તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસ્તી-અમસ્તી:અમેરિકાના ઈટિહાસની હિસ્ટળી!

રઈશ મનીઆરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

‘આજે સંગઠિત રાષ્ટ્રોનો સ્વતંત્રતાદિન છે.’ ધનશંકર આદત મુજબ ન સમજાય એવું બોલ્યા. ‘સંગઠિત રાષ્ટ્રો’ એટલે ‘યુનાઈટેડ સ્ટેટ્સ’ એવો ખ્યાલ આવતાં મેં કહ્યું, ‘અરે હા! આજે 4 જુલાઈ! અમેરિકાની આઝાદીનો દિવસ!’ ‘હેં! અમેરિકા ગુલામ હતું?’ શાંતિલાલને આઘાત લાગ્યો. પોતે દસદસ વર્ષથી ફાઈલ મૂકીને સ્વર્ગ સમજી જ્યાં જવા માંગતા હતા, એ દેશ ક્યારેક ગુલામ હતો! ‘હા!’ શાંતિલાલે ઈતિહાસકારોને ગાળો આપી, ‘ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી, એ ગોખાવ-ગોખાવ કરવામાં બીજા દેશો વિશે આપણને કશું ભણાવવામાં જ નથી આવ્યું!’ બાબુડિયાએ ફરમાઈશ કરી, ‘અમેરિકાના ઈટિહાસની હિસ્ટળી ટૂંકમાં વિસ્ટારઠી કહો!’ ધનશંકર બોલ્યા, ‘કોલંબસે ઈ.સ.1492માં અમેરિકા ખંડ શોધ્યો એ તો ખબર છે!’ ‘ટમને ખબર છે પન કોલંબસને ખબર નહોટી! એ અમેરિકાને ઈંડિયા સમજેલો! હવે કવિળાજ આગલ કહેશે..’ સૌ મારી સામે એ રીતે જોવા માંડ્યા જાણે હું ગૂગલનો ડીમલાઈટ સોસાયટીનો પ્રતિનિધિ હોઉં! મારું અલ્પજ્ઞાન ખોપડીમાં ચણાની જેમ ખખડવા લાગ્યું, ‘કોલંબસે અમેરિકા શોધ્યો એમ કહેવાય છે, એ ‘પા’ સત્ય છે!’ ‘અર્ઢસટ્ય સાંભયળું છે, પણ ક્વાર્ટરિયુ ટ્રુથ કેવું હોય?’ ‘યુરોપના આઈસલેન્ડ નામના દેશમાંથી લીફ એરિક્સન નામનો સાહસિક ઈ.સ. 1000ની આસપાસ અમેરિકા ગયો હતો. એટલે કોલંબસ પહેલો નહોતો! બીજી વાત કે અમેરિકામાં આશરે 30,000 વર્ષથી નેટિવ અમેરિકન્સ વસતાં હતા!’ ‘આપણા આળ્યો અને ડ્રવિડોની જેમ?’ શાંતિલાલ બાઘાની જેમ સાંભળી રહ્યા હતા. એમના પૌત્રનું નામ આર્ય હતું અને રાહુલ દ્રવિડ સિવાય બીજા કોઈ દ્રવિડ વિશે એમણે સાંભળ્યું નહોતું.‘આર્યો-દ્રવિડો પહેલાં આપણે ત્યાંય 30, 000 વર્ષ પહેલાં આદિવાસી હતા. એ જ રીતે અમેરિકાના આદિ-નિવાસીઓને કોલંબસે ‘નેટિવ ઈંડિયંસ’ કહ્યા!’ ‘એ લોકો ટાં કેવી રીટે પહોંચ્યા? ટાં ટો ચારે ટરફ બઢે સમુડ્ર છે!’ ‘30 હજાર વર્ષ પહેલાં રશિયાના સાઈબિરિયા સાથે અમેરિકાનો અલાસ્કા તરફનો ઉત્તર ભાગ જમીનથી જોડાયેલો હતો! ત્યારે અમુક આદિવાસીઓ ત્યાં પહોંચી ગયા. પછી 13 હજાર વર્ષ પહેલાં બરફ ઓગળવાને કારણે એ ભાગ પાણીમાં ડૂબી ગયો.’ ‘વિઝાવાંચ્છુ ગુજરાટીઓના લાભાર્ઠે મોડીજીએ ટાં રામસેટુ બનાવી એ માર્ગ ફરી ચાલુ કરવો જોઈએ.’ મેં વાત આગળ ચલાવી, ‘ચૌદમી સદી સુધી અમેરિકામાં આ નેટિવ્સ લોકોની 6 કરોડની વસ્તી હતી. કોલંબસના સાથીઓ યુરોપથી અવનવી બીમારીઓ લઈને ગયા. યુરોપની બીમારીઓ સામે લડવાની ઈમ્યુનિટી ઓછી હોવાથી મોટા ભાગના નેટિવ અમેરિકન્સ ત્યારે જ ગુજરી ગયા! આજે અમેરિકામાં માંડ 50 લાખ નેટિવ અમેરિકન્સ વસે છે!’ હસુભાઈએ પૂછ્યું, ‘તો પછી અમેરિકામાં કોણ, કોનાથી અને ક્યારે આઝાદ થયું?’ સૌથી સહેલો જવાબ મેં પહેલો આપ્યો, ‘245 વર્ષ પહેલાં, 1776માં આ ઘટના બની!’ ‘મૂળ નિવાસીઓને આઝાદી મળી?’ ‘ના! એ લોકો તો ગોરાઓથી બચવા મેક્સિકો તરફ ભાગતા રહ્યા.’ ‘તો આઝાદી કોને મળી?’ ‘કોલંબસ પછી સ્પેનિશ, ડચ, સ્વીડિશ, ફ્રેંચ અને બ્રિટિશ લોકોએ ત્યાં કોલોની સ્થાપી! અંતે હકૂમત બ્રિટિશરોની થઈ.’ ‘ઓટ્ટારીની! આ ટો ભારટ જેવું જ!’ ‘હા, પણ ત્યાંની કોલોનીઓ એટલે કે યુરોપિયનોએ જ બ્રિટિશરો સામે બંડ પોકાર્યું!’ ‘એનો મટલબ એ ઠયો કે 1776માં અમેરિકાને ગોળાઓએ ગોળાઓ પાસેઠી પાસેથી આઝાડ કરાવ્યું!’ ‘હા, એમાં બ્રિટિશરોમાં ભાગલા પડી ગયા. 20 ટકા જ હકૂમતને વફાદાર રહ્યા, 80 ટકા બળવામાં જોડાયા એટલે બ્રિટિશ ગવર્ન્મેન્ટ સામે ઘણાં તો બ્રિટિશર જ હતા.’ ‘ગોરાઓ વચ્ચે એ લડાઈ અહિંસક હતી?’ ધનશંકરને પ્રશ્ન થયો. ‘નહોટી, ગોળાઓએ ગોળાઓ પર ગોળીઓ ચલાવીને આઝાડી મેલવી!’ બાબુડિયાએ ગોળો ગબડાવ્યો. ‘થોડીક હિંસા થઈ હશે. 1776માં અમેરિકાની ઉત્તર-પૂર્વ દિશાના 13 રાજ્યો ભેગા થયા અને નવું રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું. પછી ધીમે ધીમે સામ-દામ-દંડ-ભેદથી અમેરિકાનો વિસ્તાર થયો. અત્યારે ત્યાં 52 રાજ્ય છે!’ ‘શાંટિલાલ ટમારી ફાઈલ ખૂલહે પછી તમે ટાં જઈને રાજ્ય સ્ઠાપો ટો ટેપ્પનમું રાજ્ય ઠઈ જહે! પત્તાનાં બાવન પાનાં અને ટેપ્પનમું જોકરનું!’ ‘નેટિવ ઈન્ડિયનમાં વધુ એક સુપરલેટિવ ઈન્ડિયનનો ઉમેરો થશે!’ ‘આઝાદી મળી પણ હજુ ગુલામીનું કલંક ત્યાં હતું. અમેરિકાએ બીજી લડાઈ રંગભેદ અને ગુલામી સામે લડી. ત્રણ પ્રકારના ગુલામો ત્યાં હતા. ધનવાન યુરોપિયનો એમની સાથે ગરીબ દેવાદાર ગોરાઓને બંધિયા મજૂર તરીકે લઈ આવતા. ઉપરાંત, અમેરિકન નેટિવને પણ ગુલામ બનાવતા અને સત્તરમી સદીમાં આફ્રિકાથી નીગ્રો ગુલામો લાવવામાં આવ્યા. અમેરિકન સિવિલ વોર પછી 1865માં ગુલામી નાબૂદ કરવાનો કાયદો થયો! ત્યારે અબ્રાહમ લિંકન પ્રેસિડન્ટ હતા. ગુલામી ગઈ પણ રંગભેદ હજુ હતો. 1960માં માર્ટિન લ્યુથર કિંગે રંગભેદ સામે લડાઈ લડી! પછી 2007માં અમેરિકાની સરકારે ભૂતકાળના અત્યાચારો બદલ નેટિવ અમેરિકન્સ તથા આફ્રિકન્સની જાહેરમાં માફી માંગી!’ ‘માફી શું માગવાની? જિસકી લાઠી ઉસકી ભેંસ!’ શાંતિલાલે કોમેન્ટ કરી.‘માફી જરૂળી હટી. 1776માં બ્રિટિશ રાજ ગયું. એ આઝાડી અધૂળી હતી, 1865માં ગુલામી ગઈ એટલે પોણી આઝાડી થઈ અને 1969માં રંગભેદ ગયો ટ્યારે પૂરી આઝાડી મળી! 2007માં માફી માંગવાથી આઝાડીના જામમાં આઈસક્યૂબ પડ્યો, એમ કહેવાય?’ હસુભાઈએ સમાપન કર્યું, ‘આપણને તો એક જ આઝાદી મળી છે, બીજી ક્યારે?’ ⬛ amiraeesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...