સોશિયલ નેટવર્ક:અંગ્રેજોએ કેવી રીતે સામ્રાજ્ય સ્થાપ્યું?

કિશોર મકવાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંગ્રેજો જરાય ભ્રમમાં નહોતા કે આ દેશના લોકો પર હથિયારોના જોરે રાજ કરી શકવાના નથી

15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતના ભાગલા થયા. આ ભાગલાની કરુણ ઘટનાના ત્રણ મુખ્ય ખલનાયકો હતા. અંગ્રેજ, મુસ્લિમ લીગ અને ઇંડિયન નેશનલ કોંગ્રેસ. પોતપોતાનાં લક્ષ્યો હાંસલ કરવા માટે આ ત્રણે શક્તિઓએ કઇ રણનીતિ અને પ્રતિ-રણનીતિ અપનાવી? આ ત્રિકોણિયા સંઘર્ષમાં કોણ જીત્યું અને કોણ હાર્યું? તટસ્થ ભાવે આ બધી બાબતો પર વિચાર કરીએ તો રાષ્ટ્રના લાંબા અને ઉતાર-ચડાણવાળા ઇતિહાસના સૌથી વધુ નિર્ણાયક સમયગાળાનું સાચું અને સ્પષ્ટ ચિત્ર ઊપસી આવે છે. અંગ્રેજોએ આ ભૂમિ પર પગ મૂક્યો ત્યારથી જ ભારતીય ઇતિહાસ, પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગ્રેજોની સામે હતા. એને તેઓ ભૂલ્યા નો’તા. પોતાના ઘરથી લગભગ 7000 માઇલ દૂર કોઇ વિદેશી શક્તિ શું કેવળ હથિયારોના જોરે ભારતીય સામ્રાજ્યને ટકાવી શકે? હિન્દુ 800 વર્ષના નિરંતર સંઘર્ષ પછી વિશાળ વિદેશી મુસ્લિમ સામ્રાજ્યને ઉખેડી ફેંકવા સફળ થયા હતા. અંગ્રેજો માટે એક જ માર્ગ રહેતો હતો કે પરંપરાગત હથિયારોનો સહારો લેવાને બદલે તેઓ હિન્દુઓના એકબીજા સાથેના ઝઘડાનો લાભ ઉઠાવે, એને ઓર ભડકાવે. એનો અમલ એમણે શરૂઆતથી કરી દીધો. જોકે ભારતમાં એમણે પોતાનો પગદંડો સારી રીતે જમાવ્યો હતો, છતાં પણ 1857ના સ્વતંત્રતા સંગ્રામની આગે તેમને હચમચાવી મૂક્યા હતા. એમનો એકમાત્ર ઉદ્દેશ્ય રહ્યો કે હિન્દુઓમાં ફૂટ પાડી એમને નપુંસક બનાવી દેવા. તેઓ સક્રિય બન્યા. સંયુક્ત પ્રાંત જેવા મોટાં મોટાં ક્ષેત્રોમાં 1857માં હિન્દુ અને મુસ્લિમ ટુકડીઓએ સાથે મળીને ‘ક્રાંતિ’ કરી હતી. ત્યાં લશ્કરમાં તેમની ભરતી બંધ કરી દેવામાં આવી. ‘ભાગલા પાડો અને રાજ્ય કરો’ની નીતિની ઝલક આ વર્ગોને અપાતી સગવડોમાં સ્પષ્ટ જોઇ શકાતી હતી. અંગ્રેજો એક બાબતમાં તો જરાય ભ્રમમાં નહોતા કે વિવિધતાઓથી ભરેલા આ વિશાળ દેશના લોકો પર તેઓ હથિયારોના જોરે રાજ કરી શકવાના નથી. એનો એક જ ઉપાય હતો કે એની સાંસ્કૃતિક પરંપરાઓ, શ્રદ્ધા કેન્દ્રો અને રાષ્ટ્રની આસ્થા પર કુઠારાઘાત કરવા, જેથી સ્વતંત્રતાની ઊર્જા-ધારા જ સુકાઇ જાય. એમણે આ દિશામાં ઝડપથી આગળ ધપવાનું શરૂ કર્યું. લોકોમાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમભાવ અને પોતાની સાંસ્કૃતિક પરંપરા પ્રત્યે જે શ્રદ્ધા હતી એને નષ્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. અંગ્રેજોએ ભારતને એક મહાદ્વીપ અથવા ઉપમહાદ્વીપ તરીકે ચિતરવાનું શરૂ કર્યું, એક અખંડ-એકાત્મ દેશ તરીકે નહીં. અંગ્રેજોની માન્યતા અનુસાર, ‘હિન્દુઓમાં રાષ્ટ્રીય ભાવના કદી હતી જ નહીં. તેઓ તો અલગ અલગ અને પરસ્પર વિરોધી જાતિઓનાં માત્ર ઝૂંડ હતાં. એમનામાં પરસ્પર સમાનતા હતી જ નહીં, આથી એમને સમાન ઇતિહાસ અને સમાન પરંપરાઓવાળું એક રાષ્ટ્ર માની શકાય નહીં. અંગ્રેજ બૌદ્ધિકોએ એવો પ્રચાર શરૂ કર્યો કે, અહીંના મૂળ નિવાસીઓને આર્ય આક્રમકોએ હરાવી દઇને પહાડો અને વનોમાં ખદેડી દીધા હતા.’ આમ, દેશના સંપૂર્ણ ઇતિહાસને ઘોર અંધકાર, બર્બરતા અને અંધવિશ્વાસોની ખાઇમાં ડૂબેલો ચિતરવામાં આવ્યો. જૂઠ્ઠાણાની ભરમાર શરૂ કરી. ભારતના સદ્્ભાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકર જેવા પ્રકાંડ પંડિતે સંશોધનના આધારે આર્યન થિયરીને બોગસ અને જુઠ્ઠાણું ગણાવ્યું. અંગ્રેજ બૌદ્ધિકો અને ખ્રિસ્તી મિશનરી અભિયાન સમગ્ર બ્રિટિશ રણનીતિનું જ મહત્વપૂર્ણ અંગ હતું. એ વાત 1857ના સ્વતંત્રતા સમયે સાબિત થઇ ગઇ. 1857ના સ્વતંત્રતા-યુદ્ધના બે વર્ષ પછી બ્રિટનના વડાપ્રધાન લોર્ડ પામર્સ્ટને જાહેર કર્યું કે, ‘ભારતના એક છેડાથી બીજા છેડા સુધી ખ્રિસ્તી મતનો પ્રચાર કરવો એ બ્રિટનના લાભમાં છે.’ પ્રસિદ્ધ ગાંધીવાદી અર્થશાસ્ત્રી જોસેફ કોર્નેલિઅસ કુમારપપ્પાએ કહ્યું હતું, ‘પશ્ચિમી સેનાનાં ચાર અંગ છે. ભૂમિદળ, નૌકાદળ, હવાઇદળ અને ચર્ચ.’ (ભા. પ્ર. શુકલ : વ્હોટ એલ્સ ઇંડિયાઝ નોર્થ ઇસ્ટ, પૃ. 27) અંગ્રેજ બૌદ્ધિકોએ અનેક પ્રકારે ભ્રમ, જૂઠ અને અર્ધસત્યનો આધાર લઇ ભારતને તોડવાની, વિખવાદ પેદા કરવાની અને પોતાની હકૂમત મજબૂત કરવાની રણનીતિ અપનાવી હતી. ખ્રિસ્તી મિશનરીએ ધર્માંતરની રણનીતિ અપનાવી, તો અંગ્રેજોએ બીજી પણ રણનીતિ અપનાવી. એ હતી ભારત પ્રત્યેની નિષ્ઠા ખતમ કરવા શિક્ષણનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીએ. એ કામ હાથમાં લીધું લોર્ડ મૅકોલેએ. એણે ભારતવાસીઓ માટે શિક્ષણની યોજના તૈયાર કરી પોતાના પિતાને લખેલા પત્રમાં લખ્યું હતું : ‘આપણે એવો વર્ગ તૈયાર કરવા ખાસ ધ્યાન આપવું જોઇએ જે આપણી અને આપણા કરોડો પ્રજાજનો વચ્ચે દુભાષિયાનું કામ કરે. લોકોનો એવો વર્ગ તૈયાર થાય જે દેખાવે ભારતીય હોય, પણ રુચિ, વિચાર, મન અને બુદ્ધિથી અંગ્રેજ હોય.’ આવી હતી એની માનસિકતા અને એ ભારતીય શિક્ષણનો ગુરુ બની બેઠો! સંસ્કૃતના યૂરોપિયન વિદ્વાનોમાં નિયુક્ત પ્રોફેસર મેક્સમૂલરનું સ્થાન ટોચે છે. એ કયા ઉદ્દેશ્યથી વેદોના અનુવાદમાં લાગેલો એનો ઉલ્લેખ પત્નીને લખેલા પત્રમાં છે : ‘મારું આ સંસ્કરણ અને વેદનો અનુવાદ ભારતના ભાગ્યને પ્રભાવિત કરશે. એ એમના ધર્મનું મૂળ છે અને એમને બતાવીશ કે આ મૂળ કેવું છે. છેલ્લા 3000 વર્ષમાં એનાથી ઉત્પન્ન થનારી બધી બાબતોને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો એકમાત્ર ઉપાય છે.’ (life and letters of frederick maxmuller, Vol.1, chap. XV, pgૃ-34) મેક્સમૂલર ભારતીયોમાં પોતાના ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા અને ઇતિહાસ પ્રત્યે શંકાઓ જાગે એ માટે વૈદિક સાહિત્યને વિકૃત કરવા માંડ્યા. ⬛ namaskarkishore@gmail.com