ફાધર એટલે પિતા. પિતા એટલે અધિપતિ, કે જે આધિપત્ય ધરાવે છે. કુટુંબ નામધારી સંસ્થાનો એક પાલક, રક્ષક, ચાલક તે પિતા. પત્ની, દીકરા, દીકરી ને સંદેશ, ઉપદેશ અને આદેશ પણ આપી શકે તેવું માનવપાત્ર તે પિતા. કુટુંબ જો સંસ્થા હોય તો પિતા તે સંસ્થાનો વડો. જોકે શાસ્ત્રો એવું નોંધે છે કે પિતાપણું એ પ્રાકૃતિક બાબત નથી, તે સંસ્થાકીય છે... ફ્યૂચરોલોજી એવું ભાખે છે કે પિતૃત્વ કાળક્રમે નષ્ટ થઇ જશે, કારણ એક સમય હતો કે જયારે પિતા શબ્દ પણ ન હતો!! વર્ષો સુધી માનવજાત પિતૃત્વ વગર જીવી છે, તેના આધારો જૂના-પુરાણા ગ્રંથોમાં મોજૂદ છે. વિચિત્ર લાગે એવી વાત છે ને? પિતા વગર બાળકની કલ્પના થઇ શકતી નથી ને? કઠિન છે આ સત્ય ગળે ઉતારવું... પણ જૂઠું નથી એ. શ્રુતિ અને સ્મૃતિ પણ આ વાતની સાક્ષી પુરાવે છે! કડવું લાગે તેવું તથ્ય એ છે કે 'અંકલ' એટલે કે 'કાકા' શબ્દ 'ફાધર' કે 'પિતા' શબ્દ કરતા ઘણો પુરાણો છે, કારણ માતૃપ્રધાનતાનો પીછો પિતૃત્વએ કર્યો છે. સમાજમાં માતા હતી પણ પિતા કોણ તે જાણમાં ન હોય તેવું બનતું. માતા બનતી સ્ત્રી ઘણા લોકોને મળતી, ભળતી અને ઓગળતી. તેમાંથી 'કોઈ' તેનાં સંતાનનું કારણ બની રહેતું, પણ 'તે કોણ?' તેનો જવાબ ન મળતો તેથી માતાના બાળકને 'કાકા' હતાં, 'પિતા' ન હતા!! એમ કહે છે કે, જ્યારથી પ્રાઈવેટ પ્રોપર્ટી એટલે કે અંગત મિલકતની સંકલ્પના આવી ત્યારથી 'પિતા'ની ઓળખ જરૂરી બની! પિતા શબ્દ તેથી અધિપતિ કે માલિક જેવા અર્થનો અહેસાસ કરાવે છે. પહેલાં સઘળું સહિયારું હતું. સાંઝા ચૂલ્હા ભી થા ઔર સુખ-દુઃખ ભી સબકે થે. વસંતસેના જેવી ગણિકા પણ સૌનું પાત્ર હતું, પણ સમય જતાં મારું કે તારું થવા લાગ્યું. આ અને આટલું મારું, એટલે કે એનો માલિક હું... તેમાંથી ચિંતા જન્મી કે, 'આ મારું; પણ મારા ગયા પછી કોનું? મારા સંતાનનું ને? તો મારું પોતાનું સંતાન કયું? હું તો અંકલ છું, ફાધર નથી. મારી સંપત્તિ મારાં બાળકને મળે તે માટે મારે પિતા બનવું જરૂરી છે. હું કોનો પિતા તે નક્કી કરવા માટે પત્ની પણ મારી હોવી જોઈએ અને તેનું સંતાન મારું હોવું જોઈએ... બસ, આમ ફાધર શબ્દ પ્રવેશ્યો, પ્રાઈવેટ પ્રોપર્ટીની પાછળ-પાછળ! 'આ બાળક આ પત્ની દ્વારા આ પતિનું જ છે, તેવું ચોક્કસ કરવા પત્ની તો પત્ની બને ત્યારે વર્જિન હોવી જોઈએ,' તેવો ખ્યાલ બધા જ સમાજમાં સ્વીકૃત બન્યો. 'આ મારું બાળક મારી મિલકતનું વારસ બની રહેશે,' એવું પ્રસ્થાપિત કરવા સ્ત્રીઓ પર વર્જિનિટી, કુંવારાપણું થોપી દેવામાં આવ્યું... આવો સાર સ્હેજે તારવી શકાય. ફાધરે અંગત સંપત્તિ મિલકતને કારણે પિતાપણું પ્રાપ્ત કરવા સમાજ પર, પત્ની પર, સંતાન પર પોતાનો અધિકાર આ રીતે અજાણતાં સ્થાપી દીધો! કોઈ સ્ત્રી માતા ના બને ત્યાં સુધી તે પૂર્ણ નથી, એવું હિન્દુ શાસ્ત્રો જણાવે છે; પણ એવું પુરુષ માટે કહેવાયું નથી. પુરુષની પૂર્ણતાનો આધાર તેનું પિતૃત્વ નથી. એનો અર્થ એ થયો કે પિતૃત્વ એ અકસ્માત છે; એ પિતા હોય છે કે પિતા ન હોય છતાં એ પૌરુષત્વ ધરાવે છે. કશું જ ગુમાવ્યા વગર પિતા થઇ શકાય છે, પણ માતૃત્વ પ્રાપ્ત કરવા પુષ્કળ બાબતો સમર્પિત કરવી પડે છે. આમ સર્જાય છે કુટુંબ નામની સામાજિક વ્યવસ્થા. એ વ્યવસ્થાનો માલિક છે પિતા. એ વ્યવસ્થાની વ્યવસ્થાપક છે માતા અને તેના ઉપભોક્તાઓ છે, સંતાનો. આ વ્યવસ્થાની દરેક આગળની કડીમાં એક પિતા હોય છે, એક માતા હોય છે અને તે સઘળું એક જરૂરિયાતના તાંતણે ટકેલું હોય છે! આપણી આધ્યાત્મિક પરંપરા તો આ ઝંઝટને વશ થવાની ના પાડે છે. તમારો પુત્ર સપૂત હશે તો પોતાનું સારી રીતે રળી લેશે, એટલે તેના માટે પિતાએ ધનસંચય કરવાની જરૂર નથી... અને તમારો પુત્ર કપૂત પાકશે તો તમારું સઘળું રોળી નાખશે, તેથી તેના પિતાએ તેનાં માટે ધનસંચય કરવાની આવશ્યકતા નથી. 'પુત સપુત તો કા ધનસંચય? પુત કપુત તો કા ધનસંચય?' આ વાત ગળે ઊતરે તો… ધનસંચય નહીં; પ્રાઈવેટ પ્રોપર્ટી નહીં, 'મારું બાળક'ની ઝંઝટ નહીં... તો ફાધર હોવાની જરૂર જ નહીં! {bhadrayu2@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.