આજે સંજય મોર્નિંગવોક દસ જ મિનિટમાં ટુંકાવીને ઘરે પાછો આવી ગયો. દીકરાને પરીક્ષા ચાલતી હતી, તો પણ પોતાના બેડરૂમમાં જઇ અને ધડામ દઇને બારણું બંધ કરી દીધું. ચાર્વી તો આ જોઇને ડઘાઇ જ ગઇ. પોતાના બેડરૂમમાંથી ફોન કરીને ચાર્વીને ચા મૂકવા માટે કડક શબ્દોમાં હુકમ છોડ્યો. ચાર્વી સંજયના આવા વર્તનથી ટેવાયેલી નહોતી. એને ચા ગરમ કરતાં પહેલાં સંજયને ઠંડો પાડવાનું વધારે અગત્યનું લાગ્યું. ઉપર બેડરૂમમાં જઇ સીધો જ સવાલ કર્યો, ‘સંજુ, કેમ તારું ફટક્યું છે? એવો તો શું પહાડ તૂટી પડ્યો કે દીકરાની બોર્ડની પરીક્ષા છે, તો પણ તને કંઇ પડી નથી?’ ‘પેલા તારા ફેવરિટ મનને મારો વિશ્વાસઘાત કર્યો છે. એણે આપણા આખા બિઝનેસને અને ફેમિલીને ફટકો માર્યો છે. તું તો મનનની વિરુદ્ધમાં કશું સાંભળી નહીં શકે, પણ હવે હું એ માણસને સહન નહીં કરી શકું. ઇનફ ઇઝ ઇનફ.’ સંજયના આજના ઝઘડાનું કારણ ચાર્વીને કંઇ સમજાયું નહીં. વાસ્તવમાં તકલીફ સંજયને હતી. સ્ટ્રેસના લીધે એનું કોલેસ્ટેરોલ લેવલ આ વખતે બોર્ડરલાઇનથી સહેજ ઉપર આવ્યું હતું. વળી, છેલ્લા છએક મહિનાથી સંજયનો મૂડ પણ ઠેકાણે નહોતો રહેતો. પેઢીઓ જૂના બિઝનેસ પાર્ટનર મનન સાથે મનદુઃખથી છૂટા પડવાનો સંજયને વાંધો નહોતો, પણ માત્ર ઘડીના છઠ્ઠા ભાગમાં એના પાર્ટનર મનને સંજયને કહી દીધું, 'જો ઇગોની વાત હોય તો પછી આપણે છૂટા પડી જઇએ.’ આ વાક્ય સંજયને કોરી ખાતું હતું. વીસ વર્ષનો હોટલ બિઝનેસ છોડીને પાર્ટનર પોતાની અલગ હોટલ કરે તે માન્યામાં આવે તેવું નહોતું. હોટલની આ બ્રાન્ડ બનાવવા માટે સાર્થકે પણ સરખું જ લોહી-પાણી એક કર્યું હતું. એ સફળ બિઝનેસને રાતોરાત વિખેરી નાખવાનો હતો. મજાકિયો અને મળતાવડો સંજય હવે અતડો અને ચીડિયો રહેવા લાગ્યો હતો. સ્મોકિંગ અને આલ્કોહોલ અચાનક જાણે ડબલ થઇ ગયાં હતાં. ચાર્વી સાથે થતા ઝઘડાઓમાં પણ હવે સંજય પાર્ટનરની સાથે બોલે તેવી જ ભાષા બોલવા લાગ્યો હતો. એનો સંબંધ શબ્દ પરથી ભરોસો ઊઠી ગયો હતો. જ્યારે બંને જણાં ક્લિનિકમાં આવ્યાં, ત્યારે કેસ હિસ્ટ્રી આપતાં જ સંજયથી ભાંગી પડાયું. ચાર્વી તો જાણે આઘાતમાં સરી પડી. 'ડોક્ટર, સંજય સાથે મને પણ ટ્રીટમેન્ટની જરૂર છે. મને પણ આજકાલ ખૂબ ફ્રસ્ટ્રેશન આવે છે. બીજા બધાં સાથે જેવું વર્તન કરે એવું જ એ મારી સાથે પણ બીહેવ કરે એટલે મારાથી સહન થતું નથી. મારી દુનિયા સંજયની આસપાસ છે. જો સંજય બરાબર તો અમે બધા મજામાં અને દીકરાને કંઇ થાય તો હું પણ ઓટોમેટિક ડિસ્ટર્બ થઇ જાઉં છું. ' હાલની ભારતીય નારીનું સોશિયલ ફેબ્રિક બદલાઇ રહ્યું છે. ઇમોશનલ ડિપેન્ડન્સી હસબન્ડ પર હોવી ખરાબ બાબત નથી, પણ ધીરે ધીરે સ્ત્રી પોતાની વ્યક્તિમત્તા પણ સમજતી થઇ છે. બની શકે કે ઘરના પ્રોબ્લેમની ચર્ચા પત્ની, પતિને કરે તો સમસ્યાનો ઉકેલ ઝડપથી આવે, પરંતુ હજુ પણ કેટલાક પુરુષોની માન્યતા એવી છે કે, પોતે કામ-ધંધાની ચિંતા પત્ની સાથે શેર કરે તે જરૂરી નથી. ભારતીય સમાજમાં આ બાબત બહુ સામાન્ય છે. તદુપરાંત, ખુશહાલ અને દીર્ઘકાલીન લગ્નજીવનનું એક મહત્ત્વનું પાસું હસબન્ડની સારી હેલ્થ પણ છે. જો પતિનો સ્વભાવ હસમુખો અને બહિર્મુખી હોય તો લગ્નના સ્વાસ્થ્ય માટે એ મહત્ત્વનું પરિબળ બની રહે છે, કારણ કે પત્નીને લાગે છે કે મારા પરિવારમાં બધું સમુસુતરું છે. પરંપરાગત પત્નીનું સૂત્ર હતું, 'ઓલ ઇઝ વેલ ઇફ હસબન્ડ ઇઝ વેલ...' હવે એવું પણ માનવું પડશે કે ‘ઓલ ઇઝ વેલ ઇફ એવરીવન ઇઝ વેલ’. અલબત્ત, સંજયના કિસ્સામાં એના લિપિડ પ્રોફાઇલમાં ખરાબ ફેરફારો, સ્મોકિંગમાં વધારો, ઊંઘમાં ઘટાડો અને ચીડિયાપણા જેવા લક્ષણો સ્ટ્રેસને કારણે હતા. એટલું જ નહીં, એણે એવું પણ કહ્યું કે, 'ક્યારેક તો મને બધું છોડી દેવાના અને ભાગી જવાના વિચારો આવે છે. આ દુનિયામાં પોતાના માણસો ખંજર લઇને જ ઊભા હોય છે, તમે પીઠ ફેરવો એટલી વાર....’ સંજયને સાયકોથેરપી અને કાઉન્સલિંગની ખૂબ જરૂર હતી. એનો પ્રોબ્લેમ ઓવર જનરલાઇઝેશનનો હતો. સૌપ્રથમ તો એણે એ સમજવાની જરૂર હતી કે પ્રોફેશનલ રીલેશનશિપમાં પ્રાઇવેટ ઇમોશનને બહુ જગ્યા આપીએ તો લાગણીઓની ભેળસેળને લીધે અપેક્ષાભંગ થવાથી સરવાળે દુઃખ જ રહે છે. એક નજીકની વ્યક્તિથી વિશ્વાસઘાત અનુભવાય એટલે બધા જ નિકટના લોકો પીઠ પાછળ ખંજર ભોંકશે તેવી કાલ્પનિક ત્રિરાશિ મૂકવાથી સાજા-સમા સંબંધો સડવા લાગે છે. કોઇ પણ સમસ્યા તેના ઉકેલને પોતાના ગર્ભમાં લઇને જ જન્મે છે. એ ઉકેલ માટે પ્રયાસ કરવા જરૂરી છે. સારવારને અંતે સંજયની સમસ્યા દૂર થઇ. એણે ચાર્વીની મદદથી હવે નવી દિશા પકડી છે. વિનિંગ સ્ટ્રોક : કેટલાંક ભલે બહાર ફાંફાં મારે, પણ ઘણીવાર સૌથી અગત્યનું દિશા-સૂચન ઘરના કેન્દ્રમાંથી થતું હોય છે. ઘરના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ પર વિશ્વાસ રાખવો ઉપયોગી થઇ પડે છે.⬛drprashantbhimani@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.