‘પરથમ પરભુજી સાથે પ્રીત ન કીધી એને મુઆ ટાણે સંત બનાવો!’ ઘેઘૂર કંઠના ગાયક રાસબિહારી દેસાઈએ ગાયેલા અને અખા પ્રીતમના લખેલા ગીતની પહેલી પંક્તિમાં ભારોભાર કટાક્ષ છે. માણસ, હોય ત્યારે અવગણનાર અને વિદાય લે પછી તેને નવાજનાર, માનવજાત પ્રત્યે! બાપા હોય ત્યારે સાચવે નહીં ને જાય પછી અડધાં પાનાંની જાહેરખબર આપી દેખાડો કરવાનો! આથી બરાબર ઊલટો તાસીરો દેશમાં અત્યારે થઈ રહ્યો છે. ઓલિમ્પિક્સમાં મેડલ લાવનારને ફૂલડે વધાવી પોતાની મોટાઈ કમાઈ લેવા નેતા-નેતીઓ ઊછળી રહ્યાં છે. સાચું કહેજો, કેટલાએ નીરજ ચોપડાનું નામ સાંભળ્યું હતું? પણ એ ખેલાડીઓ વિશ્વ-ચંદ્રક લાવ્યા અને આપણી લાગણી ઊભરાણી! હવે તેને દિલ્હીની પરેડમાં હાજર રાખીશું, તેમને રોકડ રકમ આપવાની જાહેરાતો કરીશું, નોકરી ઓફર કરીશું, તેમના સન્માનો કરી આપણી વાહવાહી કરીશું અને પછી તેઓને ભૂલી જઈશું! બસ, ખાધું-પીધું ને રાજ કર્યું! વાર્તા પૂરી અને બીજા કોઈ પોતાના બળે વિજેતા થાય તેની રાહ જોયા કરીશું! આમાં ભારતવાસીઓનો વાંક નથી, કારણ આ દેશ જ ઊગતા સૂરજને પૂજનારાઓનો દેશ છે. કહે છે કે ‘ગીતાંજલિ’ને નોબલ પ્રાઈઝ મળ્યા પછી ભારતીયોએ કહેવાનું શરૂ કરેલું કે,‘આ નોબલ જીત્યા તે રવીન્દ્રનાથ ટાગોર તો અમારા હોં!’ બરાબર એ જ ઢબથી નીરજ અને ચાનુ વગેરેનો સૂર્ય ઊગ્યો એટલે પૂજી લ્યો, પછી બીજો સૂરજ પોતાની રીતે મથે તો એની ંતરફ નજર પણ નહીં નાખવાની! આ દેશમાં એક સૂત્ર બહુ બોલાય છે : ‘નીરજજી, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં!’ એનો ભાવાર્થ એ કે આગળ વધવા માટેનો સંઘર્ષ તમે કરો, (પછી) અમે તમારી સાથે જ છીએ. અહીં ‘પછી’ અધ્યાર છે… એટલે કે silent છે! ઓલિમ્પિક્સમાં મેડલ લાવનારની કહાનીઓ વાંચો. તેમાંથી ભાગ્યે જ કોઈ ખમતીધર કુટુંબમાંથી આવે છે અને અથાગ પરસેવો જાતમેળે પાડીને સ્વબળે વિશ્વ સુધી પહોંચ્યા છે. નીરજ ચોપરા ભાલાફેંકમાં સુવર્ણ પદક જીતી લાવ્યા અને આપણે આનંદમાં ઊછળી ઊઠ્યાં, પણ એ જાણ્યું કે નીરજ પાસે ભાલો લેવાના રૂપિયાય ન હતા? સત્તર કુટુંબીઓનું સંયુક્ત કુટુંબ અને ખેતીની આવકમાંથી દોઢ લાખ રૂપિયાનો સ્પોર્ટ્સનો ભાલો તો ક્યાંથી લે અને ત્યારે સાત હજાર રૂપિયાનો ચાલુ સસ્તો ભાલો લેવા માટે પણ કોઈ સ્પોન્સરર પડખે ચડ્યા ન હતા! હોકી જેવી ટીમ ઈવેન્ટ્સ માટે તો ક્યાંક કોઈ નવીન પટનાયક કશું બોલ્યા વગર પડખે રહેલા, પણ આ ઈન્ડિવિડ્યુઅલ ઇવેન્ટ માટે કોણે કોને સહાય કરી? હા, ઓલોમ્પિક્સ માટેના લિસ્ટમાં આવી જાવ પછી કોર્પોરેટવાળા લીંબડ-જશ લેવા પડખે દોડે! હવે નીરજને કરોડો આપીશું ને ક્લાસ વન ઓફિસર બનાવીશું, પરંતુ નીરજ પાસે રજ જેટલા રૂપિયા નહોતા ત્યારે તે ખુદના જોરે જ ટકી ગયો હતો તે ભૂલવા જેવું નથી. જરાક માટે હારી જનારા કેટલા ખેલાડી દેશ ગુમાવતો હશે તે વિચારીએ તો? યાદ છે બરાબર. રાજકોટની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં પ્રાથમિકમાં ભણતા ત્યારે એક ચોટી બાંધેલા પી.ટી.ના રીબડીયાસર જોરદાર દોડીને લોંગ જમ્પ લગાવતા અને અમે જોવા ટોળે વળતા. અમે ટાબરિયાંઓ વાત કરતા કે, આ રીબડીયાસર ગોલ્ડ મેડલ લાવે એવા છે... સર તળિયામાં ખીલ્લા લગાવ્યા હોય તેવા શૂઝ પહેરીને સ્પોર્ટ્સમેનની અદાથી રોજ સવારના છ વાગ્યામાં સ્કૂલમાં આવી પરસેવો પાડતા. અરે! તેઓ માસ પી.ટી. કરાવતા ત્યારે તેમના બુલંદ અવાજથી મેદાન ગાજી ઊઠતું, પણ એમની આર્થિક સ્થિતિ સારી ન હતી. કદાચ એટલે જ મારા એ પ્રિય શિક્ષક ઓલિમ્પિકસનું માત્ર સ્વપ્ન જોઈ શક્યા! હવે તો મેદાન વગરની સ્કૂલને મંજૂરી મળે છે અને પી.ટી. ટીચરની ભરતી તો થતી જ નથી! એક સમાચાર વાંચેલા કે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનું શહેર હોવા છતાં ત્યાં હવે એક પણ મેદાન બચ્યું નથી! ત્રણ નગરનું નગર તે સુરેન્દ્રનગર અને છતાં ત્યાં મેદાનના નામે મીંડું! બોલો, મેદાનો ગુમ કરવાના અને તોય મેડલ મળે તેવી અપેક્ષા રાખવાની? વર્ષમાં એક દિવસ બે કલાક ‘યોગ’ કરવાથી વર્ષ આખું યોગસ્થ થઇ જવાય તેવી ભ્રમણા જ્યાં ઘર કરી ગઈ હોય ત્યાં સ્પોર્ટ્સનું મહત્ત્વ કોને સમજાવવું? ⬛bhadrayu2@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.