તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:કચ્છમાં પ્રોક્સી યુદ્ધને આરંભે જ ફટકો

કીર્તિ ખત્રી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુપરકોપ કુલદીપ શર્માના નેજા હેઠળ દાણચોરો સામેની જેહાદ ટર્નિંગ પોઇન્ટ સમાન હતી

પાકિસ્તાની ખુફિયા અેજન્સીઅે 80’ના દાયકામાં પ્રોક્સીયુદ્ધની શતરંજના ખેલમાં કચ્છને સામેલ કરવાની નેમ સેવી, અેનું સાૈથી મોટું કારણ મુસ્લિમ વસ્તીની ટકાવારીનું હતું. ગુજરાતમાં મુસ્લિમ વસ્તીની ટકાવારીમાં ભરૂચ પછી કચ્છ 21.14 ટકા સાથે બીજા નંબરે છે, પણ કચ્છના કાંઠાળ અને રણ કાંધીના મુન્દ્રા, માંડવી, અબડાસા, લખપત અને ભુજ તાલુકાના છેવાડાના વિસ્તારોમાં તો 30થી 50 ટકા જેટલું ઊંંચું પ્રમાણ છે. ઉપરાંત અે સમયની કચ્છની કાયદા-વ્યવસ્થાની વણસેલી સ્થિતિ અને અન્ય સંજોગો અેવા હતા કે નાપાક અેજન્સીને ખેલ ખેલવામાં અનુકૂળતા દેખાઇ. કચ્છમાં દાણચોરી ફાલીફૂલી હતી, કટ્ટરવાદી ઝેર ફેલાવવા વિદેશી નાણાં કચ્છ ભણી ઠલવાઇ રહ્યા હોવાના હેવાલો વચ્ચે પોલીસ તંત્રે પોતાની ધાક અને પક્કડ ગુમાવી દીધા હતા. દાણચોરો પોલીસ તંત્રમાં જ નહીં, મહેસૂલ તંત્રમાં પણ પોતાનું ધાર્યું કરાવી શકતા હતા. નાણાંના જોરે ભ્રષ્ટ તંત્રો ખરીદાઇ ગયા હોય અેવું ચિત્ર ઉપસેલું હતું. છતાં પાકિસ્તાન કચ્છમાં ભાગલાવાદી અાગ ભડકાવી શક્યું નહીં અેના બે કારણ હતા. પહેલું કારણ સ્થાનિક પ્રજાના સાથનું હતું, જ્યારે બીજું કારણ જવાંમર્દ પોલીસ અધિકારી કુલદીપ શર્માઅે દેશવિરોધીઅો સામે જગાવેલી જેહાદનું હતું. જગજાહેર છે કે સરહદની બંને બાજુની સ્થાનિક પ્રજાનો સાથ મળે તો જ ભાગલાવાદી ચળવળ થઇ શકે. અે રીતે ભારતમાં ખાલિસ્તાન તરફી તત્ત્વોનો સક્રિય સાથ હતો ત્યાં સુધી અમૃતસરમાં અશાંતિ રહી, પણ ભારતે કડક પગલાં લીધા અને સ્થાનિક શીખોનાે સહકાર બંધ થયો તો શાંતિ સ્થપાઇ ગઇ. અા દૃષ્ટિઅે કચ્છમાં તો સિંધ પ્રાન્તની કે કચ્છની સ્થાનિક પ્રજાનો સાથ મળવાની શક્યતા પહેલેથી જ ધૂંધળી હતી. કચ્છમાં હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનો લાંબો ઇતિહાસ છે. બંને કોમે અેકમેક માટે બલિદાન સુદ્ધાં અાપ્યા છે. તો સામે પાર સિંધ પ્રાન્તમાં પંજાબી-સિંધી ખટરાગ વધતો જ રહ્યો છે. પંજાબી શાસકોના સિંધીઅો પ્રત્યેના ભેદભાવને લીધે જ તો જીયે સિંધ ચળવળ શરૂ થઇ હતી જે અાજેય જારી છે. અેટલે અા પ્રજા પંજાબી શાસક પ્રેરિત કચ્છ વિરુદ્ધના કાવતરાંમાં સાથ અાપે અે શક્યતાઅો નહિવત હતી. તોયે નાપાક અેજન્સીઅે દાણચોર ટોળીના ભરોસે દાવ ખેલવાનું પસંદ કર્યું. દરમિયાન કચ્છની કથળેલી સ્થિતિને થાળે પાડવાના ઉદ્દેશ સાથે જુલાઇ 1983માં સુપરકોપ કુલદીપ શર્માને કચ્છ બદલાવાયા. તેમણે કચ્છની ગુનાખોરીનો અભ્યાસ કર્યા પછી તારણ અે નીકળ્યું કે ગાંડા બાવળમાંથી કોલસો બનાવવાનો બેનંબરી ધંધો સરકારી તંત્રોની મિલીભગતને લીધે ધૂમ ફાલ્યોફૂલ્યો હતો. લખલૂંટ કમાણી અને નાણાંની રેલમછેલને લીધે કોલસાના ધંધાર્થી રાજકારણીઅોની નજીક અાવ્યા અને સમય જતાં જાતે જ રાજકારણમાં સક્રિય બન્યા. અા કોલસાચોરોમાંથી કેટલાક સોના-ચાંદી અને ઇલેક્ટ્રોનિક્સ માલસામાનની દાણચોરી તરફ વળ્યા. કેટલાક દાણચોર ઇસમો પાકિસ્તાનની જાસૂસી અેજન્સીના સંપર્કમાં અાવી ગયા હોવાની બાતમી મળતાં શર્મા ચોંકી ઊઠ્યા. તેમને લાગ્યું કે જો દાણચોરીને સખત હાથે ડામી દેવામાં નહીં અાવે તો અાવા તત્ત્વો વધુ નાણાંની લાલચે જાસૂસી તરફ વળશે અને અાગળ જતાં દેશદ્રોહી પ્રવૃતિમાં ભાગ લેતાં પણ નહીં અચકાય. અા શંકાની જાણ શર્માઅે ગુજરાત પોલીસ વડાને પત્ર દ્વારા કરી હતી. ત્યાં જ નવેમ્બર 1983માં લખપત તાલુકામાં 16 કિલો હેરોઇન સાથે સુમાર બોટલ નામનો ઇસમ ઝડપાયો. તપાસમાં નાપાક અેજન્સીનો જાસૂસ હોવાનો પર્દાફાશ થતાં જ શર્માની શંકા હકીકતમાં પલટાઇ ગઇ. અા ઘટના પછી દાણચોર ટોળકીઅોનો ખાત્મો બોલાવવાનો વ્યૂહ તેમણે ઘડી કાઢ્યો. પછીના વર્ષોમાં તો માત્ર ગુજરાત નહીં, સમગ્ર ભારતમાં સંગઠિત દાણચોર ટોળકીઅોના નેટવર્કનો ઉપયોગ દેશદ્રોહી પ્રવૃતિમાં થતો હોવાના સનસનીખેજ પ્રકરણ પ્રકાશમાં અાવ્યા અને અેમાં સાૈથી મોખરે દાઉદ ઇબ્રાહિમનું નામ ઊભરી અાવ્યું. અાતંકીઅોની કે સ્ફોટક પદાર્થની હેરાફેરી જ નહી, બોંબધડાકા સહિતના માલમાંયે દાણચોરોઅે ભાગ ભજવ્યો હતો. ખેર! કચ્છને સંબંધ છે ત્યાં સુધી અેક તરફ કુલદીપ શર્માના નેતૃત્વ હેઠળ પોલીસ દળ અને બીજી તરફ યુવાન અધિકારી સત્યેન્દ્રજીતસિંહની અાગેવાની હેઠળ કસ્ટમ તંત્રે દાણચોરો સામે ધોંસ બોલાવીને ઇતિહાસ સર્જી દીધો. માંડવીના સલાયાના કુખ્યાત ઇસમો ઉપરાંત ભુજ, પૈયા, નાંગિયારી, નલિયા, પાંચોટિયા, કોઠારા, નુંધાતડ, ચીયાસર, મોરજરના દાણચોર તત્ત્વોને સોના, ચાંદી અને ઇલેક્ટ્રોનિક્સના કરોડોના માલ સાથે ઝડપીને સળિયા પાછળ ધકેલી દેવાયા. શર્મા અે બધા કેસોની કોર્ટની કાર્યવાહી પર સતત નજર રાખતા. જાસૂસીના કેસમાં સ્થાનિક કડી શોધીને તેમણે સનસનાટી સર્જી દીધી. અા બધી કાર્યવાહીને લીધે કચ્છ પોલીસે પોતાની પ્રતિષ્ઠા અને ધાક ફરી જમાવી દીધા. ચીવટની સાથે ઝનૂનપૂર્વકની કામગીરીઅે શર્માને ત્યારે ભારે લોકપ્રિયતા અપાવી. અેક વાર તેમની બદલીની અફવા ઊડી તો કચ્છ અાખાયે સ્વયંભૂ બંધ પાળ્યો અને ભુજમાં હજારો લોકોની અભૂતપૂર્વ રેલી નીકળી. અાખરે જ્યારે ખરેખર બદલી થઇ ત્યારેય અેવું જ વિદાયમાન ગુજરાત પોલીસ વડા રિબેરોની હાજરીમાં કચ્છી પાઘ અને ત્રણ કિલો ચાંદીની તલવાર સાથે અપાયું હતું. પછી તો દેશવિરોધી તત્વો સામેની ઝુંબેશ જાણે અેક પરંપરા બની ગઇ હોય તેમ દાયકા સુધી ચાલુ રહી. જેમાં બી.વી. કુમાર, અાર.અાર. વિલિયમ્સ, અે. કે. સિંઘ, પ્રમોદકુમાર ઝા, કેશવકુમાર વિ. જેવા પોલીસ વડા અને રત્નાકર ધોળકિયા જેવા સરકારી વકીલની કામગીરી ઊડીને અાંખે વળગે તેવી હતી. કસ્ટમના અેલ.ડી. અરોરા જેવા અધિકારીના નામથી દાણચોરો ફફડતા. જોકે દાઉદની ટોળકીઅે પછીથી તેમની હત્યા કરી હતી. અા બધાની પ્રામાણિક, નીડર અને દેશદાઝભરી જહેમતથી જાસૂસીના પ્રકરણની સાથે શસ્ત્રો, વિસ્ફોટકો અને ઘૂસણખોરો ઝડપાતા રહ્યા તેથી પ્રોક્સીયુદ્ધની શતરંજના દાવ સફળ ન થયા. દરમિયાન ખાલિસ્તાન ચળવળ સહિતના મુદ્દેય કચ્છ ચર્ચામાં રહ્યું હતું અે વાત અાગળ કરીશું. ⬛kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...