ડૂબકી:સંકેત, આંતર્દૃષ્ટિ, સ્ફુરણા કે શું?

વીનેશ અંતાણીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીવનમાં યોગાનુયોગ વારંવાર બનતા નથી. આપણે એને સંકેત, આંતર્દૃષ્ટિ, સ્ફુરણા કે જે નામ આપીએ, પણ એવા બનાવોનું અર્થઘટન કરવાનું કામ આપણું છે

જીવનમાં ઘણી વાર માની ન શકાય એવી આશ્ચર્યજનક ઘટનાઓ બને છે. આપણે એને યોગાનુયોગ બનેલી ઘટના કહીએ છીએ. અંગ્રેજીમાં ‘કોઇન્સિડન્સ’. કેટલાક એને હસી કાઢે. કેટલાક એમાંથી સારો કે માઠો સંકેત જુએ. વર્ષો પહેલાં ભૂતકાળમાં બનેલી નાનીસરખી ઘટના કોઈ વ્યક્તિના જન્મનું નિમિત્ત પણ બને. સુપ્રસિદ્ધ નાટ્યકાર અને સિનેમાના કલાકાર ગિરીશ કર્નાડે એમની સ્મૃતિકથા ‘ધિસ લાઇફ એટ પ્લે’ના આરંભમાં એવી જ વાત જણાવી છે. એક બપોરે એ એમનાં માતાપિતા સાથે જમતા હતા. એમનું નામ કલાજગતમાં માનવંતું સ્થાન પામી ચૂક્યું હતું. થિયેટર અને સિનેમાના ક્ષેત્રમાં એમને વિવિધ એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. એ કારણે ઘરમાં સંતોષ અને ગૌરવનું વાતાવરણ હતું. માએ અચાનક પતિને પૂછ્યું : ‘યાદ છે, આપણે આને જન્મ આપવા માગતાં નહોતાં?’ ગિરીશ કર્નાડને નવાઈ લાગી, મા આ શું કહે છે. માએ વર્ષો પહેલાંની વાત કરી. ત્રણ સંતાનો પછી એ ફરી ગર્ભવતી થઈ. એમને ચોથું બાળક જોઈતું નહોતું. એથી પતિ-પત્ની પૂનામાં લેડી ડોક્ટર મધુમાલતી ગુણેને મળવા ગયાં. યોગાનુયોગ જુઓ, એ દિવસે ડોક્ટર ક્લિનિક પર આવ્યાં જ નહીં. બંને રાહ જોઈને ઘેર પાછાં આવી ગયાં. ત્યાર પછી એમનો એ વિચાર મોળો પડી ગયો. ગિરીશ કર્નાડ લખે છે : ‘એ દિવસે ડોક્ટર આવ્યાં હોત તો કદાચ હું મારી આ સ્મૃતિકથા લખવા જન્મ્યો ન હોત.’ એમણે એમની સ્મૃતિકથા એ દિવસે ક્લિનિક પર ન આવેલાં ડોક્ટરને અર્પણ કરી છે. એક અમેરિકન ટી.વી. ચેનલ પર પતિપત્ની સ્ટિફન અને હેલને એમના જીવનનો સાચો કિસ્સો કહ્યો હતો. એમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. પછી થોડા દિવસે બંને જણ એમના પરિવારના જૂના ફોટાનું આલબમ જોતાં હતાં. એમાંથી જાણવા મળ્યું વર્ષો પહેલાં હેલનની મા અને સ્ટિફનનો પિતા લગ્ન કરવાં માગતાં હતાં, પરંતુ પરિવારના વિરોધને લીધે પરણી શક્યાં નહોતાં. તેઓ બીજે પરણ્યાં. હવે એમનાં સંતાનો પ્રેમમાં પડી લગ્નગ્રંથિથી જોડાવાનાં હતાં. બંનેનાં માતા-પિતા એકબીજાને પરણી શક્યાં નહીં, એનો ‘લાભ’ સંતાનોને મળ્યો. વર્ષ 2014માં મલેશિયાની એક જ એરલાઇન્સનાં બે વિમાનો સાથે થોડા દિવસના અંતરે દુર્ઘટના બની. એક વિમાનને આકાશમાં તોડી પાડવામાં આવ્યું અને બીજું ઉડ્ડયન દરમિયાન ગુમ થઈ ગયું. એની ભાળ મળી નહીં. જોવાનું એ છે કે એક ડચ નાગરિકે એ બંને ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી હતી અને છેલ્લી ઘડીએ બંને વાર કેન્સલ કરાવી હતી. રામ રાખે એને કોણ ચાખે – જેવો યોગાનુયોગ થયો, તે પણ બે વાર. પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટનના લાખો સૈનિકો માર્યા ગયા. લશ્કરના રેકોર્ડ પ્રમાણે એ યુદ્ધમાં પહેલો મૃત્યુ પામેલો બ્રિટિશ સૈનિક સત્તર વર્ષનો જોહન હતો અને સૌથી છેલ્લો મૃત્યુ પામેલો સૈનિક જ્યોર્જ એલિસન હતો. યોગાનુયોગે એ બંને સૈનિકોની કબર મિલિટરી કબ્રસ્તાનમાં માત્ર પંદર ફીટનાં અંતરે સામસામે આવેલી છે. એ કોઈ પૂર્વયોજના નહોતી. એસ્થર અને પૉલના જીવનમાં શુભ સંકેતનો કિસ્સો. એક દિવસ રેસ્ટોરાંમાં એ બંનેએ જીવનસાથી તરીકે જોડાવાનો નિર્ણય લીધો. પોલે બિલ ચૂકવવા પૈસા કાઢ્યા. એમાં એક ડોલરની નોટ પર એની નજર પડી. એના પર પેન્સિલથી કોઈએ ‘એસ્થર’ લખ્યું હતું. પોલ આશ્ચર્યમાં પડી ગયો. એણે એની થનારી પત્નીને બતાવ્યું. એ તો અવાક્ થઈ ગઈ. બન્યું એવું હતું કે એસ્થરે થોડાં વર્ષ પહેલાં ડોલરની થોડી નોટ પર પોતાનું નામ લખ્યું હતું અને નક્કી કર્યું હતું કે જે યુવક એમાંની કોઈ નોટ એને બતાવશે, એની સાથે એ લગ્ન કરશે. સંજોગવશાત્ એમણે સાથે જીવવાનું નક્કી કર્યું, એ જ વખતે પોલે ‘એસ્થર’ નામવાળી ડોલરની નોટ બતાવી. એમના નિર્ણય પર કુદરતે સંમતિનો સિક્કો માર્યો હતો. એન પારિશ અમેરિકાનાં લેખિકા. એમણે બાળસાહિત્ય પણ લખ્યું છે. 1929માં એ જૂનાં પુસ્તકોના બુક સ્ટોલમાં ફરતાં હતાં. એમની નજર એમને નાનપણમાં ખૂબ ગમતી ચોપડી પર પડી. એમણે ખોલ્યા વિના જ એ ચોપડી ખરીદી લીધી. બાજુના કાફેમાં બેઠેલા પતિને બતાવી. પતિએ ચોપડી ખોલી. પહેલા પાનાં પર કોઈનું નામ અને સરનામું લખ્યાં હતાં. એમણે એ એનને બતાવ્યું. બંનેની આંખોમાં અઢળક આશ્ચર્ય ફેલાયું. ચોપડી પર એન પારિશનું જ નામ અને સરનામું લખ્યાં હતાં. એમણે નાનપણમાં ખરીદેલી ચોપડી ફરતી ફરતી એમની પાસે પાછી આવી હતી. એવા ઘણા બનાવ બને છે. કુદરત ક્યારે અને કેવો ચમત્કાર કરશે એની ખબર જ પડતી નથી. નોર્મન વિન્સેન્ટ પિલે એમના પુસ્તક ‘સ્ટે એલાઈવ વિથ યોર લાઇફ’માં કહ્યું છે : ‘આપણા જીવનમાં ઘણી રહસ્યમય બાબતો બને છે. વિચિત્ર લાગે, પરંતુ એવું બને તો છે જ. એવા બનાવોથી આપણા જીવનનું વહેણ ક્યારેક સારી કે ખરાબ બાજુ વળી જાય છે.’ જીવનમાં યોગાનુયોગ વારંવાર બનતા નથી. આપણે એને સંકેત, આંતર્દૃષ્ટિ, સ્ફુરણા કે જે નામ આપીએ, પણ એવા બનાવોનું અર્થઘટન કરવાનું કામ આપણું છે. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...