વિજ્ઞાનધર્મ:કાળની ગર્તામાં ધરબાયેલું પૌરાણિક રહસ્ય રશિયન ડોક્ટર પાસે શી રીતે પહોંચ્યું?

પરખ ભટ્ટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુલ્દાશેવે કૈલાશ પર્વતના સમગ્ર માળખાને માનવના ડીએનએ (રંગસૂત્રની જોડ) સાથે સરખાવ્યું છે!

દરિયાની સપાટીથી 6638 મીટરની ઊંચાઈ પર આવેલા તિબેટના કૈલાશ પર્વતને હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો અત્યંત પૂજનીય ગણે છે. આજ દિન સુધીમાં એક પણ વ્યક્તિ કૈલાશની ટોચ પર નથી પહોંચી શકી. એવું કહેવાય છે કે, જેમણે કૈલાશ પર છેક સુધી ચડવાની કોશિશ કરી છે તેઓ મૃત્યુને આધીન થયા છે. આજની તારીખે કોઈ પણ સાહસિક વ્યક્તિ ઇચ્છે તો પણ પર્વત ન ચડી શકે એ માટે ચીનની સરકારે ચડાણ માટેની સદંતર મનાઈ ફરમાવી દીધી છે. રશિયનોને પણ ભારતીયોની જેમ પર્વતો માટે બહુ જ લગાવ રહ્યો છે. તેઓ ઘણા વર્ષોથી વિશ્વના અલગ અલગ રહસ્યમય પર્વતો પર સંશોધનો આદરી રહ્યા છે. એવું કહેવાય છે કે, ઓગણીસમી અને વીસમી સદીમાં પુષ્કળ રશિયનોએ કૈલાશ પર્વતની ટોચ પર પહોંચવાની કોશિશ કરી, પરંતુ કોઈક અગમ્ય કારણસર તેઓ લાપતા થઈ ગયા. તેમનો કોઈ પતો મેળવી શકાયો નથી. હવામાં ફેલાતા ધુમાડાની માફક તેમનું અસ્તિત્વ કૈલાશમાં ક્યાંક ઓગળી ગયું! સાઈબિરિયન પર્વતારોહકના જણાવ્યાનુસાર, એક વખત કોઈક આખા સમૂહ દ્વારા કૈલાશ પર્વત ચડવાની કોશિશ કરવામાં આવી હતી. તેઓ નિશ્ચિત કરેલા બિંદુથી આગળ તો વધ્યા, પરંતુ તેમની ઉંમર અચાનક વધી ગઈ! ભરજવાનીમાં તેઓ વૃદ્ધ થઈ ગયા. માથા પર સફેદ વાળથી માંડીને શરીર પર કરચલીઓ આવી ગઈ. એક જ વર્ષમાં તેઓ મૃત્યુ પામ્યા! આ ઘટનાની પાછળ છુપાયેલ હકીકત કે તર્ક વિશે કોઈને કશો અંદાજ નથી! 1999ની સાલમાં રશિયન ઓપ્થેલ્મોલોજિસ્ટ (આંખના નિષ્ણાત) અર્નસ્ટ મુલ્દાશેવે તિબેટ જઈને કૈલાશ પર સંશોધનો કરવાનું નક્કી કર્યુ. ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન અને ઈતિહાસના નિષ્ણાતોથી ભરેલી એમની ટીમનો હેતુ સ્પષ્ટ હતો : કૈલાશની પર્વતમાળામાં છુપાયેલાં ગર્ભિત રહસ્યો શોધી કાઢવા! મહિનાઓ સુધી એમણે તિબેટિયન લામા સાધુ સાથે વસવાટ કર્યો, કૈલાશ પર્વતને અથથી ઈતિ સમજવાની કોશિશ કરી અને તેની તળેટીમાં રહીને સંશોધનો કર્યાં. ઘણી શોધખોળને અંતે તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે કૈલાશ વાસ્તવમાં પૌરાણિક કાળમાં માણસ દ્વારા બનાવાયેલો એક પિરામિડ છે, જેની આસપાસ બીજા ઘણા નાના-મોટા પિરામિડ્સનું અસ્તિત્વ છે. તદુપરાંત, કૈલાશ તમામ પ્રકારની પરાલૌકિક શક્તિઓનું કેન્દ્રસ્થાન હોવું જોઈએ! મુલ્દાશેવ દ્વારા પ્રકાશિત થયેલા એકેડેમિક પેપરમાં આ વિશે ઊંડાણપૂર્વક માહિતી અપાઇ છે. તેમણે અને તેમની ટીમે ઘણી વખત કૈલાશના નાભિસ્થાનમાંથી આવતા અવાજો સાંભળ્યા હતા. અડધી રાત્રે સંભળાતો એ નાદ જુદા પ્રકારનો અને રહસ્યમય હતો. એક રાત્રે એવું પણ બન્યું કે ટીમના સભ્યોએ પર્વતના વચલા વિસ્તારમાંથી અંદરખાને પથ્થરો ગબડતા હોય એવા અવાજ સાંભળ્યા. તેમને એવું લાગ્યું, જાણે કૈલાશમાં હજુ ક્યાંક માનવ-વસવાટ હોવો જોઈએ, જે સદીઓથી ત્યાં છુપાઈને જીવન વ્યતીત કરે છે! મુલ્દાશેવ આ અંતર્ગત જણાવે છે કે, ‘તિબેટિયન સાહિત્યોમાં કૈલાશની ઉત્તર-પશ્ચિમે આવેલા સંભાલા નામના પવિત્ર ગામનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ એને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવવું મારા માટે મુશ્કેલ છે. હા, એટલું ખરું કે અમને જે પુરાવાઓ મળ્યા, એના પરથી એટલું તો કહી જ શકાય કે કૈલાશમાં અમુક રહસ્યમય માનવ-વસ્તી આદિકાળથી વસવાટ ધરાવતી હોવી જોઈએ.’ તેમણે કૈલાશ પર્વતના સમગ્ર માળખાને માનવના ડીએનએ (રંગસૂત્રની જોડ) સાથે સરખાવ્યું છે! મુલ્દાશેવે પોતાના સંશોધનોમાં વર્ણવ્યું હતું કે, ‘આ પિરામિડની રચના પૌરાણિક કાળના અત્યંત એડવાન્સ્ડ ટેક્નોલોજી ધરાવતા લોકોએ કરી હોવી જોઈએ એમાં શંકાને સ્થાન નથી.’ ચીનની સરકારે મુલ્દાશેવની આ થિયરીને વખોડી કાઢી હતી. અસલી વાત હવે શરૂ થાય છે. કૈલાશ પર સંશોધન કરીને આવ્યા બાદ ફક્ત એક વર્ષની અંદર મુલ્દાશેવે એક એવી ખોજ કરી, જેણે આધુનિક ચિકિત્સાની પદ્ધતિને નવી દિશા પ્રદાન કરી. પોતાની હોસ્પિટલમાં તેમણે એક આંધળી સ્ત્રીની આંખોનું ઓપરેશન કર્યુ, જેમાં કોર્નિયા (આંખનો પારદર્શક પડદો) અને રેટિના (નેત્રપટલ)નો સહારો લેવામાં આવ્યો. મેડિકલ ટર્મમાં જેને ‘એલ્લોપ્લાન્ટ’ કહે છે એવા, આંખ માટે જરૂરી ભાગને રાસાયણિક પ્રયોગો થકી માણસના સડી ગયેલા માંસમાંથી બનાવ્યો! આ ઘટના મેડિકલ જગત માટે ચોંકાવનારી હતી. વિશ્વની મહાસત્તાઓએ ભારતનાં રહસ્યોને દાબી દેવાની અને પોતાના દેશ માટે ઉપયોગમાં લેવાની ભૂતકાળમાં ઘણી કોશિશ કરી છે. રશિયન સંશોધકના આ પ્રયોગને પણ યુ.કે. ગવર્ન્મેન્ટ તરફથી નકારી દેવામાં આવ્યો. તેને માન્યતા પ્રાપ્ત ન થઈ. ’48ની સાલમાં જન્મેલા મુલ્દાશેવ રશિયાના ‘યુફા (UFA)’માં આજે પણ ‘એલ્લોપ્લાન્ટ રશિયન આઈ અને પ્લાસ્ટિક સર્જરી’ નામે મેડિકલ સેન્ટર ચલાવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે મુલ્દાશેવને આ પ્રેરણા કૈલાશ પર્વતોમાંથી મળી હતી!⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...