હસાયરામ:હીરામણિ અનંતમણિ

સાંઇરામ દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાતનકાળમાં એક લાસવેગાસ નામે પ્રાચીન નગરી હતી. નિત્ય સંધ્યાટાણે જે મોંઘીદાટ LEDની દીપમાળાથી પ્રજ્વલિત રહેતી. ખપ પૂરતાં વસ્ત્રો પહેરીને, ખેપું ભરીને રૂપિયા કમાવા આ નગરીમાં દેશવિદેશના દ્યુતપ્રેમી પર્યટકો વણનિમંત્ર્યા પધારતાં હતાં. દ્યુત - જે રમતને લીધે મહાભારતકાળમાં પેલા પાંડવોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું. કુરુક્ષેત્રના રક્તરંજિત યુદ્ધના મૂળમાં એ દ્યુતની રમત રહેલી. એ યુદ્ધમાં અશ્વત્થામા નામનો એક યોદ્ધો હતો. જેના કપાળમાં જન્મજાત એક ચમકતો મણિ હતો. હોલિવૂડની ફિલ્મ એન્ડગેમનો વિલન પણ મણિની શોધમાં જ ભટકતો હતો. તમામ અવેન્જર્સ એ મણિની રક્ષા માટે આકાશ-પાતાળ એક કરતાં હતાં. મણિ આમ તો અમારાં પાડોશમાં રહેતી હતી. થોડી ભીને વાન હોવાથી બહુ પ્રચલિત નહોતી. તે દસમા ધોરણમાં નાપાસ થયાં પછી તેની સગાઇ માધવપુરના મગનિયા સાથે થઇ હતી. આ એ જ માધવપુર જ્યાં ભગવાન રુક્મિણી સાથે ફેરા ફર્યા હતા. ત્યાં દર વર્ષે જોરદાર મેળો ભરાતો. મેળો તો ભાદરવી પૂનમે અંબાજીનો પણ ભરાતો, પરંતુ ત્યાં બહુ ટ્રાફિક થતો એટલે મારાથી જવાતું નહીં. ટ્રાફિકની સમસ્યા મહાભારતકાળથી સમાજમાં ફૂલીફાલી છે. ગુરુ દ્રોણની સ્કૂલમાં ટ્રાફિક હોવાથી કર્ણને એડમિશન નહોતું મળ્યું. તેમ જ પેલા એકલવ્યએ હોમ સ્કૂલિંગ કરેલું. હોમ સ્કૂલિંગ અને હોમ લોન બંનેમાં સામ્યતા એ છે કે તમારે જ બધું કરવું પડે. સામા પક્ષે કોઈ કશું કરતું નથી. પક્ષની વાત આવે ત્યારે રામાયણમાં વિભીષણે ધર્મનો પક્ષ લીધો હતો. વિપક્ષ આજકાલ બહુ નબળો પડ્યો છે. એ જો શ્રીરામના શરણે જાય તો ઉદ્ધાર હજી શક્ય છે, કારણ કે ઉધાર આપવામાં અમારા ગામના રતિલાલ શેઠ બહુ ઉદાર હતા. શેઠે આખા ગામને ઉધાર આપી એક મસમોટો ચોપડો બનાવ્યો હતો. તે ચોપડો એક બપોરે જીવીકાકીની બકરી ખાઈ ગઈ હતી. તેના આઘાતમાં રતિલાલ શેઠ ગુજરી ગયેલા. બકરીને લીધે ‘શેઠમુક્ત’ અને ‘દેવામુક્ત’ બનેલા ગામે સાંજે બકરીની વાજતેગાજતે શોભાયાત્રા કાઢી હતી. રાત્રે ગામના અમુક શખ્સો એ બકરીને પણ નિવેદન માટે ઉઠાવી ગયા હતા. જેના આઘાતમાં જીવીકાકી પણ ગુજરી ગયાં હતાં. ત્યાર બાદ એ બકરીનો બીજો અવતાર ગાંધીજીના જીવન દરમિયાન થયેલો. ગાંધીજી આપણા દેશની આઝાદીના હીરો હતા અને હીરો તો અશ્વત્થામાના કપાળે હતો. થેનોસ જેની શોધમાં હતો એ હીરાની બજાર સુરત શહેરમાં આવેલી. મણિનો વર મગન સુરતમાં હીરા ઘસતો હતો. મગનના શેઠનું નામ હીરાભાઈ હતું, પરંતુ મગન ક્યારેય મણિ માટે હીરા ખરીદી ન શક્યો, કારણ કે એ પોતે નંગ હતો. નંગ જનરલી ત્રીજી આંગળીમાં લોકો પહેરે છે. મંગળ નડતો હોય તેને મંગળનો નંગ પણ પહેરવો પડે છે. નહીંતર તેના જીવનમાં કોઈ મંગળ પ્રસંગ આવતો નથી. મંગળદાસ ટાઉનહોલ અમદાવાદમાં આવેલો છે. મંગળદાસભાઈ એક સમયે આપણી ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચૂકેલા છે. સ્પીકર સૌથી સારા JBL (જેબીએલ) કંપનીના આવે છે. તેમાં અવાજ ફાટતો નથી. ફાટેલાં દૂધમાંથી પનીર બનાવતાં સ્ત્રીઓને ફાવતું નથી. પી. પનીરવેલ એક સમયે ગુજરાતના અગ્રસચિવ હતા. ગુજરાતમાં હીરાની નગરી તરીકે સુરત શહેર પ્રખ્યાત છે. એક સમયે ત્યાં તળિયાના, રફના અને ઘાટપેલના કારીગરો પુષ્કળ પ્રમાણમાં હતા. સુરતમાં એમ્બ્રોઈડરીનો બિઝનેસ પણ વિપુલ પ્રમાણમાં ફાલેલો. વિપુલ પારેખ મારો ખાસ મિત્ર છે જે મુંબઈમાં મને સાચવે છે. એમ્બ્રોઈડરી કરતી વખતે બહેનોએ ખૂબ સાચવીને ભરતકામ કરવું પડે છે. તેમ છતાં શ્રીરામની ગાદી લેવાની ભરતે સ્પષ્ટ ના પાડી હતી. એ રીતે જોઈએ તો, આપણા વડાપ્રધાનને પણ એક સમયે અમેરિકાએ વિઝાની સ્પષ્ટ ના પાડેલી. અમેરિકા, રબારીકા, ગઢકા અને મુંજકા ચારેય ભળતાં નામ છે, પરંતુ આમાંથી ત્રણમાં કોલર પકડાય છે, જ્યારે એકમાં ડોલર પકડાય છે. ડોલરનાં ફૂલ જેવુ સ્મિત એક સમયે ઐશ્વર્યા રાયનું હતું. જેના પર અખિલ હિંદ વાંઢા ફેડરેશનનો પ્રમુખ સલમાન ખાન મોહી પડ્યો હતો, પરંતુ ઐશ્વર્યાએ તેને ઘસીને ના પાડી હતી. તેમ છતાં સલમાન હીરો મટી ન ગયો. આથી સાબિત થાય છે કે દરેક પુરુષની સફળતામાં સ્ત્રીની ‘હા’ની જરૂર હોતી નથી. કોઈ તમને ‘ના’ પાડે તો પણ તમે હીરો થઇ શકો છો. હીરો તો અશ્વત્થામાના ભાલ પર ઝગારા મારતો હતો. થેનોસ પણ મોકાની તલાશમાં હતો. એવામાં અશ્વત્થામા લાસવેગાસ નગરીમાં જઈ ચડ્યો. એવેન્જર્સે ઘણી કોશિશ કરી, પણ તે તેનું માન્યો નહી. થેનોસે મોકો ઝડપી આખા લાસવેગાસની લાઈટ બંધ કરી દીધી. અચાનક અંધારપટથી દેશવિદેશના લોકો હેબતાઈ ગયાં. દ્યુતના મશીન ઊભા રહી ગયાં. કોઈના જેકપોટ લાગી ગયા, તો કોઈ જેક પોટ લઈને ભાગી ગયો હતો. ગાઢ અંધારામાં અશ્વત્થામાના કપાળનો મણિ ઝળહળવા લાગ્યો. જે થેનોસ ચૂપકે ચૂપકે ચોરી કરી ગયો. ‘ચૂપકે ચૂપકે રાત દિ...’ ગુલામઅલીની પ્રસિદ્ધ ગઝલ છે. આપણા દેશે અંગ્રેજોની ખૂબ ગુલામી સો વર્ષ ભોગવી છે. ‘સો દા’ડા સાસુના અને એક દા’ડો વહુનો’ એવી આપણી કહેવત છે. સૌરાષ્ટ્રમાં દા’ડામાં ભજન ગાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ભજનનો શોખ મણિના વર મગનને પણ હતો. મણિ અને મગનનો સંસાર ખૂબ સારો ચાલે છે. હાલ મણિ અઘેણીનું આણું વાળીને સાસરે જવાની છે. લાસવેગાસમાં હવે મણિ વગરનો અશ્વત્થામા ઘૂમ્યા કરે છે, કારણકે તે તો ચિરંજીવ છે ને! ચિરંજીવ સાઉથનો હીરો પણ છે; અને હીરો તો...! થેનોસ પાસે છે...! રાઈટ!⬛ }}} હાયરામ ભૂતડી ગામમાં ભૂત મેલ થાતાં હશે કે ફીમેલ? sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...