તો લ્યો, એના માટે પણ રોલ હાજર છે… ‘આશિકી-ટુ’, ‘એક વિલન’ અને ‘હાફ ગર્લ ફ્રેન્ડમાં’ એને કેન્સર થાય છે! ચાલો, ટાઇગર શ્રોફને ચહેરાના હાવભાવ પ્રગટ કરતાં નથી આવડતું? સ્વભાવે શરમાળ છે પણ ગુલાંટો ખાઇને કિક મારતાં સારું આવડે છે? તો લ્યો, ‘હીરોપંતી’માં એવો જ રોલ હાજર છે! એટલું જ નહીં, એ પછીની તમામ ફિલ્મોમાં એણે ફાઇટ જ કરવાની છે!, એક્ટિંગ નહીં! બોની કપૂરનો દીકરો અર્જુન કપૂર દેખાવે તો પડછંદ છે પણ બોલે છે ત્યારે વટાણા વેરાઇ જાય છે? કશો વાંધો નથી, એના માટે પણ ‘ઇશ્કઝાદે’ છે, ‘ટુ સ્ટેટસ’ છે, ‘તેવર’ છે, ‘કી એન્ડ કા’ છે! છેક 2012થી આવેલો આ હીરો સાત વરસ પછી પણ એવો ને એવો જ બોદો અને પોચો લાગે છે એટલે ‘પાનીપત’માં એને શૂરવીર, જાંબાઝ, મહાયોદ્ધા તરીકે લોકો સ્વીકારી જ શકતા નથી. સરવાળે કરોડોના ખર્ચે બનેલી ફિલ્મ ફ્લોપ જાય છે. મૂળ કારણ શું? કે અર્જુન કપૂર એ ‘રોલમાં’ કદી દાખલ જ ના થઇ શક્યો. જાહ્નવી કપૂરનો કિસ્સો સાવ અજીબ છે. કરણ જોહર, જેણે સ્ટાર-સંતાનોને સેટ કરવાનો વણલિખિત ઠેકો લઇ રાખ્યો છે, તે મરાઠી હિટ ‘સૈરાટ’ની શણગારી નકલ (રિ-મેક) બનાવે છે, જેમાં રૂપિયાનું મોટું રિસ્ક જ નથી. લોકો કૂતુહલથી જોવા જાય છે (કૂતુહલ જાહ્નવીનું નહોતું, ‘સૈરાટ’નું હતું) ફિલ્મ પોતાની કમાણી કરી લે છે અને બેબીના લાખો ‘ફોલોઅર્સ’ બની જાય છે! ત્યાર બાદ ભારતની મહિલા પાઇલટ ગુંજન સકસેનાની બાયોફિક, જે કદાચ ભૂમિ પેડનેકર, સ્વરા ભાસ્કર કે રાધિકા આપ્ટે જેવી મજબૂત અભિનેત્રી પાસે જવી જોઇતી હતી, તે કોઇ ‘ભેદી’ દોરીસંચારને કારણે જાહ્નવીના ખોળામાં જઇ પડે છે! બિચારા પ્રેક્ષકોને પેલી અસલી ગુંજન સકસેનામાં રસ છે એટલે ટિકિટો ખરીદી બેસે છે! આમ છતાં, એમના ગોડફાધરોની ગોઠવણો જુઓ…જાહ્નવી હજી આપણા લમણે ટીચાવાની જ છે! ⬛

અન્ય સમાચારો પણ છે...